“વસુદેવ કુટુંબકમ” કેવી
રીતે રચવું?
વિશ્વ અખંડ હોય, એક હોય – સૌ એક સૂર અને હાર્મનીથી જીવે, દરેકને પોતાનો જ નહિ સૌનો ખ્યાલ હોય -
ત્યારે જીવન ખરા અર્થમાં દરેક જીવને અનુકૂળ બની જશે. પણ જ્યાં એક રાજ્યને
બીજા રાજ્યના લોકો સાથે, એક ધર્મના બીજા ધર્મના લોકો સાથે વાંધો છે ! બસમાં
બાજુમાં બેસનારને “કેવા છો ?” નો જવાબ તમારે તમારી જાતિ કહીને આપવો પડે ! આ
માહોલમાં “વસુદેવ કુટુંબકમ” કેવી રીતે રચવું?
આ બાબતને જરા શાંતિથી વિચારશો તો સમજાશે કે વસુદેવ કુંટુંબકમ એ સાવ અશક્ય નથી.
દરેક જો પોત પોતાની જાતને ચકાસશે તો સમજાશે કે આપણે કેટલીય વ્યક્તિઓનો વ્યક્તિગત અનુભવ ન હોવા છતાં એમના પ્રત્યે જાત જાતના
નકારાત્મક પૂર્વગ્રહો રાખીએ છીએ. કાશ્મીર જાઓ તો મારી જ નાખે, દિલ્હીના બજારોમાં સાચવવું, ત્યાં તો છેતરી જ જાય. આપણે કોઈકના કોઈ એક
અનુભવને સર્વવ્યાપક બનાવી જીવતા હોઈએ છીએ અને એટલે જ મનમેળ થવો જોઈએ તોય નથી થઇ
શકતો.
ઉપાય શું ? મળવું, ચર્ચવું, એક બીજાને સમજતા શીખવું, તું જુદો છું, હું જુદો છું છતાં આપણે આ જગતમાં એક સરખો શ્વાસ
લઈએ છીએ એ અનુભવવું ! આપણી શાળાને આવા આદાન પ્રદાનનો મોકો મળ્યો – અને તેય અખંડ
ભારતના ઘડવૈયા સરદાર પટેલના નિર્વાણ દિને !
વહેલી સવારમાં ફોન પર વાત થઇ કે અમે વલસાડ જીલ્લાના કપરાડા તાલુકાની એક
આશ્રમશાળાના વિદ્યાર્થીઓ સાથે પ્રવાસે નીકળ્યા છીએ અને તમારી શાળામાં આવવાની ઈચ્છા
છે. શાળામાં ચુંટણીનો બીજો દિવસ અને સવારનો સમય, શિક્ષકો ઓછા એટલે સમૂહ પ્રવૃતિઓનું
આયોજન થયું હતું તો તેડાવી લીધા. બંને શાળાના વિદ્યાર્થીઓ એક બીજાને મળ્યા, વાતો
કરી... થોડા શબ્દ ફેરે થોડી દક્ષિણ ગુજરાતની છાંટ વાળી ગુજરાતી અને અમારી અદ્દલ
દેશી – ત્યાંના શિક્ષકોએ પણ બાળકો સાથે વાતો કરી. એ શાળાના બાળકોને સ્માર્ટ
ક્લાસમાં એક તાસનો ડેમો બતાવ્યો !
એકબીજાની રહેવાની/શાળાની/શીખવાની ભિન્ન સ્થિતિઓ
જાણે એકાકાર થઇ ગઈ ! અમને પણ એમની શાળામાં આવવાનું આમંત્રણ મળ્યું. હજુ સવાલ તો છે
જ આ એક નાનકડી મુલાકાત જો
આટલી ઊર્જા ઉત્પન્ન કરે તો આયોજન બદ્ધ રીતે શૈક્ષણિક પ્રવાસોમાં જુદા વિસ્તારની
શાળાની મુલાકાત અને વિદ્યાર્થીઓ એકબીજા સાથે વાતચીત કરી શકે તેવા વધુ મોકા આપીએ તો
?
No comments:
Post a Comment