વર્ગખંડમાં-: અકળામણ VS મથામણ !!
અકળામણ માનવ સહજ સ્વભાવ છે, પોતે ધારેલી સ્થિતિ કરતાં પરિસ્થિતિ અગલ રીએક્ટ કરે ત્યારે આપણે
અકળામણ અનુભવતા હોઈએ છીએ... “પદાર્થોના
ગલન બિંદુ” ની જેમ દરેક સજીવમાં “અકળામણ બિંદુ” આવેલું હોય છે, જે તે બિંદુથી ઉપર જતી વિપરિત પરિસ્થિતિ અકળામણ કરાવે છે. જેમ
અકળામણ અલગ અલગ સ્થિતિએ ઉદભવે છે તેમ તેનું રિએક્શન પણ અલગ અલગ પ્રકારે બહાર આવતું
હોય છે. બાળક ને સામુહિક રીતે માહિતી
પીરસ્યા પછી પણ કેટલાંક બાળકોને ફરીથી જે તે બાબતો આપણે એક કુનેહપૂર્વક
પુનરાવર્તિત પણ કરતાં હોઈએ છીએ. પણ જ્યારે બાળક પક્ષે જવાબમાં શૂન્યાવકાશ દેખાય
ત્યારે ? તમે સોંપેલું કામ બાળક નથી કરી
રહ્યો, અને અન્ય કામ વડે તમને ડિસ્ટર્બ
કરી રહ્યો છે ત્યારે? તમે ધાર્યો હતો એવો પ્રોજેકટ બાળકે
નથી કર્યો..ત્યારે ? ચર્ચા પદ્ધતિ તમારી પ્રિય પદ્ધતિ
છે પણ બાળકો તો એકમની બહાર ની ચર્ચા કરાવે છે... ત્યારે ? આવી બધી સ્થિતિઓ આપણને અકળામણ કરાવતી હોય છે, અને સાથે સાથે એવો વહેમ/દંભ પણ ઉભો કરે છે કે "જુઓને હું
આના માટે કેટલું કરું છું પણ આને ભણવું જ નથી!" વર્ગખંડમાં જઈને સીધા જ તમે
તો બાળકો સાથે શૈક્ષણિક ચર્ચામાં લાગી ગયા પણ એક બાળક એવું છે કે તેનું ધ્યાન નથી
ત્યારે ? ત્યારે આપણો શિક્ષકનો જીવ અકળાઈ
ઉઠે છે.. એ અકળાયેલા જીવમાંથી શિક્ષકપણું નીકળી કર્મચારીપણું આવી જાય છે. એટલે કે
હવે એને શીખવું હોય તો ધ્યાન આપે નહીં તો રહે પાછળ ! વર્ગખંડોમાં જેટલો કુનેહ
બાળકોને શૈક્ષણિક કાર્ય કરાવવામાં વાપરવાનો હોય છે તેટલો જ કુનેહ આવી સ્થિતિમાં
અનુકૂલન સાધવા માટે પણ વાપરવો રહ્યો. આવી સ્થિતિમાં ઘણા શિક્ષણના જીવો હિંમત
ગુમાવી “મારે શું” વાળા મોડ પર આવી જતાં હોય છે, અને ઘણાં દુઃખી જીવો વાઈબ્રેશન મોડ પર... ( કેટલાંક ઉદાહરણોમાં તો
રાક્ષસીપણું પણ દેખાઈ આવે છે પણ એ નકારાત્મક ચર્ચા અહીં નહીં એ માટેની આ રહી પોસ્ટ >> સોટી વાગે સમ સમ... ) વર્ગખંડોમાં તમારી શૈક્ષણિક ચર્ચામાં
જે બાળકને રસ નથી તેની સાથે આગળના તાસમાં કે ઘરમાં તેને અસર કરનારી શું ઘટના બની
તેની તમને જાણકારી નથી..તો સમજવું કે તમે શિક્ષક જેવી વિશાળ વ્યક્તિત્વની
વ્યાખ્યામાં નહિ પણ માહિતી પીરસનાર વ્યક્તિ જેવા સીમિત વ્યક્તિત્વની વ્યાખ્યામાં
બંધ બેસો છો. અને તેથી પણ આગળ કહીએ તો “બાળક, કેમ આ માહિતી સમજી શકતો નથી ? અથવા
તો “આ નવીન બાબત તે કેમ આટલા પ્રયત્ન છતાં શીખી શકતો નથી? - એ બાબત ઉપર તમારી
અકળામણ એ દર્શાવે છે કે તમારી શીખવવાની ક્ષમતા ખુબ જ સીમિત છે. શાંતિ થી વિચારશો ત્યારે ખ્યાલ આવે
કે જ્યારે તમે અકળામણમાંથી પસાર થઈ રહ્યા હતાં તે સમયે બાળક તમારી પીરસેલી
માહિતીને સમજવાની મથામણ કરી રહ્યો હતો. જો એજ સમયે તમે તમારી અકળામણને દબાવી રાખી
તમે પણ બાળક સાથે વ્યક્તિગત મથામણમાં લાગ્યા હોત તો બાળકની સાથે સાથે તમે પણ સાચા
માર્ગદર્શક તરીકેની સફળતા મેળવી શકત. અને આજ કામ તો છે આપણું માર્ગદર્શક તરીકેનું
! આપણે ધારીએ તેવી જ વર્ગખંડમાં ચર્ચા થાય તે માટે બાળકે નહીં શિક્ષક તરીકે એન્કર
વાળી કુનેહ વાપરી અકળામણ નહીં પણ આંતરિક મથામણ કરવી પડશે. કહેવાતા શિસ્તમાં પણ આવી
જ ધારણાઓ ભાગ ભજવતી હોય છે, માટે જ શિસ્તનો નિયમ એ કદાચ આપણી ધારણા મુજબ બાળકની ધારણા ન પણ
હોય... ત્યારે..? વિચારીએ કે વર્ગખંડમાં KEEP silence એમ બુમ પાડીએ ત્યારે સૌથી ઉંચો
ઘોંઘાટ આપણા એ ઉચ્ચારનો જ હોય છે !!
શિક્ષક તરીકે આપણું કામ અકળામણનું નહિ, પણ મથામણનું છે. તેના
વડે બાળકોની શીખવાની ક્રિયા રસિક બનાવી વર્ગખંડોનો મૂડ બનાવવાનું છે !!
3 comments:
👌👌👌
Sachi vaat.
wah
Post a Comment