June 30, 2020

આફત નથી,બાળકના આંગણિયે આવેલો અવસર છે !!



આફત નથી,બાળકના આંગણિયે આવેલો અવસર છે !!

બાળક શિક્ષણ માટે શાળા સુધી પહોંચી ન શકે ત્યારે શાળાએ બાળક પાસે જવું જોઈએ – આ વિધાન બોલાયું ત્યારે શિક્ષણ અંગેની સામાજિક જાગૃતિનો અભાવ હતો. ભણવાથી શું મળે ? અથવા તો ભણવાથી બગડી જવાય તેવી શંકા કુશંકા સમયનું આ વિધાન  છે. વાલીઓ બાળકોને શિક્ષણ થી બચાવી રહ્યા હતાં તે સમયે આહવાન હતું કે દરેક વ્યક્તિનું જીવન ધોરણ વધુ સારું બનાવવા માટે શિક્ષણ અનિવાર્ય છે. સામાજિકતાને અસરકાર બનાવવા શિક્ષણ જ એક માત્ર ઉપાય છે.
આજે ઘણી ખરી પરિસ્થિતિ બદલાઈ છે. શિક્ષણ એ મોટાભાગના સમાજમાં મહત્વનું બની ગયું છે. પહેલાંની જેમ સમગ્ર કહી શકાય તેવા આખા સમાજને બદલે અત્યારે પરિવારની વ્યક્તિગત અજાગૃતતા જ અશિક્ષિત કે અર્ધશિક્ષિત રહેવાનું કારણ બને છે. પાછાં એવા પરિવારોની દયનીય સ્થિતિ જોઈએ ત્યારે એ વાક્ય પર પૂરો ભરોસો બેસી જાય છે કે “ખરેખર શિક્ષણ જ સર્વ મુશ્કેલીઓનો ઉપાય છે.”  આજે નાનકડા ગામડાના ઘરથી માંડી શહેરની સોસાયટીઓ સુધી સૌ પોતાના બાળકને સારું  શિક્ષણ અપાવવાની ઉત્કંઠા ધરાવે છે. સુવિધાઓનો અભાવ ધરાવતાં વાલીઓ પણ બાળકના ભણતર માટે પેટે પાટા બાંધી રહ્યા છે. માટે આજે જો કોઈ વ્યક્તિને તમે પૂછો કે તમારી કમાણી વધી જાય અને બચત ભેગી થાય તો તમે પહેલું કામ શું કરો? – તો તેનો જવાબ હશે કે “બાળકોને સારું ભણાવી લઉં !”  હા હવે શિક્ષણ માટે વાલીઓમાં પણ આટલી તરસ આવી છે અને આ તરસ શૈક્ષણિક સંસ્થાઓ માટે ખુબ સારી વાત છે. તેનું કારણ કહું તો બાળકની શૈક્ષણિક પ્રક્રિયામાં શિક્ષક જેટલો જ રોલ વાલીઓનો પણ હોય છે જ ! આવા સબળ વાલીઓને કારણે જ આપણા સૌનું કામ પણ ઉભરી આવે છે. સૌ શિક્ષકોને અનુભવ છે જ કે આપણા ક્લાસના બાળકો પૈકી જે પરિવારોમાં ઘરે શિક્ષણ અંગે વાતચીત થતી હોય તેવા બાળકોમાં આપણા પ્રયત્નોનું પરિણામ આપણા ધાર્યા કરતાં પણ વધુ મળી રહે છે. 
આજે કોરોના વાયરસને કારણે શાળાઓની  સ્થિતિ બદલાઈ છે. હવે શૈક્ષણિક પ્રક્રિયા વિશે નવેસરથી વિચારવાનો સમય આવ્યો છે. આપણે સૌ આવી પરિસ્થિતિમાં બાળકો સાથે સંવાદ જાળવી રાખવા ટેકનોલોજીને શરણે થયા છીએ.. એક રીતે જોઈએ તો વર્ગખંડની સ્થિતિ ગામ વચ્ચે પહોંચી છે. હવે આપણા માટે ગામ જ જાણે વર્ગખંડ બની ગયો છે. આપણા એકલા માટે નહિ વાલીઓ માટે પણ આ સ્થિતિ નવી છે. ટેકનોલોજીના ઉપયોગની જરૂરિયાત હોઈ હવે એમ કહી શકાય કે શૈક્ષણિક પ્રક્રિયા હવે બાળક- વાલી – વાલી અને શિક્ષક એમ ત્રણ વચ્ચે થઇ રહી છે. મજાની વાત જોઈએ તો એ છે કે આ પ્રક્રિયામાં વાલી ટેકનોલોજીથી શીખી રહ્યો છે – બાળક ટેકનોલોજીથી શીખી રહ્યો છે.

 ત્યારે બીજી બાજુ તે વાલીઓ એટલે કે જેઓની પાસેના અપૂરતા સંશાધનો છે તેવા બાળકો માટેની જવાબદારી પણ આપણી વધી જાય છે.આવા બાળકોના ઘરે રૂબરૂ તેની કાળજી લેવા જઈશું ત્યારે લાગે છે કે તે વાલીઓની સ્થિતિનો તાગ અને છતાં પણ આપણા પ્રત્યેનો આવકાર જ આપણને કહી દેશે કે હે શિક્ષક હવે આ તારું બાળક છે અને તેના પ્રત્યે વધુ ધ્યાન આપવું એ જ તારું શિક્ષકત્વ છે.”
બાળકોની સાથે મળવાનો અને તેમની સ્થિતિ સાથે ભળવાનો આ મોકો છે. આફતને અવસરમાં બદલીએ એવું વાક્ય આપણે વારંવાર સાંભળ્યું છે. ફોન કે રૂબરૂ - ટીવી કે ઓનલાઇન ક્લાસ - બાળકોને ઘરે જ તેમની શૈક્ષણિક પ્રક્રિયા ચાલુ રહે તે માટે આપણે સૌ લાગી ગયા છીએ.  ત્યારે હવે આપણો તે બાળકો માટેનો પ્રેમ અને પ્રયત્ન પણ વાલીની સીધી નજર હેઠળ છે. ઘરે ઘરે બાળકોને મળવું, તેના શિક્ષણ માટેની વાતચીત કરવી, વાલીના ખબર અંતર પુછવા આ બધું અત્યારે સમાજ જોઈ રહ્યો છે. અને પહેલાંની જેમ માસ્તર ગામ આખામાં નીકળે એટલે ગામની મોજ એમ ફરીથી એ જ માન મોભા સાથે આ આફતમાંથી બહાર નીકળશું તેવી અમને તો આશા છે.
અને હા બીજો એક મોટો ફેરફાર દેખાઈ રહ્યો છે તે તે પણ કહીએ કે બાળકોની પરિસ્થિત અને વાલીઓની સ્થિતિથી વાકેફ બની જયારે શાળાએ પરત ફરતાં હોઈશું ત્યારે આપણા મનમાં તે બાળક સાથે વર્ગખંડમાંના શૈક્ષણિક કાર્ય દરમ્યાનના આપણા વર્તનની યાદ આવતી હશે ? ક્યાંક પસ્તાવા રૂપે તો  ક્યાંક યાદગીરી રૂપે !




























No comments: