અ ન્યુ ફ્રેન્ડ ઓફ
નવાનદીસર !
એક ફોન આવે,
પોતાની ટૂંકી ઓળખાણ આપે કે
તમારી શાળાની પ્રવૃતિઓ હું બ્લોગ અને ફેસબુકના માધ્યમથી જોતો રહું છું. મારી પાસે
કેટલાક પુસ્તકો છે, જુના છે પણ તમને કામ લાગે એમ હોય તો તમને આપવાનું મને ગમશે. પુસ્તકોની બાબતમાં
અસ્વીકારનો મુદ્દો જ નહોતો। રૂબરૂમાં મળ્યા નથી અને શૈક્ષણિક ક્ષેત્રમાં સીધા જોડાયેલા નથી. તેવા વ્યકિતને
આપણા નવા નદીસર માટે કૈક કરવાનું ગમશે એમ કહે ત્યારે તો એ અસ્વીકાર કરી જ ના શકાય.
વાતચીત પછી ખાસો સમય વીતી
ગયો. એ વાતચીત પછી શાળાની સાથેસાથે ગામમાં પણ નાનકડું પુસ્તકાલય શરૂ કર્યું તો પુસ્તકોની જરૂર પણ રહે છે.
આ વખત નવાનદીસરના યુવાનોએ
મોબાઈલની માયા ઓછી કરી પુસ્તકો વધુ વાંચ્યા. સામાન્ય રીતે ટીક ટોક અને જુદી જુદી
ગેમમાં જ ડેટા વપરાઇ જતા તે ડેટા હવે પુસ્તકો વિષેની વાતચીત માટેના ફોરમમાં વપરાતા
થયા. લગભગ બધા યુવાનોએ પોતે વાંચેલા પુસ્તકો વિષે પહેલીવાર લખ્યું. (અલબત્ત
ભણવામાં આવે એ સિવાયના પુસ્તકો વાંચવાનો આ શિરસ્તો પણ નવો જ છે. ) અસર એવી પણ થઈ
કે હવે ગામમાં જઈએ એટલે કોણ શું વાંચે છે ? પોતાની પસંદ નાપસંદની વાતચીત ઉમેરાઈ
છે. ઓશો થી ધ્રુવ દાદા અને પહેલીવાર
પુસ્તકની સાઈઝ જોઈ નાસીપાસ થઈ જતા યુવાનોએ અશ્વિની ભટ્ટની દળદાર નવલકથાઓ રસપૂર્વક
વાંચી.
આવી સ્થિતિમાં કેટલાક હવે
શું વાંચીએ એવા પ્રશ્નો ય પૂછે, હવે
લાવવાના થાય તો કયા પુસ્તકો લાવવા એની પણ ચર્ચા થાય. ત્યાં જ પેલા નંબર પરથી ફરી
ફોન આવ્યો કે, “મે પેલા પુસ્તકો વિષે વાત કરી હતી તો એ લઈ જઈ શકો ?“ ના કહેવાનો
પ્રશ્ન જ નથી. ગામમાં પુસ્તકાલય સંભાળનાર રવિ, મનહર અને વિપુલ એ ત્રણેય પહોંચ્યા. (આવા શુભ
કાર્યમાં સહેજે વાર લગાડી શકાય નહીં.) તેમના શબ્દોમાં કહીએ તો “જોરદાર માણસ છે,
જેટલું અમદાવાદ એમની નજરે જોયું એટલામાં તેની ભૂગોળ અને ઇતિહાસ બંને આવી ગયું.
વાંચવામાં બીજા છ મહિના લાગે એટલા પુસ્તકો, મેગેઝીન સાથે તેમની સાથે નવા નદીસરનો
નાતો ય ખૂબ મહત્વનો છે.
બીનીતભાઈ, ગામ તરફથી આભાર
વ્યકત કરીએ છીએ અને સાથે જ તમે રવિને નવા નદીસર આવવાનો વાયદો કર્યો છે – એ ક્યારે
પૂરો કરશો તેની રાહ જોઈએ છીએ.
No comments:
Post a Comment