September 30, 2018

गाँव मेरा रंगरेज रे बाबू !



गाँव मेरा रंगरेज रे बाबू !

“સાહેબ, ઓગણીસો છ્યાશીમાં હુ, રમેશભય, સુભાષભય ગોધરા જેલા.... ગાંમના કાંમ હારું.. તે એ અધિકારીએ ચોપડા ફેદાઈન કયુ – ક  “ગોધરા તાલુકામાં નવા નદીસર એવું કોઈ ગામ જ નથી...આ ચોપડે !” ને કાલે ટી.વી. જોતો ને ત્યાં દિલ્લીથી નવા નદીસર એમ હાંભર્યું તે..રાજી થ્યો !”
દરેકને રાજી થવાના આવા જુદા જુદા કારણો હતા. ચોથી અને પાંચમી સપ્ટેમ્બર, ૨૦૧૮ જાણે નવા નદીસરની હોય ! છાપાઓ હોય, ગુજરાતી, હિન્દી ન્યુઝ ચેનલ્સ હોય, રાજ્યના મુખ્યમંત્રીશ્રી, રાજ્યપાલશ્રી, ભારતના વડાપ્રધાનશ્રી અને ઉપરાષ્ટ્રપતિશ્રી સુધી સૌની સમક્ષ આપણી મસ્તી કી પાઠશાલાને અને ગામને  રજુ કરવાની તક ઉપલબ્ધ હતી. ભારતના વડાપ્રધાન સાથે તેમની અને શાળા વચ્ચેની ૨૦૦૮ ની યાદો તાજી થાય, મુલાકાતના અંતે એમના tweeter પર “એસેટ ઓફ ધ નેશન” કહે, વિજ્ઞાન ભવનમાં તાળીઓના ગડગડાટ વચ્ચે ગુજરાતી ગરબાથી શાળા અને ગામ અંગેની ફિલ્મ શરૂ થાય અને જેમને હજુ ‘ટચવારો’ (ટચ સ્ક્રીનવાળો) ફોન નથી જોયો એવા મોઘીફોઈ સ્ક્રીન પર દેખાય ! ઉપરાષ્ટ્રપતિ નેશનલ એવોર્ડ આપી સન્માન કરે. 
અને એજ સમયમાં રાજ્યમાં પણ ગુજરાતના અગ્રગણ્ય પત્રકારો અને શિક્ષણમંત્રીશ્રી સમક્ષ શાળાની અને ગામના પ્રયોગોની સરાહના થાય. રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રી ના હસ્તે રાજ્ય પારિતોષિકનું સન્માન થાય !
આ બધામાં જે ‘એકતારો’ સતત ગુંજે તે એ શાળામાં થતો કલબલાટ ! અમને અપાતા જાસા અને ઠપકા, સવાર સવારમાં મુસ્કાન સાથે મળે અને ખોટું લગાડી બપોરે મોં ફુલાવી જમતા એ ચહેરા...ફરી સાંજે ઘરે જવા ધક્કા મારી કાઢી મુકીએ..તો ગુસ્સે ભરાતા એ સૌ ! નેશનલ મિડીયાથી લઇ, ગામ લોકો અને આજુબાજુના સૌ... બધા અમને જાણે જુદી રીતે જ મળ્યા... એક એ બાળકોની ટીમ છે જે અમે ત્રીજીએ જેમ મુકીને ગયા એમ જ છઠ્ઠીએ પાછી મળી ! 😊 શાળામાં જતા જ ક્યાં છે મેડલ ? તરત જ બધું લઈને ગોઠવાઈ ગયું, અને એ સહજતાથી જ જેમ કોઈ તાલુકામાં ખેલમહાકુંભમાં જીતીને આવે ને એમ અમારું પોતીકું ફંક્શન પૂરું થયું... ને પછી વર્ગમાં જઈ... એ જ અમારા વિશ્વમાં !
ગ્રામજનોએ જે ઉમંગથી શાળામાં આવી એમના પૈકીના એવા અમે શાળાના સભ્યોને ગળે લગાડ્યા એ આંખ ભીંજવી દેનારી ઘટના હતી... [LIVE] ગામના વડીલો અને બહેનોનો હરખ એ જ અમારો મહામુલો એવોર્ડ હતો. બાકી નવા નદીસરની યુવા બ્રિગેડ તો હવે અમારા માટે રોજ નાના નાના એવોર્ડ સમાન કાર્યો કરતી જ રહે છે ! ક્લિક 👇


No comments: