Showing posts sorted by date for query નાગરિક ઘડતર. Sort by relevance Show all posts
Showing posts sorted by date for query નાગરિક ઘડતર. Sort by relevance Show all posts

August 24, 2025

શાળાનું ઘરેણું - શાળા વ્યવસ્થાપન સમિતિ !

શાળાનું ઘરેણું - શાળા વ્યવસ્થાપન સમિતિ !

વાત વર્ષ 1947 પછીની - દેશ આઝાદ થયો - પરંતુ આઝાદીના આનંદ સાથે દેશ સામે ચેલેન્જ પણ એટલી હતી ! દેશનું પોતાનું લોકતંત્ર લાગુ પડે તે માટે સૌનો પ્રયાસ હતો -ભારતના સંવિધાનમાં બતાવ્યા મુજબનું ભારત નિર્માણ માટે સૌથી વધારે જો કોઈએ મથામણ કરવાની ચેલેન્જ હતી તો તે શિક્ષણ વિભાગની હતી ! સંવિધાનમાં ભારતના નાગરિકો અંગે થયેલ સંકલ્પના વાળા નાગરિક ઘડતરનું મોટું કામ સામે દેખાતું હતું. શિક્ષણ સાથે લોકોને જોડવા માટે પ્રથમ તો શિક્ષણ પ્રત્યે લોકોમાં શ્રધ્ધા પેદા થાય તે માટે કામ કરવું પડે તેમ હતું. જો આ કામ જેટલું સફળ રહે મીઠી મુશ્કેલી એટલી જ સામે દેખાતી હતી. જેમ વધુ લોકો શિક્ષણ માટે જોડાતા ગયાં તેમ તેમ દેશમાં સંશાધનો ઊભા કરવા માટેની જરૂરિયાત ઊભી થઈ ! તેવામાં આ દેશમાં ગામડે ગામડે શૈક્ષણિક મંડળો ઊભા થયાં. મંડળો ધ્વારા શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરાઇ અને શિક્ષણનો વ્યાપ વધારવા - સંવિધાન મુજબના કૌશલ્યો ધરાવતાં નાગરિકોનું ઘડતર કરવાના શ્રેષ્ઠ કાર્યમાં સૌ લાગી ગયાં. ધીમેધીમે સરકરશ્રીઓ અને સંસ્થાઓ એટલે કે સમાજના સહકારથી  શિક્ષણનો વ્યાપ ગામે ગામ પહોંચાડવામાં સફળ રહયા. જેનું પરિણામ રૂપે જ ભવિષ્યની પેઢીઓનું ઘડતર કરતી સંસ્થાઓ “નિશાળ” નામે અત્યારે બધે જ કાર્યવંતીત છે. 

શરૂઆતની સ્થિતિ માં જે મુખ્ય ઉદેશ્ય આર્થિક મુશ્કેલી પણ હતો જે હવે ન બરાબર રહ્યો છે. સરકારશ્રી ધ્વારા હવે આ જવાબદારીઓ ઉપાડી લેવામાં આવી છે એટલે હવે ગામ એટલી નિશાળ બની ગઈ છે. આ નિશાળ એટલે જ સમાજ ધ્વારા ઊભી થયેલી આ વ્યવસ્થાઓમાં જે શૈક્ષણિક પ્રક્રિયાઓ થઈ રહી છે તે શિક્ષણની પ્રક્રિયાના ત્રણ છેડા - બાળક - શિક્ષક - માતાપિતા ! ત્રણેય ભેગાં મળીને જ્યાં ગઠબંધન થાય છે તેનું નામ છે નિશાળ ! બાળકોના સર્વાંગી વિકાસ માટે ફક્ત શાળા મથામણ કરે ત્યારે સફળતા મળવાના ચાન્સ ખૂબ ઓછા હોય છે ! તેનું વ્યાજબી કારણ પણ છે કે બાળક જેટલો સમય શાળામાં રહે છે તેના કરતાં પણ વધુ સમય તે પોતાના સમાજની સાથે રહેતો હોય છે. માટે જ શીખવા-શિખવવાની પ્રક્રિયામાં તે પોતાના સમાજ સાથેના અનુભવો પણ જોડતો હોય છે. એટલા માટે જ શાળાનું જેટલું વધુ બોંડિંગ સમાજ સાથે હશે તે શાળા જલ્દીથી પોતાની બાળકો સાથેની પ્રક્રિયાઓને અસરકારક બનાવી શકશે. બાળકોનો સર્વાંગી વિકાસ ઇચ્છતી સંસ્થાઓએ સમાજની ભાગીદારી વધારવી - એવા ઉદેશ્યથી સમયાંતરે અલગ અલગ નામે અને પ્રકારે શાળા અને સમાજનું જોડાણ વધારવાના પ્રયાસો થયા. એમટીએ - પીટીએ થી શરૂ થઈ શાળા વ્યવસ્થાપન સમિતિઓ સુધી થયેલા પ્રયાસોમાં શાળા સમાજનું ઘરેણું બને અને સમાજની ભાગીદારી વડે બાળકોના વિકાસમાટેની તકો વધે તેવો રહ્યો છે. એમાંય અસરકારક સમિતિ એ તો શાળાનું ઘરેણું સાબિત થતી હોય છે. અહીં અસરકારક સમિતિ એટલે કેવી ? -એવો પ્રશ્નનો જવાબ છે..

તેના બધા સભ્યોને શાળાની પ્રક્રિયાથી વાકેફ કરેલા હોય.

શાળા બાળ કેબિનેટ સાથે સંકલન કરેલ હોય.

શાળા સમિતિ અંગેની જવાબદારીઓ સાથે સત્તાઓ અંગેનો યોગ્ય ઉપયોગ જાણતાં હોય. 

સમિતિની રચના માટેના કેટલાંક બિંદુઓ પણ શાળાને સંચાલનમાં  મદદરૂપ થાય તે દ્રષ્ટિએ સમાવેશ કરેલ છે જેમકે ..

è શાળા વ્યવસ્થાપન સમિતિમાં સૌ સમાજના પ્રતિનિધિઓનો સમાવેશ હશે.

        જેનો ઉદેશ્ય શાળાનાં બાળકો પૈકી કોઈ શિક્ષણ પ્રત્યે ઉદાસીન વાલીઓ ધ્યાને આવે ત્યારે તે સમાજના પ્રતિનિધિ તરીકે સ્થાપિત સભ્ય શાળાની મદદે આવી વાલી અને શાળા વચ્ચે સંકલન કરી બાળકના શિક્ષણ માટે જરૂરી પ્રયત્ન કરી શકે.

è વાલી સભ્ય પૈકી 50% કરતાં વધુ સભ્યો  મહિલા સભ્યો હશે.

ગામમાં કન્યા કેળવણી તો ખરી જ પણ દીકરીઓને શિક્ષણ કાર્ય અને ઘર વચ્ચે સંકલન કરવામાં વધુ સભાગીદારીતા મુખ્ય ઉદેશ્ય રહેલો છે.

è શિક્ષણવિદ તરીકે સૌથી વધુ ભણેલ નાગરિક !

શાળાની શૈક્ષણિક પ્રક્રિયાઓ અને બાળકની સમજ વચ્ચે જ્યારે વાલીઓ ધ્વારા ધ્યાને આવતી બાબતોમાં વાલી અને શાળા વચ્ચે સાંકળ સમાન કાર્ય કરી શકે છે.

માટે ફરી કહીએ કે શાળા ગામનું ઘરેણું છે , તો અસરકારક વ્યવસ્થાપન સમિતિ એ શાળાનું ઘરેણું છે, જે શાળાના મોટાભાગના પ્રશ્નો - હાજરી હોય કે હોમવર્ક - તેમાં વધુ અસરકારક રીતે ઉકેલ સમિતિ લાવી શકે છે. તેવા ઉદેશ્યથી આ માસમાં શાળાની માસિક બેઠક મળી જેનો આ માસનો ઉદેશ્ય હતો કેમ્પસનું બેઝલાઇન એસેસમેન્ટ કરી શાળામાં સુવિધાઓ વધારવા માટેનું આયોજન કરવું. આપણી ફેસબુક પર જોઈ શકશો  કેટલાક ફોટોગ્રાફ્સ આપણી શાળાની છેલ્લી વ્યવસ્થાપન સમિતિની બેઠકના ! 



































રીડિંગ રીલ્સ : 

સમાજ અને શાળાનું જોડાણ: બાળકોના સર્વાંગી વિકાસ માટે શાળા અને સમાજનું મજબૂત જોડાણ અનિવાર્ય છે. આનાથી જ મોટા પડકારો પાર કરી શકાય છે.

 

July 27, 2025

જવાબદારી લઈશ તો શક્તિ મળશે !

જવાબદારી લઈશ તો શક્તિ મળશે !

સેજલ અને રાહુલથી શરૂ થયેલી આ પ્રમુખ અને ઉપપ્રમુખની પરંપરા – દર વર્ષે નવા આયામો સર કરે છે. શાળાની મુખ્ય પ્રવૃત્તિ 'નાગરિક ઘડતર'ને નવું નામ 'નાગરિક ઉઘડતર' જ નથી થયું, પરંતુ તેઓ હવે ધીમે ધીમે જાતે શાળા વિશે સભાન બન્યા છે, શીખવા વિશે સભાન બન્યા છે. તેઓને સમજાય છે કે જ્યારે આપણે જવાબદારી લઈએ છીએ, ત્યારે આપણામાં નવા ગુણો, કૌશલ્યો અને શક્તિઓ મળે છે. 'મારાથી થઈ શકે એમ હોય ત્યારે કરું' એમ નથી હોતું, પણ 'જો હું કરવા માંડું તો મારાથી થઈ શકે' – તે વાત તેમને સમજાય છે. એમનું ઊઘડતર થઇ રહ્યું છે. 

આ વખતના જૂથ બનાવવા માટે વધુ મુશ્કેલી ન પડી, કારણ કે ગત વર્ષે જે રીતે ધનુષ અને તેની ટીમે નું કાર્ય કર્યું હતું અને તે હજુ શાળામાં જ આઠમા ધોરણમાં જ આવ્યો, એટલે તેણે ગત વર્ષની આખી ટીમને લઈને દરેક ધોરણના ચાર જૂથ બનાવ્યા. શાળામાં વધેલી સંખ્યાને ધ્યાનમાં રાખી એવો નિર્ણય પણ લેવાયો કે દરેક જૂથની અંદર પણ '' અને '' એમ બે ભાગ હશે, જેથી કરીને જ્યારે શૈક્ષણિક કાર્ય હેઠળના જૂથ વર્ગમાં બનાવવાના થાય, ત્યારે માત્ર ચાર જૂથમાં નહીં પરંતુ આઠ જૂથમાં જૂથ કાર્ય કરવાનું થાય. તેમણે એ જ વખતે આઠે આઠ જૂથની અંદર હોમવર્ક માટેની જગ્યા અને બેઠક વ્યવસ્થા કેવી રીતે થશે, તેની પણ ડિઝાઇનિંગ કરી દીધું. નવા બનેલા જૂથની અંદર નાનકડી જૂથ સભા કરી અને તેના લીડર અને ઉપલીડરની ચૂંટણી પણ થઈ ગઈ.

હવે કાજલ અને ધનુષ લાગી પડ્યા હતા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે. ઉમેદવારોની સંખ્યા શરૂઆતમાં તો ત્રણથી વધી જ નહીં, પરંતુ ધીમે ધીમે તેમની સાથે ચર્ચા કરતા કરતા તેઓની એ પણ સમજાયું કે જ્યારે આપણે આવી કોઈ ચૂંટણીમાં ઊભા રહીએ છીએ, ત્યારે આપણે બે બાબતો શીખી શકીએ છીએ: એક, જવાબદારી લેવા માટેની તૈયારી અને બીજું, પોતાની અંદરનો અહંકાર ઓગાળી બીજા સાથે કામ કરવા માટેની તૈયારી. છેલ્લા દિવસે તો ચપોચપ ફોર્મ ઉપડી ગયા અને ફાઇનલ દસ ઉમેદવારો વચ્ચે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ. પ્રચાર માટેના પરંપરાગત ભાષણ ઉપરાંત ડિજિટલ વિડીયોઝ પણ થયા. નવી અને જૂની સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યોને ઘરે ઘરે જઈને ઉમેદવારોએ પોતાનું વિઝન તેમની સામે મૂક્યું કે તેઓ શાળા માટે શું કરવા માંગે છે અને અત્યાર સુધીમાં કઈ કઈ બાબતો નથી થઈ શકી જે તેઓ કરી બતાવશે. કેટલાકે વર્ગખંડે ફરી ફરીને પોતાની વાત મૂકી. પ્રાર્થના સંમેલનમાં દરરોજ ચાર-પાંચ ઉમેદવારોએ પોતાની પ્રચાર સભાઓ કરી. કેટલાકે ખૂબ ઇનોવેટિવ રીતે કે 'મને મત આપવાની જરૂર નથી, પરંતુ મત કેવી રીતે અપાય એ હું તમને સમજાવીશ' એમ કરીને ખાસ બેઠક બોલાવી અને તેમાં જે રીતે બધા બાળકોને સમજાવવામાં આવ્યું કે જો તમારે આને મત આપવો હોય તો અહીંયા તમારે ખરું કરવાનું છે. કહેવાની જરૂર છે ખરી કે તેને એ ડેમો બતાવવા ક્યાં ચિહ્નનો ઉપયોગ કર્યો હશે ! 

શિક્ષક તરીકે અમને લાગતું હતું કે ચૂંટણીના દિવસે તેઓ ચૂંટણી અધિકારી જેવો પોશાક વગેરે પહેરે, પરંતુ તેમનું ધ્યાન હવે એવા પોશાકોમાંથી ઉપર ઊઠીને શાળા માટેના પ્રમુખને ચૂંટવાનું છે, એ તેમણે અમારા મોં પર જ સીધું ચોપડાવી દીધું કે 'પોલીસનું કાર્ય કરવાનું છે, પોલીસનો ડ્રેસ પહેરવો જરૂરી લાગતો નથી.' એટલે એ શનિવાર અમારી ચૂંટણી શરૂ થઈ. એક તરફ શાળામાં સમૂહ કવાયત ચાલતી હતી, ગામમાંથી બધા વોટિંગ માટે આવી રહ્યા હતા. સમૂહ કવાયતમાંથી પણ ધીમે ધીમે એક એક જૂથના બાળકો પણ વોટિંગ કરી રહ્યા હતા. કલા મહાકુંભની પ્રેક્ટિસ માટેની રમઝટ બોલાતી હતી, તેમાંથી પણ ધીમે ધીમે બધા વોટિંગ કરવા માટે જઈ રહ્યા હતા. આમ, ગામના લોકો, શાળાના બાળકો, શિક્ષકો, મધ્યાહન ભોજનમાં કામ કરનારી ટીમ – સૌના મત મતપેટીમાં મુકાઈ ગયા.

અને સોમવારે તેની ગણતરી શરૂ થઈ. ગણતરી વખતેની ઉત્તેજના અને સસ્પેન્સ બંને આ વખતે સૌથી વધુ હતા, કારણ કે કોઈ એક જીતી જ જશે તેમ છેક છેલ્લા ૩૦ વોટ ન ગણાય ત્યાં સુધી કહી શકાય એમ નહોતું. અંતે શાળાને નવા પ્રમુખ અને ઉપપ્રમુખ મળ્યા. સૌએ તેમને શુભેચ્છાઓ પણ પાઠવી અને જાણે કે આ ચૂંટણી નામની ઘટના શાળામાં બની જ ન હોય તેમ તેઓ ફરી એ જ મસ્તીમાં કામે લાગી ગયા. અમારા માટે નવાઈ એ હતી કે આ છેલ્લા દસ દિવસમાં તેમણે પ્રચાર કરવામાં જે આક્રમકતા બતાવી હતી, એનો એક નાનકડો અંશ પણ ચૂંટણી પૂરી થતાંની સાથે જ હવે જોવા મળતો નથી. તેઓ એકબીજા સાથે મળીને, તેમના શીખવા માટેના અને શાળાને વધુ સુંદર, સુઘડ અને વ્યવસ્થિત બનાવવા માટેના પ્રયત્નોમાં લાગી ગયા છે.

ચાલો નીચે ક્લિક કરો અને માણો આપણા આ વિડીયોને !!















May 11, 2025

બાળકો મૂલ્ય શિક્ષણ ક્યાંથી શિખશે - શાળા કે સમાજ?

બાળકો મૂલ્ય શિક્ષણ ક્યાંથી શિખશે - શાળા કે સમાજ?

સમાજની શિક્ષણ પ્રત્યેની અપેક્ષા શું? - એ હંમેશાં ચર્ચાનો વિષય રહ્યો છે. બાળકનું ઘડતર એટલે કેળવણી - એવો મત પ્રવર્તમાન સમયમાં સૌએ સ્વીકાર્યો છે. બાળકની કેળવણી થાય તો ભવિષ્યનો સમાજ કેળવાય એવું સીધું ગણિત આપણા સૌનું છે અને તે ૧૦૦% સાચું પણ છે. એટલે સમાજ શાળાઓ પાસે કેળવણીની અપેક્ષા રાખે છે.

શાળા અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ તરફથી પ્રશ્ન એવો પણ આવે છે કે બાળકો ફક્ત શાળા કે સંસ્થા પાસેથી શીખે છે એવું નથી. તેઓ આસપાસના પર્યાવરણમાંથી - સામાજિક વ્યવહાર, વર્તનમાંથી શીખે છે અને હા, શૈક્ષણિક સંસ્થા કરતાં તેમાંથી વધુ શીખે છે, કારણ કે બાળક વધુ સમય તેઓની વચ્ચે હોય છે. જો બારીકાઈથી જોઈએ તો બાળકો સમાજમાંથી શીખી શાળામાં એપ્લાય કરે છે. શાળા બાળકના એ વર્તનમાં જરૂરી ફેરફાર સાથે તેને નવા અનુભવો આપે છે. બાળક પાછું સમાજમાં જઈને પોતાના અનુભવો એપ્લાય કરે છે. ફરી પાછું તેમાંથી સમાજના નવા અનુભવો સાથે શાળામાં આવે... આમ શાળા - સમાજ - સમાજ - શાળા - એક સર્કલ બની બાળકને અનુભવ કરાવવાનું, સમજાવવાનું, પરોક્ષ રીતે શીખવવાનું અને કેળવવાનું કાર્ય કરે છે. માટે તમે સમજ્યા હશો કે આવતી કાલનો સમાજ ફક્ત શાળા ઘડશે તેવો નાગરિકોવાળો નહીં હોય, તેમાં આજના સમાજની, સામાજિક વ્યવસ્થાઓની, માન્યતાઓની અસર વધારે હશે. એવામાં જો બંધારણ ઇચ્છે છે તેવો સમાજ ધરાવતી પેઢી બને તે માટે આપણે શું કરી શકીએ?

બાળકને કેળવવું તે જેમ શાળા તરીકે ફક્ત આપણા હાથની વાત નથી - આવું જાણ્યા પછી આપણને શાળા અને સમાજ બંને વચ્ચેના સમન્વયનું મહત્વ કેટલું છે તે સમજાયું હશે. જો આપણે શાળા તરીકે બાળકોમાં મૂલ્યલક્ષી શિક્ષણ જેમ કે - સમૂહજીવન, લોકશાહી અને સામૂહિક સમસ્યા ઉકેલ કૌશલ્યો કેળવવા ફક્ત વર્ગખંડો કે શાળા કેમ્પસમાં મથામણ કરતાં રહીએ છીએ, વર્ગખંડોમાં આપણે કહીએ છીએ તેના કરતાં સમાજમાં તેને વિપરીત અનુભવોનું એક્સપોઝર મળે છે. ઉદાહરણ તરીકે - બાળકોને સમજાવી કે લોકશાહી એટલે જ્યાં અસરકર્તા સૌ લોકોને પોતાનો મત આપવાનો હક આપેલો હોય! આવું સમજીને ગયેલ બાળકના ઘરે તેના અભિપ્રાયોને મહત્વ આપતું વાતાવરણ જો ન જુએ તો - તે બીજા દિવસે શાળામાં કાં તો પોતાના અનુભવો સાથે વર્તે અથવા તો શાળાના શિક્ષણ પર અવિશ્વાસુ બની શાળા સાથે જોડાયેલો રહે! હવે વિચારો કે આવી રીતે શાળા સાથે જોડાયેલ - પરંતુ પોતાના અનુભવો સાથેની માન્યતાઓ સાથે ઉછરેલ બાળક આવતી કાલનો નાગરિક બનશે તો તે બંધારણ અંતર્ગત ભારતીય નાગરિક કેવો હોવો જોઈએ - તે સંકલ્પનાઓમાં ફિટ બેસશે ખરો? ફરી - શું કરી શકાય?

    શાળા એટલે શૈક્ષણિક સંસ્થાઓએ પોતે બનાવેલી મર્યાદાઓ તોડવી પડશે. શાળાનું કામ ફક્ત આવતી કાલની પેઢીને ધ્યાનમાં રાખીને વર્તવાની જગ્યાએ - આપણે સૌ આજની પેઢીમાં પણ આવા મૂલ્યોની અસરકારકતા વધે તે માટે વર્ગખંડોની બહાર - શાળા કમ્પાઉન્ડ વોલની પેલે પાર પ્રયત્નો, પ્રવૃત્તિઓ વિસ્તારવાં પડશે. આજની પેઢી અને આવતીકાલની પેઢી બંને માટે અને બંનેની સાથે કામ કરવું પડશે. ફક્ત એક મૂલ્ય “સમૂહજીવન” ને ધ્યાને રાખી વાત કરીએ તો - સાથે રહેવાથી - સાથે કામ કરવાથી - સાથે બેસી સંવાદ કરવાથી - કેટલી આર્થિક, સામાજિક, માનવીય પ્રગતિ થઈ શકે છે? તે શાળા તરીકે સમાજમાં સમજાવી તેને ઉજાગર કરી શકીએ તો પછી આપણાં બાળકો તેના સુખદ અનુભવો સાથે શાળામાં પ્રવેશતા દેખાશે અને હા, આપણે સમજાવેલ સમૂહજીવનનું મહત્વ - તેવા પાઠમાં તેનો ભરોસો કાયમી થશે. અમે એટલા માટે કહી શકીએ છીએ કે શાળાએ શાળા કેમ્પસમાંની “નાગરિક ઘડતર” પ્રવૃત્તિ અને “ગ્રામોત્સવ” આ બંનેને અનુભવ્યાં છે.

ગાંધી આશ્રમ પ્રેરિત “પ્રેરણા પ્રવાસ” માં આવેલ મિત્રોનું શાળા કેમ્પસમાં રાત્રિ રોકાણ એ શાળા માટે આનંદ અને ગૌરવની પળ હતી. “ગુજરાતનાં પ્રેરણા સ્થળોની યાદી સાથે નીકળેલ આ પ્રવાસમાં પ્રેરણા સ્થળ તરીકે નવાનદીસર હોવાનું અનેરું ગૌરવ હતું. રાત્રે સૌ સાથે જીવ્યા અને વાતો કરી - મુદ્દો હતો શાળાનાં રોજિંદા કાર્યક્રમોમાં મૂલ્ય શિક્ષણ માટેનો અવકાશ અને વાતાવરણ નિર્માણના તરીકાઓ - ચાલો તમે પણ શાળાએ કરેલા વાતાવરણ નિર્માણનો આ સંવાદ માણી શકો છો -  






October 27, 2024

સત્રનું સરવૈયું !

સત્રનું સરવૈયું !

તીવ્ર ઝડપવાળા કોઈ રોલર કોસ્ટરની મજા માણી હોય એવી સ્થિતિ શાળાની છે. જ્યારે  દિવાળીનું આ વેકેશન શરૂ થવાનું હતું ત્યારે જાણે હમણાં જ ચગડોળમાંથી ઉતાર્યા હોય એમ ફેર ચઢેલા હતા - આનંદના જ !

પ્રવેશોત્સવથી શરૂ થતી આપણી આ મજેદાર સફર ઘણા ઉતાર-ચઢાવની વચ્ચે મોટાભાગે આનંદમયી બની જ છે પરંતુ કેટલીયવાર તણાવ પણ અનુભવાયો ! એક એક વિદ્યાર્થી સુધી પહોંચવાની મથામણમાં હોય કે પોતાના વર્ગકાર્યને વધુ ને વધુ બહેતર બનાવવાની મથામણમાં હોય - સાથે અર્જુનની જેમ વહીવટી બાબતોને પહોંચી વળવાના ત્રાજવામાં પગ તો રાખવાના જ છે ! આ બધા જ જુદા જુદા પ્રકારના Orchestraની જેમ કંઈક ને કંઈક ચાલતું જ રહેતું હોય!  ક્યારેક કોઈ વધુ અવાજ કરતા વાદ્યનો સૂર તીવ્ર બનીને બધાંને સંભળાય અને ઝડપથી નાચવા મજબૂર કરે તો ક્યારેક કોઈક મધુરી મોરલીનો સૂર ચારેય બાજુ ફેલાઈ જાય ! પણ અંતે તો આ બધું જ સંગીત છે અને આ સંગીતની સંગતિમાં આપણે સૌ આ શૈક્ષણિક કાર્યનું નૃત્ય માણી રહ્યાં છીએ. 

આપણી નવા નદીસર પ્રાથમિક શાળા માટે પણ આ સત્ર આવું જ સંગીતમય બની રહ્યું ! સત્રની શરૂઆતમાં જ પ્રવેશોત્સવમાં જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી રહ્યા હતા તેમણે પોતાના આંગળાનો  જાદુ એવો તો ફેલાવ્યો કે એના પછીથી તેઓ હંમેશા આ જાદુ કરતા જ રહ્યા ! એ સિવાય આ વખતની પ્રાર્થનામાં ધ્રુવભાઈને એન્ટ્રી મળી અને તેમનુંઓચિંતુ કોઈ મને રસ્તે મળે.. “  ગીત તો જાણે કે આપણું શાળાગીત બની ગયું !

    પ્રવેશોત્સવ પૂરો થયો ને એટલામાં રાજ્યમાં ચાંદીપુરા વાયરસ અને તે પણ ગામડામાં વધારે પ્રમાણમાં છે તેઓ ભય ફેલાયો. વિદ્યાર્થીઓ સાથે તેની ચર્ચા કરી તો એમણે એવું આયોજન કર્યું કે આના વિશેની જાગૃતતા અમે ફેલાવીશું.  બાળકો વડે યોજાયેલા આ જાગૃતિ અભિયાનને રાજ્યનાં વિવિધ ટીવી માધ્યમોમાં અને છાપાંઓમાં સ્થાન મળ્યું. એનાથી જ વિદ્યાર્થીઓ પણ વધુ પ્રોત્સાહિત થયા અને એમને અમે જાણીએ સૌને જણાવીએ એવી થીમ પર બીજા ચાર પ્રોજેક્ટ કર્યા. એમાં પણ વિવિધ માહિતી એકત્ર કરી અને માહિતીને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવાનો હતો. અમારું રિફ્લેક્શન અમને એ સૂચિત કરે છે કે જે પ્રમાણમાં ટીમ તરીકે જે વ્યાપ અમે વિચારેલો એ વ્યાપ સુધી અમે ગામના લોકોને મદદ ન કરી શકયા. તેમાં વિદ્યાર્થીઓ કરતાં અમારા પક્ષે જવાબદારી વિશેષ છે. અમને અભ્યાસક્રમ વિશેની જે ચિંતા ઉત્પન્ન થઈ હતી તેના કારણે અમે સતત તેમને વર્ગના ફોર્મલ ક્લાસિસમાં વધુ રાખવાનો પ્રયત્ન કર્યો. આજે સમજાય છે અમારી એ અપેક્ષાઓને કારણે વિદ્યાર્થીઓને શીખવાનું જે આકાશ છે એ અમે થોડુંક તો કાપી જ લીધું. 

શાળાનું એ સૌભાગ્ય છે કે દર વર્ષે નવા ફ્રેન્ડ્સ મળી આવે છે ! ભાર્ગવ આપણી સાથે આપણી શાળા સાથે ઘણાં વર્ષોથી જોડાયેલા છે એમના દ્વારા જ બીજા બે નવા ફ્રેન્ડસ ઓફ નવા નદીસર મળ્યા ! - કાર્તિકભાઈ અને વિનશભાઈ ! શિવરંજની ફાઉન્ડેશન એ હવે આપણી શાળા સાથે શાળાની જ ટીમ બની કાર્ય કરી રહ્યું છે. એમની મદદથી જ આપણે પોલિનેટર વીક અને રાત્રિરોકાણ કરીને જુદાં જુદાં જીવડાંઓને  જોવા માટેનું અને તેમને ઓળખવા માટેનેશનલ મોથ વીકબંનેનું આયોજન કરી શક્યા ! એ અનુભવોના કારણે હવે માણસો સાથે શાળાનાં પક્ષીઓ જ નહીં ઈયળો અને કોશેટાથી લઈ ભમરા અને પતંગિયાં પણ અમારી ચર્ચાનો હિસ્સો બની ગયાં છે ! આ જ રીતે મૌલિકભાઈ પાટણ, ચેતનભાઈ ,હની બી નેટવર્ક, સિદ્ધાર્થભાઈ., સમગ્ર શિક્ષા અભિયાનમાંથી ધર્મેશભાઈ, મહેસાણાથી રમેશભાઈ દેસાઈ અને આઇ. આઇ. એમ અમદાવાદના કેટલાક વિદ્યાર્થીઓએ ડેમોક્રેટિક સ્કૂલ બનાવવા માટેના ફ્રેમવર્ક માટે લીધેલી શાળાની મુલાકાત અને તેમાં પણ નવા નવા આઈડિયાઝની જે ચર્ચાઓ થઈ તેમાં આપણા બાળકોએ કરેલું આયોજન સત્રને વધુ યાદગાર બનવનારું છે. 

આ વર્ષે નાગરિક ઉઘડતરની પ્રવૃત્તિમાં જૂથના લીડર અને ઉપલીડરની ચૂંટણી કરવાની જવાબદારી એક સાવ ઓછા જાણીતા એવા તુષારે લીધી ! એના સુચારુ આયોજનથી વિદ્યાર્થીઓને લાગ્યું કે શાળાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવા માટે ચૂંટણી અધિકારીની ખોજ હતી એ પૂરી થાય છે  પરંતુ શિક્ષક પક્ષે અમને લાગ્યું કે તુષારની અંદર આત્મવિશ્વાસ ભરવા માટે - તે જે રીતે આ બધાં આયોજનો કરે છે અને બધાને પોતાની સાથે જોડીને એ આયોજનોને પાર પાડે છે ! એ બાબતથી એનામાં આત્મવિશ્વાસ આવશે ! અને તુષારે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પણ પાર પાડી ! શાળામાં બે વર્ષ ચૂપચાપ રહેલો તુષાર અત્યારે શાળાનો મુખ્ય સચિવ છે ! અને તેની લીડરશિપમાં વ્યક્તિત્વ વિકાસનું મૂલ્યાંકન માટે ટીમ બનાવાઇ ! અને સૌને પોતાના વિષે સ્પષ્ટતા મળે તેમ ગુણાંકન તેમની ટીમ વડે કર્યું. 

આ વર્ષે  મળેલી પહેલી કેબિનેટમાં નિર્ણય લેવાયો કે નાગરિક ઘડતર નહીં પરંતુ હવે આ પ્રવૃત્તિને આપણે નાગરિક ઊઘડતર તરીકે જોઈશું!  એ જ મીટિંગમાં નિર્ણય લેવાયો કે હવે દરેક શિક્ષકનો સેલફોન ઑફિસરૂમમાં જ હશે.  ! અને જેમ શાળાના બિલ્ડીંગની અંદર કોઈ ટેબલ-ખુરશી અથવા તો ચંપલ નથી હોતાં તે રીતે હવે સેલફોન પણ નહીં હોય! નવી કેબિનેટે આ સિવાય એક નવો નિર્ણય લીધો કે હવે દરેક વર્ગખંડની અંદર એક શિક્ષણસચિવ હશે કે જેનું કાર્ય હશે કે જે પ્રકારે શિક્ષક વર્ગકાર્ય આયોજન કરે છે - તે અધ્યયન નિષ્પત્તિ આધારિત છે કે નહીં ? તે આયોજન મુજબ વર્ગમાં કાર્ય થાય છે કે નહીં તેમાં વિદ્યાર્થીઓ શીખી રહ્યાં છે કે નહીં ? જૂથકાર્ય બરાબર રીતે થઈ રહ્યું છે કે નહીં ? આમ, જે નાગરિક ઊઘડતર પ્રવૃત્તિ અત્યાર સુધી જૂથકાર્ય તેમજ શાળાસંચાલન માટેના કાર્યમાં જોડાયેલી હતી એ હવે શૈક્ષણિક કાર્યમાં ગુણવત્તા જળવાયેલી રહે તે માટે પણ પ્રયત્ન કરતી થઈ. 

આ જ સત્રમાં શાળાના પ્રમુખ અને ઉપપ્રમુખે પંચમહાલ જિલ્લાના શિક્ષકોને શાળાસંચાલન માટે ટ્રેનિંગ આપવાનું કામ પણ કર્યું. અત્યાર સુધી શાળાની મુલાકાતે આવનાર સાથે થતી ચર્ચાઓમાં તેઓ બંને શિક્ષકો સામે જઈ ફોર્મલ રીતે તાલીમ આપી શક્યા ! 

    વિદ્યાર્થીઓ જાતે જ વિડીયો જોઈને પોતાની રીતે તેમજ એકબીજાને શીખવીને સ્કેટિંગ કરે છે ! આ સત્રમાં સૌપ્રથમ વખત કુમાર અને કન્યા બંનેની ભાગીદારી જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં થઈ. કબડ્ડીમાં પણ તાલુકા કક્ષાની ટીમમાં આપણી શાળાના પાંચ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો. તાલુકા કક્ષાની સંગીત વાદન સ્પર્ધામાં આપણી શાળાનો પ્રમુખ ધનુષ પ્રથમ નંબરે આવ્યો તો આવી જ રીતે જે વિદ્યાર્થીઓ પ્રમાણમાં ઓછું બોલતા અને ઓછી ભાગીદારી કરતા હતા તે પૈકીમાંથી ઘણા પ્રોએક્ટિવલી હવે વધુ સક્રિય બન્યા છે! એક ઉદાહરણ તો આપણે તુષારનું અને બીજું ઉદાહરણ છે સાગર ! જેનું ફાંકડું અંગ્રેજી તેના આત્મવિશ્વાસ સાથે જ બહાર ફૂટી નીકળ્યું. આવી જ એક માથાભારે ચકલી આરાધ્યા તો તમને યાદ જ હશે ! જેનો  પ્રવેશોત્સવ પછી પણ તેના વર્ગખંડમાં પ્રવેશ થયો જ નહીં - ઑફિસમાં  અને શિક્ષકની પાછળ પાછળ જ ફર્યા કરવાનું તેમની પાછળ ખુરશીમાં ભરાઈ રહેવાનું ! એ આરાધ્યા સત્રના અંતે તેના વર્ગકાર્યમાં સૌથી વધુ સક્રિય બની ગઈ છે. 

આવા વિવિધરંગી અનુભવોથી જ આપણી શાળાના ૩  NMMS, ૧૪ મુખ્યમંત્રી જ્ઞાનશક્તિ સ્કોલરશીપ માટે અને 10 જ્ઞાનસાધના માટે પસંદ થયા છે.

આ સિવાય પણ શાળાના અન્ય અનુભવો આ બ્લોગ પર વાંચી શકશો. આપણે સૌ સાથે મળીને બાળકો માટેનું આ સ્થળ વધુ સુંદર અને આનંદમય બનાવી શકીએ તેવી નવાવર્ષની શુભેચ્છાઓ.