March 20, 2024

આંખોથી અંદર જોવું - Each life on 🌎 earth is important 🤝

🌎 આંખોથી અંદર જોવું 👀

        જ્યાં રહીએ છીએ એના ખૂણે ખૂણામાંથી આપણે જે જોઈએ છે  તે બધું જ નીચોવી લઈએ છીએ.  સતત એ મથામણમાં રહીએ છીએ કે કેવી રીતે પ્રકૃતિને સ્રોતમાં બદલી શકીએ અને આ દોડમાં એ સાવ વિસારે પડી જાય છે કે -

“વિશાળે  જગ વિસ્તારે  નથી  એક જ માનવી,

પશુ છે, પંખી છે, પુષ્પો, વનો, ને છે વનસ્પતિ!

                                                                      -: ઉમાશંકર જોશી

આ વિસારે પાડવાના પરિણામે મનુષ્યને જે જે મુશ્કેલીઓ શરૂ થઈ છે એ પણ આપણે ભોગવી જ રહ્યા છીએ ! એક પછી એક કુદરતની રચાયેલી આ કરામતો ને માણસને ઉપયોગી “સ્રોત” બનાવી દીધી એમ એમ મનુષ્ય માટે જીવનનો એ ટુકડો અકુદરતી થતો ગયો ! આ વણઝાર - કુદરતને અકુદરતી સ્રોત બનાવવા તરફની આ વણઝાર અકલ્પ્ય રીતે આગળ વધી રહી છે. સતત  માણસને પોતાનું હોવાપણું ડંખી રહ્યું છે.  તે જે છે, જ્યાં છે, જેમ છે: ત્યાં રહી શકવાની જે કુદરતી શક્તિ હતી તે ગુમાવી રહ્યો છે.  એ દોડમાં છે કે કેવી રીતે હું આજે જે છું ત્યાંથી બીજો કોઈક જ્યાં છે ત્યાં પહોંચી જાઉં. બીજી જગ્યાએ પહોંચી જાઉ, બીજાની જેમ જીવું !  અને આ દોડમાં હાથીના પગ નીચે સસલા કચડાય તેમ માણસની પોતાની શાંતિ કચડાઈ રહી છે !

 અકારણ ગુસ્સો, ચીડ, નિરાશા, હતાશા, અકથ્ય અકળામણ -  ને એવું જાણે કે હવે ભીતર એવું કશું રહેવા જ નથી દીધું જે કુદરતે આપણી અંદર ભર્યુંભાદર્યું કરેલું.  હવે એ જે કંઈ છે આપણને “ભરેલા હોવાનો અનુભવ તો આપે છે” -  એમ માની ચાલે જઈએ છીએ. એ અકુદરતીમાંથી કશુંય  દૂર કરવાની હિંમત તો શું  - વિચાર પણ કરી શકીએ એવી માનસિક સ્થિતિમાં આપણે નથી. કારણ એ જ કે એ ખાલી થાય તો ભરવું શું  ? અને આ તો ગ્લાસમાંની હવા જેવું છે.  હવા પોતે એની મેળે ખાલી થાય નહીં એમાં આપણે બીજું કશુંક ભરવું પડે આ ભરવું પડે તો ભરવું શું ?

        આપણામાં રહેલા આ અકુદરતી ને બદલે કુદરતને સ્થાપિત કરવા આપણી સૌ સંગાથે જે જીવે છે તેમને મળવા માટે અમે શનિવારે નીકળ્યા. રોજેરોજ જે વર્ગખંડમાં શાંત હોય જ નહીં : જેમના મોઢામાંથી દલીલો, ચર્ચાઓ, પ્રશ્નો, વાંધા-વચકા, બૂમો નીકળ્યા જ કરતી હોય એવા બાલવાટિકાથી આઠમા સુધીના બધાં અમે શાળાથી કિલોમીટર જેટલા દૂર એક તળાવ સુધી જવાનું નક્કી કર્યું. ... રસ્તામાં જતા અને આવતાં જે જે અવાજો થાય એ માત્ર સાંભળવા. જીવજંતુ, પાંદડાં, ઝાડ, ઝાડી - ઝાંખરાં, પાણી, પથ્થર બધું જ નિહાળીએ - એક પણ શબ્દ બોલ્યા વગર!

આંખોની બહાર નીકળીને તો રોજે રોજ જોઈએ છીએ. કોઇકવાર એ આંખોની પાછળ, અંદરની દુનિયામાં શું શું થાય છે એ જોવું હોય તો મૌન એ પહેલું પગથિયું છે. એમને આ મૌનના જાદુનો અનુભવ કરાવવા સવારની સભામાં ત્રણ બાબતો વિશે ટૂંકી ચર્ચા કરી : 

1. આપણે શું કરીશું?   2. શા માટે કરીશું ?    3. કેવી રીતે કરીશું ?

        નીકળ્યા - દૂર ગગનમાં વિહરતાં પંખીઓ તરફ મંડાતી આંગળીઓને એ જોઈને એકબીજાની આંખોમાં ઊભરી આવતો મલકાટ ! કોઈક પક્ષીનો અવાજ આવે કે તરત જ કાન તરફ થતી આંગળીઓ - કોઈક થી બોલાય જાય તો શશસસસસઅઅઅઅઅ... કરી થતું મૌન રહેવાનું રિમાઇન્ડર.  તળાવના પાણીમાં ઊંડે સુધી દેખાતી સજીવસૃષ્ટિ, ડૂબકી મારતી જળકૂકડી, કીડી, મકોડા, ઝીણાં પીળાં ફૂલ, જુદા જુદા રંગના પથ્થરો, કરોળિયાનાં જાળાં, પક્ષીઓના માળા - ઈંડાં..

       ક્યાં યાદી માંડીએ ! આ જોઈ જુઓ અને એ પણ જોજો કે આ અનુભવી પરત આવેલા સૌ કેટલી તન્મયતાથી એ વાતને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આ આખું જગત કેવા તણાવાળાથી જોડાયેલું છે !

😍😍 માણો – Each life on earth is important





































































કાર્યક્રમનો  વિડીયો સમયમાં...


March 15, 2024

यह भी एक परीक्षा 🌟 [ STD 6 Hindi ]

यह भी एक परीक्षा 🌟 [ STD 6 Hindi ]

સંયુક્ત કુટુંબમાં રહેવું, નાનામોટા પ્રસંગોમાં પંગતમાં બેસીને જમણ કરવું અથવા તો રોજ સાંજે પરિવારના સૌએ  ભેગા મળી દિવસ આખાનો વાર્તાલાપ કરવો. આ બધું હવે ધીમે ધીમે આપણી જીવનશૈલીમાંથી લુપ્ત થતું જાય છે. આપણે સૌ આ બધાં રિતરીવાજથી દૂર થતા જઈએ છીએ અને તેના અભાવે થઈ રહેલા નુકસાનને આપણે સૌ અનુભવીએ છીએ. પંગતમાં બેસીને જમવાથી વધારે જમાતું - આવું આપણે સૌએ અનુભવ્યું છે. અને તેના કારણે જ બૂફેમાં ભલે ઊભાઊભા જમવાનું હોય તો પણ સાથે જમનારની કંપની શોધતા હોઈએ છીએ અને તેનું એક મુખ્ય કારણ છે કે આદિકાળથી માનવ હમેશાં સ્વભાવગત ઝૂંડમાં રહેતું સામાજિક પ્રાણી છે. ભલે તે સંયુક્ત કુટુંબથી દૂર થતો ગયો હશે પણ એકલતા આજે પણ માણસનો સ્વભાવ બની નથી.

આવા આપણા માનવસમાજમાંથી આવતાં આપણાં બચ્ચાં પણ એવાં જ છે. તેઓને એક રૂમમાં બેસાડીએ એટલે ભલે એકબીજા સાથેની ઓળખાણ ન હોય પરંતુ થોડી જ વારમાં એવાં હળીમળી જશે કે રમત - તોફાનમસ્તી વડે રમખાણ ઊભું કરી દેશે. સમૂહમાં રહેવા અને સમૂહમાં જીવવાનો મૂળ સ્વભાવ હજુ પણ આપણા એટલે કે માણસ નામના પ્રાણીમાંથી ગયો નથી તેની આ સાબિતી છે. અને તેનું કારણ એ પણ હોઈ શકે કે વર્ષો જૂની આપણી સામાજિક - સાંસ્કૃતિક રીતભાત જેમાં કહેવાયું છે કે “સાથે રહીએ - સાથે રમીએ - સાથે જમીએ - સાથે કરીએ સારાં કામ !

આપણી પરંપરાગત શિક્ષણ પદ્ધતિ પણ આના આધારે જ કાર્યરત હતી. જેમાં રાજાનાં સંતાનોને પણ આશ્રમોમાં ભણવા ફરજિયાત જવું પડતું. અથવા જો રાજમહેલમાં ભણવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવતી તો રાજકુમારના ભાઈબંધો અથવા જો રાજકુમારી હોય તો તેની સાહેલીઓને  પણ સાથે અભ્યાસ માટેનું કહેવામાં આવતું. ત્યારબાદની શિક્ષણ પદ્ધતિઓમાં ભલે આશ્રમનું રૂપ શાળાઓએ લીધું. પણ સમૂહમાં શીખવું એ કોમન બાબત બની રહી. અને સમૂહનો મોટો ફાયદો એ પણ રહ્યો છે કે જે તે  વિષય અંગેના વધુ તર્ક અને તેના આધારે વધુ ચર્ચાને અવકાશ મળી રહેતો હોય છે. 

શાળામાં પ્રાર્થના સમેલનમાં આજના રોકસ્ટાર પ્રવૃત્તિ શરૂ કરી ત્યારે ઉદ્દેશ્ય આવો જ સમૂહમાં શીખવા - જાણવાનો હતો.  જેમાં નવું જાણેલું, વર્ગખંડમાં નવું શીખેલું અથવા તો નવું કઈક કરેલું શાળામાંના બધાં જ બાળકો સુધી પહોંચે. આજે “આજનાં રોકસ્ટાર” તરીકે ધોરણ છઠ્ઠાનાં બાળકો હતાં. તેઓએ તેમના ક્લાસરૂમમાં હિન્દી વિષયના એકમ यह भी एक परीक्षा ! નો આસ્વાદ માણ્યા પછી આખી શાળાનાં બાળકોને મજા કરાવવા તેને નાટક તરીકે ભજવી બતાવ્યું. તેઓને ભજવવાની મજા આવી તેના કરતાં બાકીના શાળાનાં બાળકોને પ્રેક્ષક તરીકે જોવાની મજા આવી. સૌથી મજાની વાત એ હોય છે કે આવામાં એકમ ધોરણ પૂરતો ન રહેતાં આખી શાળાના સમૂહનો બની રહે છે. સાતમા અને આઠમા ધોરણના બાળકોને  એ ફરી યાદ કરાવી જાય છે અને જે બાળકો હજુ ત્યાં સુધી નથી પહોંચ્યાં તેને આગોતરું શીખવી જાય છે. ચાલો, તમે પણ અમારા બાળકોના આ ડ્રામાને જોઈ તમારા ધોરણ છઠ્ઠાની યાદો તાજા કરી શકો છો. અને તમારાં નાનાં બાળકોને બતાવી અત્યારથી જ તેની મજા કરાવી શકો છો.













વિડીયો.. 


March 07, 2024

दुमदुमा गांव ઔર नवानदीसर गांव के बच्चे 🥰💫

💫 दुमदुमा गांव ઔર नवानदीसर गांव के बच्चे

💫


શાળા તરીકેનું કાર્ય શું ? સમાજે આપણને આપેલ બાળકને સામાજિક વ્યવસ્થાઓમાં પોતાની અનુકૂળતા સાધી શકે તે માટે કેળવવું ! આમ તો શાળાનું ધ્યેયવાક્ય પણ આ જ કહે છે -  શ્રેષ્ઠ શાળા વડે શ્રેષ્ઠ સમાજ અને શ્રેષ્ઠ સમાજ વડે શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ ! સમાજ પણ આપણા સૌ એટલે કે શિક્ષણસંસ્થા પાસે એટલી તો અપેક્ષા રાખે જ છે કે મારું બાળક શાળામાં જશે તો પગભર થઈ જશે. અહીંયાં પગભરનો અર્થ ફક્ત કમાણી કરતો - એવું નહીં પરંતુ આગામી સામાજિક મુશ્કેલીઓમાં ઉકેલ શોધતો -પરસ્પર મદદ કરતો - સગાંવહાલાંને હૂંફ આપતો અને સંતોષકારક રીતે પોતાનો જીવનનિર્વાહ ચલાવતો.  અહીં અપેક્ષા શબ્દ પણ અમને અસ્થાને લાગે છે - ખરેખર તો તે તેમનો હક છે. અને માટે જ મોટાભાગનો સમાજ શાળાને ખૂબ જ અહોભાવથી આજે પણ જુએ છે !

શાળામાં બાળકો શીખવા માટે આવે છે પરંતુ જો જોડી કે જૂથમાં બાળકોને વર્ગખંડોમાં ટાસ્ક આપવાની / કામ કરાવવાની પ્રક્રિયાને બારીકાઈથી નિહાળીએ તો ખ્યાલ આવશે કે બાળકો શાળામાં ફક્ત શીખવા નહીં શિખવવા પણ આવે છે. હકીકત તો એ પણ છે કે આપણે સૌ ભણતાં હતાં ત્યારે આપણને પણ જેમ ભણવા કરતાં ભણાવવામાં મજા આવતી તેમ આજે પણ બાળકોનો મૂળ સ્વભાવ તો એ જ છે. એટલે જ તો ઊભા થઈ બોર્ડમાં કોણ લખશે? - ગ્રૂપમાં આજનું ગૃહકાર્ય કોણ ચેક કરશે? - આનો જવાબ કોણ શીખવશે? - આવા આપણા એક પ્રશ્નના જવાબરૂપે અગિયાર આંગળીઓ ઊંચી થઈ જતી હોય છે ! અને હા સાથે સાથે - સાહેબ હું સાહેબ હું .. બેન હું.. બેન હું..ની ભલામણ સાથેની બૂમો તો ખરી જ ! અને આ થવાનું કારણ બાળકનો મૂળ સ્વભાવ શીખેલું અન્યને શિખવવાની મજા લેવાનો છે.

જ્યારે બીજી બાજુ સમાજ જો કોઇની શિખામણ ખૂબ જ ધ્યાનપૂર્વક માનતો હોય તો તે બાળકો જ છે! કોઈપણ સામાજિક બદલાવ માટે અથવા તો જરૂર પડે સમાજમાં સંદેશ આપવા માટે સૌથી અસરકારક બાળક જ છે . આપણા સૌના ઘરની બાજુ જ તમે ડોકિયું કરી લો ને! ઘરમાં પણ સૌ સભ્યોમાં સૌથી વધુ અસરકારક સંદેશવાહક તરીકે બાળક જ હશે. કોઈએ પગ લૂછ્યા વિના ઘરમાં પ્રવેશવું નહીં - વાળા ડાયલોગમાં તો મોટેરાં ગમે તેટલી બૂમો -સૂચનાઓ કરે અથવા તો દરવાજા સામે સૂચનાનું સ્ટીકર લગાવે પરંતુ રોજે રોજ કોઈકને કોઈક એની અવગણના કરતું જોવા મળે જ ! પરંતુ તે ઘરનાં બાળકોએ કાલીઘેલી ભાષામાં લખેલ સામાન્ય સૂચના પણ ઘરનાં સૌ લાડ-પ્રેમથી “જો હુકુમ.. “ વાળા ભાવથી અનુસરતાં હોય છે. આમ ઘરનાં બાળકોનો ઘરમાં જેટલો વટ હોય છે , તેટલો જ વટ શાળાનાં બાળકોનો સમાજ/ગામમાં હોય છે. શાળાનાં બાળકોએ ગામને આપેલ સંદેશ સૌથી વધારે અસરકર્તા હોય છે.

આમ, બાળકોને શીખવામાં ખૂબ મજા આવે છે, અને સમાજ વિના દલીલે- પૂર્વગ્રહ વિના જો કોઈનું માનતો હોય તો તે બાળક છે. આ બંનેના સ્વભાવનો ઉપયોગ કરવા માટેનો એક સરસ મોકો હિન્દીના એક એકમ દુમદુમા ગાંવ કે બચ્ચે શીખતા સમયે ધોરણ 5નાં બાળકોએ આપ્યો.....

દુમદુમાં ગાંવ કે બચ્ચે વિષે વાંચીને તેમણે થયું કે આપણે પણ ગામમાં આવું કંઈક કરી જોઈએ. તેમણે સ્વચ્છતા માટેની ડ્રાઈવ કરવાનું નક્કી કર્યું. સૌએ મથામણ કરી જુદી જુદી ડિઝાઇનની કચરાપેટીઓ બનાવી. સાંજે શાળા છૂટયા પછી પણ તેમનાં પૂંઠાં અને ગુંદર ચાલ્યા કર્યાં. બેનર - સૂત્રો અને કચરાપેટીઓ લઈ નીકળ્યા ગામમાં - સાથે સફાઇનાં સાધનો તો ખરાં જ !

પાણી ભરાઈ રહેતું ત્યાં માટી નાખી - ક્યાંક પ્રતીકાત્મક રીતે સફાઈ કરી તો દરેકે દરેક દુકાને જઈ તેમણે કચરાપેટી વિષે અને કચરાના વર્ગીકરણ વિષે સમજાવ્યું. તેમણે બનાવેલી કચરાપેટીઓ ત્યાં ભેટમાં પણ આપીને આવ્યા ! 

ટૂંકમાં અચ્છાઇ ચેપી છે ! આઓ યે ચેપ સબકો લગાએં !


































વિડીયો ..