બ્રિટીશ કાઉન્સિલની
ટીમ દ્વારા રાજ્યમાં એક સર્વેક્ષણ હાથ ધરાયું છે. “ગુજરાતમાં અંગ્રેજી શિક્ષણ-સ્કોપ્સ એન્ડ નીડ્સ” એ અંતર્ગત આપણી
નવાનદીસર શાળાની મુલાકાત કરાઈ. ટીમ સદસ્યા દ્વારા અંગ્રેજી શિક્ષણના તાસનું અવલોકન
કરાયું. કેટલાક ફીડબેક ફોર્મની આપ-લે થઇ. સાથે બે કલાક જેટલી સઘન ચર્ચા થઇ. આખરે
શું ખૂટે છે ?
આપણા વિદ્યાર્થીઓ
માટે (ઘણીવાર શિક્ષકો માટે પણ) અંગ્રેજી એ અઘરો વિષય છે. ઘણા પ્રયત્નો પછી પણ
વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં અપેક્ષિત વ્યવહારિક સીધ્ધીએ નથી પહોચતા. અને આ સ્થિતિ
વિદ્યાર્થી પક્ષે અને શિક્ષક પક્ષે હતાશા ઉત્પન્ન કરે છે.
આ સ્થિતિ માટેનું સૌથી મોટું કારણ છે – “ શિક્ષકના
‘વિશ્વાસ’ અને ‘ઈચ્છા’ વચ્ચેની
મોટી ખાઈ !
દરેક શિક્ષક ઈચ્છે
તો છે કે તેમના વિદ્યાર્થીઓ અંગ્રેજીનો ઉપયોગ કરે,પણ તેઓ પોતે જ તે વિષે શંકાશીલ
છે. તેઓની નજર હમેશા – “વિદ્યાર્થીઓની
સામાજિક પરિસ્થિતિ અને અંગ્રેજીવિહીન પરિસર પર હોય છે ! “હમમમ..આવામાં વિદ્યાર્થીઓને ક્યાંથી અંગ્રેજી
આવડે?” બિલકુલ સાચું ! જ્યાં સુધી વિદ્યાર્થીના કાને
અંગ્રેજી પડતી નહિ થાય ત્યાં સુધી તેને તે ભાષા નહિ જ આવડે. પણ એમના કાને અંગ્રેજી
પહોચાડશે કોણ ? ગુજરાતી માતૃભાષા છે – તેનો ઉપયોગ તો વ્યવહારમાં થાય જ છે. હિન્દી પણ
હવે ગામેગામ પહોચી ગયેલા ટેલીવિઝનના માધ્યમથી બાળકોના કાન સુધી પહોચી છે.
અંગ્રેજી માટે એક જગ્યા બચે છે – શાળા !
અને ત્યાં શિક્ષકરૂપી અર્જુન તેના હથિયાર હેઠા નાખી બેસી ગયો છે !
“હું આમને અંગ્રેજી કેવી રીતે સંભળાવું? હું
અંગ્રેજીમાં બોલું તો તેઓ મારું મો તાકી રહે છે ! તેઓ કશું સમજતા નથી !”બિલકુલ આ જ સ્થિતિ
હોવાની જયારે તમે અંગ્રેજીનો ઉપયોગ વર્ગમાં શરૂ કરશો ત્યારે – વિદ્યાર્થીઓ થોડી
કુતુહલતાથી-થોડી બાઘાઈથી તમારું મો તાકી રહેતા હોય એવું લાગવાનું જ ! પરંતુ જાતે જ
વિચાર કરો – “શું બીજો કોઈ માર્ગ
છે ?”
એક નવજાત શિશુને તેની આસપાસના મોટેરા
રમાડવા લે છે – ત્યારે શું રમાડે
છે ? “કબડ્ડી કે ખો-ખો ?!” એ બધા તેની સાથે ‘ભાષા-ભાષા’
રમે છે ! તેઓ તેની સાથે વાતો કરે છે. અને તે વખતે પેલું નવજાત શિશુ પણ આપણા
અંગ્રેજી વર્ગના વિદ્યાર્થી સમું ફક્ત મોં જ તાકી રહે છે ! છતાં આપણે પેલા શિશુ
માટે તે સમજશે કે નહિ- તેને ક્યારેક ભાષા આવડશે કે નહિ ? તેવી કોઈ શંકાઓ સેવતા
નથી. બોલવાનું શરૂ રાખીએ છીએ..અને તેની ભાષા શીખવાની યાત્રા શરૂ થઇ જાય છે.
શું અંગ્રેજી શીખવામાં આ જ ક્રમ નથી લાગુ પડતો ?
“ શિક્ષકની
જીદ છે કે “વિદ્યાર્થી સમજે તો અંગ્રેજી બોલું”
અને
ભાષા શીખવાનો ક્રમ કહે છે કે “ બોલશો તો જ સમજતો થશે ” !
આપણે આ બે છેડા ભેગા
કરવા જ રહ્યા. કોઈકવાર શાળાના અંગ્રેજીના તાસનું એનાલીસીસ જાતે જ કરજો કે એ ૪૦
મિનીટ્સમાં કેટલો સમય વિદ્યાર્થીઓને કાને અંગ્રેજી પડી ?અમને વિશ્વાસ છે કે તમને
અંગ્રેજી શીખવવાનું પ્રથમ પગથીયું મળી જશે !
અમારા બાળકો સાથે અંગ્રેજી ભાષામાં અને ભાષા પર ચર્ચા કરતાં બ્રિટિશ કાઉન્શીલ ટીમના સભ્યશ્રી |
બાળકોના લેખિત અભિપ્રાયો અને બાળકોમાં અંગ્રેજીનું સ્તર જાણવાના પ્રયત્નરૂપે |
ભાષા શિક્ષણના તાસનું નિદર્શન કરતી ટીમ તથા [નીચે] શિક્ષકો સાથે ચર્ચા .... |
ટી.ટી.શ્રી પંચમહાલ, સાથે ડાયટ લેકચરશ્રી તથા બી.આર.પી. અંગ્રેજી [ગોધરા] સાથે અંગ્રેજી વિષે ચર્ચા |
No comments:
Post a Comment