January 25, 2026

કેળવણીની ખેતી !

કેળવણીની ખેતી

શાળાએ જવાનો ઉદ્દેશ્ય શું? જ્યારે આપણે પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે તેના જવાબો આપણે કોને પૂછ્યો છે તેના આધારે જુદા જુદા મળતા હોય છે. કારણ એક છે કે બાળકોની જેમ બધાનો ઉદ્દેશ્ય એક સરખો નથી હોતો. ભલે સંસ્થા તરીકે આપણા સૌનો ઉદ્દેશ્ય સરખો હોય - અને તે છે કે બાળકો ફક્ત શિક્ષિત બને, તેઓ કેળવાય પણ ખરાં!

કેળવણીનો અર્થ પણ ભલે અલગ-અલગ સ્વરૂપે હોય, પરંતુ અમારા માટે કેળવણી એટલે બાળક સામાજિક જીવનમાં જીવવા માટે યોગ્યતા કેળવે અને પોતાની પાસે રહેલા કોઈ એક કૌશલ્યને આજીવિકા સ્વરૂપે વિકસિત કરે! શાળા બાળકોના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ હોય છે. બાળકનો વિકાસ એક લાંબી પ્રક્રિયા હોવાથી 'આજે કરીએ અને કાલે દેખાય' તે અશક્ય છે. માટે , એક સંસ્થા તરીકે આપણે સૌએ બાળકોમાં સર્વાંગી ગુણો ખીલવવા માટે પ્રયત્નો કરવા આવશ્યક છે.

તેવા એક પ્રયત્નના ભાગરૂપે શાળામાં **'પ્રાકૃતિક ખેતી'**ની શરૂઆત કરી છે. જેઓ બાળકોની સાથે રહીને માટે પ્રયત્નો કરી રહ્યા છે, તે ગિરીશભાઈ નવાનદીસરના શબ્દોમાં સમજીએ: “પ્રાકૃતિક ખેતી શા માટે, કેવી રીતે શરૂ કરી અને તેનો અનુભવ કેવો રહ્યો?”

પ્રાકૃતિક ખેતી એટલે શું?

પર્યાવરણના નિયમોના આધારે, દેશી છાણીયું ખાતર અને પાકની વૃદ્ધિ માટે જોઈતી સામગ્રી બહારથી લેવી પડે અને જાતે નકામા પ્રાકૃતિક કચરામાંથી ખાતર બનાવી જમીનની ફળદ્રુપતા વધારવી એટલે પ્રાકૃતિક ખેતી. મારા મતે કહું તો:

ગમે તેવી માટી, છાણીયું ખાતર અને રેતી, એ જ ખરી પ્રાકૃતિક ખેતી.

ઓછો ખર્ચ અને મબલક પાકની ખેતી, રસાયણમુક્ત એ જ પ્રાકૃતિક ખેતી.”

 

બાળકો સાથેનો અનુભવ:

સૌ પ્રથમ બાળકો સાથે એક બેઠક કરી પ્રાકૃતિક ખેતી વિશે ચર્ચા કરી. ઘણાખરા બાળકો ખેડૂત પરિવારમાંથી આવતા હોય છે, એટલે મને તો એવું લાગ્યું કે મારા કરતાં પણ બાળકો વધારે જાણે છે! બાળકોએ ઉત્સાહ બતાવ્યો કે - "આપણે અહીંયાથી ખાતર લાવીશું... અહીંયા રીંગણ, ટામેટા, મરચાં, લસણ, ડુંગળી વગેરેની ખેતી કરીએ." પણ પ્રશ્ન હતો કે તેના માટે છોડ અને રોપા ક્યાંથી લાવીશું? આખરે તેનો પણ રસ્તો મળી ગયો. શાળાના એક શિક્ષકમિત્રએ કાકણપુરથી રોપા લાવી આપવાની ખાતરી આપી. બસ, હવે અમારું કામ હતું કે જમીન ક્યાંથી લાવીશું? આખરે ગામના સહકારથી જમીન પણ મળી ગઈ. હવે અમારે બસ પ્રયત્ન કરવાનો હતો.

અમારા પ્રયત્નો:

      સૌ પ્રથમ જમીનમાંથી નાના વૃક્ષો, બોરડી અને બાવળ જેવી કાંટાળી વનસ્પતિ દૂર કરી.

      ત્યારબાદ જેસીબી (JCB) દ્વારા જમીનને સમતળ કરાવી.

      ટ્રેક્ટરની ખેડ દ્વારા જમીનને ખેતીલાયક બનાવી.

      ગામમાં જઈ છાણીયા ખાતરની વ્યવસ્થા કરી.

      જમીનમાં વિવિધ ક્યારા બનાવી ખેતીનો શુભારંભ કર્યો.

મુખ્ય ઉદ્દેશ્ય:

      માત્ર ને માત્ર કુદરતી ખાતરથી ખેતી કરવી અને જમીનની ફળદ્રુપતા વધારવી.

      પર્યાવરણ અને સ્વાસ્થ્યને ફાયદો થાય તેવી ખેતી કરવી.

      ગામના લોકો ખેતી જોઈને પ્રેરિત થાય અને તેઓ પણ પ્રાકૃતિક ખેતી અપનાવે.

      રસાયણમુક્ત ખેતી દ્વારા પાકના વધુ ભાવ મળે.

      ખેતીનો ખર્ચ ઓછો થાય અને જમીનમાં ભેજ સંગ્રહવાની ક્ષમતા વધે.

આશા છે કે સંસ્થા તરીકે બાળકના સર્વાંગી વિકાસનો ઉદ્દેશ્ય વાલીઓ માટે વધુ ઉપયોગી થશે. આખરે પોતાના વ્યવસાયને સમજતાં બાળકો દરેક વાલીને પ્રિય હોય છે, પછી તે વ્યવસાય કોઈ પણ હોય! માણીએ બાળકોએ કરેલા સુંદર પ્રયત્નોને વીડિયો દ્વારા! > નીચે ફોટો પર ક્લિક કરો અને માણો વિડીયો  

રીડિંગ રિલસ

જ્યારે બાળક પ્રકૃતિને પોતાની નજરે જોશે અને પોતાના હાથે ધરતી ખેડશે, ત્યારે તે સાચા અર્થમાં 'કેળવાયેલું' ગણાશે. પ્રયત્નો બાળકોને સંવેદનશીલ, જવાબદાર અને આત્મનિર્ભર નાગરિક બનાવવામાં મદદરૂપ થશે.







કોણ યજમાન, કોણ મહેમાન?

કોણ યજમાન, કોણ મહેમાન?

તમારા ઘરે કોઈ મહેમાન આવ્યા હોય અને તમને કહે કે આ ઘરને તમારું જ ઘર સમજો - અહીં શરમાશો નહીં ! - એ સમયે જો તે મહેમાન આપણો ખાસ હોય તો તેની વાતને જોકની જેમ મજાકમાં લઈ હસીએ છીએ. પરંતુ તે એટલો અંગત નથી અને આવું બોલે ત્યારે થોડુંક ત્રાંસું જોઈને એના ધ્યાન પર લાવતાં હોઈએ છીએ કેતમે મારા ઘરમાં આવ્યા છો. આ ઘર મારુ  છે. અને જો તે આપણો સામાન્ય પણ અંગત ન હોય તો? તો તો મોં પર સંભળાવી દેતાં હોઈએ કે અરે ! જરા વિચારીને બોલો , તમે મારા ઘરે આવ્યા છો, હું તમારા ઘરે નથી આવ્યો !

ઉપરની વાત સાવ સામાન્ય અને કેટલીકવાર મજાકની જેમ બોલાતી આપણે સાંભળી અને અનુભવી પણ છે. પરંતુ હવે આપણે થોડા અલગ તર્કથી તેને લઈએ. વિચારીએ કેશાળા” - નિશાળ એવું બધું ક્યારેક શરૂ કરવાનું વિચાર્યું હશે ત્યારે તેમાં કેન્દ્ર સ્થાને કોણ હશે ? એટલે કે તે કોના માટે વિચાર્યું હશે ? - [ શા માટે - એવો પ્રશ્ન હજુ અહીં નથી પૂછાયો ! ] કોના માટે એવું જ્યારે પૂછીએ છીએ ત્યારે - સૌનો સીધો એક જ જવાબ હોય છે કેબાળકો માટે” ! બાળકો માટેના મંથનમાં જે સંસ્થાનું નિર્માણ થયું તેને આપણે સૌએ નામ આપ્યું - નિશાળ - આટલી ચર્ચામાં એટલું તો સમજાઈ ગયું કે શાળા એ બાળકો માટે જ - એટલે કે બાળકોની છે. શાળા એ બાળકોનું બીજું ઘર કહીએ તો પણ યોગ્ય જ છે. એ મુજબ તો એ તેનો મૂળ માલિક છે. શિક્ષક વગરની શાળા અંગે કદાચ કલ્પી શકીએ કે ત્યાં બાળકો જાતે શીખી લેતાં હશે. પરંતુબાળક વગરની શાળાએ આપણા સૌના કલ્પના બહારની વાત છે. બાળક વગરની શાળામાં શિક્ષક શું કરે એ વિચાર પણ ન આવે ! હવે ફરી આપણે ઉપરના હસી મજાક વાળા જોક્સને જો શાળા - બાળકો સાથે જોડીને થોડુંક વિચારીએ તો ?

વિચારો કે એક શાળામાં એક શિક્ષક બાળકો પ્રત્યે અહોભાવ દર્શાવતાં કહે કે..

      શિક્ષક તરીકે આપણે શાળામાં બાળકને સ્વતંત્રતા આપવી જોઈએ.

     શાળામાં બાળક પોતે ઈચ્છે ત્યારે વર્ગખંડમાં આવ જા કરી શકે તેવી છૂટ આપવી જોઈએ.

     શાળામાં બાળક પોતે ઈચ્છે ત્યાં બેસીને લખવા વાંચવા માટેની આઝાદી હોવી જોઈએ.

     શાળામાં બાળકને પોતાની મરજી મુજબ પ્રવાસ પર્યટન માટેના આયોજન કરવા દેવા જોઈએ.

     શાળાની દરેક બાબતના નિર્ણયમાં બાળકની ભાગીદારી કરવી જોઈએ.

     વગેરે.. વગેરે.. વગેરે.. એવી બાબતો જેમાં બાળકોને પ્રાધાન્ય આપવાની વાત કહેવામાં આવતી હોય.

પાછા ઉપરોક્ત તમામ વાતો આપણે સૌ બાળકોના બાળકના સર્વાંગી વિકાસ - બાળક પ્રત્યે આપણી કાળજી વગેરે લાગણીઓ સાથે કરતાં હોઈએ છીએ. પરંતુ હવે આ જ બધી શાળા અને બાળકની  બાબતોને ઉપરના હસી મજાક સાથે વર્ણવેલા જોક સાથે જોડીએ તો સમજાશે કે આપણે સૌ પણ એવા જ મહેમાન છીએ જે યજમાનને કહે છે કે - આ ઘરને તમે તમારું જ ઘર સમજો ! અહીં જ્યારે આપણે સૌ શિક્ષક તરીકે શાળામાં બાળકને છૂટ - સ્વતંત્રતા - આઝાદી - ભાગીદારી વગેરે આપવાની વાતો કરીએ છીએ ત્યારે આપણે સૌએ વિચારવું જોઈએ કે જે નિશાળ માટેની આ વાત છે - તે સંસ્થા આ બાળકો માટે જ શરૂ કરાઇ છે. આપણે એવું માનીએ પણ છીએ કે તે તેનું બીજું ઘર છે. છતાં આપણે સૌ તેને તેના જ ઘરમાં  સ્વતંત્રતા આપવાની વાતો કરીએ છીએ. સારું છે કે પોતાની મસ્તીમાં મસ્ત એ બાળક આ બધાથી અજાણ છે. નહીં તો ઉપરના જોકમાં યજમાનની જેમ જ આપણી સામે ત્રાંસું જોઈને ધ્યાન પર લાવતો અથવા તો મોં પર જ સંભળાવી દેતો કે - તમે જરા વિચારીને બોલો , આ મારુ ઘર છે. અહી સ્વતંત્ર રીતે રહી શકું એ મારો હક છે.

શાળાએ નાગરિક ઉઘડતર પ્રવૃત્તિ અંતર્ગત બાળકોમાં આવો જ ભાવ પ્રગટાવવાનો પ્રયત્ન કર્યો છે. શાળાનું સંચાલન તેઓ પોતે જ કરી રહ્યા છે. તેમનાં માટેના હક - જરૂર જણાય ત્યાં પોતે જ પોતાના પર નિયમો - નિયંત્રણો લાગુ કરી રહ્યાં છે. પોતે પોતાના પ્રવાસ - પર્યટન - ઉત્સવ - ઉજવણી - પરીક્ષા કાર્યક્રમના આયોજન કરી રહ્યાં છે. - ઘરના સભ્યોની જેમ જ પોતાના મિત્રો સાથે આખો મહિનો ટીમ તરીકે કામ કરીને - પોતાના કામની સમીક્ષા કરી રહ્યાં છે - સાથે રહેતાં ભાઈબંધ કે બહેનપણીને તેની ફરજ ચૂક યાદ કરાવી રહ્યાં છે. છતાં સૌ સાથે મળી એક ટીમની જેમ એક સંસ્થાને કેવી રીતે ચલાવી રહ્યાં છે તે મુલાકાતે આવનાર દરેક મુલાકાતીને સમજાવી રહ્યાં છે. આ બધી પ્રવૃત્તિથી બાળકોનો બનેલો આત્મવિશ્વાસ જ ચાડી કરી જાય છે કે તેઓ તેમના ઘરમાં જ છે.

અને હા અમે શિક્ષક યજમાન તરીકે અમારી મર્યાદામાં જ છીએ. અને હા , મર્યાદામાં જ રહેવું પડે તેમ છે નહીં તો અમારા યજમાનો તરત આંખ ત્રાંસી કરતાં વાર લગાડે એવાં નથી !!! ચાલો ફોટો પર ક્લિક કરી જોઈએ મુલાકાતી શાળાઓ સમયની તેઓની વાતો !

રીડિંગ રીલ્સ

શાળા એ બાળકો માટેની સંસ્થા છે, શિક્ષકો માટે નહીં. બાળક શાળાનો 'માલિક' છે, 'મહેમાન' નહીં.

શિક્ષકે બાળકને સ્વતંત્રતા 'આપવાની' નથી, પણ તેની પોતાની સ્વાયત્તતાનો સ્વીકાર કરવાનો છે.

January 06, 2026

4C+10F = 100 E

4C+10F = 100 E


પ્રવાસ એટલે વિશેષ ગતિ. પ્ર એટલે વધુ અને વાસ એટલે રહેવું. આમ, વિશેષ રીતે ગતિમાન રહેવું તેનું નામ પ્રવાસ. આ ગતિ માત્ર શરીરની નહીં, મનની પણ છે. આપણી શાળાનો આ વખતનો પ્રવાસ મૈત્રી અને આનંદને છલકાવનારો રહ્યો.

પ્રવાસ ક્યાં જવો તેની ચર્ચા કેબિનેટમાં થઈ. ચાર સ્થળોમાંથી સાયન્સ સિટી અને પાટણનો વિકલ્પ નકારવામાં આવ્યો, કારણ કે ધોરણ 6 થી 8 ના મોટાભાગના વિદ્યાર્થીઓ વિવિધ યોજનાઓ હેઠળ આ સ્થળોની મુલાકાત લઈ ચૂક્યા હતા. આ દરમિયાન વડોદરાની કવિ શ્રી દુલા ભાયા કાગ પ્રાથમિક શાળા પીએમશ્રી - ગુજરાતના બાળકો અને શિક્ષકોએ આપણી 'પીએમશ્રી' શાળાની મુલાકાત લીધી. આ મુલાકાતે નવો વળાંક આપ્યો અને અમે 'એક્સપોઝર વિઝિટ' માટે વડોદરા જવાનું નક્કી કર્યું.

બાળકોનું આયોજન આપણા કરતા પણ વધુ ચોકસાઈવાળું હોય છે. આ વખતે વિદ્યાર્થીઓએ ટ્રાવેલ્સનો મેપ તૈયાર કર્યો હતો. ચાર ગ્રુપ માટે ચાર બસ હતી. દરેક બસનો નકશો બનાવ્યો હતો જેમાં ડ્રાઈવરની સીટ, દરવાજો અને દરેક વિદ્યાર્થી કઈ સીટ પર બેસશે તેની સ્પષ્ટતા હતી. દરેક સીટની નીચે વિદ્યાર્થીના વાલીનો મોબાઈલ નંબર લખેલો હતો. આ ઉપરાંત, પ્રવાસમાં રાખવાની સાવધાની, એકબીજાની મદદ અને સૂચનાઓનું પાલન કોણ કરાવશે તેનું નાનામાં નાનું આયોજન વિદ્યાર્થીઓએ વહેંચી લીધું હતું. આ આયોજને પ્રવાસમાં આવનારા શિક્ષકો, વિદ્યાર્થીઓ અને એસએમસી સભ્યોને એક મંચ પર લાવી દીધા.

સાચો આનંદ બસ ઉપડ્યા પછી શરૂ થયો. મ્યુઝિક સિસ્ટમ પર કોનું નિયંત્રણ રહેશે, કયા ગીતો વાગશે અને લીડ ડાન્સર કોણ બનશે તે બધું ઊગી નીકળ્યું.. ગામ, આર્થિક સ્તર, જાતિ કે ધર્મના ભેદભાવ તોડીને સૌ સાથે નાચ્યા અને નાસ્તો વહેંચીને ખાધો. શિક્ષક તરીકે અમને સમજાયું કે આ જ સાચી કેળવણી છે. આ મૈત્રી જ તેમના જીવનના આનંદને સાચવી રહી છે.

વડોદરામાં બંને શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે સંવાદ થયો અને શિક્ષકોએ શૈક્ષણિક ચર્ચાઓ કરી. વડોદરા શિક્ષણ સમિતિના ચેરમેન, વાઈસ ચેરમેન અને અધિકારીઓએ બાળકો સાથે મુલાકાત કરી. . આપણી શાળાની વિદ્યાર્થીની નિર્જલા, જે ઈસરોની મુલાકાતે જઈ આવી છે, તેનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. આ ગૌરવપૂર્ણ ક્ષણ હતી.

શાળાની મુલાકાત બાદ સૌ મ્યુઝિયમ અને પછી પ્રાણીસંગ્રહાલય પહોંચ્યા.મ્યુઝિયમે બાળકોને અઢળક પ્રશ્નો આપ્યા. આ હોવું જોઈએ કે ન હોવું જોઈએ - આ કેમ પેલું કેમ - જેવા સવાળોનો આખો ટોપલોસિંહના પાંજરા પાસે ટોળે વળેલા બાળકોને જાણવા મળ્યું કે સિંહણનું કોબ્રાના ડંખથી મૃત્યુ થયું છે. ક્ષણભર માટે બાળકોમાં સન્નાટો છવાઈ ગયો. જોકે, જીવનની વાસ્તવિકતા સ્વીકારી સૌ ફરી અન્ય જીવોને જોવામાં અને મસ્તી કરવામાં પરોવાઈ ગયા. વળતી વખતે સોખડા મંદિર પરિસરમાં ભોજન લીધું અને ત્યાંના સંતો સાથે ભારતીય શિક્ષણ પદ્ધતિ પર ચર્ચા કરી.

પ્રવાસનો સાચો અર્ક પરત આવ્યા પછી જોવા મળ્યો. તેમણે લખીને આપેલા પ્રશ્નોની ચર્ચા થઈ. દરેક ગ્રુપે પોતાનો અનુભવ રજૂ કર્યો. ડ્રાઈવરને ચોકલેટ આપવાથી માંડીને બસમાં કરેલા ડાન્સના ડેમો બતાવ્યા. સૌથી આકર્ષક રજૂઆત 'સિંહણનું બેસણું' નાટક હતું. જેમાં કોબ્રાના ડંખથી મૃત્યુ પામેલી સિંહણના બેસણામાં અન્ય પ્રાણીઓ આવે છે અને સિંહને આશ્વાસન આપે છે. આ નાટકમાં તેમણે પ્રવાસના અનુભવો વણી લીધા હતા. આ જોતા જ બાલવાટિકાના નાના બાળકો પણ પ્રવાસ જવા માટે અને એ રીતે જ પ્રવસ વિષે રજૂઆત કરવા પ્રેરાયા.

આ સમગ્ર અનુભવે બાળકોમાં ચાર મહત્વના કૌશલ્યો સાબિત કર્યા:

1.    કોલોબરેશન: સહિયારી રીતે પ્રવાસનું સંચાલન કર્યું.

2.    કોમ્યુનિકેશન: બૂમો પાડ્યા વગર પ્રભાવી સંવાદ કર્યો.

3.    ક્રિએટિવિટી: પ્રેઝન્ટેશનમાં અદભૂત સર્જનાત્મકતા બતાવી.

4.    ક્રિટિકલ રિવ્યુ: પ્રવાસ પછી શું સારું હતું અને શું સુધારી શકાય તેનો રિવ્યુ કર્યો.

શિક્ષક તરીકે મારા માટે આ 4C કરતા પણ વધુ મહત્વની બાબત એ રહી કે બાળકો વચ્ચે જે મૈત્રી - FRIENDSHIP બંધાઈ છે, તે તેમને જીવનભર જોડી રાખશે અને એ જ અમારો સંપૂર્ણ આનંદ !


રીડિંગ રીલ્સ :

અનુભવાત્મક સંવેદનાત્મક શિક્ષણ (Experiential Learning): પ્રાણીસંગ્રહાલયમાં સિંહણના મૃત્યુની ઘટનાએ બાળકોને જીવનની વાસ્તવિકતા અને સંવેદનાનો પાઠ ભણાવ્યો.