यह भी एक परीक्षा 🌟 [ STD 6 Hindi ]
સંયુક્ત
કુટુંબમાં રહેવું, નાનામોટા પ્રસંગોમાં પંગતમાં બેસીને જમણ કરવું અથવા તો રોજ સાંજે
પરિવારના સૌએ ભેગા મળી દિવસ આખાનો વાર્તાલાપ
કરવો. આ બધું હવે ધીમે ધીમે આપણી જીવનશૈલીમાંથી લુપ્ત થતું જાય છે. આપણે સૌ આ બધાં
રિતરીવાજથી દૂર થતા જઈએ છીએ અને તેના અભાવે થઈ રહેલા નુકસાનને આપણે સૌ અનુભવીએ છીએ.
પંગતમાં બેસીને જમવાથી વધારે જમાતું - આવું આપણે સૌએ અનુભવ્યું છે. અને તેના કારણે
જ બૂફેમાં ભલે ઊભાઊભા જમવાનું હોય તો પણ સાથે જમનારની કંપની શોધતા હોઈએ છીએ અને તેનું
એક મુખ્ય કારણ છે કે આદિકાળથી માનવ હમેશાં સ્વભાવગત ઝૂંડમાં રહેતું સામાજિક પ્રાણી
છે. ભલે તે સંયુક્ત કુટુંબથી દૂર થતો ગયો હશે પણ એકલતા આજે પણ માણસનો સ્વભાવ બની નથી.
આવા
આપણા માનવસમાજમાંથી આવતાં આપણાં બચ્ચાં પણ એવાં જ છે. તેઓને એક રૂમમાં બેસાડીએ એટલે
ભલે એકબીજા સાથેની ઓળખાણ ન હોય પરંતુ થોડી જ વારમાં એવાં હળીમળી જશે કે રમત - તોફાનમસ્તી
વડે રમખાણ ઊભું કરી દેશે. સમૂહમાં રહેવા અને સમૂહમાં જીવવાનો મૂળ સ્વભાવ હજુ પણ આપણા
એટલે કે માણસ નામના પ્રાણીમાંથી ગયો નથી તેની આ સાબિતી છે. અને તેનું કારણ એ પણ હોઈ
શકે કે વર્ષો જૂની આપણી સામાજિક - સાંસ્કૃતિક રીતભાત જેમાં કહેવાયું છે કે “સાથે રહીએ
- સાથે રમીએ - સાથે જમીએ - સાથે કરીએ સારાં કામ !
આપણી પરંપરાગત શિક્ષણ પદ્ધતિ પણ આના આધારે જ કાર્યરત હતી. જેમાં રાજાનાં સંતાનોને પણ આશ્રમોમાં ભણવા ફરજિયાત જવું પડતું. અથવા જો રાજમહેલમાં ભણવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવતી તો રાજકુમારના ભાઈબંધો અથવા જો રાજકુમારી હોય તો તેની સાહેલીઓને પણ સાથે અભ્યાસ માટેનું કહેવામાં આવતું. ત્યારબાદની શિક્ષણ પદ્ધતિઓમાં ભલે આશ્રમનું રૂપ શાળાઓએ લીધું. પણ સમૂહમાં શીખવું એ કોમન બાબત બની રહી. અને સમૂહનો મોટો ફાયદો એ પણ રહ્યો છે કે જે તે વિષય અંગેના વધુ તર્ક અને તેના આધારે વધુ ચર્ચાને અવકાશ મળી રહેતો હોય છે.
શાળામાં પ્રાર્થના સમેલનમાં આજના રોકસ્ટાર પ્રવૃત્તિ શરૂ કરી ત્યારે ઉદ્દેશ્ય આવો જ સમૂહમાં શીખવા - જાણવાનો હતો. જેમાં નવું જાણેલું, વર્ગખંડમાં નવું શીખેલું અથવા તો નવું કઈક કરેલું શાળામાંના બધાં જ બાળકો સુધી પહોંચે. આજે “આજનાં રોકસ્ટાર” તરીકે ધોરણ છઠ્ઠાનાં બાળકો હતાં. તેઓએ તેમના ક્લાસરૂમમાં હિન્દી વિષયના એકમ यह भी एक परीक्षा ! નો આસ્વાદ માણ્યા પછી આખી શાળાનાં બાળકોને મજા કરાવવા તેને નાટક તરીકે ભજવી બતાવ્યું. તેઓને ભજવવાની મજા આવી તેના કરતાં બાકીના શાળાનાં બાળકોને પ્રેક્ષક તરીકે જોવાની મજા આવી. સૌથી મજાની વાત એ હોય છે કે આવામાં એકમ ધોરણ પૂરતો ન રહેતાં આખી શાળાના સમૂહનો બની રહે છે. સાતમા અને આઠમા ધોરણના બાળકોને એ ફરી યાદ કરાવી જાય છે અને જે બાળકો હજુ ત્યાં સુધી નથી પહોંચ્યાં તેને આગોતરું શીખવી જાય છે. ચાલો, તમે પણ અમારા બાળકોના આ ડ્રામાને જોઈ તમારા ધોરણ છઠ્ઠાની યાદો તાજા કરી શકો છો. અને તમારાં નાનાં બાળકોને બતાવી અત્યારથી જ તેની મજા કરાવી શકો છો.
No comments:
Post a Comment