June 30, 2020

"ગેપ ઊભી કરો"



"ગેપ ઊભી કરો"

આપણે સૌ એક એવા સમયમાંથી પસાર થયા (પસાર થઈ રહ્યા છીએ.) કે જ્યારે વર્ષોથી (કે પેઢી દર પેઢી) જે કરતાં હતા તેમાં બદલાવ કરી શકાય તેવી  બાબતો દેખાતી થઈ. જેમ કોઈક પ્રસંગ – તહેવાર માટે  સાફસફાઇ કરવા ઘરનું રાચરચીલું હટાવી પછી તેને બીજે ક્યાંક ગોઠવીએ તો સારું લાગશે તેવો વિચાર આવે - એમ જ અત્યારે શિક્ષણ સાથે જોડાયેલા આપણે સૌને ઘણી બધી બાબતોમાં ફેરફાર કરવાનું સૂઝે છે – અથવા તો કોઇકવાર – ફૂલ રીસેટ મારી દેવાનું પણ મન થઈ આવે.
આવું થાય અને આપણે એમાં ફેરફાર કરવાના પ્રયત્નો કરીએ, તે જ આપણા શીખવાની નિશાની છે.
આપણો આ અનુભવ આપણને કેવી રીતે કામ લાગી શકે ?
બાળકોને ય આવું કૈક થતું જ હશે ને ! – તો તેઓને શીખવા માટે તૈયાર કરવા શું કરવું જોઈએ ?
તમે ફેસબુક પર શેર થતાં ન્યૂઝ પોર્ટલની હેડલાઇન જોઈ હશે – “સચિન જેવા મહાન ક્રિકેટરને આ ન શોભે – ક્લિક કરી જાણો એક જાણીતા વ્યક્તિએ કેમ કરી આવી ટિપ્પણી !” --- અને આપણે કઈ લેવાદેવા વગર એ લિન્ક ક્લિક કરીએ, વાંચીએ, મામલો ખબર પડે ને પછી જ આપણને સારું લાગે.
આપણે એ વાંચવા માટે પ્રેરાયા તેનું કારણ શું ? આપણે સચિન વિષે જે જાણતા હતા તેમાં અચાનક એ હેડલાઇનથી એક “ગેપ” ઊભી થઈ. અને એ ગેપ પુરવા આપણે તે વાંચવું પડ્યું. (હવે આ જ મામલો જો એકડેએકથી લખેલો હોત અને કોઇકે ફરજિયાત તે વાંચવાનું કહ્યું હોત અને તે પણ એક નક્કી કરેલ સમયે તો આપણે તે વાંચત ખરા? – કદાચ વાંચત પણ એ આનંદ ના મળત.)
એવું જ આપણાં બાળકોને થતું હશે જ્યારે આપણે આ વાર્તા કે આ કવિતા વાંચજો, આ દાખલો ગણજો  – એમ સૂચનાઓ છૂટી મારતા હોઈશું ત્યારે.
તો શું કરવું જોઈએ ? –
“ગેપ બનાવો” વાર્તા કહેતા પહેલા તેમનામાં એ વાર્તા વાંચવા માટેનું કારણ ઊભું થવા દેવું પડે. ગણિત કે વિજ્ઞાનમાં પણ આ થઈ શકે – (અચાનક એક રાત્રે વિચાર આવ્યો કે ખૂબ ઊંચા વૃક્ષોમાં પાણી એની ટોચ સુધી કયા બળથી પહોંચાતું હશે ? – ને પછી તે માટે ઈન્ટરનેટ ફેંદી વળ્યો..એ તો જાણ્યું જ  એ સિવાય વૃક્ષો વિષે બીજું ય જાણ્યું.) બાળકો સામે આવી ગેપ ઊભી કરીએ કે “આ વૃક્ષોના પાંદડા જુદા જુદા આકારના કેમ હોતા હશે ? – શરૂઆતમાં તેમની ધારણાઓ (કે જે આપણી પાસે રહેલા ‘સાચા’ જવાબો કરતાં ખૂબ જરૂરી છે.) અને પછી તેમણે કેમ ધાર્યું તે વિશેના તર્ક.. ને પછી એ શોધવા તેમણે ચોપડી આપશો કે વિડીયો; એ વાંચશે, જોશે અને સમજશે.

આ વાંચીને કોઈ ‘ગેપ’ ઊભી થઈ ? જણાવજો.

1 comment:

VIJAY CHAUDHARI said...

Nice
આવા નવા મુદ્દાની ઇન્તેજારી.
સમગ્ર શાળા ટીમને અભિનંદન.
બાળકોને વ્હાલ...