May 02, 2020

અગિયારમા વર્ષમાં પ્રવેશ !



અગિયારમા વર્ષમાં પ્રવેશ !

બરાબર 10 વર્ષ પહેલાં નિયમિત શાળામાં બનતી ઘટનાઓ અને થતી પ્રવૃતિઓને લિખિત સ્વરૂપમાં સાચવવા માટે એક મેગેઝીન શરૂ કરવાનો વિચાર આવ્યો. થોડા દિવસ તો શરૂ કરવું જોઈએ કે નહીં.. એ વિચારમાં નીકળી ગયા. અંતે 2008 માં શરૂ કરેલ બ્લોગ પર સાવ અનિયમિત રીતે લખીએ છીએ એ નિયમિત તો થશે એવા વિચારથી નક્કી કર્યું કે શરૂ કરીએ.
પહેલો અંક તો એક દિવસમાં ડ્રાફ્ટ કરી લીધો – અમારી વચ્ચે ય મતભેદ હતા કે શું લખવું અને ના લખવું ?– એવું કોઈ મેગેઝીન સામે નહોતું કે એના આધારે આપણે કયા સ્વરૂપમાં લખવું જોઈએ એનો ખ્યાલ આવે. અંતે - માહિતી તો નહીં જ – ઘટનાઓ – આપણી શાળા તરીકેની વિચારસરણી અને પ્રવૃતિઓ વિષે જ લખીશું એમ નક્કી કર્યું. લખાતું ગયું. શરૂ કર્યું ત્યારે બધુ એકતરફી જ હતું. અમે મેઈલ પર મોકલી આપીએ.. ને રાહ જોઈએ કે કોઈ પ્રતિભાવ મળે છે કે કેમ ? ત્રણેક મહિનામાં એક પણ વ્યક્તિએ એ ફાઇલ ખોલી હશે કે કેમ એ પણ શંકા છે ! અચાનક એક જવાબ મળે છે કે, “સરસ.. આ પ્રકારે શાળાની પ્રવૃતિઓ જોઈ મને મારુ બચપણ યાદ આવી ગયું.” ત્યારબાદ કેટલાક મિત્રોએ પ્રવૃતિઓમાં શું ઉમેરી શકાય આવું તો અમે ય કરાવીએ છીએ.. એમ કહી વળતાં ફોટોગ્રાફ્સ પણ મોકલ્યા. અને કેટલાક ઇ મેઈલ્સથી શરૂ થયેલું આ બાયોસ્કોપ આજે મેઈલ અને વોટ્સેપના માધ્યમથી 5000 જેટલા વ્યક્તિઓ સુધી પહોંચતુ હશે. (હશે- એટલા માટે કે અમારા મોકલ્યા પછી એ ક્યાં ક્યાંફોરવર્ડ થતું હશે એ અમે જાણી શકતા નથી. આઈ. આઈ. એમ. વડે શરૂ કરાયેલી ખાસ વેબસાઇટ પર પણ આ અંકો ઉપલબ્ધ હોય છે ત્યાંથી કેટલા વ્યક્તિઓ વાંચતાં હશે એ સંખ્યા પણ આમાં સામેલ નથી. )
સરકારી શાળાઓમાં હવે કઈ સારું નથી થતું એવા સમયમાં શાળા વિશે લખવાનું આ વલણ આ દસ વર્ષો માં ઘણી બધી શાળાઓમાં શરૂ થયું. બ્લોગ અને ફેસબુકના એકાઉન્ટ પર પણ શાળા તરીકે અથવા વ્યક્તિગત રીતે શિક્ષકોએ પોતાના અનુભવો લખવાના શરૂ કર્યા. છેલ્લા ત્રણ ચાર વર્ષોમાં તો ખાનગી શાળામાંથી સરકારી શાળાઓમાં વિધ્યાર્થીઓ આવવાના શરૂ પણ થયા. શહેરોમાં વિષમ સ્થિતિમાં ય કામ કરનાર વ્યક્તિઓએ પોતાની શાળાને સમાજ સામે મૂકી. હવે, વિશ્વાસ વધ્યો હોય એવું વાતાવરણ પણ છે.
આપણે સાબિત એ નથી કરવું કે આપણે જ શ્રેષ્ઠ છીએ પરંતુ આપણે જે સારું કરી રહ્યા છીએ એ સમાજ સમક્ષ મૂકવા જેટલું કામ આપણે કરવું જોઈએ. આપણને આપણા કાર્ય માટે ગૌરવ હોવું જોઈએ ( અભિમાન ના થઈ આવે એ કાળજી રાખીએ) અને એ આપણી શાળાઓમાં, આપણા અને આપણા બાળકોના ચહેરા પર છલકવું પણ જોઈએ.
દસ વર્ષનો આ આપણા સૌનો સહિયારો પ્રયાસ, આપણા બાળકોને સ્મિત સાથે શીખવાનું અને ક્વોલિટી લાઈફ જીવતા શીખવાડે તેવી અભ્યર્થના સાથે, થેન્કયુ ઑલ ઑફ યુ.. જેમણે અમને લખવા માટે પ્રેરિત રાખ્યા.
અહિયાં કેટલાક મિત્રોએ મોકલેલા ફિડબેક જોડીએ છીએ.>> ફિડબેક

1 comment:

makemydishrecipe said...

Cute babies in the form, visit https://innewzz.blogspot.com/