December 11, 2019

સંવાદ : અક્ષીર ઈલાજ



સંવાદીય શૈક્ષણિક આયોજન- નીરસ શૈક્ષણિક વર્ગકાર્યથી પીડાતા વર્ગખંડો માટેનો અક્ષીર ઈલાજ
" સંવાદ "
બાળકો સાથે સંવાદ એ શિક્ષક માટે સૌથી વધારે પ્રસન્નતા અપાવનારી પળ હોય છે. બાળકો સાથે વાતો કરવાથી શિક્ષક તરીકેનો આપણો જીવ મજા અનુભવતો હોય છે અને તેને કારણે જ જે દિવસે બાળકો સાથે શિક્ષક વધારે વાતચીત કરે તે દિવસે પોતાને વધુ રીલેક્ષ અનુભવતો હોય છે. શૈક્ષણિક પ્રક્રિયામાં ભણાવવું એ શિક્ષકો માટે કામની દ્રષ્ટીએ દેખાઈ રહ્યું છે સને તેથી જ સામે ભણવું એ પણ કામ છે એવું બાળકોના મગજમાં ઘર કરી ગયું છે પરિણામે બંને તરફ કામ કર્યાનો થાક અનુભવાય છે. એટલે વિચારો કે જે પ્રક્રિયામાં થાક અનુભવાય તે કરવામાં કોને અને કેટલો રસ પડે?પરિણામે શાળામાં દિવસને અંતે થતો અનુભવ નીચેના જોક જેવો હોય છે.
એક થીયેટરમાં એક ફિલ્મનો પ્રિમીયર શો ગોઠવવામાં આવ્યો.. વિવિધ ફિલ્મવિદોને અને ફિલ્મી રસીયાઓને જોવા આમંત્રણ આપવામાં આવ્યું. શો પૂરો થતાં નિર્માતાએ સૌને પૂછ્યું “આખા ફિલ્મમાં તમને વધારે શું ગમ્યું ? બધાએ એક સાથે ફિલ્મનો એન્ડ અમને બહુ ગમ્યો ? નિર્માતા એ કહ્યું, “અરે એન્ડમાં તો મેં કોઈ એવું ખાસ ક્રિએશન કર્યું જ નથી તો પછી કેવીરીતે ગમે ?”– બધાએ સુધારીને કહ્યું, “સોરી, એન્ડ ગમ્યો મતલબ ફિલ્મનો એન્ડ આવ્યો એ જ અમને બહુ ગમ્યું !”
આખોને આખો શૈક્ષણિક દિવસ પૂરો થાય અને આપણે તેને શૈક્ષણિક કાર્યના દિવસમાં ગણી તે મુજબનું પરિણામ ની આશા રાખીએ તો નિરાશા સિવાય કંઈ જ હાથ ન લાગે. હવે વિચારો કે શૈક્ષણિક દિવસ અથવા તો આપણો શૈક્ષણિક તાસ પુરા થયાનો આનંદ થાય એવું વાતાવરણ નિર્માણ થયું કેવીરીતે ?
ધારો કે તમને લોન આપવાવાળો એજન્ટ અડધો કલાક તમારી સામે ફક્ત લોનના નિયમો જ વર્ણવ્યા કરે છે અને છેલ્લે ઘરેથી ટૂંકમાં લખવા આપી દે છે. શું થાય તમારું ? લોનની ગરજ હોવા છતાં આપણને એમ થાય કે આ જાય તો સારું. બીજું ઉદાહરણ વકતવ્ય રસિક ન હોય અને ફક્ત સાંભળ્યા કરવું જ પડે એવી જગ્યાએ કેટલો સમય તમને ટકવું ગમશે? અરે આપણી તાલીમની જ વાત કરીએ તો આપણને ખ્યાલ આવશે કે જો તજજ્ઞોમાં તમને ચર્ચામાં જોડી રાખવાની આવડત ન હોય તો આપણા માટે પણ શીખવું કેટલું કંટાળાજનક બની રહે છે.
ઉપરોક્ત ત્રણેય ઉદાહરણમાં જોઈએ તો...
·         લોન એજન્ટે તમારી સાથે સંવાદ કરવાની જરૂર હતી તેને ફક્ત નિયમાવલી ની જગ્યાએ તેના બેનીફીટ પણ સંભળાવ્યા હોત તો તમને તેનામાં રસ પડત.
·         ફક્ત સાંભળવું પડે તેમાં સંભળાવનારે પોતાની રસિકતા બનાવી રાખવી જ પડે. એ ન હોય તો સાંભળનારા ગુમ થઇ જ જાય..
·          તાલીમ વર્કશોપમાં પણ તજજ્ઞો પક્ષે જવાબદારી વધારે હોય છે કે દરેકને રસ પડે અને તાલીમાર્થી શીખવાની પ્રક્રિયામાં જોડાયેલા રહે તેવું આયોજન કરવું રહ્યું.
        આપણા સૌ માટે ઉપરોક્ત ઉદાહરણોમાં સામ્યતા એ છે કે વાતાવરણની રસિકતાની મોટી જવાબદારી તજજ્ઞ પક્ષે જ છે. અને યાદ કરાવી દઉં કે વર્ગખંડમાં તજજ્ઞ આપણે જ છીએ. બાળકોને પણ આપણા જેવું જ છે કે જો વેતન મળવાની ખાતરી હોવા છતાં ભણાવવાની પ્રક્રિયામાં કેટલીકવાર કંટાળો કરતાં હોઈએ અને થાક અનુભવતાં હોઈએ તો બાળકોને તો એવી કોઈ અપેક્ષા જ નથી. તેમને તો ખ્યાલ પણ નથી કે આજે આ શીખી રહ્યા છીએ તેની ક્યારે જરૂર પડવાની છે. એવા વાતાવરણમાં સૌથી મદદ કરી શકે છે બુનિયાદી પ્રવિણ અધ્યાપન સમયે શીખેલ એકમ પ્રવેશ વાળો મુદ્દો. બાળકો સાથે સહજ ચર્ચાથી શરૂઆત કરો અને તેમાં અભ્યાસક્રમ એવી રીતે પીરસો જાણે કે નાના બાળકોને કડવી દવા. ફાયદા અનેક થશે તેમાં મોટો ફાયદો એ કે તમને બાળક ને  સમજવાનો મોકો મળશે અને બાળકોને તમારા તાસમાં રસ પડશે.
અને હા, ન બાળકોને ભણ્યાનો થાક અનુભવાશે, કારણ કે બાળક જાણતો જ નથી કે તે વાતોમાં ને વાતોમાં  ભણ્યો. અને બાળકોના સાથે વાતોથી એક શિક્ષકના જીવને તો આનંદ જ આનંદ... 
 




અખબારી નોંધ અંતગર્ત બાળકોએ કરેલ ઇન્ટરવ્યૂ ...
रिपोर्टर प्रियंका ... केमरामैन तरुण के साथ चेनल नवानदीसर..😅😍

December 08, 2019

કાવ્યની સાથે બાળકોના ભાવાર્થને સમજીએ....


કાવ્યની સાથે બાળકોના ભાવાર્થને સમજીએ....
કોઇપણ વિષયવસ્તુમાં બાળકોને મનગમતું પાસું શોધવું એ શિક્ષકની ફરજ નહિ મૂળભૂત ફરજ છે. પાઠ્યપુસ્તક, અભ્યાસક્રમ, ક્ષમતાઓ આ બધું બાળકની કેળવણી માટેના વિટામિન્સ છે. અને તે જેમાંથી મળે એ બધાના સ્વાદ બધાને ગમતા નથી હોતા.
આ વિટામિન્સની યાદી બનાવીએ....
·         વિટામીન W Writing - લખવું   
·         વિટામીન L Listening સાંભળવું 
·         વિટામીન  P  Playing રમવું
·         વિટામીન D Drawing દોરવું 
·         વિટામીન S SInging ગાવું વગેરે વગેરે  [ બીજા ઉમેરજો ]
વાત ત્યાંથી શરુ થઇ હતી કે બધું કરવું બાળકોને ગમતું નથી હોતું પરંતુ બાળકોને બધું જ કરાવી તેનો સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્ન કરવો એવું આપણને લાગે છે.
બાળકોને ભાષા અંતર્ગત કાવ્ય અને તેની સાથે જોડાયેલી પ્રવૃતિઓની..
એક એકમ માટે આપણી પાસે સરેરાશ  દશ થી બાર દિવસનો સમય ગાળો હોય છે. જયારે કાવ્ય માટે પ્રવૃત્તિઓ ઓછી અને સમય વધારે હોય..(એવું સામાન્યપણે લાગે.) કાવ્યનું ગાન કરવું ત્યારબાદ કાવ્ય સમજાવવું અને પછી દરેક બાળકને કાવ્ય તૈયાર કરી જોઇને અથવા મોંઢે ગાવા કહેવું.. એમાં બાળકોને વારંવાર ગાવાનું કહીએ તો પછી તેમાંથી તેમનો રસ ઉડી જતો આપણે અનુભવીએ છીએ.. એમાંય જે બાળકો ને ગાવામાં રસ છે એવા બાળકો સિવાયના બાળકો તો એટલે ધ્યાન આપતાં હોય છે કે શિક્ષક તરીકે તમે હાજર છો હા..હા...હા...
બાળકોનો શીખવામાં રસ જળવાઈ રહે તો જ શીખવાની પ્રક્રિયા થઇ રહી છે તે કહી શકાય. હવે આવા સમયે શિક્ષક તરીકે આપણી પ્રથમવાર ગાન અને સમજાવટ વડે ૨૫ % બાળકો પહેલા પ્રયત્ને જ શીખી અને સમજી જતાં હોય છે. બાકીના ૭૫% માટે ફરી મથામણ. અને તેમાંથી બીજું ૪૦ થી ૫૦ ટકા પરિણામ મળતું જોવા મળતું હોય છે. માનવ સહજ સ્વભાવથી આપણો રસ પણ ત્રીજા પ્રયત્ન માટે હા” “ના કરતો અનુભવાય છે. હવે બધા જ બાળકો માટે જરૂરીયાત મુજબનો પ્રયત્ન કરવો જ એ શિક્ષક માટેની અઘોષિત મૂળભૂત ફરજ છે.
કાવ્યના શિક્ષણ માટે બધા બાળકો ભાગ લે તેવો એક પ્રયત્ન ધોરણ ચોથાની કવિતા હું તો પૂછુંમાટે કર્યો
      પ્રોજેક્ટ ની વિગતો અને તે કરવાના કારણો....
પ્રક્રિયાની વિગતો
ઉદેશ્યો
બાળકોના જુથકાર્ય માટે પાડેલા જુથનો જ ઉપયોગ કર્યો
દરેક જુથમાં એવા બાળકોનો સમાવેશ છે જે બાળકો આપણા એક જ પ્રયત્નમાં શીખી ગયા છે.
દરેક જૂથ પોતાનું નામ અને કામ નક્કી કરશે જેમકે
·         કાવ્ય લખનાર
·         કાવ્ય ગાનાર
·         કાવ્ય સમજાવનાર
·         કાવ્ય અંતર્ગત ચિત્ર દોરનાર
·         રંગ પૂરનાર

દરેક બાળકના ભાગે તેઓના કૌશલ્યો અને રસ મુજબ લીડર કામગીરી સોંપે છે. એટલે દરેક બાળકની ભાગીદારી તો ખરી જ ગમતું કામ અને તેથીય વધરે કહું તો ગમતા કામમાં ધ્યેયકેન્દ્ર કાવ્ય જ બની રહે છે
દરેક જૂથ ઉભું થઇ સોંપેલ કામ મુજબ રજૂઆત કરશે
જેમકે ગાયક કવિતા ગાશે ત્યારે સમજાવનાર તે લીટીઓ સમજાવશે.
જે જૂથ રજૂઆત કરતુ હશે ત્યારે બાકીના ગ્રુપ લીડર આ ગ્રુપનું માર્કિંગ કરતાં હશે..
 જેટલાં ગ્રુપ એટલી વાર બાળકો ને કાને સંભળાશે,સમજાશે પોતાને સંભળાવવાની હોય અથવા જેણે સમજાવવાની હોય તે ખુબ ધ્યાનથી સંભળાશે અને સમજશે. ચિત્ર કલાકારો નું પણ એટલું જ ધ્યાન કેન્દ્રિત થશે
વિજેતા જૂથ પ્રાર્થના સભામાં રજુ કરશે..
ફરીથી એકવાર પ્રાર્થના સંમેલનમાં હાજર તે ધોરણના બાળકો ને મહાવરો થશે અને અન્ય તમામ બાળકો સમક્ષ રજુ થવાનો આનંદ પણ.
 આપણને મજાતો ત્યારે આવી જયારે પાછલી હરોળમાં બેસી એ બધું જોયું જે શિક્ષક તરીકે કરવાનું હતું. બાળકોએ સરસ અક્ષરે લખ્યું, બાળકોએ સરસ રીતે ગાયું, બાળકોએ આપણા કરતાં પણ વધુ સારી રીતે સમજાવ્યું, કાવ્યને દોર્યું, કાવ્યમાં રંગ પૂર્યા... છેલ્લે કહું તો દરેક બાળકને દરેક લીટીનો ભાવાર્થ ખબર છે.... અને બોલે પણ છે કે આમાં કવિ નરોત્તમ વાળંદ પૂછે છે કે.... ચાલો જોઈએ વાંચ્યું એ વરતાયું હતું કેવી રીતે...      



 


   
 
 


📢 📹 Video

December 01, 2019

થોપો નહિ થોભો…..✋



 થોપો નહિ થોભો..✋✋

પ્રાથમિક કક્ષાએ શૈક્ષણિક કાર્ય એ મોટી ચેલેન્જ છે. આપણે સૌ કહીએ છીએ કે જીંદગીમાં ક્યાં અટકવું અને ક્યાં ઝપટવું ? એ ખબર પડી જાય તો સુખી થવાય ! –શિક્ષણમાં પણ આ વાત થોડું વધારે ઉમેરાઈને સો ટકા લાગુ પડે છે. જો બાળકો સાથેની ચર્ચા સમયે ક્યાં અટકવું - ક્યારે લપેટવું અને ક્યાંથી ઝપટવું એ કળા આવડી જાય તો સફળતાપૂર્વક વર્ગકાર્ય પૂરું કરી બહાર આવી શકાય. 
·         બાળકોની વચ્ચે આપણા જ્ઞાનના ધોધ ને ક્યાં અટકાવવો અનેક્યારે બાળકોને પ્રસ્તુત થવા દેવા એ કળા એટલે ક્યાં અટકવાની સમજ.
·         બાળકો સાથે વાત કરતી વખતેબાળકોને આપણી સાથે ચર્ચામાં પરોવતાં જવો એટલે લપેટવાની કળા.
·         વિષયવસ્તુ અંગે બાળકોની પોતાની પ્રસ્તુતિમાં જ તક ઝપટી લઇ આપણી વાત ઉમેરી દેવી એટલે ઝપટવાની કળા.
વર્ગમાં આવી નાની લાગતી બાબતો આપણી સફળતામાં અથવા કહીએ કે નિષ્ફળતામાં મોટો ભાગ ભજવતી હોય છે.
એક અનુભવ અહીં વર્ણવું. સત્રની શરૂઆતમાં ધોરણ ત્રીજાના બાળકો સામે ગુજરાતીમાં પહેલો એકમ હતો કીડી અને કબૂતર. વાર્તા ચિત્રો હોય એટલે બાળકોને તો મજા જ હોય. ત્રીજા ધોરણના બાળકો એટલે એમની કલ્પના શક્તિ પણ ખુબ જ પ્રબળ હોય એટલે આપણું તો કામ હતું; તેઓને પૂછ્યા કરવાનું અને તેમને બોલતા રાખવાનું. બાળકોને મજા આવે અને મગજ કસી શોધવું પડે તેવા પાંચ પ્રશ્ન આપ્યા. જેમાં બાળકો માટે રમત હતી પણ પ્રશ્નો એવા હતા કે બાળકોને રમત સાથે સમજણ બનતી જાય.જે તેઓ ઘરેથી વાલી સાથે ચર્ચા કરી લખી શકશે એવું પણ નક્કી કર્યું. પછીના તાસમાં દરેક બાળક ચિત્ર અંતર્ગત પોતે એવો પ્રશ્ન પૂછી શકશે કે જેમાં બીજાઓએચિત્રોને ધ્યાનથી જોવાની અને વર્ણન કરવાની  જરૂર પડે. હવે વારો હતો...દરેક બાળક બધા જ  ચિત્ર આધારે એક બેવાક્ય બોલશે. મજા આવી બાળકોએ પોતાની ભાષામાં, સ્થાનિક શબ્દોનો ઉપયોગ કરી વાર્તા કહેવાની શરૂઆત કરી.. અર્ચના, હની,હિતેશ એમ કહેતાં કહેતાં આગળ વધતાં જતાં હતા ત્યાં જ, શિક્ષકની  “ક્યાં અટકવું”  એ અણસમજવાળા ગુણે (કે દુર્ગુણે) શિક્ષકે એમની ગતિ અને એમની મસ્તીમાં ચાલતી વાતમાં બમ્પર નાખ્યું.... કહ્યું ઉભા રહો જુઓ હું કહું –બહુ સ્પષ્ટ ભાષામાં ખુબ જ સારી રીતે શિક્ષકે આખી વાર્તા કહી. શિક્ષકના મનના ઓરતા કે હવે તો બાળકો વધુ સારી રીતે કહેશે.
પણ ? – ખલાસ પછી તો જે બાળકો કહેવા ઉભા થાય તે માંડમાંડ બે વાક્યો બોલી શકતા. હવે તેઓ  ચિત્રમાં વાર્તા નહિ જાણે કે શિક્ષકે બોલેલાં વાક્યો શોધવા મથતાં હોય તેવું લાગવા લાગ્યું. જે બાળકોએ પહેલાં પોતાની કાલીઘેલી ભાષામાં જે બધું બોલ્યાં હતાં તેઓને પણ ફરી બોલવા ઉભા કર્યા, પણ જાણે કે તેઓ પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી શિક્ષકની વાર્તા શોધવામાં લાગ્યા હોય તેવું જ લાગ્યા કર્યું. ત્યારે સમજાયું કે અહિયાં શિક્ષકે વાર્તા કહીને વાર્તાને વર્ગખંડમાંથી ગાયબ કરી. જાણે “કીડી અને કબૂતર” વાર્તાને થોપાઈ ગયેલ નિબંધમાં ફેરવી દીધી. હવે શું ? 
ત્યાં જ તાસ પૂરો કરી બાળકોને અન્ય વાતો પર વાળ્યા અને લપેટવાની શરૂઆત કરી.  હવે થોપાઈ ગયેલ વાર્તા ભૂંસવાની નેમ સાથે બીજા દિવસે વાતો થી શરૂઆત કરી અને તક મળે ઝપટ મારી બાળકો સાથે ફરીથી સંવાદો કરતાં કરતાં બાળકોને અને વાર્તાનેપાછા મૂળ સ્વરૂપે લાવવાના પ્રયત્નો કર્યા અને તેનું પરિણામ આ રહ્યું જોવા સાંભળવા બાજુના ફોટોગ્રાફ પર ક્લિક કરો >

છેલ્લે એક વાત શીખ્યા કે બાળકો બોલતાં હોય ત્યાં સુધી દોઢ ડહાપણ ન કરવું; નહિ તો ભણાવવાની જગ્યાએ ભુલાવાવવાનું કામ કરી પાછા ફરીશું.. હા..હા.. હા..