November 03, 2014

एक कदम ...


“એક થા મોહન કે એક હૈ મોહન ?”
"મમ્મી,વચન આપ કે ઘરની આસપાસ ગંદકી નહી કરે !!"
૨જી ઓકટોબરે આપણા મોહનદાસ કરમચંદ ગાંધી વિષે ઘણી બાબતોની ચર્ચા  તો થવાની જ !
                   ...એમની સત્યપ્રિયતા અને સ્વચ્છતાપ્રિયતા ઉપરાંત જો કોઈક બાબત સૌથી અસરકારક હોય તો – “પરિસ્થિતિ પ્રત્યે તેમની ઇનોવેટીવ દ્રષ્ટિ !”  ઉપલબ્ધ સંસાધનોનો અનોખી સૂઝ બુઝથી ઉપયોગ કરવાની આવડત ! જ્યાં અન્ય વ્યક્તિઓનું વિચારવાનું અટકી પડતું ત્યાંથી એમનું વિચારવાનું શરૂ થતું !
આઝાદી અને રેટિયો નું કોમ્બીનેશન ગાંધી વગર કોને સુઝે ?
 દેશના પ્રત્યેક વ્યક્તિને દેશ સાથે જોડાયેલા હોવાની અનુભૂતિ કરાવવા માટેના તેમના પ્રયાસો –ખેડૂતથી માંડી ઉદ્યોગપતિ સૌને એકસમાન રીતે પ્રેરિત કરવા ! બહુ મોટા પાયે ‘અશક્ય’ લાગે તેવા કાર્યક્રમ આપવાને બદલે, સૌ જોડાઈ શકે એવા કાર્યક્રમ દેશને આપવા ! લોકો શાની સાથે સૌથી વધુ જોડાઈ જશે તે વસ્તુઓ શોધી કાઢવાની તેમની દ્રષ્ટિ ! ‘મીઠાના કર’ ને દુર કરવા કરેલી દાંડી યાત્રા એ આ બાબતનું ઉદાહરણ છે.
                  ધન-દાન માટે ઓટોગ્રાફ આપવાથી માંડી અને ધન ના હોય તો શ્રમ દાન અને સમય દાન મેળવવા માટેના પ્રયાસો ! ધીમે પણ મક્કમ પગલે દેશભરના લોકોની તાસીર બદલાતા ગયા અને અંગ્રેજસત્તાકમાંથી પ્રજાસત્તાક બની શકાયું !
                                આવા ગાંધીનો બર્થડે આ વખત ‘ગામમાં સ્વચ્છતા માટેની જાગૃતતા ફેલાવી’ ઉજવ્યો ! પ્રયાસ નાનકડો લાગે પણ અસર નાની નહિ જ હોય –
લાંબામાં લાંબો પંથ કાપવા લેવાયેલું પહેલું પગલું તો નાનકડું જ હોય છે !
“એક કદમ – ગાંધી ઔર સરદાર કી ઓર !”











રેલીના વળતાં સમયે જોવા મળતાં દ્રશ્યોમાંની એક ક્લિક - આ નિયત મુજબનું હતું કે પછી રેલીની અસરકારકતા હતી -તે અમે ચોક્કસપણે નથી કહી શકતાં !!
¹ વિડીયોગ્રાફી જોવા માટે નીચે ક્લિક કરો ! 

November 02, 2014

છૂક..છૂક ગાડી !

બાળકોની છૂક...છૂક ગાડી !!!


બાળકોની સાથે બાળક જેવા -અમારા પ્રજ્ઞા શિક્ષક ચંદુભાઈ અને તેમનાં બાળકોની છૂક..છૂક ગાડી જોવી હોય તો અહીં આપેલ લિંક પર ક્લિક કરો > छुक...छुक

October 18, 2014

Happy Diwali...


 અમારી શુભકામનાઓ....
    
સૌ મિત્રોને ટીમ નવાનદીસર  તરફથી આનંદદાયી પ્રકાશપર્વ દિવાળીની શુભેચ્છાઓ તથા નવી ખુશી અને અપાર સફળતાઓ સહિતના નવા વર્ષની શુભકામના....
Happy Diwali 

&
Happy New Year

October 01, 2014

અમારા ધ્વારેથી ...

Child’s Learning speed



                 આપણે જાણીએ છીએ કે દરેક બાળકની શીખવાની ગતિ અલગ હોય છે. વિષય-વસ્તુના એક મુદ્દાને સમજવા માટે વર્ગખંડનું કોઈ બાળક બે મિનીટ લે છે, તો તે જ પધ્ધતિથી કોઈ બાળક બે કલાક ! આપણા વર્ગખંડમાં કોઈ બાળકની ઝડપ 2km અને કોઈની 20Km તો કોઈ બાળકની 200km હોય છે, શું આપણે 2km-20km-200km સમન્વય સાધી વર્ગકાર્યને આગળ વધારી શકીએ છીએ ખરા ? જવાબ જો “હા’ તો પછી એક પૂરક પ્રશ્ન એ ઉભો થાય છે કે શું આપણે મહેનત જેટલું પરિણામ મેળવી શકીએ છીએ ખરા ? જો આ પ્રશ્નના મૂળમાં જઈ ઉપચાર વિચારીએ તો શું વર્ગશિક્ષક કે વિષય શિક્ષકનું યોગ્ય વર્ગ-આયોજન બાળકની શીખવાની ગતિમાં સુધારો કરી શકે છે ? જેમ કે 1 થી 5 ગણતાં શીખવવા માટે જે બાળકને સફરજન વધારે ભાવતું હોય તેને સફરજનના ટૂકડા અને જે બાળકને દ્રાક્ષ ભાવતી હોય તેને દ્રાક્ષના દાણા - ન આપી શકાય ? ગમતાં પાત્રોની વાર્તાની ચોપડીઓ આપીએ અથવા તો ગમતાં વિષય-વસ્તુ પર પાંચ-દશ લીટી લખવા કહીએ તો બાળકની લખાણ-વાંચનની ઝડપ અને તેના આધારે સમજવાની ક્ષમતાઓમાં વધારો ન થાય ?? – ચાલો, એકવાર આપણે આપણા વર્ગકાર્યનું બારીકાઈથી સ્વ-નિરીક્ષણ કરીએ અને હકીકત જાણીએ તો ખરા કે -: 
આપણું વર્ગકાર્ય આયોજન બાળકની શિખવાની ગતિમાં રેમ્પનું કામ કરે છે કે બમ્પનું ???

September 15, 2014

British council... At NavaNadisar !!!


"પાર્થ"ને કહો.........
 
                     બ્રિટીશ કાઉન્સિલની ટીમ દ્વારા રાજ્યમાં એક સર્વેક્ષણ હાથ ધરાયું છે. “ગુજરાતમાં અંગ્રેજી શિક્ષણ-સ્કોપ્સ એન્ડ નીડ્સ” એ અંતર્ગત આપણી નવાનદીસર શાળાની મુલાકાત કરાઈ. ટીમ સદસ્યા દ્વારા અંગ્રેજી શિક્ષણના તાસનું અવલોકન કરાયું. કેટલાક ફીડબેક ફોર્મની આપ-લે થઇ. સાથે બે કલાક જેટલી સઘન ચર્ચા થઇ. આખરે શું ખૂટે છે ?
                                આપણા વિદ્યાર્થીઓ માટે (ઘણીવાર શિક્ષકો માટે પણ) અંગ્રેજી એ અઘરો વિષય છે. ઘણા પ્રયત્નો પછી પણ વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં અપેક્ષિત વ્યવહારિક સીધ્ધીએ નથી પહોચતા. અને આ સ્થિતિ વિદ્યાર્થી પક્ષે અને શિક્ષક પક્ષે હતાશા ઉત્પન્ન કરે છે.
આ સ્થિતિ માટેનું સૌથી મોટું કારણ છે – “ શિક્ષકના ‘વિશ્વાસ’ અને ‘ઈચ્છા’ વચ્ચેની મોટી ખાઈ !
                                 દરેક શિક્ષક ઈચ્છે તો છે કે તેમના વિદ્યાર્થીઓ અંગ્રેજીનો ઉપયોગ કરે,પણ તેઓ પોતે જ તે વિષે શંકાશીલ છે. તેઓની નજર હમેશા – “વિદ્યાર્થીઓની સામાજિક પરિસ્થિતિ અને અંગ્રેજીવિહીન પરિસર પર હોય છે ! “હમમમ..આવામાં વિદ્યાર્થીઓને ક્યાંથી અંગ્રેજી આવડે?”  બિલકુલ સાચું ! જ્યાં સુધી વિદ્યાર્થીના કાને અંગ્રેજી પડતી નહિ થાય ત્યાં સુધી તેને તે ભાષા નહિ જ આવડે. પણ એમના કાને અંગ્રેજી પહોચાડશે કોણ ? ગુજરાતી માતૃભાષા છે – તેનો ઉપયોગ તો વ્યવહારમાં થાય જ છે. હિન્દી પણ હવે ગામેગામ પહોચી ગયેલા ટેલીવિઝનના માધ્યમથી બાળકોના કાન સુધી પહોચી છે.
અંગ્રેજી માટે એક જગ્યા બચે છે – શાળા ! અને ત્યાં શિક્ષકરૂપી અર્જુન તેના હથિયાર હેઠા નાખી બેસી ગયો છે !
                             “હું આમને અંગ્રેજી કેવી રીતે સંભળાવું? હું અંગ્રેજીમાં બોલું તો તેઓ મારું મો તાકી રહે છે ! તેઓ કશું સમજતા નથી !”બિલકુલ આ જ સ્થિતિ હોવાની જયારે તમે અંગ્રેજીનો ઉપયોગ વર્ગમાં શરૂ કરશો ત્યારે – વિદ્યાર્થીઓ થોડી કુતુહલતાથી-થોડી બાઘાઈથી તમારું મો તાકી રહેતા હોય એવું લાગવાનું જ ! પરંતુ જાતે જ વિચાર કરો – “શું બીજો કોઈ માર્ગ છે ?”
            એક નવજાત શિશુને તેની આસપાસના મોટેરા રમાડવા લે છે – ત્યારે શું રમાડે છે ? “કબડ્ડી કે ખો-ખો ?!” એ બધા તેની સાથે ‘ભાષા-ભાષા’ રમે છે ! તેઓ તેની સાથે વાતો કરે છે. અને તે વખતે પેલું નવજાત શિશુ પણ આપણા અંગ્રેજી વર્ગના વિદ્યાર્થી સમું ફક્ત મોં જ તાકી રહે છે ! છતાં આપણે પેલા શિશુ માટે તે સમજશે કે નહિ- તેને ક્યારેક ભાષા આવડશે કે નહિ ? તેવી કોઈ શંકાઓ સેવતા નથી. બોલવાનું શરૂ રાખીએ છીએ..અને તેની ભાષા શીખવાની યાત્રા શરૂ થઇ જાય છે.
શું અંગ્રેજી શીખવામાં આ જ ક્રમ નથી લાગુ પડતો ?
“ શિક્ષકની જીદ છે કે “વિદ્યાર્થી સમજે તો અંગ્રેજી બોલું” 
અને 
ભાષા શીખવાનો ક્રમ કહે છે કે “ બોલશો તો જ સમજતો થશે ” !

                          આપણે આ બે છેડા ભેગા કરવા જ રહ્યા. કોઈકવાર શાળાના અંગ્રેજીના તાસનું એનાલીસીસ જાતે જ કરજો કે એ ૪૦ મિનીટ્સમાં કેટલો સમય વિદ્યાર્થીઓને કાને અંગ્રેજી પડી ?અમને વિશ્વાસ છે કે તમને અંગ્રેજી શીખવવાનું પ્રથમ પગથીયું મળી જશે !
અમારા બાળકો સાથે અંગ્રેજી ભાષામાં અને ભાષા પર ચર્ચા કરતાં બ્રિટિશ કાઉન્શીલ ટીમના સભ્યશ્રી
બાળકોના લેખિત અભિપ્રાયો અને બાળકોમાં અંગ્રેજીનું સ્તર જાણવાના પ્રયત્નરૂપે 
ભાષા શિક્ષણના તાસનું નિદર્શન કરતી ટીમ  તથા [નીચે] શિક્ષકો સાથે ચર્ચા .... 


ટી.ટી.શ્રી પંચમહાલ, સાથે ડાયટ લેકચરશ્રી તથા બી.આર.પી. અંગ્રેજી [ગોધરા] સાથે અંગ્રેજી વિષે ચર્ચા 

September 05, 2014

જ્ઞાન સપ્તાહ...


"જ્ઞાન સપ્તાહ" તથા "સ્વશાસનદિન"ની ઉજવણી
   
શૈક્ષણિક કાર્યક્રમની ઉજવણી એટલે જ શાળાના ઉત્સવો. જે રીતે આપણા સામાજિક/ધાર્મિક તહેવારો આપણી જીવનશૈલીમાં એકના એક રોજિંદા સમયપત્રકથી આવેલી નીરસતાને દૂર કરી ઉત્સાહ રૂપી ઉર્જા-રસ ભરવાનું કામ કરે છે, શૈક્ષણીક ઉત્સવો તેવું જ કામ શાળાકીય પર્યાવરણ માટે કરે છે. શાળાકીય ઉત્સવો શાળાના પટાંગણના પર્યાવરણને ઉત્સાહ અને ઉમંગથી ભરી દે છે. રોજિંદા દિવસોથી અલગ- ઉજવણીના દિવસની શાળા સફાઈ-પ્રવૃત્તિ હોય કે પ્રાર્થના સમારંભ – બાળકોની ગતિ – ઉત્સાહમાં ગજબનો ફરક દેખાઈ આવે છે. આ માસમાં શાળાએ  “જ્ઞાન સપ્તાહ” નામે આવા જ એક શૈક્ષણિક તહેવારની ઉજવણી કરી. એ દરમ્યાન કેટલાક શિક્ષકમિત્રો મળ્યા જેમનો મુંજવણ રૂપી પ્રશ્ન જ આ લેખની જન્મદાતા છે. તેમનો મત કંઇક આવો હતો કે-: “અરે! યાર “જ્ઞાન સપ્તાહ’ અંતર્ગત જે કંઈ સ્પર્ધાઓ-પ્રવૃત્તિઓ કરવાની થાય છે, તે તો આપણે આપણા રોજિંદા સમય-પત્રકમાં સમાવેશ કરેલો જ છે, તો પછી આ બધું અલગથી શા માટે ?? અને એક દિવસની  આટલા બધી પ્રવૃત્તિનું સુ-આયોજન કરવું કેવી રીતે ?   
                                      મિત્રો, જેમ રોજ ‘જીવતા’ આપણે ‘જન્મદિવસ’ મનાવીએ - અને રોજ નત મસ્તકે ‘શક્તિ’ ને પૂજતા આપણે ‘નવરાત્રી’ ઉજવીએ ! એમ જ રોજ થતી આ શૈક્ષણિક પ્રવૃતિઓ આવા પ્રસંગે ઉજવવાની હોય છે ! સવાલ આપણો છે-કે-મળેલ ‘તક’ ને ‘સરકારી’ ઢબે ઉજવવી કે ‘અસરકારી’ ઢબે ?
                             શાળાને જયારે કાર્યક્રમની રૂપરેખા મળી એટલે તરત પહેલું કામ-એ પરિપત્ર અને ‘જ્ઞાન સપ્તાહ’ ની પુસ્તિકા ધોરણ -૮ ના વિદ્યાર્થીઓને હવાલે કરી દીધા. અને એ રીતે શરૂ થયેલા અમારા સપ્તાહમાં બધા જ કાર્યક્રમો એ મુજબ થયા જે મુજબ અમારા વિદ્યાર્થીઓએ ચાહ્યા ! ઘણી જગ્યાએ અમે નિયત આયોજનથી સાવ જુદા પડ્યા હોઈશું, પણ નિયત હેતુથી નહિ. વાર્તા સ્પર્ધામાં ઝળકેલા ધોરણ-૫ ના ઓડ સુનીલનો આત્મવિશ્વાસ જોઈ સૌ દંગ રહી ગયા તો ભરવાડ સોનલના મોઢે ‘નરસિંહ મહેતા’ વિષે સાંભળીને અભિભૂત થયા. આવા અનેક નાના-મોટા ગૌરવ પ્રસંગો શાળા આંગણમાં ઉજવાયા !  આ હતી અમારી ફલશ્રુતિ અને આનંદ કાર્યક્રમને અસરકારી બનાવવાનો !
આદર્શ વાંચન સ્પર્ધા.....
સુ-લેખન  !!↴







ચેસ -શિક્ષક્શ્રી સાથે બાળકો -બાળકોના ચહેરા જ કહી આપે છે કે રમત કેવી રોમાંચિત બનશે !
આ રમત વિશે કહેવું જ નહિ પડે કારણ કે આ તો આપણી જૂની અને જાણીતી રમત  !!
સંગીત ખુરશી ... 
Our Tigers ... in kabaddi
ચાલો બનાવીએ - ચાલો રમીએ -  "માટીના રમકડાં" 
ખો-ખો ?? આ તો છોકરીઓની  જ રમત - છોકરાઓના મનમાંથી વાત આ ભૂંસવાના પ્રયત્ન રૂપે...   
ક્વિજ ....
સ્વચ્છતા સંકલ્પ  અને શાળા સફાઈ - [નીચે] શિક્ષક મિત્રોની સાથે મળી સફાઈ કરતાં બાળકો  




સ્વચ્છતા બેનર બનવતો ધોરણ ચોથાનો બાળક.....
સ્વ-શાસનનો આનંદ.... જ્યાં "બાળ-પ્રજ્ઞા શિક્ષકો" પણ હતા 



સ્વ-શાસનદિન એટલે બાળકો વર્ગકાર્ય કરાવે - એટલે શિક્ષકોને તો વર્ગમાં જવાની રજાની મજા- આવી જ રજાના સમયનો લાભ લઇ બાળકો માટે મૂળાક્ષરના કાર્ડ તૈયાર કરતાં પ્રજ્ઞા શિક્ષકમિત્રો.....
શિક્ષકદિને મુખ્યમંત્રીશ્રીનું સંબોધન સાંભળતો શાળા પરિવાર.... 

↖અમારા બાળ-શિક્ષકોની  સમૂહ છબી ↗

September 01, 2014

અમારા ધ્વારેથી...


બાળકોની જીવનશૈલી અને સ્વચ્છતા

સ્વચ્છ ગામ-સ્વચ્છ શહેર અને સ્વચ્છ દેશની એક કલ્પના અત્યારે ચાલી રહી છે. ત્યારે શાળા પરિવારના મનમાં તે વિશેની ગડમથલ વર્ષોથી ચાલી જ રહી છે. શાળા કક્ષાએથી જે પેઢીને જો કોઈ વસ્તુનું મહત્વ સમજાવી તેને તેની જીવનશૈલી સાથે વણી દેવામાં નથી આવતી તેને પછીથી જોડવામાં ખૂબ જ મુશ્કેલી થાય છે.
                 જે વ્યક્તિએ સ્વચ્છતાનો અહેસાસ જ ના કર્યો હોય તેને તેનું પરિસર સ્વચ્છ રાખવાની મથામણ કરવી ક્યાંથી ગમશે? શાળાના જુના વર્ષો યાદ કરીએ તો થાય કે સ્વચ્છતા તરફ સૌનો અભિગમ કેળવાયો તો છે – જ્યાં “તું નાહીને આવ્યો છું ?” નો જવાબ “હા ! સાહેબ રવિવારે જ નાહ્યો’તો !!” એમ મળતો – કેટલાકને સમજાવ્યા પછી ય દરરોજ નાહવાનું ટાળતા - એના માટે એ વિદ્યાર્થીઓ નહિ, પણ એમનું વાતાવરણ જવાબદાર ! – કોઈક જો દરરોજ સ્નાન કરવાનો પ્રયત્ન પણ કરે તો વાલીઓ ટોકે – “શું રોજ નાહ્યા કરે છે ?” દરરોજ નહાવું એ પણ એમની સ્વચ્છતાની વ્યાખ્યામાં નહોતું. આજે સ્થિતિ જુદી છે – ‘નાગરિક ઘડતર’ અને ‘આજના ગુલાબ’ જેવી પ્રવૃત્તિની એટલી અસર તો થઇ કે વિદ્યાર્થીઓ રોજ નહાવા લાગ્યા – સામુહિક રીતે એક પેઢીને ટેવ પડ્યા પછી નખ કાપેલા રાખવા, જમતા પહેલા સાબુથી હાથ ધોવા - થાળી બરાબર ધોવી જેવી જરૂરિયાતો હવે વલણ બની ચુકી છે ! પણ મંઝીલ હજુ દુર છે – એ વિદ્યાર્થીઓ એમના ઘર-આંગણું અને ગામ પણ સાફ રાખતા થશે – એ દિવસ “સ્વચ્છ ભારત” નું સ્વપ્ન સાકાર થશે.
“ચાલો – એક સ્વચ્છ સ્વપ્ન એમની આંખોમાં આંજીએ – એ અંજન વડે એમને નવી દુનિયા બતાવીએ !”