ઈન્ટરનેટથી કાપીએ “અંતર”
શાળાના કેટલાક બાળકો પ્રવાસ
જાય પછી બાકી બચેલા બાળકો માટે જાણે એ દિવસ “અન-ઓફિસિયલ રજા” જાહેર થઇ જતી હોય છે. શાળા
પરિવાર ને હમેશા ખુંચે કે જેઓ પ્રવાસમાં ના જઈ શક્યા એ માટે તેઓ જવાબદાર નથી. કેટલાકને
પોતાની શારીરિક સમસ્યાઓ છે, તો કોઈકને નજીવી કિમતનો આ પ્રવાસ પણ પરવડી શકે એમ નથી.
એટલે આ વખત એક નવો રસ્તો મળ્યો – જ્ઞાનકુંજ !
શાળામાં મળેલી આ સુવિધાએ જાણે કે બધાનો શીખવાનો અને શીખવવાનો
અભિગમ જ બદલી નાખ્યો છે ! એટલે એ દિવસે જયારે કેટલાક બાળકોએ નર્મદાની મુલાકાત લઇ
રહ્યા હતા ત્યારે અમે અહીં શાળામાં વિચારતા હતા કે આપણે શું કરીએ – અને
ઉપાય મળ્યો કે ઈન્ટરનેટથી એમની સાથે જ કનેક્ટ થઈએ... મોબાઈલ કવરેજના પ્રશ્નથી લાઈવ
તો જોડાઈ શકયા નહિ પણ, હવે બધા ગોઠવાઈ ગયા સ્માર્ટ બોર્ડ સામે અને પછી એ જ –
માર્યો સેલ યુટ્યુબનો ! એક ક્લિકમાં સરદાર સરોવર ડેમના ઘૂઘવતા પાણી અમારા વર્ગમાં
! બીજી ક્લિકમાં સીધા પોઈચા સહજાનંદ યુનિવર્સ !
અહીં બેઠા જ તેઓ જોઈ રહ્યા
હતા એ સ્થળો કે જ્યાં એમના દોસ્તારો ફરવા ગયા હતા. અમારી નજર એમના પર હતી - અવલોકને અમને સમજાયું કે માણસને પ્રવાસ, માત્ર સ્થળની રમણીયતા ને
લીધે જ બધાને ગમે છે એવું નથી ! તે સ્થળ પર બદલાયેલા માનવ ચિત્તને લીધે ગમે છે !
જેમ કે અમારા બાળકો બોર્ડ પર જોઈ રહ્યા હોય ત્યારે દરેક બાબતને ઝીણી નજરે જોતા પણ
તે વિડિયોમાં રહેલા માણસોની ગતિવિધિ અને એમાંય જ્યારે જ્યારે કોઈ બાળકો દેખાય
ત્યારે એમના મોં પર જે મલકાટ આવતો એ – અદભુત હતો !
સાંજના સમયે નાના ટાબરિયાઓને પણ આ જ રીતે પ્રવાસ
કરાવી આવ્યા !
સમજીએ છીએ કે આ વર્ચ્યુઅલ
પ્રવાસ એ જીવંત પ્રવાસની બરોબરીનો આનંદ, જ્ઞાન કે અનુભવ ના જ આપી જ શકે પણ “અમે
પ્રવાસ નહોતા ગયા” અને “અમે પ્રવાસ ગયા હતા” એમ બે પ્રકારના
બાળકો વચ્ચેનું અંતર તો કાપવું જ જોઈએ ને ?
અમે એમ કરવામાં સફળ રહ્યા
અને એટલે જ તો બીજા દિવસે પ્રવાસ ગયેલા
બાળકોનું સ્વાગત અમે “એમણે શું શું જોયું ?” એ કહીને કર્યું ! – કોલર ચઢાવી – રોફ
જમાવી કહ્યું “તમે બસમાં ગયેલા અમે હેલીકોપ્ટરમાં ! અને તમે જ્યાંથી નહિ જોયું હોય
ત્યાંથી અમે સહજાનંદ યુનિવર્સ જોયું, તમે નહિ જોયો હોય એવો સરદાર ડેમનો ઘુઘવાટ અમે સાંભળ્યો
!
No comments:
Post a Comment