

And We the youth of Navanadisar is committed for better world for children!
Thank You ETV Bharat


મનની મુસાફરી !
લોકવિજ્ઞાન કેન્દ્ર ગોધરામાંથી ફોન આવ્યો
- શાંતિલાલ ભાઈ,આપની
શાળાનાં બાળકોને આ વર્ષે પણ સાયન્સ સેન્ટરની મુલાકાત માટે લઈ જવાનાં છે. તો 46 બાળકો અને ચાર શિક્ષકોની યાદી મોકલી
આપજો. શૈક્ષણિક પ્રવાસની તારીખ 15
દિવસ પછી 13
સપ્ટેમ્બર છે અને સવારના પાંચ વાગ્યાથી મુસાફરી શરૂ થશે. આ જાહેરાત પ્રાર્થનામાં
થતાં જ જાણે કે શાળા કેમ્પસમાં મુસાફરી એ
જ સમયથી શરૂ થઈ.
શાળાપ્રમુખે જાહેરાત કરી કે પ્રાર્થના પછી
ગ્રૂપલીડરની ઓફિસમાં મીટિંગ રાખી છે - જેમાં કયાં બાળકોનો મુલાકાત માટે સમાવેશ
કરીશું તેની ચર્ચા રાખી. શાળાકેબિનેટ મળી અને ચર્ચા કરતાં કરતાં નીચે પ્રમાણેનાં
બાળકોને યાદીમાં અગ્રતા આપવામાં આવે તેવું ઠરાવ્યું..જેમકે,
· સાયન્સ સીટીની ગત વર્ષે મુલાકાત
બાદ અહેવાલ રજૂ કરેલ હોય તેવાં બાળકો.
· ગતવર્ષે ગણિતવિજ્ઞાન
પ્રદર્શનમાં ભાગ લીધેલ હોય તેવાં બાળકો
· ઇન્સ્પાયર એવોર્ડ અંતર્ગત
પોતાના આઈડિયા રજૂ કર્યા હોય તેવાં બાળકો.
· નાગરિક ઊઘડતર પ્રવૃત્તિ અંતર્ગત
ગ્રૂપમાં સૌથી સક્રિય હોય તેવાં બાળકો
આ
ઉપરાંત દરેક ગ્રૂપ લીડર પોતે ઇચ્છે તે 2
બાળકોનો સકારણ સમાવેશ કરી શકશે તેવી પણ સત્તા આપવામાં આવી.
હવે ચર્ચાઓ ગ્રૂપમાં શરૂ થઈ. પ્રવાસ અને
તેમાં પણ મિત્રો સાથે ! કોને ન ગમે ? એટલે
દરેક બાળકે પોતાને શૈક્ષણિક મુલાકાત માટે ઉમેદવાર અને પોતે લાયકાત ધરાવતાં હોવાનું
સાબિત કરવાની મથામણો શરૂ થઈ. માટે શાળાપ્રમુખ કરતાં પણ વધારે કસરત હવે લીડરને શરૂ
થવાની હતી, તે સૌ
જાણતાં હતાં. એક ગ્રૂપ દીઠ દસ બાળકોનો સમાવેશ થઈ શકે. માટે લીડર સામે સૌથી વધારે
સમસ્યા એ હતી કે આવવા ઇચ્છુક ગ્રુપના મોટાભાગનાં બાળકો અને તેની સામે પસંદગી ફક્ત
ગ્રૂપ દીઠ 10 બાળકોની
કરવાની હતી. હવે તેની શોધયાત્રા શરૂ થઈ હતી. કોણે કોણે ગત વર્ષે ગણિત વિજ્ઞાન
પ્રદર્શનમાં ભાગ લીધો છે? આ
વર્ષ દરમિયાન કોણે કોણે ઇન્સ્પાયર એવોર્ડમાં પોતાના આઈડિયા આપ્યા છે? દરેક ધોરણમાંથી પોતાના ગ્રૂપમાં વિજ્ઞાન વિષય
અંતર્ગત કોણ વધુ સક્ષમ છે? તે
બધી જાણકારી ભેગી કરવાનું કામ તેનું પોતાનું હતું. સાથે સાથે જરૂરિયાત પણ એ કે
શૈક્ષણિક મુલાકાત કરીને આવ્યા પછી અહીંયાં તે અંગેની રજૂઆત માટે અહેવાલો રજૂ કરી
શકે તેવાં, મુલાકાત
બાદ પોતાનાં ગ્રૂપમાં ન આવી શકેલ બાળકોને તે અંગેની પૂરી માહિતી આપી શકે તેવા
બાળકોની પણ જરૂર હતી. એવામાં આપણ સૌને જે પૂર્વગ્રહ હોય છે કે તેઓ ભાઈબંધી
નિભાવશે. તે ડર અમને નહોતો.
હવે શાળાનું ફોકસ વિજ્ઞાનની સાથે સાથે
સામાજિક વિજ્ઞાન અંતર્ગત સંવિધાન પર પણ હતું. જવાબદાર નાગરિક પોતે નિયમો બનાવે -
પાળે અને બીજાને પાલન કરવા પ્રેરે..
ત્રીજા દિવસે યાદી સાથે ફરીથી શાળા
કેબિનેટની બેઠક મળી. આપણે ધાર્યું હતું તેમ દરેક લીડર પોતે ફરિયાદી હતાં. ફરિયાદ
હતી કે આ પ્રમાણે જોવા જઈએ તો અમારે તેર બાળકો થાય છે.. કોઈ કહે અમારે 14 થાય છે.. આને તો લઈ જવું પડે એવું છે.
- એવી મૂંઝવણ સાથે મિટિંગની શરૂઆત થઈ.
પરંતુ પહેલી બેઠકના નિયમ મુજબ નક્કી હતું તેમ ગ્રૂપદીઠ દસ બાળકોની યાદી આપવાની થતી
હોય પહેલા દરેક લીડરને 10
નામ શોર્ટલીસ્ટ કરી આપવા અને બાકીના બાળકોને સમજાવવા એક દિવસનો સમય આપી બેઠક
વિખેરાઈ.
બીજા દિવસે પ્રાર્થનાસભાને સમાંતર બેઠક
શરૂ થઈ. ગ્રૂપ લીડર દ્વારા યાદીઓ રજૂ થઈ. પ્રમુખ ઉપપ્રમુખ દ્વારા એપ્રુવલ મળ્યા
પછી કેબિનેટે પ્રવાસ સંચાલન અંગેની સઘળી જવાબદારી જયદેવને આપી. તેને પ્રવાસ મંત્રી
નીમવામાં આવ્યો. પ્રવાસ દરમિયાન જે બાબતોમાં
સર્વાનુમત નહીં થાય તેવી બાબતોમાં જયદેવનો મત આખરી ગણાશે તેવું સર્વાનુમતે
નક્કી થયું. શાળા બાળકોના સ્વભાવને જાણતી હતી કે ડગલે પગલે મતમતાંતર આવશે જ ! પણ
પ્રવાસમાં નવાં કપડાં કે શાળા યુનિફોર્મ ? આવી બાબતમાં આવશે તે જાણતી નહોતી.
કેબિનેટની જરૂર પડે તે પહેલાં જ જયદેવે સર્વે હાથ ધર્યો અને પોતાનો નિર્ણય જાહેર
કર્યો કે નવાં કપડાં!
પછી તો તેઓ પોતે જ બેઠક વ્યવસ્થા - નાસ્તો
લાવવો કે નહીં ? આવવા-જવાનો
અને ત્યાંની ટિકિટનો ખર્ચ - લોકવિજ્ઞાન કેન્દ્ર આપશે - તો જમવા માટેના ખર્ચનાં
નાણાં ભેગાં કરવાં. વાલીઓના સંમતિ પત્રો - પ્રવાસ દરમિયાન હાજરી પત્રક - આ બધું ક્યારે કેવી રીતે કર્યું તે તો બધું
શિક્ષકોની જાણ બહારનું હતું. જવાના બે દિવસ પહેલાં તૈયારીઓ અંગેની વાતચીત માટે
જ્યારે બેઠક મળી ત્યારે જયદેવે કહ્યું, “આ
તો બધું ગત વર્ષના આયોજન [ અનુભવ ] મુજબ કરી દીધું.”
હવે દિવસ પ્રવાસનો હતો. બાળકોએ જાતે કરેલા
આયોજનનો મોટો ફાયદો એ હોય છે કે તેમાં પ્રવાસ દરમિયાનની બાળકોની કાળજીના નામે
વારંવાર આપવાનાં થતાં આપણાં સૂચનો નહિવત્ હોય છે. અને તેના કારણે જ બાળકો અને
શિક્ષકો બંનેનો પ્રવાસ આંનદ આપનારો બની રહે છે. ગૂગલ મેપ પરથી પ્રવાસ મંત્રીએ
‘કેટલા વાગે પહોંચીશું’ની જાહેરાત અને સાથે સાથે ‘કેટલા વાગે વચ્ચે સ્ટોપ કરવું’
તે મત પણ જાણી લીધો. એટલે અમારા સૌનું કામ હવે ફક્ત પ્રવાસમંત્રીને ફોલો કરવાનું
હતું. ‘સ્ટોપેજ કર્યા બાદ પોતે લાવેલ નાસ્તો કે હોટલમાંથી નાસ્તો કરી લઈએ?’ તેની ચર્ચામાં શિક્ષકની જરૂર પડી. મુલાકાત
બાદ પરત થતાં મોડું થાય તો સાથે લાવેલ
નાસ્તાથી કામ ચલાવી શકાય - આવા વિચારથી ત્યાં જ હોટલમાં બટાકાપૌંઆનું નક્કી થયું.
આમ સમય જતો ગયો. સાયન્સ સેન્ટરે પહોંચ્યાં - મુલાકાત શરૂ થઈ - ત્યાં એક નવી સમસ્યા
- 5D થિયેટરમાં તો 50 રૂપિયા ટિકિટ લેવી પડશે? જયદેવે હિસાબ આપ્યો - ઉઘરાવેલ 200 રૂપિયામાંથી 30 રૂપિયા સવારે નાસ્તામાં અને 85 રૂપિયા સવારના જમવામાં ખર્ચ થશે. સાંજના
જમવાનું બાકી ! જમતી વખતે ચર્ચા કરી. ગ્રૂપલીડર કહે કે, “થિયેટરમાં જવું કે નહીં?” - અંતે જોવાનું જ છે - લીડરે પૈસા સભ્યદીઠ
ગણી પ્રવાસ મંત્રીને આપ્યા. પણ પરત
મુસાફરી દરમિયાન જાણ્યું કે જેઓની પાસે નહોતા તેમના ગ્રૂપના સભ્યોએ ફાળો કર્યો, કેટલાક કેસમાં જવાબદારી લેવાઈ - અને અમારી
આંખો સામે જાણે કે બાળકોમાં પરોક્ષ રૂપે ખીલી રહેલી મિત્રતા, સામાજિકતા - સહકારીતા અને વ્યવહારુ જ્ઞાનની છોળો ઊછળી રહી
હતી. નાણાંની દૃષ્ટિએ એમના હિસાબમાં કશું ખૂટ્યું નહીં કે કશું વધ્યું નહીં, પરંતુ કૌશલ્યોની દૃષ્ટિએ જોઈએ તો બાળકોમાં
લાગણીનો ટોપલો ભરાયાનો અહેસાસ હતો.
અને હા, એ કહેવાનું તો ભૂલી ગયા કે તેમના સુચારુ આયોજનને કારણે જ સમય બચતાં ‘રાની કી વાવ’ પણ સૌને જોવા મળી - ચાલો ત્યારે માણો અમારા પ્રવાસના દિવસના આનંદને : આ ફોટોગ્રાફ અને વિડીયો વડે !
“શિક્ષક” અનુભવ દિવસ !
શિક્ષણ વ્યવસ્થામાં શાળા એક એવી જગ્યા છે જ્યાં શિક્ષક ભણાવવા અને બાળકો ભણવા
આવે છે. બંનેમાં કોમન જો કોઈ વાત હોય તો તે છે અધ્યયન નિષ્પત્તિ ! એટલે કે લર્નિંગ
આઉટકમ.
આ પ્રક્રિયા શા માટે કરવી તેની જાણ અધ્યયન નિષ્પત્તિ આધારે નક્કી થતી હોય છે.
તેવી જ રીતે બાળકે પોતે આ શા માટે શીખવું જોઈએ - એટલે કે આ શીખવાથી શું કરી શકશે….
તે પણ બાળક પોતે જે તે લર્નિંગ આઉટકમને આધારે જાણી શકે છે. શિક્ષક વર્ગખંડમાં જે
જે તે વિષયવસ્તુ શિખવવાની પ્રક્રિયા હાથ ધરે તે પહેલાં તે પોતે જે તે વિષયવસ્તુ
ક્યા લર્નિંગ આઉટકમ માટે છે તેનાથી વાકેફ હોય તે ખૂબ ઉત્તમ સ્થિતિ છે. કારણ કે
ક્યાં પહોંચવાનું છે તે લર્નિંગ આઉટકમ્સ છે. અને કેવી રીતે પહોંચશો તે માટે ટૂલ્સ
તરીકે પુસ્તક તેમજ અન્ય સામગ્રી છે. ટાર્ગેટની જાણ વગરના ટૂલ્સ કોઈ કામના નથી. માટે જ લર્નિંગ આઉટકમ્સ
સાથે કામ કરનાર શિક્ષક ઉત્તમ ગણાયો છે.
જ્યારે “નાગરિક ઊઘડતર” અંતર્ગત ઑફિસની
વ્યવસ્થા સંભાળતા ગ્રૂપની કામગીરીમાં “શિક્ષકોની દૈનિક નોંધપોથી ચકાસવી” - એવું વિધાન ઉમેરાયું. અમારા સૌની
દૈનિકમાં પાડેલ વિભાગમાં - શું ? [ મુદ્દો ] કેવી રીતે ? [ મુદ્દો ભણાવવાની અધ્યયન પ્રક્રિયા ] અને શા માટે ? [ લર્નિંગ આઉટકમ્સ
એટલે કે તે શા માટે શીખવાનું ? ] વગેરે વિશે તેઓ ચર્ચા કરી સમજતા ગયા.
પરંતુ જેમ જેમ આ કામગીરી સંભાળનાર ગ્રૂપ
બદલાતાં ગયાં, સમય પસાર થતો ગયો
એમ બાળકોનું વધુ ધ્યાન આયોજનની સાથે સાથે લર્નિંગ આઉટકમ્સ એટલે કે અધ્યયન
નિષ્પત્તિ તરફ જતું ગયું ! પરિણામે પ્રક્રિયામાં જોડાયેલ બંને - શિખવનાર અને
શીખનાર બંને ધ્યેયથી અવગત થયેલ છે. આવી સ્થિતિમાં પ્રક્રિયા સાચી દિશામાં થવાની
પૂરી ગેરંટી હોય છે. તેનો શાળાને શિક્ષકદિને અનુભવ થયો !
દર વખતની જેમ આ વર્ષે પણ શિક્ષક બનવા લાઇન લાગતાં શાળા શિક્ષણસચિવો મુશ્કેલીમાં મુકાયા. હા, બધાં જ બાળકોને તક મળે ન મળે, પણ વધુમાં વધુ બાળકોને અધ્યયન માટેના મુદ્દા મળે - તે મુખ્ય કામ હતું એટલે જ દરેકને પોતે ભણાવવાના મુદ્દાનું લર્નિંગ આઉટકમ્સ સાથેનું આયોજન શાળા પ્રમુખને સોંપવાનું અને તેને આધારે શિક્ષણસચિવ સાથે મળી નક્કી થશે. એના કારણે સચિવોએ રિજેક્ટ કરેલ કિંજલ જેવાં ઘણાં ‘શિક્ષકો’ની આંખોમાં પાણી જોવા મળ્યું. પરંતુ આનંદ એ પણ હતો કે આ થયેલ સ્ક્રૂટીની જ સાબિતી આપે છે કે ઉત્તમ આયોજન એટલે શું શું ? કેવી રીતે ? અને શા માટે? તેઓ ખૂબ સારી રીતે જાણે છે.
આનંદ સાથે ઉજવાયેલ આ દિવસના અંતે તે દિવસના શિક્ષકોના અનુભવો લીધા. અરે ! આ તો
કશું સાંભળતા જ નથી ? હખણાં રે’તાં જ નથી ? વારેવારે બહાર
નીકળી જાય છે? આવા કેટલાય કંટાળા
તેમને રજૂ કર્યા ! એમનો આ કંટાળો અમારામાં આનંદ પેદા કરનારો હતો કે ચાલો આ પીડાના
પીડિત વર્ગખંડમાં હવે ફક્ત હું એટલે કે એક વ્યક્તિ નહીં, હવે બે ચાર થયા
છીએ ! અંતે - હા, પણ ‘મજા આવી!’ એવું કહેનારાં
બધાં જ હતાં. અને આ મજા સાથે સાથે એમનું આયોજન જણાવતાં વિડિયોને પણ માણવાનું ભૂલતા
નહીં હોં !
બેગલેસ 👜- લાઈફ ફૂલ ! 💓
રાશિની - ૨૦૨૦ અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું
- ૨૦૨૩ બંનેમાં “બહુવિષયક સમાજ” વિષે તેમજ શિક્ષણને જીવન સાથે જોડાવા પર ભાર મૂકવામાં
આવ્યો છે. અને આ જોડાણને સઘન બનાવવાના પ્રાયોગિક ઉપાય તરીકે 10 બૅગલેસ દિવસનું આયોજન
કરવાનું પણ કહેવામાં આવ્યું છે.
TBD (Ten Bagless Days)ના ઘણા ફાયદા છે, જે
વિદ્યાર્થીઓના સમગ્ર વિકાસમાં મદદરૂપ થાય છે.
તે પૈકીનાં કેટલાક મુદ્દાઓ -
આ સિવાય આપણી શાળા જે વર્ષોથી પ્રેક્ટિસ કરતી
આવી છે અને તે અભિગમ હેઠળ ‘ગામ શીખવે ગણિત’ જેવા પ્રયોગો પણ કરે છે તે - “શીખવું અને જીવવું એ બંને જુદી જુદી ક્રિયાઓ
નથી.”
એ વિશે વિદ્યાર્થીઓ તો જ સભાન થાય કે જ્યારે
તેઓ આજે જે શીખે છે તેનું આયોજન જીવનમાં કરી જુએ. જીવનમાં કંઈક એવાં પ્રયોજનો કરે કે
જેમાંથી તેઓ શીખી શકે. આ ગોકળઆઠમના ચકડોળ જેવું છે કે જો તમે કશુંક પુસ્તકમાંથી શીખો
છો અને જીવનમાં તેનો ઉપયોગ કરો છો તો એ ઉપયોગ દરમિયાન ફરી તમને કશુંક નવું શીખવા મળે.
એ જે નવું શીખવા મળ્યું હોય તેનો જો ઉપયોગ કરી જુઓ છો તો એમાંથી ફરી બીજું નવું શીખવા
મળે. આમ ‘જીવવું અને શીખવું’નું ચકડોળ ઘુમ્યા કરે છે.
ગયા મહિને કરેલો ચાંદીપુરા વિશેની જાગૃતિ અભિયાનનો
કાર્યક્રમ ઘણુંબધું શીખવનારો રહ્યો. તેના અનુભવ વિશે ચર્ચા કરતાં નાગરિક ઊઘડતરની કૅબિનેટે
નક્કી કર્યું કે આપણે “આપણે જાણીએ સૌને જણાવીએ” થીમ ઉપર જ આગળ વધીએ. જેમ ચાંદીપુરા
વાયરસ વિશે ઇન્ટરનેટ પરથી, શિક્ષકો પાસેથી છાપાઓમાં વાંચીને જુદી જુદી વિગતો જાણી સમજી
તેના ચાર્ટ્સ વગેરે બનાવ્યા અને ગામના લોકોને તેના વિશે તેઓ સમજી શકે એવી ભાષામાં જણાવ્યું. આમ એક સુખદ અનુભવમાંથી જે શીખ્યાં તેનો ઉપયોગ કરવા
માટે હવે અમે તૈયાર હતાં.
સૌ સાથે બેસીને વાતો કરતાં જાણવા મળ્યું કે દરેક ગામના લોકોને તેમની
જાતિનો દાખલો કાઢવો આવકનો દાખલો મેળવવો જેવા સરકારી કાગળ મેળવવામાં મુશ્કેલી અનુભવાય
છે કારણ કે તે માટે કઈ કઈ વસ્તુઓ જોઈશે? કેવા કેવા ડોક્યુમેન્ટસ જોઈશે તેના વિશે ખાસ
વિચાર કર્યા વિના પહોંચી જાય છે અને પછી ત્યાંથી ખાલી હાથે પાછા આવી . બીજો - ત્રીજો
ધક્કો ખાવો પડે છે. એટલે એક દિવસ તો આયોજિત
થયો ગ્રામપંચાયત માટે.
બીજો તેને લગતો જ વિષય મળ્યો : અત્યારે દરેક
બાબતને ડિજિટલી સબમિટ કરવાની હોય છે. સરકારી યોજનાનો લાભ લેવો હોય તો એના માટેના કોમન
સર્વિસ સેન્ટર ઊભાં કરેલાં છે. હાલમાં રેશનકાર્ડમાં ઈ કેવાયસી કરવાનું કામ પણ ચાલુ
છે. તેમાં પણ ગામલોકોને મુશ્કેલી પડે છે. તેની સાથે સાથે કોમન સર્વિસ સેન્ટર પર જે વ્યક્તિ
કામ કરે છે તેમને પણ મુશ્કેલી પડે છે કારણ કે લોકો જે જે વિગતો જોઈએ તે વિગતો લીધા
વિના જ પહોંચી જાય છે ! ત્યાંથી બે અઢી કિલોમીટર પાછા આવવું અને જવું એમાં આખો દિવસ
વેડફાઇ જતો હોય છે. તેમ જ ગામના કેટલાક લોકોને
આ કોમન સર્વિસ સેન્ટર પર કઈ કઈ યોજનાઓ વિશે સંપર્ક કરી શકાય તેની પણ માહિતી નથી એટલે
બીજું આયોજન થયું કોમન સર્વિસ સેન્ટર માટેનું.
હમણાંથી શાળામાં પર્યાવરણને લઈને સેન્સિટીવીટી
વધી રહી છે. ખેતીમાં આવતા જુદા જુદા રોગ વિશે અને તેના આધારે જંતુનાશક દવાઓ છાંટવાથી
માણસોને કઈ મુશ્કેલીઓ પડી રહી છે તેના વિશે ચર્ચા છેડાયેલી હતી. એટલે અમારા માટેનું ત્રીજું આયોજન ઊભું થયું ખેતી-
રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ !
કાર્તિકભાઈએ તૈયાર પૅકેટ્સમાં આવતી વેફર અને
કોલ્ડ્રિંક્સ વિશે ચર્ચા કરી હતી એમાંથી જ ચોથું આયોજન આવ્યું કે આવા રેડીમેડ પૅકેટ્સ
અને કોલ્ડ્રિંક્સની આર્થિક,સામાજિક અને સ્વાસ્થ્ય સંબંધિત અસરો જોવી.
વિષયોની ચર્ચા થઈ ગયા પછી તેઓ આ પ્રોજેક્ટ્સ
પર કેવી કેવી રીતે કામ કરી શકે અને તેમાં કયા કયા પ્રકારની શક્યતાઓ રહેલી છે તેના વિશે
એક બ્રીફિંગ મીટીંગ થઈ. ત્યારબાદ તેઓએ પોતાની રીતે જૂથ અને જૂથમાં કોણ કયું કામ કરશે?
કોણ પ્રશ્નો બનાવશે ? કોણ પ્રશ્નો ફાઈનલ કરશે ? ત્યાં સ્થળ પર જઈને કોણ પ્રશ્નો પૂછશે
? કોણ તેના માટેની નોંધ તૈયાર કરશે ? કઈ વ્યક્તિઓ
પૂછાતા પ્રશ્નો અને અપાતા જવાબોને ઝડપથી લખી લેશે? કોણ ત્યાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરશે ? કોણ
તેની દરેકે દરેક વસ્તુનું અવલોકન કરી તેનું વર્ણન તેમજ નોંધ તૈયાર કરશે તેમજ કોણ અગાઉના
દિવસે જઈને ‘અમે મુલાકાતે આવવાના છીએ અને અમારી અપેક્ષા, આ પ્રકારની માહિતી મેળવવાની
છે’ તેવું જણાવશે? જેવાં આયોજનો કરવામાં આવ્યા.
એ આયોજન પછી ગ્રામ પંચાયત, કોમન સર્વિસ સેન્ટર, ખેતીના પ્રોજેક્ટ માટે ખેડૂતો, ખેતર, જંતુનાશક દવાઓની દુકાન, રાસાયણિક ખાતરની દુકાન, કોલ્ડડ્રિંક્સ તેમજ પેકેટ્સ વેચતી દુકાનો તેમજ દરેક ફળિયાના એક એક ઘરે મુલાકાત કરી.
એ મેળવેલી માહિતી પર પ્રોસેસ કરી, ચર્ચાઓ કરી, ચાર્ટ્સ બનાવ્યા અને રજૂઆતો થઈ. હવે આ મેઘો ખમી જાય તો અમે એકત્ર કરેલી વિગતો ગામમાં વહેંચવા જવાની પ્રતીક્ષામાં છીએ..
ત્યાં સુધી તમે અમને આવા બીજા વિષયો સૂચવજો ! ત્યાં સુધી આ વિડીયો માણો !
🌸ફૂલ ખીલતે હૈં !
બાળપણ
એટલે જીવનનો સોનેરી સમય. આપણને કોઈ પૂછે કે શું જોઈએ ? તો મોટાભાગનાનો જવાબ બાળપણ પાછું
મળે એમ હોય ! કોઈને પણ પૂછીએ તો તેનું બાળપણ
તેને સૌથી વધુ ગમતું સપનું જ હશે ! આવાં બાળપણ સાથે બાળપણની જેમ જ રમવા - કૂદવા અને
ઉછળવા મળે તેનું નામ જ શિક્ષક તરીકેનું જીવન. 58 વર્ષ સુધી બાળક બન્યા રહેવાનો - બાળક
સાથે જીવવાનો - તેને હસાવવાનો આનંદ અને પગાર
પણ મળતો રહે - તેવા વ્યવસાયમાં જોડાયા હોવાનું નસીબદારના જ નસીબમાં હોય ને !
બાળક
શાળા સાથે જોડાય ત્યારથી જ આપણે તેને વિવિધ કૌશલ્યોના વિકાસ માટેની તક પૂરી પાડતાં
હોઈએ છીએ. તે પછી વાર્તા કહીને - કે પછી ગીત ગવડાવીને, રંગપૂરણીની પ્રવૃત્તિ હોય કે
ચિત્રસ્પર્ધા વડે તેમણે ગમતા રંગ પૂરવાના હોય - આ બધી પ્રક્રિયા બાળકોમાં રહેલાં કૌશલ્યોને
વિકસવા માટેની ગતિ આપવાનું કામ કરતી હોય છે. જાણે મેઘધનુષના સાત રંગો ન હોય! બાળકમાં
પણ આવાં સાત નહિ સાતસો કરતાં પણ વધુ વિવિધ કૌશલ્યો સમાયેલ હોય છે. પરંતુ સૌને જેમ સાત
રંગને બદલે સાત રંગોનો સમૂહ એટલે કે સફેદ દેખાતો હોય છે તેમ જ્યાં સુધી આપણા સૌમાં
પણ બાળકને જોવાની અને સમજવાની નજર નહીં બદલાય ત્યાં સુધી તો બાળક એવું ને એવું જ દેખાયા
કરશે ! તેનાં કૌશલ્યોરૂપી રંગબેરંગી રંગોને બદલે જાણે કે સફેદ ચૂનો !
બાળક
જેમ જેમ શાળામાં વધુ સમય વિતાવતો જાય છે તેમ તેમ તેના સર્વાંગી વિકાસની તક વધતી જતી
હોય છે. શાળામાં આપણે સૌ એવા ખેડૂત છીએ કે
જે ખેતરના દરેક છોડના ઉછેર માટે મથામણ કરીએ છીએ. એવા માળી છીએ કે જે બગીચાના દરેક ફૂલને
ખિલવાની અનુકૂળતા ઊભી કરી આપીએ છીએ. ક્યારેક તો લાગે કે “કીડીને કણ અને અને હાથીને
મણ” એ કહેવત પણ જાણે કે વર્ગખંડમાં બાળકો માટે મહેનત કરતા શિક્ષકને જોઈને જ બનાવી ન
હોય !
ઘણી
વાર એવું બને છે કે આપણે કરેલ મહેનતના પ્રમાણમાં ધાર્યું ફળ ન પણ મળે! તેવામાં ચિંતાઓ
થવી સ્વાભાવિક છે ! ખૂબ બોલબોલ કરનાર બાળક વાર્તા કહેવાનું કૌશલ્ય ધરાવે - એવી આપણી
માન્યતા હોય, પણ બની શકે કે તે બાળકનો સ્વભાવ
ન હોય ! બની શકે અંતર્મુખી સ્વભાવવાળા મહેશને આપણે બોલાવવા મથતાં હોઈએ પણ તેને તો ગાવાનો
ખૂબ શોખ હોય ! બની શકે - આ શબ્દ બાળકોની
દુનિયામાં ઘાટા અક્ષરે લખાયેલો છે. કારણ કે ત્યાં કશું જ અસંભવ નથી. અને હા તે જાદુઇ
દુનિયા [ બગીચો ] પણ છે - કોણ ક્યારે કેવી રીતે ખીલી ઊઠે કંઈ નક્કી નહીં ! હા, તે બગીચાને
પોષતી ફક્ત બે જ વસ્તુઓ છે - આપણી ધીરજ અને આપણા પ્રયત્નો !
માનસી
- હાલ ચોથા ધોરણમાં છે - તેના અક્ષર અને તેની એકાગ્રતા માટે અમારા સૌની સતત મથામણ રહી
છે. પરંતુ આજકાલ તેને ચિત્રનો ચસકો લાગ્યો છે. શાળા છૂટયા પછી પણ કેમ્પસમાં પહેલાં
દોડાદોડી કરી મજા મસ્તી કરનાર આ ફૂલ હવે કેમ્પસમાં ક્યાંક ને કયાંક બેસીને પોતાની નોટમાં
ચિત્ર ચિતર્યા કરે છે. ચિત્ર દોરવું અને સાહેબને બતાવવું એનો શોખ બનતો જાય છે. આ શોખ માનસીની એકાગ્રતા અને અક્ષરોમાં ખૂબ ખૂબ વધારો
કરશે જ ! ફરીથી..
ફૂલનું ખીલવું એ પ્રક્રિયા છે, ખીલશે જરૂર !
નાગરિક ઉઘડતર - બાળકોનું, બાળકો માટે, બાળકો વડે !
માણસ
જિંદગીભર શીખતો રહે છે. શીખવું એક એવી પ્રક્રિયા છે કે તમે શીખવા ન ઇચ્છો તો પણ તે
અટકે નહીં ! ઊલટાનું તમે ન શીખવાનું નક્કી કરો તે પણ એક નવું શીખવાનું છે. શિક્ષક માટે તો આ ભારપૂર્વક કહેવાયું છે કે સતત શિખતો
રહે એટલે કે જીવનભર વિદ્યાર્થી બની રહે તે જ શિક્ષક પોતાનામાં શ્રેષ્ઠતા લાવી શકે.
શિક્ષક બનવાનું એટલે જ નવું નવું જાણવાનું -સમજવાનું - શીખવાનું અને શિખવવાનું !
આપણે
સૌ સતત બાળકો સાથે કાર્ય કરતાં આવ્યાં છીએ એટલે બાળકોના માનસને આપણે ખૂબ સારી રીતે
સમજતાં હોઈએ છીએ. એનાથી ઊંધું વિચારીએ તો ચાર
- પાંચ વર્ષ આપણા સૌ સાથે વર્ગખંડોમાં કામ કરતાં કરતાં આપણાં બાળકો આપણને ખૂબ સારી
રીતે જાણી ગયાં હોય છે. એટલે જ તો શાંતિલાલ સાહેબને તો એક જ વાર કહેવું પડશે .. ગોપલસાહેબને
વારંવાર યાદ કરાવવું પડશે. દર્શનાબેનનું કામ તો ચોક્કસ છે. આ વાત તો આ સાહેબને જ કહેવાય
! - આ બધું તેઓ પણ શીખી ગયાં હોય છે. જેમ શાળામાં આવતા કેટલાક પરિપત્રો સમયે આપણો બળાપો હોય છે કે આમ નહીં, આ કાર્યક્રમ આ રીતે કરવાનો કહ્યો હોત તો મજા આવત
- આપણી જેમ બાળકોનો પણ એવો જ બળાપો હોય છે - કે આમ નહીં, પણ આ રીતે આપણે કેમ્પસને, આ રીતે નહીં આ રીતે પ્રવૃત્તિ
કરીએ વગેરે વગેરે.. [ આમાં તમારા જેટલા બળાપા હશે તેના કરતાં પણ વધારે આપણા બાળકોના
હશે ]
2008માં
નાગરિક
ઉઘડતર પ્રવૃત્તિ શરૂ કરી ત્યારે શાળાનો ઉદેશ્ય એ જ હતો કે શાળામાં 10 શિક્ષકોની સામે
300 બાળકો છે. એટલે કે જેઓ વધુ ફોર્સમાં શાળા કેમ્પસમાં હોય છે તેઓના હાથમાં શાળાનું
સંચાલન સોંપાય ! શાળાનું સંચાલન સોંપવા માટેની પહેલી શરત હતી કે બાળકોને એમ્પાવર કરવામાં
આવે તો જ તેઓ જવાબદારી સ્વીકારતાં થાય. આપણે સૌ જાણીએ છીએ કે જવાબદારીઓનો સ્વીકાર ત્યારે
જ શક્ય છે જ્યારે ફક્ત જવાબદારીઓ જ નહીં સત્તા પણ સાથે મળી રહે.
શાળા એટલે - બાળકની, બાળક માટે અને બાળક વડે ચાલતી સંસ્થા
શાળાકીય
પ્રવૃત્તિઓ જેમના માટે કરવાની છે, તેઓ પોતે જ આ અમે કેવી રીતે કરીશું? એવું નક્કી કરતાં
થાય પછી શાળા સંચાલનની તમામ ચિંતાઓ દૂર થઈ
જાય. ઘણીવાર એવું બને કે શાળામાં કોઈક નવીન પ્રવૃત્તિ સૌએ ભેગાં મળી શરૂ કરી હોય, શરૂ
શરૂમાં દરેકનું ધ્યાન હોય…. ધીમે ધીમે બીજી નવીન પ્રવૃત્તિ ઉમેરાતાં જૂની (પણ બાળકો
માટે ઉપયોગી) પ્રવૃત્તિ અસ્ત થતી જતી હોય છે.
પરંતુ તેનાથી વિપરીત બાળકોનો એક સ્વભાવ એ હોય છે કે તેઓને સોંપાયેલ દરેક કામ તેઓ મહત્વના
કામ તરીકે છેક સુધી કરતાં હોય છે. જવાબદારી
સોંપાયેલ પહેલા દિવસ જેટલી જ ચીવટ તેઓની લગાતાર જોવા મળતી હોય છે. પરિણામે આપણને
સતત દરેક કાર્ય પ્રત્યે જાગૃત રાખવાનું કામ પણ તેઓ કરતાં હોય છે. તેઓના આવા સ્વભાવના
કારણે જ દરેક કાર્યમાં તેમના અનુભવ ખૂબ જ અસરકારક બની રહે છે.
શાળા
સંચાલન એ જટિલ પ્રક્રિયા છે. - એવું આપણે સૌ
માનતાં હોઈએ છીએ. પરંતુ નાગરિક ઊઘડતર પ્રવૃત્તિ અંતર્ગત જેમ જેમ બાળકોએ અમારી શાળાની
સંચાલનની જવાબદારીઓ નિભાવવાનું શરૂ કર્યું
તેમ તેમ તેઓએ શાળાને સરળ ઉકેલ આપ્યા છે. દોડધામ કરાવતા પ્રવાસ કે પછી યુનિફોર્મ જેવી
બાબતોમાં તો કાઠું કાઢ્યું છે. [ તેઓએ પસંદ કરેલ યુનિફોર્મને સરકારશ્રીએ પોતાના બેનરમાં
સ્થાન આપ્યું હતું. ]
લોકશાહી
ઢબે સૌ સાથે મળી કામ કરતાં કરતાં ઘડાઈ ગયેલ અમારી સંસદના લીડર - ઉપલીડર શાળા મુલાકાતે
આવેલ ઘણીબધી શાળા વ્યવસ્થાપન સમિતિઓના પ્રશ્નોને ઉકેલ આપે છે. શાળા સંચાલનમાં ઘડાઈ ચૂકેલ બાળકો પૈકીનાં પ્રમુખ
અને ઉપપ્રમુખને જિલ્લામાં તજજ્ઞ અન્ય શાળામાં સંચાલન માટેની તાલીમ આપવા માટેનું આમંત્રણ
મળે છે ત્યારે આનંદ અને ગૌરવ બંને થાય.
कभी कभी मास्टरजी होकर हम सोचते है कि सबकुछ बच्चें ही कर लेते है तो हम यहाँ क्या कर रहे हैं? કારણ કે નવાઈની વાત એ છે કે નાગરિક ઊઘડતર પ્રવૃત્તિ વડે હવે બાળકોનું ઊઘડતર કરવાનું કામ પણ બાળકો જ કરે છે !
“સ્કૂલ મેનેજમેન્ટ કોર્સ” સમાન આપણી આ નાગરિક ઉઘડતર પ્રવૃત્તિ ને વિગતે જાણવા ક્લિક કરો.