મેકિંગ – મેજિક – મસ્તી !
ક્યારે કશુંક શીખવાની શરૂઆત થાય ? ક્યારે
કશુંક શીખી જવાય ? કોણ ક્યારે શીખી જશે ? કોણ કેવી રીતે શીખી જશે ? – આ એ સવાલો છે
જેના જવાબો હોતા નથી.
આ વ્યક્તિગત મુદ્દાઓ છે અને જેટલા જીવ
એટલા જવાબ હોય શકે. સર્કસના પ્રાણીઓને જેમ કોઈ ચોક્કસ ખેલ
કરવા –લાલચ આપી કે ડર બતાવી તેમના માટે કુદરતી ના હોય તેવી ક્રિયા કરતાં કરી દઈએ..
તો એ પ્રાણીઓ શીખ્યા કહેવાય ? હા, આપણી જરૂરિયાત મુજબ તેમને તાલીમ આપી કહેવાય. અને
તે પણ એ પ્રાણીઓની અંદર જે હતું તે ખતમ કરી નાખી – કંઈક એવું ચોંટાડ્યું જે જોઈને
અચંબો થાય ! હવે આ અચંબો શાનો હોય ? – જે સ્વાભાવિક નથી તેનો જ ને ! આંબા પર સમયે
આવતી કેરી જોઈ કોઈને નવાઈ નથી લાગતી ! પણ આંબા પર જો દ્રાક્ષના લૂમખા લટકવા માંડે
તો ટોળું થાય ! (પરાણે ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર ગાતા બાળકો યાદ આવે છે ?)
કુદરતી રીતે
જોઈએ તો બાળકને શું કરવું હોય છે ?
રમવું, કૂદવું, વસ્તુઓને તોડી મરોડી ચેક
કરવી, સામાન્ય રીતે એક કામમાં વપરાતી વસ્તુઓને બીજા કામમાં વાપરી જોવી. (લાકડીનો
ઘોડો અને ચમચીની તલવાર તમે જોઈ જ હશે !) સૌથી અગત્યનું એક કામ બાળકો કરે છે –
“નવરા ના પડવું.” એ જ રીતે નવરા ના પાડવા દેવું ! 😊
આ એમની શક્તિ છે અને એ જ મનુષ્યત્વ છે. જે આટલા યુગોથી આમ જ શોધખોળ કરી વિકસતો
રહ્યો છે. તેને આપણા ચોપડીઓના કિલ્લાઓ કરતાં પોતાનો સ્વૈરવિહાર માફક આવે છે.
અમારા
બાળકોના વાલીઓ હવે ધીમે ધીમે તેમની આવી
નૈસર્ગિક શક્તિઓને વાચા આપવા લાગ્યા છે. અવારનવાર વાલીઓ સાથે તથા સંવાદો
અને શાળામાં તેમના બાળકો કેવી રીતે શીખે છે તે જોઈ જોઈ ને હવે તેઓ પણ બાળકોને જુદી
જુદી પ્રવૃતિઓ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. અહિયાં, લખવા જ બેસ કે વાંચવા જ બેસ
તેવું દબાણ નથી. એ ઉપરાંત તેમના અવનવા અખતરાઓને પ્રોત્સાહન છે.
“આપણું નવા નદીસર” વોટ્સેપ ગ્રુપ હવે
અમારા ભવિષ્યના આ નિર્માતાઓના પ્રયોગોથી છલકે છે. શાળાના ભાગે તો તે
પ્રયોગો/પ્રવૃતિઓ વિશેના અન્ય સંદર્ભો આપવાનું અને વાલીઓને તેમના બાળકોને આ રીતે
પ્રોત્સાહિત કરવામાં મદદ કરવાનું જ આવ્યું.
આ રહ્યા
અમને મળેલા એ નમૂના – જે શાળામાં શીખતા એમ ઘરે પણ મસ્તીથી શીખી જ રહ્યા છે. ચાલો
જોઈએ કેટલાક વિડીયો વડે > મેકિંગ – મેજિક – મસ્તી ! Þ