August 12, 2012

લોકબોલી – આપણી ભાષા....


લોકબોલી – આપણી ભાષા....

                         ધોરણ સાતમાં ગુજરાતીના એક સ્વાધ્યાયમાં લોકબોલીના શબ્દોની યાદી બનાવવાની પ્રવૃત્તિ છે. યાદી બનાવવાની પ્રવૃત્તિ-મોટાભાગના વિદ્યાર્થીઓ માટે મજેદાર રહી પણ ગોપાલ ભરવાડ કે જે ડેરેથી સીધો શાળાએ આવતો હોય...તેને આ ગૃહકાર્ય પસંદ જ ના પડે તે સ્વાભાવિક હતું. દફતર તો શાળામાં જ હોય, વાંચવા રોજ એક ચોપડી લઇ જાય..એટલે બીજા બધાએ જયારે પોતાના શબ્દો રજુ કર્યા ત્યારે તેના ચહેરા પર નિરાશા દેખાઈ પણ ખરી !
એક નવું કામ તે જ પ્રવૃતિમાં જોડવામાં આવ્યું, તે શબ્દોનો ઉપયોગ કરીને આપણે બોલીએ એવા વાક્યો બનાવો જેમ કે.......
              –મલાડું – અલી, જો ઘરમાં મલાડું ભરાયું, દુદ પી જહે...
હવે, બધા જયારે વાક્યો બનાવતા હતાં ત્યારે ગોપાલે તેની બોલીના શબ્દોની યાદી બનાવવાની શરૂઆત કરી...
તેના શબ્દોએ મજા બમણી કરી-કારણ કે તેમના રબારી સમાજમાં બોલતા ઘણા શબ્દો બીજા વિદ્યાર્થીઓથી તદ્દન અજાણ્યા હતાં અને ગોપાલ હીરો બની ગયો !
કેટલાક શબ્દો તો મનેય રોમાંચિત કરી ગયા.
જેમ કે – વાઘ – ઘેટું , ટેટા- બકરીઓ , ગાડ-ઘેટાં,  આ સિવાય ડાડા, હાડો,બાડલો, બુગો, બોગયનું...
કેવા નવા શબ્દો છે !

આ શબ્દો જીવે તે જરૂરી છે....એ આપણા લોકજીવનનો પ્રાણ છે ! અને આ પ્રકારની પ્રવૃતિઓ તે શબ્દોની સંજીવની !

August 08, 2012

પરિરિરિરિરિરિરિરિ.ભ્રમણ કે ક્રમણ...???



પરિભ્રમણ અને પરિક્રમણ



 બાળકોને  પૃથ્વીનું "પરિભ્રમણ" અને "પરિક્રમણ" વિશે જણાવવા અને તેને બાળકો સ્પષ્ટપણે સમજે તે માટે ઘણી પ્રવૃત્તિઓ કરીએ છીએ,અને આવી પ્રવૃત્તિઓ વડે બાળકો જાણી અને કદાચ સમજી પણ લે છે કે “પૃથ્વી પોતાની ધરી પર ભમરડાની જેમ ફરે છે જેને પરિભ્રમણ કહે છે,અને તે સૂર્યની આસપાસ પણ ફરે છે.જેને પરિક્રમણ કહે છે” છતાં પણ અમે અનુભવ્યું છે કે કેટલાંક બાળકોમાં પરિભ્રમણ અને પરિક્રમણ શબ્દના અર્થની સમજ વિના આ પ્રવૃત્તિઓ ધ્વારા મેળવાતી સમજ આ પ્રવુત્તિ પૂરતી સિમિત રહે છે, તે માટે બાળકોને પહેલાં તો પરિભ્રમણ એટલે શું.....અને પરિક્રમણ....એટલે શું? તેમાં તેમની સમજને સ્પષ્ટ કરવી પડશે, જેમકે  બાળકોને “ભ્રમણ” માટે ભમરડો,ફૂંદરડી ફરવી વગેરે રમતો/પ્રવૃત્તિઓ વડે અને “ક્રમણ” માટે ગોળ-ગોળ ગાડી દોડાવવી,એકબીજાના હાથની સાંકળ બનાવી ગોળ ફરવું વગેરે રમતો/પ્રવૃત્તિઓ/ક્રિયાઓ વડે સમજ આપી....અને ત્યારબાદ એક રમત વડે શાળાએ એવો પ્રયત્ન કર્યો કે જેમાં બાળકોની સંકલ્પનાઓના સ્પષ્ટીકરણનું મૂલ્યાંકન થાય...અને આમ બાળકોમાં પરિભ્રમણ અને પરિક્રમણની સંકલ્પનાઓ સ્પષ્ટ થયા બાદ જ પૃથ્વી કેવી રીતે આ ક્રિયા કરે છે તે સમજાવ્યું.....જેમાં શાળાએ “રામ-રાવણ”ની  રમતનો ઉપયોગ કેટલાંક ફેરફાર સાથે કર્યો....જેનું આયોજન નીચે મુજબની પ્રક્રિયા વડે થયું.  

   ·  શિક્ષકશ્રી પોતે મધ્યમાં ઉભા રહી સૂર્ય તરીકેની ભૂમિકા નિભાવશે અને આસપાસ ગોળમાં બાળકો ઉભા રહેશે

    

 શિક્ષકશ્રી રામ-રાવણ રમતની જેમ “પરિભ્રમણ-પરિક્રમણ’ નો આદેશ આપશે. 
જે આદેશ તે “પરિરિરિરિરિરિરિરિ.ભ્રમણ” અથવા “પરિરિરિરિરિરિરિરિ.ક્રમણ” ઉચ્ચારમાં કરશે.

·        પરિભ્રમણના આદેશની સાથે જ બાળકો પોતાની જ જગ્યા ઉપર એક આંટો ગોળ ફરશે.
               
 ·        પરિક્રમણના આદેશની સાથે બાળકો એક ડગલું આગળ કૂદશે.
     વિજેતા બાળકને “પૃથ્વી”નું બિરુદ મળશે. અને ત્યારબાદ પૃથ્વીની “પરિભ્રમણ” અને ‘પરિક્રમણ’ ની ક્રિયાને બાળકો નીચેની પ્રવૃત્તિથી જાણશે....
પૃથ્વી સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે....
     
 પૃથ્વી પોતાની ધરી પર પરિભ્રમણ કરે છે.....



પૃથ્વી પરિભ્રમણ કરતાં કરતાં પરિક્રમણ કરે છે....
આપની પાસે અન્ય કોઈ પ્રવૃત્તિઓ હોય તો અમને કોમેન્ટમાં જણાવો અથવા તો અમારા સરનામે મેઈલ કરો.

August 06, 2012

તિથીભોજન.....




જેનો સ્વાદ કંઈક અલગ જ હોય છે...
"તિથીભોજન"


                              આજે  શાળામાં બાબુભાઈ સોમાભાઈ રાવળ તરફથી બાળકોને તિથીભોજન આપવામાં આવ્યું હતું,જેનો બાળકોએ ઉત્સાહ અને પ્રેમથી સ્વિકાર કર્યો હતો,તિથીભોજન આપનાર દાતાશ્રી બાબુભાઇ રાવળનો શાળા પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે....




અડધો લાડવો તો લેવો જ પડશે...આગ્રહ કરતાં બાબુકાકા 

August 03, 2012

સપ્તરંગી પ્રવૃત્તિ-'રક્ષાબંધન"


રક્ષાબંધનની ઉજવણીનો બેવડો આનંદ...!!!

અમારી શાળાએ રક્ષાબંધનના બીજા દિવસે રક્ષાબંધનની ઉજવણી કરી, દર વર્ષે  થતી ઉજવણીના આયોજન કરતાં આજની ઉજવણીના આયોજનમાં થોડો ફેરફાર કર્યો.....એક ફેરફાર એ હતો કે દર વર્ષે અમારી શાળા બજારમાંથી ખરીદી કરેલ રાખડીઓ વડે રક્ષાબંધન ઉજવણી કરતી  હતી,પરંતુ આ વખતે પ્રજ્ઞા શિક્ષકશ્રીએ સપ્તરંગી પ્રવૃત્તિ અંતર્ગત શાળાની બાળાઓને જ  રાખડીઓ બનાવતાં શીખવી અને બાળાઓની આ પ્રવૃત્તિ ધ્વારા નિર્મિત તે જ  રાખડીઓનો  ઉપયોગ શાળાએ રક્ષાબંધનના તહેવારની ઉજવણીમાં કર્યો, એટલે કે મોટાભાગની બાળાઓએ ઉજવણી સમયે છોકરાઓને એ જ રાખડી બાંધી જે તેમણે પોતે બનાવેલ હતી...હવે તમે જ વિચારો  કે પોતે જ બનાવેલ રાખડી બાંધવાનો ઉત્સાહ કેવો અને કેટલો હોય....આમ અમારી દિકરીઓને રક્ષાબંધનની ઉજણવીમાં ડબલ આનંદ મળ્યો....રાખડી બનાવવાનો & રાખડી બાંધવાનો.........
ઉજવણીમાં  બીજો ફેરફાર એ હતો કે .....દર વર્ષે બાળકોને શિક્ષકમિત્રો ધ્વારા રક્ષાબંધન તહેવાર વિશે માર્ગદર્શન આપવામાં આવતું..તેની જગ્યાએ આ વખતે રક્ષાબંધનને એક વિષય અથવા તો એકમ બનાવી તેના પર ચર્ચાસભાનું આયોજન કર્યું...જેમાં બોર્ડમાં દર્શાવેલ મુદ્દાઓ પ્રમાણે ક્રમશઃ સૌએ ચર્ચા કરવી...અને તે મુદ્દાની ચર્ચાના અંતમાં શિક્ષકશ્રીએ તેનું વ્યવસ્થીકરણ કરવું....ચર્ચા-સભાનો ઉદેશ્ય એ હતો કે બાળકો ફક્ત નિબંધમાળાની જ રક્ષાબંધનને ઓળખે અને પૂછાય ત્યારે [બાળકે ભલેને પોતે  અલગ રીતથી ઉજવી હોય પણ ]તેને જ લખે...” આવી ગરેળમાંથી ધીમે-ધીમે બાળકોને દૂર લઇ જવાનો પણ હતો...
ટૂંકમાં કહીએ તો  તહેવાર એ જ છે કે જેની ઉજવણીનો આંનદ રોજબરોજની એકની એક જીવનશૈલીના કાંટાળા/થાકને દૂર કરી દે, અને અમારી ઉજવણીએ પણ આ જ કામ કર્યું અને અમને અને અમારા બાળકોને તરોતાજા કરી વધુ પ્રગતિશીલ બનવા તૈયાર કરી દીધા છે..જેમાંના નીચેના કેટલાંક અંશો જોઈ તમે પણ આનંદિત થઇ શકો છો.....
 ચર્ચા-સભા-: રક્ષાબંધન 
 રાખડીઓ બનાવતી બાળાઓ 
 અમારી શાળાના દિકરાઓને રાખડી બાંધતી અમારી દિકરીઓ ...




 શિક્ષક-મિત્રોને રાખડી બાંધતી અમારી ધોરણ-૮ની  દિકરી..

મોં મીઠું ન થાય તો ઉજવણી કેવી રીતે પૂરી થઇ કહેવાય..???  

July 23, 2012

ઐતિહાસિક સ્મારકો અને આપણા બાળકો-1



ઐતિહાસિક સ્મારકોની મુલાકાતે......

બાળકો ઐતિહાસિક સ્થાપત્યોને જોવે જાણે અને તેનું મહત્વ સમજે તે માટે બાળકોને આપણે  ઐતિહાસિક સ્થાપત્યોની મુલાકાતે લઇ જઈએ છીએ. પરંતુ આમાં હવે વધારે એક કડી ઉમેરવી જોઈએ કે....બાળક જોવે-જાણે અને તેની સાથે સાથે તે ઐતિહાસિક સ્થાપત્યને અનુભવે અને પછી આપણે નહિ કહેવું પડે કે બાળક તેનું મહત્વ સમજે. બાળક જ્યાં સુધી તમે મુલાકાત લેવડાવેલ સ્થાપત્યને અનુભવી નહિ શકે ત્યાં સુધી તે તે સ્થાપત્ય સાથે સંકળાયેલ ઈતિહાસને જાણવા માટેની ભૂખ તેનામાં નહિ જાગે. હવે તમને થશે કે સ્થાપત્યને અનુભવવાની વાત..... કેવી રીતે???
બાળપણનો ફોટોગ્રાફ્સ જોતાં તમારું રીફ્લેક્શન્સ કેવાં હોય છે? શું તે ફોટોગ્રાફ્સ જોઈ-જાણી અને પછી તેનું મહત્વ સમજો છો? ના તમારા માટે તે ફોટોગ્રાફ્સ એટલાં માટે મહત્વનો બની જાય છે કે તે તમારા ઇતિહાસ સાથે સીધો જોડાયેલો છે, અને તેને કારણે તમારી લાગણીઓ તેની સાથે જોડાયેલી છે અને પરિણામે તમે ફક્ત તેને જોતાં નથી ....તે ફોટોગ્રાફને અનુભવો પણ છો.હવે વિચારો કે તમારા દાદાના દાદાના દાદાના દાદાની લાકડી તમને જોવા મળે તો...???
 મિત્રો સ્થાપત્યોને જોવાથી કે જાણવાથી બાળકો થોડો સમય તેનાથી વાકેફ થઇ શકશે પરંતુ બાળકોને તે અનુભવાવવા માટે તો તે સ્થાપત્યનો ઇતિહાસમાં આપણા સાથે કેવી રીતે જોડાયેલાં હતાં તેની સમજ આપવી પડશે...એટલે કે તે સ્થાપત્યના ઇતિહાસનો એક છેડો જેટલો બને તેટલો બાળકના ગામના/જીલ્લાના/રાજ્યના કે દેશના ઈતિહાસની નજીક લાવવો પડશે. એટલે કે તે સ્થાપત્યનો ઇતિહાસ તે બાળકના ગામના/જીલ્લાના/રાજ્યના કે દેશના ઈતિહાસ સાથે કેવી રીતે જોડાયેલો છે તેની સમજ આપવી પડશે. પછી આપણે સ્થાપત્ય વિષે બાળકને મહત્વ સમજાવવું નહિ પડે,બાળક માટે તે સ્થાપત્ય જ મહત્વનું બની જશે...અને તેની જાળવણી પણ કરતાં થશે...તે માટે બાળકોને ફક્ત એક જ પ્રશ્ન કરવો પડશે કે બાળકો,વિચારો કે તમારા પહેલાં જે લોકો આ સ્થાપત્ય જોવા આવ્યા તેઓએ મહત્વનું સમજી જાળવણી ન કરી હોત તો શું આ સ્થાપત્ય આપણને અનુભવવા મળત???  મિત્રો,૬૦ વર્ષની આઝાદી પછી પણ “આપણા સ્થાપત્યોને નુકશાન ન પહોંચાડીએ” તેવી જાહેરાતો આપવી પડે છે તેનું કારણ આ જ છે કે મોટાભાગના લોકો પોતાના સ્થાનિક ઇતિહાસ અને સ્થાપત્યોના ઇતિહાસથી અજાણ છે,અને પરિણામે તેમને ખબર નથી કે સ્થાપત્યો તેમની સાથે કેવી રીતે જોડાયેલાં.....માટે જ બાળકો સ્થાપત્યોની મુલાકાત લઇ આનંદ માણે પણ સાથે-સાથે તેનું મહત્વ સમજાવવા એક આવો પ્રયત્ન કરવો જ રહ્યો .....





















ઐતિહાસિક સ્મારક “રત્નેશ્વર” વિશે ધાર્મિક માન્યતા 

ભારત સરકારશ્રી ધ્વારા રક્ષિત આ સ્મારક પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના રતનપુર[કાંટળી]ગામની નજીક આવેલું છે.કહેવાય છે કે તે સમયે રત્નેશ્વર- ગળતેશ્વર[ઠાસરા,ખેડા]-નંદકેશ્વર[નદીસર,પંચમહાલ]-કલેશ્વરી [પંચમહાલ] આ ચાર સ્થાનના દર્શન ચારધામ સમાન ગણાતાં... 







ઐતિહાસિક સ્મારકો અને આપણાં બાળકો -૨


"નંદકેશ્વર"-નદીસર ગામમાં આવેલ પૌરાણિક સ્થાપત્ય







 બાળકોની સમજ માટે શિલાલેખની ગરજ સારતા લખાણનું નિદર્શન....


નજીકના ગામ કબીરપૂર પાસે આવેલ પૌરાણિક વાવની મુલાકાતે...  








ગરમ પાણીના કૂંડ-ટૂવા [તા-:ગોધરા,જી-પંચમહાલ] 







 બાળકોને વૈજ્ઞાનિક ઢબે કૂંડ બતાવતા વિષય શિક્ષક- સલ્ફરનું પ્રમાણ વધારે હોવાથી પાણી ગરમ હોય છે.....સલ્ફર ચામડીનાં રોગોમાં રાહતકારક હોઈ......અહિં કૂંડના પાણીથી સ્નાન કરવાથી ચામડીના રોગોમાં રાહત મળવાની માન્યતા  છે... 




ઈન્ટરનેટ પરથી અન્ય સ્થાપત્યોને ડાઉનલોડ કરી બાળકોને માહિતગાર બનાવવાનો એક પ્રયત્ન