May 31, 2020

લાગણીઓનો ઓનલાઇન તાંતણો – અમારો વર્ચ્યુઅલ ગ્રીન હૉલ



લાગણીઓનો ઓનલાઇન તાંતણો – અમારો "વર્ચ્યુઅલ ગ્રીન હૉલ"


કોરોના કાળ બની આવ્યો. ગામની ગલીઓ, શહેરની સોસાયટીઓ અને રાષ્ટ્રના રસ્તાઓ તમામ સૂમસામ. મેળાવડાઓ પર પ્રતિબંધ મુકાયો. અને એમાં રોજ રોજની શૈક્ષણિક મેળાવડા જેવી શાળાઓને પણ બાકાત રાખી શકાય તેવી શક્યતાઓ હતી જ નહીં ! સમાચારો આવતા કે ભક્તો વિના મંદિરો સૂમસામ થઈ ગયા છે તો આ બાજુ શાળાઓ ભગવાન વિનાના મંદિર જેવી ભાસતી. દર વખત કરતાં આ વેકેશન પણ અલગ પ્રકારનું હતું. આ રજાઓ મજા આપનારી ન હોતી. કારણ કે આ વાયરસથી સુરક્ષિત રહેવા માટે ભોગવવી પડતી સજા હતી. જેમાં કોઈ બાંધછોડની શક્યતા દેખાતી જ નહોતી. અમારા માટે  શૈક્ષણિક કાર્ય અટકી પડયું અથવા તો અધૂરું શિક્ષણ એ પ્રથમ મુદ્દો ન હતો. અગ્રતા હતી પોંજરે પુરાયેલા પોપટોને પીંજરાનો અહેસાસ ન થવા દેવાનો. એટલે જ ગત અંકમાં વાત કરી હતી કે “બાળકોને વ્યસ્ત રાખો” –
સતત વિચારતાં ખ્યાલ આવ્યો કે શિક્ષક તરીકે આપણા સૌની પાસે બાળકોને વહેંચવા અને તેઓને પ્રવૃત્તિમય રાખવા માટેની આવડત હોવા છતાં જો વર્ગખંડમાં પરસેવો પડી જતો હોય તો, વાલીઓ પાસે બાળકો સાથે સંવાદ કરવા માટેના મુદ્દાઓ શું હોઇ શકે ? કેટલા હોઇ શકે? બની શકે કે કેટલીક જગ્યાએ તો આપણી શાળાના બાળકો ને જેમનાં ભરોસે છોડીએ છીએ તે વાલી જ આવા માહોલમાં વ્યાવસાયિક રીતે પીડિત હોય. ત્યારે તેની અકળામણ સમજીવી જોઈએ. આવી મથામણ વચ્ચે ટેકનોલોજી વડે જોડાયેલાં રહેવું એ અગ્રિમતા હતી. શોધતાં શોધતાં zoom વડે પ્રયત્ન શરૂ કર્યો. વાલી પક્ષે સમય, સુવિધા અને સંસાધનનો અભાવ એ સત્યતા હતી પણ તેને આગળ ધરી બેસી રહેવાને બદલે જેટલા સુધી પહોંચશું એ બધો અહીં નફો જ છે. એ વિચારે ઔપચારિક ક્લાસ શરૂ કર્યો. વાતો અને વાતોના વડાં કહી શકાય એવી ચર્ચા કરતાં. જોડતાં યુવાનો અને બાળકો સાથે ગામના અને ન જોડાઈ શકતા તેઓના મિત્રોના હાલચાલ અને તેમની સાથે સંવાદ એ જ અમારા મુદ્દાઓ હતા.
કોઈ પણ નવા કાર્ય અથવા તો શૈક્ષણિક પ્રયોગને ઢોલ વગાડી કહેવાની અમારી આદત અમને આવી રીતે ફળશે તે ખબર જ નહોતી. જ્યારે કમાન્ડ ઍન્ડ કંટ્રોલ ધ્વારા માઇક્રોસોફ્ટ ટીમ એકાઉન્ટ અંગે પત્ર કરવામાં આવ્યો ત્યારે અમે શરૂ કરેલ પ્રયત્નો ની સોશ્યલ મીડિયા પર શેર કરેલ પોસ્ટની લીંક સાથે એક વિનંતી પણ મોકલી. કહતે હૈ કિસી ચીજ કો પૂરે દિલ સે ચાહો તો પૂરી કાયનાત ઉસે મિલાને મે  લગ જાતિ હૈ 😊 – સાંભળેલું તો ક્યારનું ય અનુભવ્યું તે વખતે. જ્યારે આસિફભાઈ અને વૈભવભાઈની ટીમે એક જ રાતમાં શાળાના તમામ બાળકોના એકાઉન્ટ એક્ટિવ કરી આપ્યાં. જેને અમે પ્રશ્નપત્ર વિતરણ સમયે સ્માર્ટ ફોન ધરાવતા વાલીઓને ઇન્સ્ટોલ કરી ક્લાસમાં જોડાવા અંગેની સમજણ આપી. પછી તો એવો જુસ્સો બન્યો કે કોરોના કારણે કેન્સલ થયેલ કસોટીઓ પણ ઓન લાઇન વડે ચર્ચા ધ્વારા થાય તેવું આયોજન થયું. ફરીથી યાદ કરાવી દઉં કે ઉદેશ્ય સંવાદનો જ હતો જે રોજેરોજ બાળકો સાથે બની રહે. માટે જ બાળકોને ભણાવી દેવાના ક્લાસ થી કઇંક અલગ પ્રકારનું સમય પત્રક શરૂ કર્યું. જેમાં શરૂઆતમાં બાળકો માટે નવીન પ્રવૃતિઓના વિડીયો, [ પરિવારનો માળો ], 
કોઈ એક બાળક દ્વારા વાર્તા, કોઈ બાળક વડે ઉખાણું, કોઇકે નવીન પ્રવૃત્તિ કરેલ હોય તો તેની ચર્ચા કરીએ. મેં વાંચેલ પુસ્તક વિશેમાં બાળકો પુસ્તકની રજૂઆત કરે, શિક્ષકોને ફળવાયેલ સમયમાં જનરલ બધાં જ બાળકોને સમજાય અને શીખે તે પધ્ધતિથી પોતાના વિષયનો મુદ્દો ચર્ચે, ચર્ચાયેલા મુદ્દાની બીજા દિવસે શાળા અને વાલીઓના વોટ્સ એપ ગ્રૂપમાં લીંક મોકલી બાળકોને પ્રવૃત્તિ આપવાનો અને પોતાને સાબિત કરવાનું કારણ આપવાનું શરૂ કર્યું. બાળકોને ક્લાસ સાથે જોડાવું ગમે, જોડાયા પછી કંટાળાજનક ન લાગતાં પૂરા સમય સુધી જોડાયેલા રહેવું ગમે [કારણ કે વર્ગખંડમાં હાજર થયા પછી કમને પણ રહેવું પડે, જ્યારે અહીં તો તેણે જોડાવું કે નહીં અને જોડાઈ ગયા પછી પણ જોડાયેલા રહેવું નહીં એ બંને માં હવે તેની પાસે ડીસકનેક્ટ નામનું બટન હોય છે.]  અને પોતાનું અસ્તિત્વ અનુભવે તે માટે તેને રજૂ થવા માટેનું પ્લેટફોર્મ મળી રહે તેવા ઉદેશ્યમાં હાલ તો સફળ થઈ રહ્યા હોઇએ એવું લાગે છે.. [અને એટલે જ શીર્ષકમાં “વર્ચ્યુઅલ ગ્રીન હૉલ” શબ્દનો  ઉપયોગ કર્યો. અમે રૂબરૂ મળતાં ત્યારે ત્યાં મળતાં અને આવી જ ચર્ચાઓ કરતાં]
છેલ્લે અત્યારે ક્લાસમાં ઓનલાઈન કોરોના કસોટી અંગે ચર્ચાઓ ચાલે છે.. આ વિશે વધારે તો બાળકો રૂબરૂ મળશે ત્યારે જ ફિડબેક મેળવીશું. પરંતુ એક વાત તો સ્વીકારવી પડે કે આવી પડેલી મુશ્કેલીઓ જ નવી સંભાવનાઓ પેદા કરે છે ! અને એટલે જ શાળાના પ્રથમ દિવસે અમે સૌને તેમણે કરેલા નવા નવા અખતરા માટે શાબાશી આપતા હોઈશું.. (ને બોલો તમે રજાઓમાં શું શું શીખ્યા ? કોને મદદ કરી ? જેવા પ્રશ્નો ગાયબ હશે.)





વધુ ક્લાસ જોવા માટે > online class

No comments: