અનિર્ણિત કાર્યક્રમ, નક્કી
છે માત્ર “મોજ” !
વર્ષ દરમિયાનની કેટલીક ઈવેન્ટ્સ હવે નક્કી જ હોય છે. એ પૈકી
એક એટલે “મતદાર જાગૃતતા માટેની ક્વિઝ” દર વર્ષે ટીમ એમાંથી નવું નવું શીખી લઇ કૈક
ને કૈક ઉમેરી લેતી હોય છે. (બાદબાકી પણ થાય)
આ વર્ષે વિચાર્યું કે આ ક્વિઝ અંગ્રેજીમાં કરીએ
તો ? થોડી કાનાફૂસી થઇ કે એક તો એમાં આવતા પ્રશ્નોના જવાબ યાદ રાખવા અને ઉપરથી હવે
અંગ્રેજી ! રહેવા દઈએ... વળી થયું કે “ટ્રાય કરવામાં શું જાય છે ?” પ્રશ્નો અને
તેના જવાબ પહેલેથી તેમને આપી દેવાયા કે આટલામાંથી જ પૂછીશું. શરૂઆતની કેટલીક મીનીટસ
તેમના અને અમારા પક્ષે અટપટી રહી. પ્રશ્ન પૂછાય પછીની વચ્ચે આવતી દસેક સેકન્ડનો
બાળકો કરતા અમને ભાર લાગે કે આ પહેલો પ્રયાસ નિષ્ફળ જાય તો ફરી બાળકો આવો ટ્રાય
નહિ કરે... ધીમે ધીમે પીક અપ પકડાઈ ગઈ. (એ વાત જુદી છે કે અમે ગણિત અને વિજ્ઞાનના
પ્રશ્નોનો બેક અપ પ્લાન બનાવેલો જ હતો !)
ક્વિઝ પૂરી થયે સ્પર્ધકોને તેમના અનુભવો શેર કરવા કહ્યું. તેમાં બઝર રાઉન્ડના
પોઈન્ટ્સ સ્કોર કરવા માટે ભૂમિકાએ વાપરેલી ટ્રીક અને જવાબ આપવાનું તેમનું મીકેનીઝમ;
એ બધા માટે નવું હતું. ઓડીયન્સ ઓપીનીયન એવો આવ્યો કે આવી ક્વિઝ વધુ થવી જોઈએ.. દરેક
વિષય માટે ! હવે બોલ અમારા પક્ષે હતો – અમે ફરી દડો ઉછાળી માર્યો એમના પક્ષે કે
તેઓ જાતે આયોજન કરે પછી રીવ્યુ કરી લઈશું.
બીજા દિવસે અમને મળેલું આયોજન કૈક આવું છે. “એમ પણ દરેક
શનિવારે ટેસ્ટ હોય છે એટલે શુક્રવારે બપોર પછી એ વિષયનું રિવિઝન કરી લેવાનું હોય.
એવામાં એ દિવસે એ વિષયની ક્વિઝ રાખીએ. અમે દરેક ધોરણમાંથી બે બે વિદ્યાર્થીઓ
પ્રશ્નો અને તેની ચાવીઓ બનાવીને તૈયાર રાખીશું. બે વ્યક્તિ જજ રહેશે અને એક
એન્કરનો રોલ કરશે. આ વ્યક્તિઓ ક્વિઝમાં ભાગ નહિ લઇ શકે. બાકીના જેમને ભાગ લેવો હોય
તે દરેક ધોરણમાંથી પોતાનો એક એક સાથીદાર પસંદ કરી ટીમ બનાવી લે. !”
અમે બધા વિદ્યાર્થીઓ વારાફરતી ભાગ લઇ શકે તે
માટે નાનકડો સુધારો સૂચવ્યો છે કે આપણા નાગરિક ઘડતરના જૂથ કે જેમાં ત્રીજા થી લઇ
આઠમા સુધીના વિદ્યાર્થીઓ છે જ તો એ જ ટીમ હોય. એ જૂથમાંથી એક વિદ્યાર્થી એક વિષયની
ક્વિઝમાં ભાગ લઇ શકે !
અમારી દરખાસ્ત મંજુર થઇ ગઈ છે. હવે આ આયોજન મુજબ ક્વિઝ થાય છે કે નહિ ? થાય છે તો અસરકારક રહેશે કે નહિ ? આ કશું ય
નક્કી નથી – હા એક વાત નક્કી છે અને એ છે અમારી “મોજ” – આનંદ સાથે જીવ્યાનો, સાથે વિચાર્યાનો, સાથે
શીખવાનો !
No comments:
Post a Comment