February 21, 2026

વિદ્યા સંગમ – હમ સાથ સાથ હૈ!

વિદ્યા સંગમ – હમ સાથ સાથ હૈ!



માનવીનું જીવન એકલા જીવવાથી પૂરું થતું નથી. માણસ ભેગો થાય ત્યારે જ જીવનમાં રંગ આવે છે. ભેગા થઈએ ત્યારે જ સમજણ ઊંડાઈ પામે છે. અને કદાચ એ જ કારણ છે કે શાળા, ગામ કે સમાજ; જ્યાં પણ લોકો ભેગા થાય છે ત્યાં જીવન જીવતું થઈ જાય છે.

શાળા પણ એવી જ એક જગ્યા છે જ્યાં બાળકો રોજ ભેગા થાય છે, શીખે છે, રમે છે અને ધીમે ધીમે જીવન સમજતા જાય છે. પરંતુ વાલીઓ માટે શાળા ઘણીવાર બહારથી જ જોવાતી રહે છે. બાળકો અહીં શું અનુભવે છે તે પૂરેપૂરું સમજવું સહેલું નથી. આ અંતરને થોડું ઓછું કરવા માટે અમે વિદ્યા સંગમનો વિચાર કર્યો.

આ દિવસે વાલીઓ મહેમાન બનીને આવ્યા નહોતા. તેઓ વિદ્યાર્થીઓ બનીને આવ્યા હતા. અગાઉથી જ એક ફોર્મ બનાવી મોકલી અપાયું હતું

તેમ કરવા પાછળ બે કારણ હતા: એક તો શાળામાં આયોજન કરવા માટે જરૂરી માહિતી મળી રહે અને બીજું બાળકોને તેમના માતા-પિતા સાથે વાતો કરવાનો મોકો મળે.

ફોર્મમાં ભરવા માટે બાળકે મા-બાપ સાથે વાત કરવાની હતી – તેઓ પ્રાર્થના કે ભજન ગવડાવશે? શું તેઓ કોઈ રમતમાં ભાગ લેશે? ભમરડો ફેરવતા પોતાની મમ્મીને પણ આવડે છે – એ કેટલા બાળકોને ખબર હોય! અને જો મમ્મી કહે કે હું લખોટી રમીશ, તો એ બાળકને તેના મમ્મીના જીવનના એ હિસ્સા વિશે પહેલી વાર ખબર પડે! આવા ઈરાદાઓ સાથે અગાઉથી ફોર્મ મોકલ્યું.

અમારી પણ બેચેની બાળકો કરતાં ઓછી નહોતી – કે વાલીઓ જ્યારે વિદ્યાર્થી બનીને શાળાએ આવે ત્યારે તેમને કેવી રીતે પ્રતિસાદ આપવો! પણ વાલીઓ અને શાળા સૌ એક જેવા નીકળ્યા – આવ્યા અને મંડ્યા બાળકો રોજ આવે છે એમ શાળા ગોઠવવા, સફાઈ વગેરેના કામમાં. કોઈ ખેતી વિભાગમાં જઈ નીંદણ વગેરેમાં જોડાયું, તો વળી કોઈ બોર્ડ સાફ કરવા કે પટ્ટા પાથરવામાં લાગી ગયું.

વિમાસણ શરૂ થઈ જ્યારે સૌ બાળકો ગ્રીન હોલમાં ભેગા થઈ ગયા – કે હવે જોઈએ કે સ્ટેજ પર બેઠેલા વાલીઓ તેમને શું ગવડાવશે! અને તેમના આનંદ અને આશ્ચર્ય વચ્ચે વારાફરતી એકથી એક નવા ગીતો અને ભજનોની રમઝટ જામી. આ દૃશ્યમાં એક અલગ જ આનંદ હતો. ક્યાંક હળવું હાસ્ય, ક્યાંક સંકોચ અને ક્યાંક ઉત્સુકતા. ધીમે ધીમે વાતાવરણ એવું બન્યું કે કોણ વાલી અને કોણ બાળક તેનો ભેદ જ રહ્યો નહીં.

પણ દિવસની સાચી મોજ મેદાનમાં આવી. રમતોત્સવ શરૂ થયો અને બધા છૂટા પડી ગયા. બાળકો પોતાના મમ્મી અને પપ્પાને ચીયર અપ કરી રહ્યા હતા. ક્યાંક કોઈનું મોઢું પડી જતું, જ્યારે તેની મમ્મી સંગીત ખુરશીમાં રહી ગઈ. એવા દૃશ્યો પણ જોયા કે મમ્મી આઉટ થયા પછી દીકરી જઈ મમ્મીને ભેટી પડી: જાણે કહેતી હોય કે થાય, આવું તો થાય જ!

પપ્પાએ અને મમ્મીઓએ ભમરડો ફેરવી બતાવ્યો, કેટલાકે ભમરડો નાખી સીધો હાથમાં કેવી રીતે ફેરવાય તે કરી બતાવ્યું. તો વળી બીજાઓને શીખવ્યો પણ ખરો. કોથળા દોડમાં શિક્ષકો અને વાલીઓને જોઈ બાળકો ખૂબ હસ્યા. લીંબુ-ચમચી હોય કે પછી લખોટીઓ! લખોટીમાં તો મોટેરાઓ જાણે નાના બની ગયા હોય એમ બૂમાબૂમ અને “ચીટિંગ” જેવી વાતોમાં એવા ખોવાઈ ગયા કે તેઓ જ ભૂલી ગયા કે તેમના દીકરા કે દીકરીઓ તેમને જોઈ રહ્યા છે.

ખરી મજા તો રસ્સાખેંચમાં આવી. એક વાર ભાઈઓ-ભાઈઓ વચ્ચે, બીજી વાર બહેનો-બહેનો વચ્ચે અને છેલ્લી ખેંચ ભાઈઓ અને બહેનો વચ્ચે! એ વખતે શાળાનું આખું મેદાન અવાજો અને ચિચિયારીઓથી ગુંજી રહ્યું હતું!

શું લાગે છે? કોણ જીત્યું હશે? વિડિયોમાં તમે જોઈ શકશો. આ રહ્યા એ વિડિયોઝ – ક્લિક  રમતોત્સવ પછી તેમની પરીક્ષા વિશેની ચર્ચાઓ તદ્દન સહજતા અને સ્વાભાવિક વાતાવરણમાં થઈ ગઈ. અને અનોખી વાલી મીટિંગ થઈ કે જેમાં વાલીઓ અને શિક્ષકો કોઈ ચોક્કસ જગ્યાએ નહીં પણ ફરતા-ફરતા કે રમતા-રમતા તેના વિશે વાતો કરી હોય!

મધ્યાહન ભોજન આજે વધુ મીઠું બન્યું હતું, કારણ કે આ વખતે મોસાળમાં નહીં પણ શાળામાં મા પીરસનાર હતાં! બાળકોએ પણ વાલીઓને જમાડ્યા. શાળા પૂરી થયા પછી પણ ત્રણ-ચાર કલાક સૌ વાતો કરતાં-કરતાં છૂટા પડ્યા.

આજે વાલીઓને સમજાયું કે બાળકો શાળામાં કેમ આવવા ઉત્સુક રહે છે. વિદ્યા સંગમ પૂરો થયો પછી પણ લાગતું હતું કે જાણે કંઈક ચાલુ જ છે. વાલીઓના ચહેરા પર સંતોષ હતો. બાળકોમાં ઉત્સાહ હતો. શિક્ષકોમાં શાંતિ હતી. એવું લાગતું હતું કે આપણે થોડું વધુ નજીક આવ્યા છીએ.











































February 20, 2026

માતૃભાષા: અસ્તિત્વની બીજી ઓળખ !!

માતૃભાષા: અસ્તિત્વની બીજી ઓળખ !!

નાનો પણ મજાનો મહિનો એટલે ફેબ્રુઆરી! અમને એટલા માટે વધારે ગમે કારણ કે આ મજા માણી શકાય તેવા મોટા બે પ્રસંગો આ મહિનામાં ઉજવીએ છીએ - 1. માતૃભાષા દિવસ 2. વિજ્ઞાન દિવસ. શૈક્ષણિક સંસ્થાઓની વાત કરીએ તો આ બંને દિવસો ખૂબ મહત્વના છે, પરંતુ ખરેખર જો બાળકોના જીવન અથવા તો દરેક વ્યક્તિના જીવનમાં સૌથી મહત્વનો દિવસ ગણવો હોય તો તે છે માતૃભાષા દિવસ! શા માટે? એવો જો તમને પ્રશ્ન થયો હોય તો આભાર માનજો તમારી માતૃભાષાનો! કે જેણે તમને આ પ્રશ્ન પૂછવાની વાચાને શબ્દો આપ્યા! જેમ જેમ આગળ વાંચતા જઈશું, તેમ તેમ સમજતા જઈશું.

વિચારો કે નાના તાજા જન્મેલા બાળકો ભૂખ લાગે અથવા તો કંઈક દર્દ અનુભવે ત્યારે શા માટે ફક્ત રડે છે? કારણ કે તેનામાં હજુ આપણે આપણી ભાષા અપલોડ કરી નથી! હા, આ શબ્દો એટલા માટે વાપર્યા કે આપણે સૌ હવે ટેકનોલોજી જોડે એટલા બધા ઓતપ્રોત છીએ કે તેની ભાષા ઝડપથી સમજીએ છીએ. એમાં ટેકનોલોજીનો વાંક નથી. જોકે આપણા સૌનો પણ નથી. કારણ કે સમજવાની પ્રક્રિયા કરવી પડે એવા ટાસ્ક આપનાર સ્ત્રોત તરીકે મોટેભાગે હવે ટેકનોલોજી જ બચી છે. એટલે સ્વાભાવિક છે કે તેમાં વપરાતી ભાષા બોલાય એટલે આપણી માનસિક પ્રક્રિયા સતેજ બને!

આપણે વાત બાળકની કરતા હતા કે રડે છે શા માટે - તો ભાષાના અભાવે! જેમ જેમ બાળક આસપાસની ભાષા તેના કાનમાં સંભળતી જાય છે તેને પોતાની લાગણીઓ વ્યક્ત કરવા માટેની ભાષા મળતી જાય છે. દુનિયામાં આવ્યા પછી વ્યક્ત થવા માટે સૌથી પહેલાં જરૂરી હોય તો તે છે - ભાષા! ફરી એકવાર આંખ બંધ કરીને યાદ કરો કે કેટલીકવાર આપણી સામે એવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે કે સામે વાળી વ્યક્તિ કોઈ સ્થિતિ - સામગ્રી વિશે કંઈક પૂછતી હોય અને આપણે મૂંઝાઈ જતા હોઈએ કે શું બોલું? આ ક્ષણિક સ્થિતિનું સર્જન આપણી પાસે તે માટેના શબ્દો ન હોવાને કારણે થતું હોય છે. અને આ શબ્દો એ જ ભાષા! તો પછી જે વ્યક્તિ પાસે પોતાની ભાષા નથી, તે વ્યક્તિ વિશે વિચારીએ તો ખ્યાલ આવશે કે ભાષા એ આપણા સૌ માટે હવા - પાણી - ખોરાક પછીની ચોથી મહત્વની જરૂરિયાત છે!

ભાષા પરથી આપણે આવીએ માતૃભાષા પર! સામાન્ય રીતે માતા દ્વારા અપાયેલી ભાષા એટલે માતૃભાષા એવો અર્થ આપણે સૌ કરીએ છીએ! તેને થોડો વધુ વિસ્તારિયે તો બાળકને જન્મથી જ તેના ઘરમાં - આસપાસના સમાજ - પર્યાવરણમાંથી સંભળાયેલી ભાષાને માતૃભાષા તરીકે ગણી શકાય! એટલા માટે કે બાળક જે જે સાંભળતો જાય છે તે શબ્દો રૂપી મણકા વડે ભાષા રૂપી માળા બનતી જાય છે. બાળક પ્રસ્તુત થવા માટે પણ એ જે સાંભળે છે તેનો જ ઉપયોગ કરે છે. એટલે જ માતૃભાષા એ આપણી મા છે - એવું એટલા માટે જ કહેવાયું છે - કારણ કે માતા આપણને જેટલી જલ્દીથી સમજી જાય છે, માતૃભાષા પણ આપણને એટલા જ જલ્દીથી સ્થિતિને સમજાવે છે. આપણી માતૃભાષા જ આપણને અન્ય સામે વ્યક્ત થવા અથવા આપણી લાગણીઓ-વિચારોને વ્યક્ત કરી આપણું અસ્તિત્વ સાબિત કરે છે. માટે જ આપણા અસ્તિત્વની પ્રથમ સાબિતી જે રીતે આપણી માતા આપે છે, તે જ રીતે આપણા અસ્તિત્વની બીજી સાબિતી આપણને આપણી માતૃભાષા આપે છે.

એટલે જ ફરી કહીએ કે આપણે સૌ વિશ્વ માતૃભાષા દિવસે માતૃભાષાનું મહત્વ કરવા કરતા પણ આપણા અસ્તિત્વની સાબિતી આપતી આપણી બીજી માતાના ગુણગાન ગાવાનો દિવસ છે.




February 14, 2026

અને અમે ઘરે ન ગયા..

અને અમે ઘરે ન ગયા..

શાળા છૂટ્યા પછીની શાળા રોજ હોય છે. શાળાનો ઔપચારિક સમય પૂરો થાય પછી અમારી ખરી અનૌપચારિક શાળા - જીવન શિક્ષણ શરૂ થાય. રોજ દિવસ દરમિયાન થયેલી ચર્ચા, દુનિયામાં બનેલી ઘટનાઓ—અહીં દુનિયા એટલે માત્ર અમારું નાનકડું ગામ નહીં - પણ એપિસ્ટન ફાઈલ્સમાં સ્ટીફન હોકિંગનું નામ કેવી રીતે આવી શકે ત્યાંથી લઈ કયા પિક્ચરના કયા સીન બરાબર ના થયા અને તેમાં શું થયું હોત તો સારું, કયા મૂવીઝ જોવાની મજા આવે કે શેમાં કંટાળો આવે, ત્યાંથી લઈ હવે પછી ભણવામાં શું ભણી શકાય જેવી પુષ્કળ વાતો હોય. વાતોનો ટોપિક જરાય નક્કી ન હોય. અમારા હાસ્ય અને મજાક-મસ્તીમાં સમય પસાર થાય. રોજ શાળાનો દરવાજો બંધ કર્યા પછી પણ ગેટ પાસે અડધો કલાક તો એનું જાણે રિફ્લેક્શન થતું હોય એમ નીકળી જાય.

પણ એક દિવસે મેં નક્કી કર્યું કે આજે દરવાજો બંધ જ નથી કરવો. જોઈએ તો ખરા કે અમારી પાસે કેટલી વાતો છે!

પ્રાયોગિક ધોરણે ધોરણ-8 ના છોકરાઓએ શાળામાં જ રાતવાસો કરવાનું નક્કી કર્યું. પૂરતી ‘અગવડ’ ભોગવવા માટેનું આયોજન થયું. કોઈ પાથરણું કે ઓશીકું લાવી શકશે નહીં, હા ઠંડી ના લાગે એ માટે ઘરેથી ચાદર કે ઓઢવાનું લાવી શકે. કેવી રીતે કરીશું તે માટે બે-ત્રણ નાની મીટિંગ્સ થઈ. કેટલાક ભૂખ્યા જનોને પહેલી ચિંતા ભોજનની હતી, તો કેટલાકને ભજનની ચિંતા હતી કે ભજન તો રાખીશું જ, દેશી જે ગાવું હોય તેવું. તો વળી કોઈક સીધું ત્યાં પહોંચ્યું કે યાર સવારની ચા તો જોઈશે જ, ચાનું કેમ કરીશું? ભોજનનું આયોજન થયા પછી પણ એકને થયું કે સાહેબ, રાત્રે ભજિયાં બનાવીશું? ત્યારે બીજાએ કહ્યું કે ભજિયાં બનાવતા આપણને કોઈને આવડતા નથી, એ ધંધો ના કરાય, એના કરતાં ખીચડી બનાવી નાખીશું!

ઓ ભૂખલ્યાઓ! ખાવાનું આપણે બધાના ઘરેથી લઈ આવીશું. જે બહારગામથી અને દૂરથી આવે છે તેમને વાંધો પડ્યો કે ઘરે ખાવાનું લેવા પાછા જવામાં મજા નહીં આવે. એકવાર શુક્રવારે શાળામાં આવ્યા એટલે આવ્યા. પછી તો બીજે દિવસે શનિવારે રમતો રમીને જ ઘરે જવાનું.

તેમણે જે ઉપાય શોધ્યો એ જ અમારે મન ખરું શિક્ષણ હતું. તેમણે નક્કી કર્યું કે જે ગામમાંથી આવે છે તે  પોતપોતાના ઘરેથી રોટલા અને શાક લઈ આવશે !. કોના ઘરે કેટલા છોકરાનું ખાવાનું બનશે તે લેખિતમાં નોંધાયું. કોઈકના ઘરેથી બે તો કોઈકના ઘરેથી પાંચ.

સાંજ પડી. એક પછી એક બાકીના બધા બાળકો ઘરે ગયા પછી જેટલા રહ્યા તેમને આજે શાળા કંઈક જુદી જ લાગતી હતી. શું કરવું અને શું ના કરવું? ફૂટબોલ રમી લઉં, ક્રિકેટ રમું કે તબલા વગાડું? વિશાળ શાળા અને અમે રોકાયેલા ત્રીસ જણા. જાણે સૌને પાંખો ફૂટી હતી.

અંધારું થયું એટલે નક્કી કર્યા મુજબ સૌ એકઠા થઈ ભોજન લેવા નીકળ્યા.  કિશનના ઘરે પહોંચ્યા ત્યારે રોટલા ઘડાતા હતા. સૌએ કિશન અને મનિષાનું ઘર પહેલીવાર જોયું. તે જોઈ સૌને નવાઈ લાગી  કે આ સ્થિતિમાં પણ તેઓ સ્કૂલમાં પોતાનું બેસ્ટ આપે છે! કિશનના ઘરેથી બીજા કિશનના ઘરે પહોંચ્યા. તેના મમ્મીને લાગ્યું કે છોકરાઓ આટલા બધા છે અને રોટલી ઓછી બનાવી છે, તો તેમણે કહ્યું કે તમે જાઓ હું થોડીવારમાં શાળામાં મોકલાવું છું.

બાકીના બધા ઘરેથી ભોજન આવી ગયું. સૌએ વર્તુળ બનાવી વચ્ચે બધા શાક અને રોટલા-રોટલી મૂક્યા. દર્શનના ઘરેથી સામાભાઈએ આપેલી છાશ અને દૂધ, બધું જ વાતો વાતોમાં પૂરું થયું. જે અમને લાગતું હતું કે વધશે, તે અડધી કલાકમાં તો 'જુઓ કંઈ વધ્યું છે?' તે મોડ પર આવી ગયું! કિશનના ઘરેથી પણ રોટલી આવી ગઈ. તેમણે બધાને થાય એટલી રોટલી મોકલી હતી. જે થયું તે સારું થયું, જેઓ ભૂખ્યા રહેવાના હતા તેમની ભૂખ ભાંગી અને રાત્રે ખીચડી બનાવવાનો કાર્યક્રમ કેન્સલ થયો. માંડ માંડ બધી થાળીઓ ધોઈ અને સમજાયું કે આ તો અઘરું કામ છે.

ત્યારબાદ તબલા, મંજીરા અને હાર્મોનિયમનો સમય આવ્યો. ભજનથી લઈ હિન્દી ફિલ્મના ગીતોની રમઝટ બોલી અને છેલ્લે હનુમાન ચાલીસા સુધી વાત વિસ્તરી. નક્કી જ હતું કે બીજે દિવસે વેલેન્ટાઈન ડે છે તો પ્રેમ વિશે આર.સી. વાત કરશે. પ્રેમ શું છે અને પ્રેમનો વહેમ શું છે, ઉત્સવનું રહસ્ય અને ઉત્સવને બિઝનેસ બનાવવાની વાતો !

સુવા જવાનું નક્કી થયું પણ હજુ મૂવી બાકી હતી. કોઈ એક મૂવી પર સહમતી બની જ નહીં. બધાને થોડીવાર હોરર જોવું હતું તો વળી કોમેડી. બધાને આજે જે સમય મળ્યો હતો તેને મનભરીને જીવી લેવો હતો. માંડ બાર વાગ્યાની આસપાસ સુવાનું નક્કી કર્યું. એક જ રૂમમાં એક-એક ધાબળામાં ત્રણ-ત્રણ જણા સૂઈ ગયા. અમને દક્ષરાજની ચિંતા હતી, તેને બપોરે ચક્કર જેવું લાગતું હતું તેથી ઘરે ગયો હતો, પણ સારું લાગ્યું એટલે તે બુંદી લઈને સ્પેશિયલ સ્કૂલમાં સુવા આવ્યો હતો. સૌએ વારાફરતી તેને ગંભીર થઈને પૂછ્યું કે તને બરાબર લાગે છે ને?

રીડિંગ રીલ્સ :

શીખવાની પ્રક્રિયા સંસ્થાકીય માળખાથી મુક્ત હોય છે. - ઇવાન ઇલિચ

સૂતા પછી પણ વિચિત્ર અવાજો કરવા, અંધારામાં અવાજ બદલીને એકબીજાને સવાલો કરવા અને પડ્યા પડ્યા વાતો ચાલુ રહી. છેલ્લે શિક્ષકે કહેવું પડ્યું કે હવે સૂઈ જવું જોઈએ, બાકી સવારે ક્લાસમાં ભણવા બીજા આવશે અને આપણે બાજુમાં ઘોંટતા હઈશું. માંડ અઢી વાગ્યે ટોળું શાંત થયું.

ત્યાં સવારના ચાર વાગ્યા અને બધા સળવળવા લાગ્યા. તેમને તાપણું કરવાનું બાકી હતું અને સવારે ઠંડી હતી. ભેગા કરેલા લાકડા અને સાજને લાવેલા દાતણ સાથે ફરી વાતો શરૂ થઈ. એક-બે જણાને વિચાર આવ્યો કે ગરમ પાણી આવે છે તો નાહી લઈએ. ના - ના - ના એટલે ના - શિક્ષકને થયું કે આપણે ગરમ પાણીથી નાહીશું નહીં તેવી વાત થયેલી, અને ઠંડા પાણીથી આ ઠંડીમાં નાહવું ચાલી શકે ! પણ તેઓ બહુમતીથી અડગ હતા કે એકાદ દિવસ ના જ નાહીએ - જોઈએ કેમ લાગે છે ! . કોઈ નાહ્યું નહીં. નાહ્યા વગર જ સૌ હરજીભાઈને ત્યાં પહોંચ્યા. ત્યાં ચા-બિસ્કિટ અને ગાંઠિયાની જયાફત ઉડાવી શાળામાં પરત આવ્યા.

અને ફરી પ્રવાહમાં ભળી ગયા. અમને સૌને લાગ્યા કર્યું કે તે રાત્રે અનુભવેલું શાળાનું એ સ્વરૂપ અમારામાં એક યાદ બનીને સતત વહેતું રહેશે.























January 26, 2026

હમ મિલેંગે તો જાદુ તો હોગા હી !

હમ મિલેંગે તો જાદુ તો હોગા હી !



આ પ્રજાસત્તાક દિવસ શાળા માટે ખાસ હતો ! અહી ખાસ શબ્દનો અર્થ થાય છે અનોખો હતો. એક તો શાળા પીએમશ્રી તરીકે સ્વીકારાઈ માટે હવે બાળકોના સર્વાંગી વિકાસ માટે ઈચ્છીએ તેટલું સારું કરી શકવા સક્ષમ બન્યા. તો બીજી બાજુ ગામમાંથી વધુ બીજો એક યુવાન આપણા કાર્યક્ષેત્રમાં જોડાયો. તો ત્રીજી બાજુ એક સાથે ચાર યુવાનોએ પોતાને રાજ્ય વાહન વ્યહવાર નિગમમાં નોકરી મેળવી પોતાને સાબિત કર્યા. એકે GSET ક્વોલિફાઈ નું સર્ટીફિકેટ શાળા સામે ધરી કહી બતાવ્યું કે હવે હું પ્રોફેસર બનવા માટે પ્રયત્ન કરીશ.

આવી વાતોનો આનંદ શાળા - ગામ ના ગ્રૂપમાં એકબીજા સાથે વહેંચાતો હોય છે પરંતુ સૌ સાથે એકઠા મળીને તેને માણવો એ અલગ જ આનંદ આપી જતો હોય છે. એટલે જ એ આનંદ વહેંચવાની તારીખ કહો તો તારીખ અને તિથી કહો તો તિથિ - પ્રજાસત્તાક દિવસની અમે રાખી.

આવી સફળતાઓના આનંદમાં યુવાનોના પગ જમીનથી અધ્ધર થઈ જે ગામ અને સમાજમાં ઉછર્યા છે. જે ગામે તેમને ઉછેર્યા છે. તેની સાથે જોડાયેલા રહે તેનું મહત્વ અનુભવે તે માટેનો હતો. જેમાં આપણી સામાજિક સંસ્કૃતિને યાદ અપાવે તેવી વસ્તુઓની ઓળખ કરાવવા ગામમાંથી વસ્તુઓ એકઠી કરી તેનું પ્રદર્શન ગોઠવવાનું આયોજન હતું. વિસરાઈ રહેલી વાતોને વગોળવાનો દિવસ એટલે આ વખતનો અમારો પ્રજાસત્તાક દિવસ હતો.

        ત્રીજું કારણ હતું અત્યારે અભ્યાસ કરી રહેલા બાળકો ધ્વારા પોતાને સાબિત કરવા માટેનું તે દિવસે પ્લેટફોર્મ ઊભું કર્યું હતું - જેમાં તેઓ પોતાના વિસ્મય પમાડતા પ્રયોગો વડે પોતાના જ માતા - પિતા - વાલી -સમાજ - શાળાને સાબિતી આપવાના હતા કે भाया , हम भी किसी से कम नहीं ! બાલવાટિકા થી માંડી બધાં જ બાળકો વિજ્ઞાનના કોઈ એક સિદ્ધાંતને સાબિત કરવાના હતા.

        તો ચોથો આનંદ હતો અમારી  દિકરીઓ માટેનો ! આર્ટ એન્ડ ક્રાફ્ટ વર્કશોપ દરમ્યાન તેમને બનાવેલ તોરણ - ઝુમ્મર - બ્રેશલેટ વગેરે એટલા આકર્ષિત હતા કે તે જાતે જ જાણે દીકરીઓ વતી બોલતાં ન હોય કેઅમારા ભવિષ્યની ચિંતા ના કરશો , અમે અમારું ફોડી લઈશું. દીકરીઓ પોતાની આ પ્રોડક્ટને પ્રજાસત્તાકના દિવસે એક સ્ટોલમાં વેચાણ કરવાની હતી. હા , તમે બરોબર વાંચ્યું - કે વેચાણ કરવા માટેનો તે સ્ટોર ઊભો કરવાનો હતો. પોતાની બનાવેલી વસ્તુઓનું આટલું આકર્ષણ અને ઉપજ હોય શકે તેનો અહેસાસ તેઓને તે દિવસે એટલે કે આપણી પ્રજાસત્તાક તિથિને દિવસે થવાનો હતો.

સાથે સાથે સૌથી મોટો આનંદ તો એ પણ હતો કે પીટીસી પૂર્ણ કરી શિક્ષક બનવા તરફ આગળ વધી રહેલી દીકરી નાજુને હાથે આપણા સૌની શાન એવો આપણો તિરંગો લહેરાવવાનો હતો.

આવ્યો એ અનોખી ઉજવણીનો દિવસ !

ધોરણ પહેલામાં ભણતો આયુષ આવતા જ બોલ્યો - આજે હું લોહચુંબક બનાવવાનો છું. તેના હાથમાં રહેલ કાંસકો અને બીજા હાથમાંના કાગળના ટુકડા અમને ઉછળી ઉછળી જાણે  કહેતા જ હતા કેકેશાકર્ષણ .. કેશાકર્ષણ .. ! પરંતુ અમે પણ કંટ્રોલ ઉદય કંટ્રોલ કરી નવાઈ લાગી હોય તેમ પૂછી જ લીધું - હેં - કેવી રીતે ? મજાની વાત એ હતી કે તેણે કહ્યું આ કાંસકો વાળ પર ઘસો અને કાગળ જોડે લઈ જાઓ તો ચુંબક બની જાયઅમે  કહ્યું બતાવ - આયુષ - પણ તેના માટે કોરા વાળ જોઈએ - મારે તો મમ્મીએ ભૂલથી તેલ નાંખી દીધું એટલે મેં આને [ કોરા વાળ વાળાને ] પ્રયોગમાં પાર્ટનર બનાવી દીધો છે ! આયુષે કરી તો બતાવ્યું પણ કોને શિખવાડ્યું ? - તેનો જવાબ અમારો આનંદ બેવડો કરનારો હતો. મજાની વાત એ હતી કે આ પ્રયોગનો આઇડિયા તેના પપ્પા રમણભાઈએ આપ્યો હતો. અને ઘરના - ફળિયાના બધાં પર અજમાવ્યો પણ હતો.. આયુષ નાનપણ થી જ આટલું વિજ્ઞાન શીખ્યો તેવો એક શિક્ષક તરીકે આનંદ તો થાય જ પરંતુ , આયુષ અને તેના ઘરના સભ્યો વચ્ચે આ પ્રયોગ કરવા - તેઓની વચ્ચે થયેલ સંવાદ - ચર્ચા - મથામણ - આ બધું વધારે આનંદ આપનાર બને છે.

એક દ્રશ્ય એ પણ હતું કે એક દીકરી મુલાકાતી તરીકે આવેલ પોતાના જ પરિવાર એટલે કે મમ્મી-મોટી બહેન - કાકી - આસપાસના પાડોશી બધાને ચાર્ટના ઉપયોગ વડે સમજાવી રહી હતી કે x - x અને x - y  શું છે ? - તેનું આખાય પ્રેઝન્ટેશન પછીનું છેલ્લું આફરીન પોકારી જવાય તેવું હતું - જ્યારે તે અંતમાં તેની મમ્મી ને પૂછતી કે હવે સમજાયુને કે દીકરો કે દીકરી એ માટે સ્ત્રી નહીં પુરુષ જવાબદાર છે ! એમાં આપણે સૌએ સ્ત્રીનો વાંક ના કાઢવો જોઈએ !

એક તરફ બાળકો પોતાના જ વાલીઓના ઇંટરવ્યૂ લઈ રહ્યાં હતાં. તો એક તરફ વાલીઓ પોતાના જ બાળકો એ બનાવેલ આપણી જ બ્રાન્ડ એવા ગર્વ સાથે આર્ટ એન્ડ ક્રાફ્ટમાં ખરીદી કરી રહ્યાં હતાં. પોતાના બાળકોને પોતાનાથી પણ વિશેષ હોવાનો ગદગદ આનંદ દરેકના ચહેરા પર તરી આવતો હતો.

એક નવાઈની વાત કહીએ તો..  શાળાએ ફક્ત એટલી જ જાહેરાત કરી હતી કે પ્રજાસત્તાક દિવસે વિજ્ઞાન વિસ્મય પ્રદર્શનમાં તમે તમારો કોઈપણ પ્રયોગ ઘરેથી તૈયાર કરી રજૂ કરી શકો છો. માટે આ પ્રયોગ જએ તે બાળકના ઘરનાં સભ્યોએ ઘરે તો વારંવાર જોયેલો હતો. છતાં આજે એ જ વાલી તેને જે કુતૂહલ નજરે નિહાળતો હતો ત્યારે થયું કે આપણ સૌને શિક્ષક મટી આવા વાલી બનતાં ક્યારે આવડશે કે બાળકના આનંદને - ઉત્સાહને જીવંત રાખે ! અને હા આખાય કેમ્પસમાં એ દિવસના  સૌથી ઉત્સાહિત ચહેરાઓની યાદી કરીએ તો ..

·         જતીનનો  ચહેરો બાળકોના કુતૂહલને જોઈને ચમકી રહ્યો હતો

·         સમાજ સંસ્કૃતિ સ્ટોર ની મુલાકાતે આવનારને વસ્તુઓ જોવા કરતાં પણ તેના વિશે કહેવાનો ઉત્સાહ વાળા બે ચહેરા શાંતા અને નિલાને સાંભળવામાં આનંદ આવતો..

·         તો આર્ટ એન્ડ ક્રાફ્ટ માં વાલીઓ જેમ જેમ બનેલ  સામગ્રીને બારીકાઈથી જોઈ દિકરીઓના વખાણ અને ખરીદી થતી દર્શનાબેનનો ચહેરો આનંદથી ખીલેલો  દેખાતો..

·         બાલવાટિકાના બાળકો માટે લાવેલા રમકડાં વાલીઓને બતાવતાં બતાવતાં એટલો આનંદ અનુભવી રહ્યા હતા કે જાણે આજે તો તે પોતે જ જાણે બાળક ન હોય ?

        બાળક હોય કે વાલી - યુવાનો કે ગ્રામજનો - બધાને આનંદ અને ગર્વનો અનુભવ કરાવનાર આ દિવસ ની અનોખી ઉજવણીનું ઉદ્ઘાટન એ આઠ હાથે થયું જે ચાર યુવાનો એ થોડા સમય પહેલાં જ પોતાને સાબિત કરી ગામ આખાના યુવાનોમાં નવાં સપનાં રોપવાનું કામ કર્યું હતું ચાલો માણીએ આ અનોખી ઉજવણીને !  

રીડિંગ રીલ્સ

સફળ શિક્ષણ માટે શાળા, વાલી અને સમાજનું એક યુનિટ બની, પોતાની સંસ્કૃતિના મૂળ સાથે જોડાઈને રહેવું, સામાજિક સ્થિતિઓમાં વિજ્ઞાન જોવું તેમજ પોતાનું કામ પોતે શોધી લેવાનું વલણ જરૂરી છે.