December 23, 2017

👀 એક ડોકિયું વર્ગખંડોની દુનિયામાં !! 👀


👀 એક ડોકિયું વર્ગખંડોની દુનિયામાં !! 👀
“આ પ્રશ્નનો જવાબ નથી આવડતો !” એ એમ સીધું જ કહેવા ટેવાયેલો છે. શિક્ષક પણ સહજ રીતે “ફરી નર્મદા મૈયા વાંચી જો.. એમાંથી મળી જશે.” “હુહ...” એમ હુંકારો કરી એ બાજુની ઢળતી પાટલી પર આડો પડી...સવારે રોકસ્ટારમાં ગવાયેલું ભજન ગાય છે..... “મારી ઝૂંપડીએ આવો મારા રામ..” બાજુમાં બેઠેલી એક છોકરી એને ટોકે છે, “તું ચુપ થા..” ગાતો ગાતો શિક્ષક સામું જોઈ વળતી ફરિયાદના સૂરમાં...”સાહેબ....” જાણે પૂછતો હોય કે આમાં ચુપ થાઉં ? શિક્ષકની નજર પેલી ફરિયાદી છોકરી પર પડે છે...એની આંખોથી કહી રહી છે કે જો એનો પક્ષ લીધો તો ખેર નથી. શિક્ષક બંને બાજુ જોઈ માત્ર સ્માઈલ આપી ડોકું ધુણાવીને પાસે બેઠેલી એક છોકરીને આગળનું વાક્ય વાંચવા કહી એની તરફ ધ્યાન આપે છે. ત્યાં બીજી છોકરી બાજુમાં તિજોરી ખોલવા મથામણ કરી થાકી ..”આ તમારો તીજોરો ખોલો….” શિક્ષક મજાક કરે છે “શીખ બકા, નહિંતર તારી સાસુ સાસરીમાંથી કાઢી મુકશે કે વહુને તિજોરી ખોલતા નથી આવડતું !” એ હસવામાં પેલાનું ગાવાનું અટકી જાય છે. અને શિક્ષક કહે છે “જો તું ઝડપ કર જવાબ શોધવામાં...હઅઅઅ...પછી હું પેક અપ કહું.” બીજી છોકરી શિક્ષકને પેલી તિજોરી વાળી પર ધ્યાન આપતા જોઈ...ઝટ જઈ તિજોરી ખોલી આપી..”લ્યો હવે આ તપાસી આપો” કહી એની સ્વાધ્યાયપોથી પકડાવી દે છે. એ તપાસાય ત્યાં પેલાને જવાબ મળી જાય છે અને ગાવાનું ફરી શરૂ કરી દે છે.....”મારી ઝૂંપડીએ...” ફરક એટલો છે કે આ વખતે ગાતા ગાતા જવાબ પણ લખાઈ રહ્યો છે. ત્યાં એક આવે છે કે “આ શીર્ષક નવું આપો એટલે શું લખવાનું ?” એને સમજાવી દીધા પછી પહેલો છોકરો “બાપૂ... આવડી જાય... આપણી તો .. ધેન ટેનેન... મારી ઝૂપડીએ....” ત્યાં વર્ગ બહારથી અવાજ આવે છે, “સાહેબ આ વિપલો...તૈયાર નથી કરતો..” અંદરથી જ જવાબ વળાય છે, “તો તારે શું ?” ત્યાં એક પાંચમા ધોરણમાં જાણે શાળામાં આવ્યાના પાંચ દિવસ થયા હોય એવા મોટા મોટા અક્ષરોથી ગરબડિયું લખાણ લઈને આવે છે..હાથમાં ફાટેલા દડાનું રબ્બડીયું છે એનાથી એ પટ્ટ પટ્ટ કરે જ જાય છે. “બોલો બેટા પટ્ટ પટ્ટ લખી નાખ્યું ?” “હા..હે...” એમ કહી રબ્બર ફરી પટ્ટ પટ્ટ કરે છે. એના મોટા અક્ષરો પર અડધે લીટી કરી શિક્ષક કહે છે “આ અડધા કરી લાવ.....”
આ અને આવું ઘણું આપણા વર્ગોમાં થતું હોય છે. ઘણીવાર થાય કે આ ક્યારે માત્ર ભણવામાં ધ્યાન આપશે ? પછી થાય કે એ “માત્ર ભણવું” એ આપણી મોટાઓની વ્યાખ્યા છે. બાકી એમને મન તો એ ભણી જ રહ્યા છે. બાળકોની નજરે એમની દુનિયા જોવાનો પ્રયત્ન કર્યા કરીએ તો એમની સાથે ખુશ રહી જીવી શકીએ.. જો એમની સ્વાભાવિક અને સાહજિકવૃતિને દબાવ્યા કરીએ એમાં ક્યાંક એનું વ્યક્તિત્વ જ દબાઈ જાય એમ પણ બને. બધો વખત આટલું જ શાંત રહી ના શકાયું હોય એવું ય બને છે. ગુસ્સે થઇ જવાયું હોય એમ પણ બને. છતાં એક હદ રાખી છે કે આપણે જેમ ગુસ્સે થઇ શકીએ, એમ એ પણ આપણી પર થઇ જ શકશે...અને આમ અમારી જોય રાઈડ ચાલતી રહે છે.