February 28, 2019

વિજ્ઞાનની સમજ – પ્રયોગે પ્રયોગે ! [ National Scince day ] !



વિજ્ઞાનની સમજ – પ્રયોગે પ્રયોગે !

ગામડાં હવે સુવિધાઓથી સજ્જ થઇ રહ્યાં છે. ટેકનોલોજી એ હવે અંતરિયાળ ગામો સુધી પગ પેસારો કરી દીધો છે. નકશામાં દેખાતાં અંતરિયાળ ગામો હવે આપણી ધારણાઓ કરતાં પણ વધારે આધુનિક બની રહ્યાં છે ત્યારે શાળામાં વિજ્ઞાન વિષયનું વધુ સારી સમજ સાથેનું શિક્ષણ અનિવાર્ય બન્યું છે. ટેકનોલોજી વિજ્ઞાન વિષય નિદર્શન માટે ખુબ જ ઉપયોગી અને અસરકારક સાબિત થઇ રહ્યું છે. વિવિધ પ્રયોગોને ટેકનોલોજીથી બાળકોને બતાવવામાં આવે અને બાળકો તેને જોઇને શીખે સમજે તેવું અત્યારના ઘણાં વર્ગખંડો વર્તી રહ્યાં છે. પરંતુ કેટલીક બાબતો ફક્તને ફક્ત નિદર્શનથી સમજવી બાળકો માટે સહેલી નથી હોતી. અને સાથે સાથે જાતે અનુભવવાની ઉત્સુકતા હોય છે. જે ન થતાં બાળકોને જાણે અભ્યાસની અધુરપ લાગતી હોય છે.

એક ઉદાહરણ કહું તો જાદુગરના ખેલ સૌએ જોયેલા છે. બાળકો, યુવાનો, વૃદ્ધો  સૌને જોવાની તાલાવેલી હોય, પહેલાં જોયેલો હોય તો પણ ફરીથી જોવાની એટલી જ ઉત્સુકતા. ! પરંતુ વિચારો કે જાદુગર કહે કે ચાલો, હું બતાવું તેમ તમે જાદુ કરો ! તો? તો તમારાં રગેરગમાં જે રોમાંચ ઉભો થાય છે તે રોમાંચ જ તમને તેને જીવનભર ન ભૂલવા માટે જવાબદાર હોય છે. બાળકો માટે વિજ્ઞાનના પ્રયોગો જાદુના ખેલથી કંઈ કમ નથી હોતા. બાળકોને તે જોવાની અને જાણવાની મજા આવે,  પરંતુ તેને તે અનુભવવાની તાલાવેલી હોય છે. જેવી તાલાવેલી આપણને જાદુ કરવાની હોય છે. શિક્ષક તરીકે આપણો અનુભવ પણ કહેશે કે કે દર વર્ષે આપણે અભ્યાસક્રમ અંતર્ગત આવતા પ્રયોગો કરતાં હોઈએ છીએ છતાં પણ આપણો તે માટેનો રોમાંચ દર વર્ષે જાણે કે નવાઈ જ હોય તેવો હોય છે. વિચારો કે આપણી આ સ્થિત તો બાળકો ની કેવી સ્થિતિ હશે ? અને આવામાં ફક્ત ટેકનોલોજીનો સહારો લઇ પ્રયોગને પ્રયોગશાળાને બદલે પડદે બતાવી પતાવી દેવો એ જાણે જલેબી ખવડાવવા ના બદલે તેના ટેસ્ટનો વિડીયો બતાવવા સમાન જ કહેવાશે. આ વિજ્ઞાનદિનના દિવસે શાળાએ આવાં મ્હેણાં ભાગવા માટેના પ્રયત્ન રૂપે આયોજન કર્યું. તમે જુઓ અને અનુભવો કે આમાં તમને મજા આવે છે ? નહિ તો પછી આવતાં વર્ષે વિજ્ઞાનદિને તમે પણ જોડાજો એમના આ સ્વાનુભવ પ્રયોગમેળામાં ! 







 

 











February 21, 2019

છોટા રીચાર્જ – ફૂલ ટોકટાઈમ


છોટા રીચાર્જ – ફૂલ ટોકટાઈમ


ભાષાની ગલીકુંચીઓમાં ફરવાના ઘણા નકશા તૈયાર થાય પણ એ સતત વહેતા દરિયા જેવી છે ! નદીઓના પાણી અને વિંઝાતા વાયરાથી તેનો પ્રવાહ સતત ઉછાળા મારતો જ રહે છે. અને આપણે ચમચી જેટલા ઉપયોગોની ચર્ચા કરીએ છીએ. સામાન્ય રીતે જોઈએ તો ભાષાને આપણે કહીએ કે એ પ્રત્યાયન કરે છે ! જરા શાંતિથી વિચારીએ (હા, એ વિચાર પણ ભાષા વગર હોત કે ....?) એક અજબ મૂંઝવણ થાય છે ને કે ભાષા ના હોત તો વિચાર ના હોત, આપણી રહેણીકરણી આ મુજબની ના હોત.
અને જો ઉપરનો ફકરો ફરી વાંચશો તો સમજાશે કે અમે અહિયાં “ગુજરાતી” – એટલે કે આપણી માતૃભાષાની જ વાત નથી કરતા. શાળામાં પણ બચ્ચાઓ પોતપોતાની મરજીથી ભાષાની કરવત મુકતા હોય છે. હિન્દી બોલે, કોક અગડમ બગડમ અંગ્રેજી- કોઈકને વળી પોતાની લહેકાવાળી ભાષામાં મજા પડે. કેટલાકની પોતાની કોડેડ લેન્ગવેજ હોય – “પેસમેલી તસમમને સસમમજ નાસમા પસમડે !” 😊
આવી બધી ભાષામાં આપણી ગુજરાતીને પોંખવા અમે સૌ તૈયાર હતા. આયોજન શું કરવાનું હોય – અમારી કેબીનેટ મળી...નક્કી કર્યું ! લેખક કવિઓના નામ લેવા પડાપડી..અંતે દરેકને પોત પોતાના ખંડના નામ મળ્યા. હવે શું કરવું જોઈએ ? ગીતો તો હોય –“વાર્તાઓ ?” “ના, એ તો હોય જ છે ને !” “તો ગામની ઘટનાઓને વાર્તા બનાવીએ તો ?” “હા, એ ચાલે !” “પણ ગીતોમાં પીચ્ચરના ગીતો ય હોવા જોઈએ. ગુજરાતી જ !” “વ્હાલમ આવો ને...થી લઇ શાંત ઝરુખે વાટ નીરખતી...” જેવા છ ગીતો નક્કી થયા. (એ વાત જુદી છે કે એમાં મોટાભાગના ગ્રુપે શાંત ઝરૂખે જેવી શાંત ગઝલને બદલે નર્મદા છે..કેન્સલ...” પર નાચવાનું પસંદ કર્યું.) એક ખંડમાં સૂચનાઓ વાંચી એ મુજબ કાર્ય કરવાના હતા. શાળાના ચોગાનમાંથી “ક” શોધવામાં તેઓએ જે મહેનત કરી છે અને બાકીનાઓએ તેમને બીજે બીજે રસ્તે ભેળવી દેવા ભાષાનો ધારદાર ઉપયોગ કર્યો છે ! એ તો જોઈએ/સાંભળીએ તો મજા પડે. સારા અક્ષરથી લખવાનું ગમે છે તો તમારા માટે એક ખંડ છે. તેમાં તમને ટીપ્સ આપવામાં આવશે. શબ્દો અને વાક્યો લખાવશે..તમારા કાગળ જોવામાં આવશે અને પછી તમારા અક્ષરને ક્રમાંક અપાશે. આ ખંડમાં અમને અમારી શાળાનો એક નવો “હસતા_અક્ષર” મળ્યો અને તે છે અમારી “પલક”.
 મોટાભાગે એ કોઈ બાબતમાં લીડરશીપ નહોતી કરતી તેણે આખા ખંડની લીડરશીપ કરી. આવું જ નિબંધ લેખનમાં પણ નવા તણખા મળી આવ્યા. નિકીતાએ અમારા પુસ્તકાલયનું શો-કેસ ગોઠવ્યું. પહેલા કહે અમારી પાસે હજારથી વધુ પુસ્તકો છે, તેમાં ગીર્તોના, વાર્તાના, નિબંધના, વિજ્ઞાનને લગતા, ઈતિહાસને લગતા...વગેરે વગેરે (આમેય, અમારી નિકીતાની પ્રસ્તાવના લાંબી હોય !) ને પછી કોઈને એમ થાય કે લાવો આજે જ વાંચું તો વાંચવા પુસ્તક આપે ને શરત કરે વાંચીને એની મુખ્ય વાત કહેવી પડશે. કેટલાક વાંચે, કેટલાક પાના ફેરવી પુસ્તક બદલાવા આવે કે બીજી આપ.. નિકિતા પુસ્તક આપે સાથે એક છણકો ય હોય..હવે નહિ બદલી આપું ! આ વાંચી લે..
આમ ત્રણ કલાક વારાફરતી બધા જુદા જુદા ખંડમાં જઈ આવ્યા પછી સંધ્યા સભામાં દરેકે પોતાના ખંડમાં ગમેલી, ના ગમેલી બાબતો કહી. પોતાના ખંડમાં કયું જૂથ સારું કરીને ગયું ને કોને માત્ર ગોકીરો કર્યો એ ય કહ્યું. સારું કર્યું એમને તાળીઓનું માન પણ આપ્યું. અને આ રીતે માતૃભાષાનું અમારું આ છોટા રીચાર્જ અમને ભાષાનો ફૂલ ટોકટાઈમ આપતું ગયું... 















February 19, 2019

મુલાકાતનું મંથન !



મુલાકાતનું મંથન !

બાળક એ સમાજનો સૈનિક છે. ભવિષ્યનો સમાજ આજના આ સૈનિકો વડે જ કાર્યરત થવાનો છે ત્યારે આજના વિદ્યાર્થીઓ કોઈ પ્રાથમિક અનુભવથી વંચિત રહી જાય તો ભવિષ્યનો સમાજ બિન-અનુભવી નિર્માણ પામે. ‘આપણી પ્રાથમિક જરૂરિયાતોને પૂરી પાડવી એ સરકારની ફરજ છે અને એ આપણો હક પણ છે !’- એવું આપણે જયારે કહીએ છીએ ત્યારે પુરક વાક્ય એ હોય છે કે એ હકોનો યોગ્ય ઉપયોગ કરવાની ફરજ નાગરિક તરીકે આપણી જ છે. ઘણીવાર સુવિધાઓના ઉપયોગની જાણકારીના અભાવે સરકારની સુવિધાઓ માટે કરેલો ખર્ચ ધૂળ ખાતો હોય છે. આવી મુશ્કેલીઓ  ભવિષ્યમાં દુર થાય, તે નિશ્ચિત કરવું એ પ્રાથમિક શાળાનું વર્તમાન કાર્ય છે !
આપણી કઈ પ્રાથમિક જરૂરિયાત માટે કઈ સરકારી સંસ્થાની મુલાકાત કરવી? – ત્યાં ગયા પછીની શું પ્રક્રિયા કરવી ?- વગેરની માહિતી અને અનુભવ પ્રાથમિક શિક્ષણ સમયે જ જો કરી લેવામાં આવે તો હાલના અભ્યાસક્રમની સાથે સાથે બાળકોના જીવનમાં અસરકારકતા જોવા મળશે. આપણી આસપાસનો સમાજ આપણી કાળજી માટે કેટલો કાર્યરત છે તે જોયા પછી બાળકની નજર પણ ચોક્કસપણે  તેમની તરફ આદરપૂર્વકની બને જ ! બાળકોને વર્ગખંડની બહાર ફરવું વધુ ગમે છે – તે આપણને ખબર છે ! મુલાકાતે મેળવેલું શિક્ષણ ચિરસ્થાયી બને છે – તે પણ આપણને ખબર છે ! – બસ આ બંને બાબતોમાં શિક્ષણ ઉમેરી દઈએ તો ? તો તો પ્રવાસ નો પ્રવાસ અને સાથે સાથે જીવન શિક્ષણ પણ !
સમાજિક વિજ્ઞાન અંતર્ગત શાળાની ટીમે પણ આવું જ કઈંક આયોજન કર્યું. આગોતરા આયોજનમાં  બાળકોના વિવિધ જૂથોએ  વિવિધ સંસ્થાઓમાં “શું જાણશો?” –તે માટેનાપ્રશ્નો તૈયાર કર્યા. ગ્રુપ લીડર્સએ પ્રશ્નો પૂછી માહિતી અહેવાલ તૈયાર કરવાનું આયોજન કર્યું.
અમને મુલાકાત પહેલાં હતું કે ફક્ત બાળકોને જ સંસ્થાઓ સાથે સંવાદ કરવા સૌથી વધારે ઉત્સુકતા હશે, પરંતુ નદીસર આરોગ્યધામ, બરોડા ગુજરાત ગ્રામીણ બેંક- નદીસર, ગ્રામ પંચાયત, કૌશલ્ય વર્ધન કેન્દ્ર – બધી જ સંસ્થાઓના કર્મીઓનો બાળકોને માહિતગાર કરવાનો ઉત્સાહ પણ બાળકો કરતાં ઓછો નહોતો ! હવે વિચારો કે બે ઉત્સાહિત કાંઠો ધરાવતી નદી કેવી વહેતી હશે ? બસ આ જ રોમાંચ હતો આખી મુલાકાત દરમ્યાનનો !
મુલાકાતના બીજા દિવસે કેટલાક પ્રશ્નો વડે તપાસ્યું કે બાળકોમાં મુલાકાત અને સંવાદનું કેટલું ઉગ્યું અને જ્યાં જ્યાં જરૂર જણાઈ ત્યાં ફરી થોડું વાવ્યું ! ચાલો જોઈએ બાળકો અને સમાજસેવક રૂપી જાહેર  સંથાઓના આ ઉત્સાહને...





















February 16, 2019

વારતા રે વારતા … કહે તેની વાર્તા !



વારતા રે વારતા … કહે તેની વાર્તા !
 કહેવાતી જાય, ગણાતી જાય…એક વાર્તા એમ વહેતી જાય…
આજે બીજા ધોરણમાં પ્રયોગ કરી… શરૂ કરી ત્યારે ખબર નહોતી કે કઈ બાજુ જશે..પણ પૂરી થઈને પછી તેમના બધા વડે મળેલું હગ ઓવેશન (કેમ, ખાલી સ્ટેન્ડિંગ ઓવેશન જ હોય !)
તો આ રહી વા_ર_તા …
એક તળાવ હતું. તેમાં પાંચ મગર રહેતા હતા. (પછી મગર કેવા હોય એનું મરચું મીઠું ભભરાવવું, ખાસ તો કંઈ જ કર્યા વગર તળાવના કિનારે પડ્યા રહે એ કહો) તળાવના કિનારે ત્રણ ઝાડ... દરેક ઝાડ પર પાંચ પાંચ ચકલીઓ રહેતી..(શું પૂછવું એ ખબર પડી ગઈ હશે !) એકવાર પહેલાં ઝાડ પર ની પ્રીયાંશી ચકલી છેલ્લા ત્રીજા ઝાડની પરની માહી ચકલી ને ફોન કર્યો... (અહીંયા ચકલી ની જેમ ફોન કરતા આવડવું જોઈએ....) ચક ચક ચિી (આવું જ બોલવું પડે...વાંચતા ના આવડે) ચીક ચી... (પછી એ જ ફોનમાં શું કહ્યું એ સમજતા આવડવું જોઈએ) ઓયે માહી યાર આ બાજુ આવ..મારા ઝાડ નીચે શું અલમસ્ત પડ્યા છે... બિલકુલ અખિલ અને હિતેશ જેવા...(નામ બદલવાના હોય ને !🤩) ચલ એ બે મગરને આપણી ચાંચ ચખાડીએ... માહી કહે : ચ્રર્ર્ર્રર્ર્ર ચા ચા ચી ચી (શું એમ ? ગમ્મે તે કહેવાનું જેમ કે એ થોડી તૈયાર થઈ જાય ? જરા વાર આનાકાની કરાવવાની) પણ પછી એ તો ગઈ... બેય ચકલીઓ વિચાર કરે કે ચાંચ મારવા જઈએ.... વળી પાછી માહી કહે...(શું? એ જ પેલું ચ્રર્ર્ર્રર્ર્ર ચા ચા ચી ચી....) ના યાર મને તો બ બ બી બિક્ક્કક્ક લાગે.... ! પ્રીયાંશી “ચલ.. હટ..બીકણ..જો હું કંઈ બીવું છું !” “ઝાડ પર બેસી તું મગરે બેઠી હોય એમ રોફ ના માર ! નીચે જઈ મગર પર બેસું તો ખરી કહું..” “એમ જોઉં છે તારે?” એમ કહી પ્રીયાંશી ઉડવા તો ગઈ પણ ત્યાં જ “હાઆસાઉ.....ફાયાસુંસ” (આ શું ? જુઓ આ મગર તો આવું કંઇક બોલે... ચોક્કસ કેવું બોલે એ કાંઈ આપણે ના જાણી શકીએ...) પણ આ અવાજથી પેલી બેય ચકલીઓ જાણે બકરી બે થઈ ગઈ... ફફડી ને પાછી ચૂપચાપ બેસી ગઈ ડાળ પર..થોડીકવાર પછી માહી એ પાંખો ફફડાવી... “ચી ચી ચિચી ચી ચી...હંક..કહેતી તી ને કે આમ કરી નાખું ને તેમ કરી નાખું હવે કેમ બેસી ગઈ ?” પ્રીયાંશીબહેન તો બોલે કે ચાલે....પણ એમનામાં તો આવી ગઈ એવી હિમ્મત કે ચલ...મારીએ ચાંચ... છતાં એ મુશ્કેલી તો હતી જ કે ક્યાંક મગરભાઈ મોં ના ખોલી દે !
ત્યાં તો દૂરથી અવાજ સંભળાયો...(બોલો કોણ હશે ?) “ક્ર્ર્રર્ર્ર્રર્ર્ર કા કા ક્ર્ર્રર્ર્ર્રર્ર્ર્ર કા કા” (બધા બોલી પડશે કે કાગડો, તો આપણે કહેવાનું ના ! કાગડો નહિ કાગડા !) પછી પૂછો કેટલા કાગડા રાખવા છે ? (તેઓ કહે એ માત્રામાં કાગડા લો એટલે વાર્તા આગળ વધે !) [અમારી વાર્તામાં છ કાગડા આવ્યા) કાગડા આવ્યા... “ઓયે...ચકલીઓ...ક્ર્ર્રર્ર્ર્ર કેમ્મ્મ્મમ છ્હ્હૂઊ?” (હવે કાગડા બોલે કા..કા..માં આવું થોડું શાહરૂખ જેવું ક્ક્ક્કક્ક્ક્ક નાખો તો એમને મજા પડશે !) કેમ છો મજામાં ? શું છે આપણા ઝાડની નવાજૂની ?” માહી કહે, “કલ્લુ અંકલ, (હવે રાખોને ભાઈ ક પરથી કાગડાનું જે નામ રાખવું હોય...એ...) અમારે પેલા મગરને ચાંચ મારવી છે..પણ બીક લાગે છે ! “હુહ...(કાગડો..કદાચ ક્રૂઊઊઉ ક્રૂઊઊઊ એમ પણ બોલે !) એમાં શી મોટી વાત છે...આ તો મારા ડાબા હાથનો અરરરર (કે કર્ર્ર્રર્ર્ર્ર) ડાબી આંખનો ખેલ છે. હું આ ગયો ને આ આવ્યો...તમારા માટે મગરની મંજૂરી લઇ... કાગડો તો ઉડ્યો મગર પાસે..બંને ચકલીઓ જોઈ રહી ફાટી આંખે !
    કાગડાએ કહ્યું, “કેમ છો મગર મિત્રો, આ તમારા શરીર પર ઈયળો ક્યારની પડી છે ? “મગરે માંડ આંખ ખોલી – (આંખ ખોલી બતાવો ધીમે ધીમે...) “હ્છ્છછ્છ્હ્છ....ઈઈઈયળ ?” “હા, ઈયળ નહિ ઈયળો !” “કેટલી છે ?” કાગડો તો કુદ્યો મગરની પીઠ પર...”આઆઆઆઅ...જુઓ તમારા પર...ચાર...ને તમારા પર બીજી ચાર ! “ (તમારે નહિ કહેવું પડે છોકરા બોલી પડશે...આઠ) “મગરભાઈ આ તો મગજમારી (કે મગરમારી) થઇ ગઈ..” “ઓયે કલ્લુ તું વીણી લે ને ભાઈ..મારી આ જાડી પૂછડી તો ત્યાં સુધી નહિ પહોચે !” અને કલ્લુ એ તો સીટી મારી...ચકલીઓને બોલાવી. (કલ્લુની સીટી કેવી વાગે? – વગાડો અને વગડાવો) પ્રીયાંશી અને માહી તો તૂટી પડી....ચક ચક..તક...તક...ટક ટક....(આમ, નહિ...એક એક કરી ઈયળ પકડો... ) એ ટક – એક, ટક – બે, ટક – ત્રણ (આઠ પછી પણ ટક ચાલુ રાખો...તેમને મજા પડે ત્યાં સુધી ) પછી તો મગરને થવા માંડી.....ગલીપચી...ને એ તો ભાગ્યા..પાણીમાં...
આવું જે કહેવું હોય તે – પછી બોર્ડ પર સંખ્યા અને નામ લખો તેઓ જોડે...ને વાર્તા લખે...
અમારા બીજા ધોરણના ટાબરિયાઓ ને તો મજા પડી...તમે ટ્રાય કરી જુઓ...ને કહેજો.
વાર્તા આપણી..મજા આપણી...જેમ ગાય તેના ગીત એમ “કહે તેની વાર્તા” !

February 01, 2019

શ્રેષ્ઠ નાગરિક – એ શિક્ષણની જવાબદારી !!



શ્રેષ્ઠ નાગરિક – એ શિક્ષણની જવાબદારી !!

       રાષ્ટ્રના બે પર્વ આપણે બે દિવસ ઉજવીને અટકી ના શકીએ ! આઝાદ હોવાની પ્રેક્ટિસ કરવી પડે. અચાનક આવી પડતી આઝાદી તેની સાથે જવાબદારીઓ લઈને આવે છે. અને તમારી આસપાસ નજર દોડાવો....દુનિયા એવા લોકોથી ભરી પડી છે જેમને કામ તો કરવું છે પણ જવાબદારી ભાગતા ફરે છે. હું કૈક કરીશ તો મારા બોસ શું કહેશે ? મારા સહકર્મી કેવી ટીકા ટીપ્પણી કરશે ? મારા ઘરના વ્યક્તિઓ, મારા મિત્રો તેને કેવી રીતે જોશે ? લોકો શું કહેશે ? કોઈકે બરાબર કહ્યું છે, “ સબ સે બડા રોગ, ક્યા કહેંગે લોગ !”  અને આ રોગ ભલભલાને પોતાના કાર્ય કરતા થંભાવી દે છે. માણસો જાતે નક્કી જ નથી કરી શકતા કે તેઓ જે કરવા જઈ રહ્યા છે તે યોગ્ય છે કે નહિ ? વારેવારે તે બીજાની કન્ફર્મેશન લેવા દોડી જાય છે. સલાહ લેવી એક બાબત છે અને કન્ફર્મેશન લેવી બીજી !
        આપણી શાળાની નાગરિક ઘડતર પ્રવૃત્તિ વિદ્યાર્થીઓમાં અત્યારથી જ નિર્ણય લેવાની અને તે નિર્ણય મુજબ આયોજન કરી કાર્ય કરવાની સાથે તેની જવાબદારી ઉપાડવાની શક્તિ નિર્માણ કરે છે. આ વખતની બાળ સંસદ બરાબર પ્રજાસત્તાક દિનના આગળના દિવસ સાંજે ભરાઈ. જેમાં દરેક ગૃપની કામગીરીની સમીક્ષા થાય, શાળાના અન્ય પ્રશ્નોની પણ અહિયાં ચર્ચા થાય. સામાન્ય રીતે યશવંતની નજર દરેક બાબત પર હોય જ છે અને દરેક સંસદમાં તે પોતાની વાત રજુ કરે જ. પરંતુ આ વખત સામે નેહલ હતી.. બંને વચ્ચે સંવાદ થયો તે અમને “શુકુન” આપતો હતો કે તેઓ પોતાના હક માટે જાગૃત છે સાથે જ પોતાની જવાબદારીઓ માટે સભાન પણ !
એક પ્રજાસત્તાક દેશ માત્ર “પ્રજાસત્તાક છીએ” એમ કહેવાથી નથી બની જવાતું, એ માટે જેની પાસે સત્તા છે તેમનું શિક્ષણ પણ કરવું પડશે !