July 20, 2025

ELECTION 2025 PHOTOS

ELECTION 2025 PHOTOS
































































 

જલસા @ ખેતર !

જલસા @ ખેતર !

ખેતરની મુલાકાત માટે ગઈકાલે જયદીપ ભાઈને રસ્તા વિશે પૂછ્યું હતું કે ચોમાસાને કારણે રસ્તો બગડી તો નથી ગયો ને? તો તેમણે હસતા હસતા કહ્યું કે 'અરે, ગઈ વખતે ગયા હતા તે જ રસ્તે તમે બાળકોને લઈને આવજો, કોઈ વાંધો નથી.' પછી અમે શાળામાં પ્રાર્થના અને નાસ્તો પતાવી, ખેતરની મુલાકાતે જવા માટે અમારી નાની ફોજ (બાલવાટિકા - પહેલુંઅને બીજું) નીકળી પડી. શાળાથી ખેતર કંઈ બહુ દૂર નહોતું, એટલે રસ્તામાં છોડ, ઝાડ, ભેંસ, ગાયને જોતા જોતા, તેમની સાથે વાતો કરતા કરતા ખેતરે પહોંચી ગયા.

અમને જોતાં જ ખેતરમાં રહેતા બે ભાઈઓએ બાળકોને બેસવા માટે જગ્યા વાળીને સાફ કરી દીધી હતી, જાણે અમારી જ રાહ જોતા હોય! અમને આવતા જોઈને જ તેઓ દોડીને બેસવા માટે પાથરણાં પાથરવા લાગ્યા. એટલામાં જયદીપભાઈનો ફોન આવ્યો અને કહ્યું કે 'અરે, તમે નીકળ્યા તો અમને કેમ ફોન ના કર્યો!' થોડી જ વારમાં તેઓ બાળકો માટે પેંડા અને ચેવડો લઈને આવ્યા. 'અરે, આ બાળકો અમારા ખેતરમાં ક્યાંથી!' – તેમના ચહેરા પરનો આનંદ અને આશ્ચર્ય ખરેખર જોવા જેવું હતું, જાણે કોઈ અણધાર્યો ઉત્સવ આવી ચડ્યો હોય!

 કેટલાક બાળકોએ પહેલીવાર જ ખેતર જોયું હતું, એટલે તેમની આંખોમાં એક અલગ જ ચમક હતી, જાણે કોઈ નવી દુનિયા ખૂલી ગઈ હોય! તેઓ ખેતરમાં રહેલો ચાડિયો જોઈને પૂછવા લાગ્યા કે 'પેલું ભૂત છે?' તો અમારા કહેતા પહેલાં, જે બાળકોને ચાડિયા વિશે ખબર હતી, તેઓબોલી પડ્યા  'ખેતરમાં કોઈ ઢોર, ભૂંડ કે પક્ષીઓ આવીને વાવેલું બગાડી ન નાખે, તેના માટે ચાડિયો ઊભો રાખવામાં આવે છે. તે માણસ ખેતર સાચવે તેમ આપણું ખેતર સાચવે છે.' તો જેને પહેલીવાર ચાડિયો જોયો હતો, તે તો નવાઈ જ પામી ગયા! જાણે તેમની બાળસહજ દુનિયામાં એક નવું પાત્ર ઉમેરાયું - ચાડિયો !

ખેતરમાં વાવેલા ગુલાબને તેઓ ટગર ટગર જોઈ રહ્યા. પણ કોઈએ એ ફૂલને તોડ્યું નહીં. (હમમ સમજદારી તો સાચી !) ખેતરમાં પાળ બાંધીને થોડું પાણી ભરાયું હતું, તો બાળકોને પૂછ્યું કે 'આ ખેતરમાં શું વાવવાનું હશે?' તો તરત જ તેમનામાંથી જવાબ મળ્યો કે 'ડાંગર વાવવાની હશે.' પછી તો પૂછવું જ શું? ડાંગરમાંથી શું શું બને તેના તો કેટલાય નામ આવી ગયા. અને કેટલીય નવી વાનગીઓ સાંભળવા મળી! અમને પણ એમની પાસેથી નવું જાણવા મળ્યું. જો આપણે બાળકોને ખેતરની મુલાકાતે ન લઈ ગયા હોત, તો ડાંગર કેવી રીતે પાકે અને તેમાંથી શું બને તે આપણે તેમને વર્ગમાં ક્યારેય આટલી સચોટ રીતે સમજાવી શક્યા ન હોત. આ જ તો સહજ શિક્ષણનો જાદુ છે! પછી તો ખેતરમાં રાયણ, આંબલી, લીમડો, મોર, બગલા અને બીજું ઘણું બધું જોયું... અને 'વડલા ડાળે વાંદરા ટોળી કરતી હૂપાહૂપ' ગીત ગાવાની પણ ખૂબ મજા પડી ગઈ. જાણે આખું ખેતર જ અમારી પાઠશાળા બની ગયું હોય!

ગીત ગાઈ, નાસ્તો કરી અને વાતો કરતાં કરતાં અમારી ટીમ શાળામાં પરત જવા માટે નીકળી પડી. આજની આ મુલાકાત ખરેખર ખૂબ જ આનંદદાયક રહી! અમને અને બાળકોને ખૂબ જ મજા આવી! આ નાનકડી મુલાકાત જાણે જીવનના એવા પાઠ શીખવી ગઈ, જે કોઈ પુસ્તકમાં ન મળે, પણ સીધા હૃદયમાં ઉતરી જાય.




June 29, 2025

જનરેશન ગૅપ: ઉંમર નહીં, બદલાવની સ્વીકૃતિ!

જનરેશન ગૅપ: ઉંમર નહીં, બદલાવની સ્વીકૃતિ!

જનરેશન ગૅપ - આ શબ્દ આપણે બહુ સાંભળીએ છીએ. પિતા-પુત્ર કે માતા-પુત્રી વચ્ચે હોય, અથવા તો બજારમાં કોઈ મોટા વ્યક્તિને ટીનએજર સાથે મતભેદ થાય, કે તરત આ શબ્દ સંભળાય: "જનરેશન ગૅપ!" પેલા 'થ્રી ઈડિયટ્સ'ના લાઇબ્રેરિયનની જેમ – "પરમેનન્ટ હું સર!!"

જોકે, આ ગૅપની વાત અમુક અંશે સાચી હોઈ શકે. વીસમી સદીના અંતથી એકવીસમી સદીમાં આવતાં જ ટેકનોલોજીમાં મોટી ક્રાંતિ આવી. આ ક્રાંતિએ આપણી રહેણીકરણીમાં મોટા ફેરફારો લાવ્યા. ઉંમરની વાત છોડો, જે લોકોએ ટેકનોલોજીને જાણવામાં, શીખવામાં કે સમજવામાં ધ્યાન ન આપ્યું, તેઓ "જનરેશન ગૅપ"ની પેલે પાર દેખાવા લાગ્યા. વ્યક્તિઓ જ નહીં, સંસ્થાઓ પણ જો ટેકનો-ફ્રેન્ડલી ન બની, તો ધીમે ધીમે અદૃશ્ય થવા લાગી. એટલે હવે જનરેશન ગૅપ શબ્દનો અર્થ ઉંમરને બદલે ટેકનોલોજીને કેટલી સ્વીકારી છે તેના આધારે થવા લાગ્યો. ટૂંકમાં, જો તમે નવીનતાને જાણો છો, તો ગૅપની આ પાર અને તેનાથી દૂર રહો છો, તો પેલે પાર!

ટેકનોલોજીની અસર ફક્ત વ્યક્તિઓ પર નહીં, તેમના કામધંધા પર પણ થઈ. જેઓ અપડેટ થતા ગયા, તેઓ આગળ વધ્યા. પણ જેઓ પોતાની જૂની રીતો જ વળગી રહ્યા, તેઓ આઉટડેટેડ થઈ ગયા. તમને યાદ હશે, કેટલાય એવા વ્યવસાય હતા જેને ટેકનોલોજીએ ખતમ કરી દીધા. જેઓ મોટા હતા, પણ નવી ચેલેન્જ સ્વીકારવા તૈયાર નહોતા, તેઓ ડાયનાસોર જેવા લુપ્ત થઈ ગયા.

સામે પક્ષે, ટેકનોલોજીએ નવી તકો પણ ઊભી કરી. જેણે આ તક ઝડપી, તેની ઝડપથી પ્રગતિ થઈ! છેલ્લાં થોડાં વર્ષોમાં આ ટેકનોલોજીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે તેને રોકવો અશક્ય અને વાળવો મુશ્કેલ હતો. માટે, તેના તાલથી તાલ મિલાવીને આગળ વધવું એ જ એકમાત્ર રસ્તો હતો. જેમણે આ પ્રવાહમાં તરવાની અનુકૂળતા કેળવી લીધી, તેમને તેનો પૂરો ફાયદો થયો. ઉદાહરણ માટે, આપણી શાળાનો બ્લોગ, યુટ્યુબ ચેનલ કે સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ જુઓ – શાળા જે રીતે તમારા સૌ સુધી પહોંચી છે, એ જ એક મોટું ઉદાહરણ છે.

એક સમય હતો જ્યારે સાંભળીને નવાઈ લાગતી કે એક વિકસિત દેશ એવો છે જ્યાં વસ્તી કરતાં સિમકાર્ડની સંખ્યા વધારે છે! જે વાત પહેલાં માની ન શકાય તેવી લાગતી, તે આજે આપણી આસપાસ સ્પષ્ટપણે દેખાય છે અને અનુભવાય છે. જેમ જેમ ઘરમાં અને સમાજમાં મોબાઇલ નામના મેજિક બોક્સમાં ટેકનોલોજીનો ખજાનો વધતો જાય છે, તેમ તેમ આજે જે નવું છે, તે કાલે જૂનું થઈ જાય છે. આવા સમયમાં અસ્તિત્વ ટકાવી રાખવાના પડકારો પગલે પગલે જોવા મળે છે.

શાળા જેવી સંસ્થાઓ કે શિક્ષક તરીકેના વ્યવસાયની વાત કરીએ તો, ટેકનોલોજીએ આપણને જેટલી મદદ કરી છે, તેના કરતાં અનેકગણા પડકારો પણ ઊભા કર્યા છે. અહીં આપણે વ્યવસાયના અસ્તિત્વના પડકારોની વાત નથી કરતા, પણ વાત છે ક્લાસરૂમમાં આવતા પડકારોની. આપણી સામે આવતા બાળકરૂપી પડકારોની!

આજે તમે બાળકને જે નવું શીખવવાના છો, તે તો તેના ઘરે ઉપલબ્ધ ટેકનોલોજીએ કદાચ કહી પણ દીધું હશે. અને જો તેના ઘરમાં કોઈ ટેકનોસેવી વ્યક્તિ હશે, તો તેણે તેને શીખવી દે તેવી લિન્ક પણ બતાવી દીધી હશે. તમે વર્ગખંડમાં જે વિષયવસ્તુ માટે આજે મહેનત કરવાના છો, તે કદાચ ઘણાં બાળકો માટે આઉટડેટેડ હશે. આવા સમયે, જો આપણી પાસે બાળકોને વર્ગખંડમાં રોકી રાખવા માટે અપડેટ માહિતી અને તેને પીરસવાની આગવી રીત નહીં હોય, તો વર્ગખંડમાં આપણું અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ બનશે.

હાલમાં જ નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે. બાલવાટિકાનાં ભૂલકાંને આપણે સૌએ પ્રવેશોત્સવ દ્વારા આવકાર્યા છે. હવે આ આપણાં ભૂલકાંને સામે રાખીને વર્ગખંડમાં એક સર્વે કરીએ તો ખ્યાલ આવશે કે એમણે પાંચ વર્ષની ઉંમરમાં એ બધું જ શીખી લીધું છે / જોઈ લીધું છે / સમજી લીધું છે – જેને સમજવા આપણને શાળામાં પ્રવેશ્યા પછી પણ વર્ષો લાગતાં હતાં. રીલ્સ મેડમ, યુટ્યુબ ટીચર – બધાં ઉપર આંગળીઓ ફેરવીને આખી દુનિયાના મીમ્સ સમજી જનાર બાળક માટે આપણે કેવાં ટુચકા કે કેવી કેવી બાળવાર્તાઓ સાથે તૈયાર થવું પડશે! આપણે પણ મોઢામાં આંગળા નાખી જઈએ તેવા ડાન્સ અને અભિનયના વિડીયો જોઈને પાંચ વર્ષનો થનાર આ ભૂલકાને આપણા અભિનયમાં રસ લેતો કરવા કેવું પીરસણ તૈયાર કરવું પડશે, તે ખરેખર વિચારવા જેવી વાત છે.

આ બધું વિચારવા અમને જેણે મજબૂર કર્યા છે તે દીકરી કાવ્યાને આ લિન્ક દ્વારા સાંભળશો તો તમે પણ તમારા વર્ગખંડનાં બાળકોને ભૂલકાં કહેતાં ખચકાશો! કારણ કે તેઓ હવે ભૂલ કરનાર કે ભૂલી જનાર નથી રહ્યાં – જો તેમને શાંતિથી સાંભળવામાં આવે તો તો એ રોજે રોજ આપણને નવું જણાવી જનારા માર્ગદર્શકો હોઈ શકે. ચાલો, માણીએ આવાં બાળકોને! તમારા વર્ગખંડની પણ આવી કાવ્યાના વિડીયો અમને મોકલશો તો સૌની સાથે શેર કરીશું.

દીકરી કાવ્યાની વાતો -:  

ભાગ ૧ 


ભાગ ૨ 




June 27, 2025

પ્રવેશોત્સવ - એક જન્મોત્સવ !

પ્રવેશોત્સવ - એક જન્મોત્સવ !

શરૂઆતથી જ અવઢવ હતી કે પ્રવેશોત્સવ ક્યાં યોજીશું? બોક્સ ક્રિકેટ અને મેદાનનું સેટઅપ જોઈ, ખુલ્લામાં એક બર્થડે પાર્ટી હોય એમ ઉજવવાનું નક્કી કર્યું અને ટેગલાઈન મળી - "આ પ્રવેશોત્સવ નથી, બાળકનો વિદ્યાર્થી તરીકેનો જન્મોત્સવ છે!" અમારા આ વખતના ઍન્કર્સ ભારતી અને દર્શનાએ એ ટેગલાઈન ઉપાડીને જ એમની સ્ક્રિપ્ટ પર કામ શરૂ કર્યું.

સામાજિક વિષય પર વક્તવ્ય આપવાનું હતું, એટલે ધોરણ ૬ અને ૭ના ચાર-પાંચ વિદ્યાર્થીઓને ગ્રામોત્સવ વિશે ડ્રાફ્ટિંગ કરવાનું કહ્યું: 'શા માટે ગ્રામોત્સવ ઉજવાય છે અને કેવી રીતે ઉજવાય છે?' – આ બધી વાતો દ્વારા સામાજિક સમરસતા વિશેની વાત કરવાની હતી. તેમણે પ્રયત્ન કર્યો, પરંતુ સ્ક્રિપ્ટ બહુ જામી નહીં. અંતે, રિતેશે નક્કી કર્યું કે, "આ વખતે તો હું જ રજૂ કરીશ. પછી જોયું જશે કે બીજા કોણ કોણ તૈયાર થઈ શકે છે."

સ્થળ વિશેની અવઢવ ચાલ્યા જ કરી. ઓપન ગ્રાઉન્ડમાં, બર્થડે પાર્ટી જેવું વાતાવરણ રાખી શકાય એમ વિચાર્યું હતું એ વરસાદના કારણે રદ્દ કરવાનું થયું.  શાળાને મળેલા નવીન ઓરડાઓ – જેને અમે સૌ ભાષાભવન તરીકે ઓળખવાના છીએ – તેનું લોકાર્પણ પણ કાર્યક્રમમાં ઉમેરાયું. આમ, સતત એક પછી એક કાર્યક્રમમાં ફેરફારો આવતા ગયા, સ્થળોમાં ફેરફાર આવતા ગયા. આમ છતાં, જે એક વસ્તુ નહોતી બદલાઈ, એ હતી કે આ ઉત્સવ છે અને આપણે એને ઉત્સવની જેમ જ મનાવવાનો છે! જેના આધાર પર આ શાળા વિશે, શાળાની પ્રવૃત્તિઓ વિશે, શાળાના વિદ્યાર્થીઓ વિશે ગામના વાલીઓ સુધી અને આવનાર મહેમાનો સુધી આપણે વાતને પહોંચાડી શકીએ. આપણી જે હકારાત્મકતા છે, જે આપણી એકતા છે, આપણો સંપ છે, આપણી સહજતા છે – તે બધાને ચખાડી શકીએ, જેથી એનું પ્રમાણ વધે અને શાળામાં જ નહીં પરંતુ આસપાસના વિસ્તારમાં પણ એવી સહજતાનો ઉમેરો થાય.

અને આખરે એ દિવસ આવી પહોંચ્યો. શાળામાં વ્યાપેલી નિખાલસતાથી રાજ્યસભાના સાંસદ શ્રી જે.એસ. પરમાર સર પણ વાતાવરણમાં ભળી ગયા. શાળામાં પ્રોટોકોલ એમ પણ હોતો નથી, તેમને પણ આ સહજતાનો આનંદ ભરપૂર માણ્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પણ એ જ રીતે થયું. સ્વાગતથી લઈને છેક આભારવિધિ સુધી, એ બધામાં એક જ ભાવ કેન્દ્રમાં રહ્યો: આ કોઈ એવો કાર્યક્રમ નહોતો કે જેના કારણે બાળકો કંટાળી જાય! આ તો એમનો જન્મોત્સવ હતો, એટલે તેઓ કેન્દ્રમાં રહે, તેમના વિશેની વાતો કેન્દ્રમાં રહે, શાળા કેન્દ્રમાં રહે, સંબંધો કેન્દ્રમાં રહે !

આજ કાર્યક્રમમાંથી કેટલાક નવા સપનાઓ વવાયાં. એમાંથી એક સપનું એટલે શાળામાં એક સ્ટુડિયો હોય! અને એ સ્ટુડિયો દ્વારા શિક્ષણ વિશેના વિવિધ પ્રકારના પોડકાસ્ટ અને વિડીયોઝ બને, લાઈવ સ્ટ્રીમિંગ પણ થઈ શકે!

ભાષા ભવનના લોકાર્પણ પછી સાંસદશ્રી વડે અપાયેલા ૨૦૦ છોડ સાથે સાથે, અમારા બાગમાં પ્રવેશેલા છોડ (બાળકો ) પણ ઉછેરતા રહીશું – સમાજ અને શાળા બંને એક યુનિટ બની બધા છોડની (વનસ્પતિરૂપી અને બાળકોરૂપી) માવજત કરતાં રહીશું.

જે આભારવિધિમાં કહેવાયું એ ફરી કહીએ તો - શાળાનું મુખ્ય કાર્ય તો જીવતાં શીખવવાનું છે. આ આધુનિક યુગમાં ઘણું  સારું થઈ ગયા પછી – નથી કોઈ રોગથી મરવાનો ખતરો, નથી અન્ય પ્રાણીઓ કે જંતુઓનો ખતરો – વિજ્ઞાનના આ યુગમાં આપણે એ બધા ખતરાઓથી જેમ જેમ મુક્ત થતા જઈએ છીએ તેમ તેમ શારીરિક સુરક્ષામાં રહેતા થઈ ગયા છીએ. હવે ઘટે છે એ કે આપણને સાથે મળી જીવતાં આવડતું નથી. સાથે મળી જીવવું એ આગવું કૌશલ્ય છે – અને જે જે મનુષ્યોને એ કૌશલ્ય પ્રાપ્ત થઈ જાય તેઓ સૌ પ્રસન્નતાથી જીવતા પણ થઈ જાય અને સૌને જીવવામાં મદદ પણ કરી શકે. અને એટલે જ આપણી શાળાને કોઈ પૂછે કે 'તમે અહીંયા શું શીખવાડો છો?' તો અમે એકસૂરે કહીશું: "અમે સૌને સાથે મળી સહજતાથી જીવતાં શીખવીએ છીએ."

સહજતાના આ આશીર્વાદ વરસતા રહો, ગામેગામનાં બાળકોને આવા સહજતાના આશીર્વાદ પ્રાપ્ત થાઓ! જુઓ >  પ્રવેશોત્સવ








June 21, 2025

યોગદિવસ: એક દિનચર્યાનો ક્રમ અને ઉત્સવ!

યોગદિવસ: એક દિનચર્યાનો ક્રમ અને ઉત્સવ!

વર્ષે યોગ દિવસ અને સાથે સાથે પ્રવેશોત્સવની તૈયારીઓની દોડધામ હતી, છતાં પણ, યોગ દિવસ અમારા માટે અનોખો બની રહ્યો. આમ તો  યોગ એ રોજ પ્રાર્થના સભાનો એક ભાગ અને દિનચર્યાનો ક્રમ બની ગયેલો છે. એટલે બાળકોને "યોગ દિવસ ઉજવવાનો છે" એવું કહીએ ત્યારે આ કંઈ વિશેષ કરવાનું છે - એવું ક્યારેય લાગતું નથી હોતું. વરસાદની અવરજવરવાળું વાતાવરણ એટલે યોગ દિવસની ઉજવણી સમૂહમાં કરવી કે વર્ગખંડ કક્ષાએ? એ અવઢવ રહી. જોકે, મેઘરાજાની મહેરબાનીએ સમૂહમાં યોગ દિવસ ઉજવવાનો મોકો મળ્યો.

શાળામાં સામાન્ય રીતે રોજિંદી યોગિક ક્રિયાઓ પ્રાર્થના સંમેલનમાં થતી જ હોય છે. માટે આ યોગ દિવસને ખાસ ખેલ મહાકુંભ સાથે જોડવાનો પ્રયાસ કર્યો. ખેલ મહાકુંભમાં રાજ્ય, જિલ્લા, તાલુકા કક્ષા સુધી ભાગીદારી નોંધાવેલ બાળકોને મેન્ટર તરીકે પસંદ કરાયા. તેમના અનુભવોની વાતચીત સાથે, ખેલ મહાકુંભમાં યોગ ઇવેન્ટમાં કરાવવામાં આવે છે તેવી ક્રમબદ્ધ / તાલબદ્ધ યોગિક ક્રિયાનું બાળકોને એક્સપોઝર અપાયું. મેન્ટર પોતે પહેલાં કરીને બતાવે અને ત્યારબાદ ઇચ્છુક બાળકો તે કરે – તેમાં થતી ભૂલની ચર્ચા થાય અને આમ, ટ્રાય-એરરની ક્રમશઃ પ્રેક્ટિસ જાતે કરી શકે તેવો પ્રયત્ન કરાયો. કોઈ એક યોગિક ક્રિયા માટે કેટલી પૂરક ક્રિયાઓ જરૂરી છે – તેની પણ વાત થઈ.

ખાસ તો, "બાળકોએ યોગ શા માટે કરવા જોઈએ?" એ પ્રશ્ન ખૂબ ચર્ચામાં રહ્યો. પ્રશ્ન એવો ઉદ્ભવ્યો કે, "અમે સૌ બાળકો આખો દિવસ - રમવું, રખડવું, દોડવું, કૂદવું – વગેરે રોજિંદી એટલી બધી ક્રિયાઓ કરીએ છીએ કે આમ પણ અમારું શરીર સ્વસ્થતા માટે જરૂરિયાત કરતાં પણ વધુ કરી લે છે, તો અમારે શા માટે યોગ કરવા જોઈએ?" અવનવી વાતોનો યોગ ચાલ્યો અને છેલ્લે એવું નક્કી થયું કે, આપણી રોજિંદી તમામ ક્રિયાઓ જે ઉપર ગણાવી - તે તમામ ક્રિયાઓ માટે શરીરમાં થતી ક્રિયાઓને નિયમન કરવાનું કામ યોગ કરે છે. માટે મેદાનમાં શ્રેષ્ઠ કરવું હોય કે વર્ગખંડમાં, યોગ એ સચોટ ઇલાજ છે. આવી તો ઘણી બધી વાતોની ચર્ચા થઈ. આવી મથામણને પણ અમે સૌ તો એક યોગ જ કહીએ છીએ. હા, તમે એને કોઈક નામ પાડી અમને મોકલાવી શકો છો. ત્યાં સુધી આ ફોટો/વિડીયો વડે માણીએ અમારી ઉજવણીને..


VIDEO