યોગની મજા અને ઈ-યોગનો રોમાંચ
યોગ એક પણ ફાયદા અનેક – આપણે સૌ જાણીએ છીએ. યોગને રોજિંદા
જીવનમાં વણી લેવો એ આપણા સૌ માટે મુશ્કેલ છે, તો તેને બાળકોની રોજીંદી
પ્રક્રિયામાં જોડવો તે પણ સ્ટીલના ચણાવાળી કહેવતથી કમ નથી. શાળા રોજીંદા સમય અને
સ્થિતિ મુજબ ચાલતી હોય ત્યારે બાળકોના સમય પત્રકમાં યૌગિક ક્રિયાઓનો સમાવેશ થયેલો જ હોય છે. બાળકોને ખ્યાલ
પણ નથી હોતો કે યૌગિક ક્રિયા તેમના “શાળાકીય”
જીવનમાં ભળી ગયેલ છે કે તેને અલગ તારવી જ ન શકાય. અહી શાળાકીય શબ્દ ભાર પૂર્વક એટલા
માટે જ તારવ્યો કે રજાઓ કે શાળા સિવાયના દિવસોમાં એટલે કે ઘરના સમય પત્રકમાં એ હજુ
દિનચર્યાનો ભાગ બની શક્યો નથી. તે માટેના ઘણાં કારણો પૈકી એક કારણ એ પણ છે કે
અમારા તરફથી પણ તે બાજુ ક્યારેય ન તો ધ્યાન ગયું કે ન તો તે માટે વધુ વિચારી
શક્યા. બાળકો સાથેની શાળા - કેમ્પસની દુનિયાથી વધુ વિચારી જ ન શક્યા કે ન તો
વિચારવાનો સમય મળ્યો !
પરંતુ હવે સ્થિતિ જ્યારે પ્રતિકૂળ બની છે અને
બાળકોનું શાળામાં આવવું નિષેધ બન્યું છે. ત્યારે હવે બાળકો સાથે સતત સંવાદ જાળવવા
શાળા સતત મથી રહી છે. બાળકો ઘરે શાળાકીય પ્રવૃત્તિઓ વડે વ્યસ્ત રહે અને મસ્ત રહે એ
ક્લાસ માટેનો પહેલો અભિગમ રહ્યો છે. બાળકો સાથે દિન વિશેષની ઉજવણી એ ઉત્સવ જેવી
લાગતી. બાળકો તહેવારની જેમ તૈયારીઓ કરી ઉત્સાહથી ઉજવણી કરતા. અત્યારના માહોલમાં એ
અશક્ય બન્યું છે ત્યારે, થયું કે જો વર્ચ્યુઅલ ક્લાસ સંવાદ માટેનો સેતુ બની શકતો
હોય તો ઉજવણી માટેનો કેમ નહિ ? અને ચર્ચા શરૂ થઈ વર્ચ્યુઅલ ક્લાસ વડે જ યોગ દિવસની
ઉજવણી કરવા માટેની ! બાળકો સાથે યોગ દિવસની
વાત કરી તો બાળકો એ તો વળી પ્રશિક્ષક બનવાની જ માંગણી કરી. આમેય શાળામાં બધુ એમનું
જ રાજ હતું એટલે યૌગિક ક્રિયા કરાવવાના
આદેશો પણ તેમને હસ્તગત હતા જ. રોજ યોગ કરતાં
આ બાળકો માટે યૌગિક ક્રિયા કરાવવી
એ કઈં નવી કે નવાઈ પમાડે તેવી બાબત ન હતી. પરંતુ સૌને રોમાંચિત કરનારી બાબત હતી કે
અલગ અલગ આઠ સ્થળથી એટલે કે અલગ અલગ આઠ મોબાઈલ પરથી પ્રશિક્ષકો યોગ કરવા માટેના
આદેશો આપવાના હતા અને શિક્ષકો સહિત સૌ તે યૌગિક ક્રિયામાં સામેલ થવાના હતા.
આમ પ્રાર્થનામાં તો કરાવું જ છું પણ અહીં મોંઢે નહીં
ફાવે, તો હું લખેલું વાંચું તો ચાલશે ? – એવું કહેવા કમલેશ ઘરે આવ્યો ત્યારે તેનામાં આવેલી થોડી નર્વશનેશ
દેખાઈ આવેલી. પરંતુ તું પ્રશિક્ષક છે – તું ઈચ્છે તે પ્રમાણે કરાવી શકે છે – આ
ડાયલોગે તેનામાં મજા લાવી દીધી હોવાનું સાબિત થયું જ્યારે તેને પણ સારા
પ્રશિક્ષકની જેમ જ સૌને યૌગિક ક્રિયા
માટેના આદેશ આપ્યા.. ચાલો તમે પણ આ વિડીયો વડે જોઈ શકો છો.. અરે હા, કોરોનામાં ઘરે
જ રહેવા વાળી સ્થિતિમાં બાળકો ઘરે પણ થોડા થોડા યોગ કરવાના શરૂ કરે એવી અમારી
મથામણ ચાલુ જ છે – આપ પણ મથામણમાં સામેલ
થઈ શકો છો આ વિડીયો ધ્વારા ..
No comments:
Post a Comment