July 22, 2016

One day with - Team planet water & Team Xylem !!!


One day with - Team planet water & Team Xylem !!!
A Thanking Note! 

The Team NavaNadisar is thankful for the Aqua Tower by Planet Water Foundation and Team Xylen! 
We appreciate their concern and passion for the pure drinking water. We also appreciate the efforts of jitubhai and Sevakbhai for being helping hand. We as a team  make them assure that we will take care of tower and make it useful for the children. The timing is also perfect as in monsoon it is difficult to maintain pure water for the 270 children everyday.

July 21, 2016

બાળમેળો – સુસ્તી કી છુટ્ટી !!!


બાળમેળો સુસ્તી કી છુટ્ટી !!!
બાળમેળાના વિવિધ સ્ટોરના નામ !!
આ વખતનો મેળો ભાતીગળ મેળો બન્યો.
હંમેશની જેમ નાગરિક ઘડતર પ્રવૃત્તિના જૂથ મુજબ પ્રવૃતિઓ હતી જ અમને સળી સુજી તો એક ગ્રુપ ઓછું કર્યું, સાત ને બદલે છ જૂથ અને છ સ્ટોલ બનાવ્યા !  (આશય બીજા દિવસે એક્વા ટાવર ફીટ કરવા આવનાર ટીમ માટેની તૈયારીનો સમય મળી જાય તે)  અન્ય સ્ટોર તો ગત બાળમેળા જેવા જ રહ્યા એક સ્ટોર આખેઆખો નવો સર્જાયો બિન્દાસ બોલજેમાં તેમને બોલવાનું જોક્સ, ઉખાણા, વાર્તાઓ, કહેવતો, ઘરના અનુભવો, પ્રવાસના અનુભવો ટુંકમાં એમને મનફાવે તે બોલે ! મધ્યાહન સુધી તો અમે એવા ભ્રમમાં હતા કે બધું જ સીસ્ટમ મુજબ ચાલે છે. બેલ પડે એટલે બાળકો તેમને જે સ્ટોલ પર જવાનું ત્યાં જાય છે. પણ- રીસેસમાં જમવાના કોળિયા સાથે ઘટસ્ફોટ થયો કેટલાક સ્ટોલ પર ચાર જૂથની મુલાકાત પૂરી થઇ તો કેટલાક સ્ટોલ પર ત્રણ જૂથની ! બિલ્ડીંગના પગથીયા ચઢી ઉતરીને થાક્યા પણ એમ બનવાનું કારણ મળ્યું નહિ ! અને બપોર પછી જેવો બેલ પડે અને જૂથ બદલાય એટલે અમારી સ્થિતિ ટ્રાફિક પોલીસ જેવી થાય. “સાહેબ, હવે ક્યાં જવાનું ?” “તમારા જુથનેતાને પૂછો !” થોડીકવારમાં જૂથનેતા જ એ પ્રશ્ન સાથે આવે કે ક્યાં જઈએ અમારે જે સ્ટોલ પર જવાનું ત્યાં તો બીજું એક જૂથ પહેલેથી છે !”  અમદાવાદના ટ્રાફિક પોલીસને પડે એવી મહામહેનતે તેમની સાથે ફરી ફરી મુલાકાત કરાવવી પડી.
      સાંજે પાંચ વાગ્યા પછીની સમૂહ બેઠકમાં આજે થયેલી અફરાતફરી વિષે ચર્ચા કરવાનું નક્કી કર્યું.. એકબાજુ ભૂલ કરનાર જૂથનેતા અને સૂચનામાં લાપરવાહી રાખનાર કન્વીનર શિક્ષક પર ગુસ્સો પણ આવ્યો એમ હવે ગુસ્સાથી શું દિવસ સુધારી શકાશે ? ચર્ચા કરી કે આ તો એક નાનકડું ઉદાહરણ છે
જયારે એક ટીમ તરીકે કાર્ય કરીએ ત્યારે તમારા કાર્યની અસર આખી ટીમ પર પડે છે. એકની લાપરવાહી આખી ટીમને પરેશાન કરી શકે છે. દેશની પણ આ જ સ્થિતિ છે. એકની લાપરવાહીની અસર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બધા દેશવાસીઓને પરેશાન કરી શકે. આજની આ ઘટનાથી શીખવાનું એ છે કે એકવાર જે સીસ્ટમ બનાવીએ તે અનુસરીએ એમાં કોઈક ફેરફાર કરવાની જરૂર જણાય તો આખી ટીમને જણાવીએ ! જેમ ટીમ મોટી હોય એમ વ્યક્તિગત જવાબદારી પણ એટલા જ ગુણકમાં વધતી જાય !


હવે, ફરી કોઈ ઇવેન્ટનું આયોજન કરીએ ત્યારે આ યાદ રાખીશું ! – ધેટ્સ ઈટ !  આમાં, અમે કેટલું જાળવી રાખીશું ? અને બાળકો કેટલું સમજ્યા એ તો હવે પછીના ઇવેન્ટમાં જ માપી શકાશે. ત્યાં સુધી આવો, એમાં રચાયેલી મસ્તીની પળો માણીએ !



























July 19, 2016

ગુરુપૂર્ણિમાની સત્યાર્થ ઉજવણી ???


ગુરુપૂર્ણિમાની સત્યાર્થ ઉજવણી ???

 બાળકો ત્યારે ખૂબ જ અચરજ પામે છે, જયારે શિક્ષક તેઓને દૂરની વસ્તુ બાયનોકયુલર ધ્વારા ખૂબ જ નજીક  બતાવે છે. એ વાતમાં નવાઈ નથી કે બાળક શિક્ષકને સર્વોપરી ગણતો હોય છે, પોતાના વાલીનું કહ્યું ન કરનાર બાળક પોતાના શિક્ષકના કહેવાથી ન ગમતું કામ પણ  હોંશે-હોંશે કરી બતાવે છે. એ જ બતાવે છે કે આપણે જેમ આપણા આદર્શ[ગુરૂ]ની સામાન્ય સૂચનાને પણ જેમ હૂકમ માની અનુસરીએ છીએ, તેમ બાળક પણ આપણે કરેલી વાતને ગાળવા માટેની કોઈપણ જાતની ગરણી વિના મગજમાં ઉતારી દેતાં હોય છે. તે બાળકની મોટા થયા પછીની દરેક વિષય પરની માન્યતાઓ ઉપર તેના શિક્ષકનો પ્રભાવ રહેશે જ. આમ ભવિષ્યમાં તે પોતાના શિક્ષકના પ્રભાવ વાળો જ નાગરિક બનશે તે ચોક્કસ છે. આનાથી એક વાત તો સાબિત થાય છે કે ભવિષ્યનો સમાજ - વર્તમાનમાં કાર્યરત શિક્ષકોના પ્રભાવ વાળો જ નિર્માણ પામે છે.”  મિત્રો, બાળકો પણ સમાજનું અથવા તો એમ કહીએ કે પોતાની સાથે બનતી દરેક ઘટનાઓ/બાબતોને સમજવા માટે શિક્ષકરૂપી બાયનોકયુલરનો ઉપયોગ કરતો હોય છે, કારણ કે તેનું માનવું હોય છે કે મારા શિક્ષક જ દીર્ઘ દ્રષ્ટા અને સત્ય-દ્રષ્ટા છે.  આપણા સૌ પરનો બાળકનો આવો વિશ્વાસ અકારણ જ હોય છે. હવે આપણે આપણા કર્યો વડે જ સાબિત કરવું રહ્યું કે બાળકે આપણા પર મૂકેલ વિશ્વાસ તથા વર્તમાન સમાજે  “ ભવિષ્યના સુ-સમાજ નિર્માણ ” માટે આપણા ઉપર મુકેલ વિશ્વાસ - આ બંને [બાળકનો અને વર્તમાન સમાજનો] આપણા પરનો વિશ્વાસ એ અંધવિશ્વાસ નથી.  

July 01, 2016

શું તમે મારા મિત્ર બનશો?


 તમે મારા મિત્ર બનશો?


                        મિત્રો, નવીન શૈક્ષણિક વર્ષની શરૂઆત થઇ ગઈ છે ! સમગ્ર શાળાઓના તમામ વર્ગખંડો નવા બાળમિત્રો સાથે સજ્જ થઇ ગયા હશે, ત્યારે હવે શાળાના નવા મહેમાનો કહી શકાય તેવા ધોરણ પહેલાના એ બાળકો કે જેમને આપણે નામાંકન માટેના સર્વે સમયે શાળા તરફથી ફ્રેન્ડ રિકવેસ્ટ આપી આવ્યા હતા, તે સૌએ પણ વાલીસ્લીપ પર વાલીની સહી ધ્વારા આપણી ફ્રેન્ડશીપને કન્ફોર્મ કરી ફેસ ટૂ ફેસ આવી ગયા હશે. હજુ આવા બાળકો માટે શાળાનું પર્યાવરણ અજાણ્યું અને અરુચતું હશે. ભૂતકાળમાં તેના મોટા ભાઈ બહેનના વાલી સંપર્ક સમયે પોતાની કાલી ભાષામાં ષાએબ આયાકહી આપણું સ્વાગત કરતું આ રમકડું આજે શાળામાં આવતાંની સાથે કાંતો ગભરાતું અથવા તો શરમાતું હશે, આપણા પર પૂરો ભરોશો નહિ આવે ત્યાં સુધી આપણી ફ્રેન્ડશીપનો સ્વીકાર કરનાર આ મિત્રો આપણા એવા જ મિત્રો બની રહેશે જેવા કેટલાંક આપણી ફેસબુક ફ્રેન્ડના લિસ્ટમાં હોય છે, કહેવાય તો મિત્ર પણ આદાનપ્રદાન કઈ જ નહિ !!! મિત્રો, દરેક ફ્રેન્ડશીપ એવી હોય છે કે दो कदम वो बढे, तो ही दो कदम हम बढे !! પરંતુ  બાળક અને શિક્ષક વચ્ચેની ફ્રેન્ડશીપની એવી છે કે બાળકના ફ્રેન્ડલીસ્ટમાંના ક્લોઝ ફ્રેન્ડમાં સ્થાન મેળવવા માટે શિક્ષક તરીકે આપણે જ પ્રયત્ન કરવો રહ્યો. અને તે એટલા માટે ફરજીયાત છે કે જો આપણે બાળકના ફ્રેન્ડલીસ્ટમાંના ક્લોઝ ફ્રેન્ડમાં સ્થાન નહિ મેળવી શકીએ તો આપણી વર્ગખંડની મહેનતનું ભજિયું એ નહિ ઉપજે !!! કારણ કે સાયકોલોજી થી માંડી ફિલોસોફી સુધીના તમામ વિદોએ સાબિત કર્યું છે કે, એક વ્યક્તિની લાગણીઓ/ સરળ સમજ સાથેની માહિતી બીજી વ્યક્તિ સુધી સૌથી ઝડપી રીતે અને સંપૂર્ણપણે અને જે તે ફોરમેટમાં જ વહન કરતો પદાર્થ તે મિત્રતાછે !!  અને પરિણામે.......... અમે દર વખતે કહીએ છીએ તેમ જો આપણે બાળકના મિત્ર નહિ હોઈશું તો અથાક મહેનત છતાં પરિણામ એવું મળશે કે જાણે વર્ગખંડમાં મહેનત નહિ પણ મજુરી કરતાં હોઈએ !! આપણા બાળક સાથેના વર્તન પર જ બધો આધાર છે કે તે આપણને Close Friend બનાવે છે કે પછી “Friendship ને CLOSE કરી દે છે !!! માટે ચાલો સત્રની શરૂઆતથી જ લાગી જઈએ બાળકના ક્લોઝ ફ્રેન્ડ બનવા !!!

June 27, 2016

याद करके आगे बढे – સ્મૃતિધારા !!!


याद करके आगे बढे સ્મૃતિધારા

કહેવાય છે કે શીખેલું ભૂલાઈ જવાય પછી બાકીનું જે યાદ રહે તેનું નામ શિક્ષણ
                      પરંતુ આ વાત શિક્ષણ પ્રક્રિયાના અંતની હોઈ શકે છે, કારણ કે નિરંતર ચાલુ ચાલતી શિક્ષણ પ્રક્રિયામાં ભૂલવાની ક્રિયા બાધક બને છે કારણ કે તે સળંગ પ્રક્રિયા છે !! પહેલું વર્ષ એ દ્વિતીય વર્ષનો પાયો છે અને દ્વિતીય એ તૃતીય વર્ષનો ! બાળકોને ચીર સ્થાયી શિક્ષણ આપવાનો આપણા સૌનો સદાય પ્રયત્ન રહેલો હોય છે,પરંતુ વિવિધ કારણોસર બાળકો શીખેલું વેકેશન દરમ્યાનમાં વિસરી જાય છે. પરિણામે પાઠ્યક્રમમાંની ક્રમિકતા મુજબ જો કાચા પાયા ઉપર જ ઈમારત ચણવાનું શરુ કરી દઈએ અથવા કહીએ તો આગળના ચણેલા થરની લાઈન લેન્થ વ્યવસ્થિત કર્યા વિના જ તેના ઉપર દિવાલ માટેના આગળના થર ચણવા લાગી પડે તો તે કડીયાની કુશળતા  અને દીવાલની મજબૂતાઈની  વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ તો ઉઠે જ  ! સાથે સાથે ચાલુ વર્ષની આપણી મહેનતનું પરિણામ પણ અપેક્ષા મુજબ નું  ન મળે તે પણ સ્વાભાવિક છે ! આવા બધાનો ઉપાય મળ્યો સ્મૃતિધારા કાર્યક્રમ વડે !  આપણા વર્ગના બાળકો અગાઉના ધોરણના અભ્યાસક્રમમાં કેટલા અંતરે છે તે જાણવા માટેનો પ્રયત્ન અને ત્યારબાદ દુર રહી ગયેલ બાળકો માટે ૧૦ દિવસ સુધી મહાવરો, જેમાં જે બાળકો જે જે મુદ્દાઓ ભૂલી ગયા હોય તેઓને ફરીથી યાદ કરાવી અભ્યાસક્રમની મેઈન સ્ટ્રીમમાં જોડવા અને જે બાળકોને હજુ યાદ છે તેઓને પુનરાવર્ત કરાવી તેમના પાયાની મજબૂતાઈ વધારવાનો ઉત્સવ ! શાળા કક્ષાએ ઉજવાયેલ સ્મૃતિધારા માં એક સબળ પાસું એ પણ જોવા મળ્યું કે નવીન વર્ષની શરૂઆત અગાઉના વર્ષના જ્ઞાનના અનુસંધાનથી શરુ કરવામાં આવે છે ત્યારે બાળકની  બોડી લેન્ગવેજ કહેતી હોય છે કે અરે ! આ તો મને આવડે જ છે  અથવા તો આ તો સહેલું છે !! અને જયારે બાળકના મનમાં કોઇપણ અભ્યાસ બાબતમાં મને આવડે છે અથવા આ તો સહેલું જ છેએવું અનુભવે છે ત્યારે તેનામાં આત્મવિશ્વાસ ભરાય છે. જે આગામી વર્ષ માટે બાળકમાં ઉદ્દીપક નું કામ કરે છે. વર્ષની શરૂઆત આવા સબળ આત્મવિશ્વાસ સાથે થાય ત્યારે અ-સફળતાનો કોઈ અવકાશ હોતો જ નથી !
આમ જો સ્મૃતિધારાને એક વાક્યમાં વર્ણવું હોય તો કહી શકાય કે याद कर के आगे बढे

June 25, 2016

આપણા વિદ્યાર્થીઓ માટે ! – www.inshodh.org


આપણા વિદ્યાર્થીઓ માટે ! – www.inshodh.org

www.inshodh.org 
               રાજ્યભરના શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓ માટે પ્રયત્ન કરે છે. રાજ્યના વિસ્તાર મુજબ, વિદ્યાર્થીઓની સામાજિક, આર્થિક સ્થિતિ અનુસાર દરેક શાળાને જુદી જુદી સમસ્યાઓ હોય છે. તેના ઉકેલ માટે કરેલા પ્રયત્નોને એક સુત્રે બાંધી રાખવા – IIAM માં એજ્યુકેશન ઇનોવેશન બેંક બની ! જે હવે આપણા બધા માટે ઉપલબ્ધ છે. www.inshodh.org ની મુલાકાત લેતા જ તેમાં શિક્ષકોને પડેલી અડચણ અને તે માટે તેમણે કરેલા પ્રયત્નોની માહિતી મળશે. ક્યાંક એ બધું વાંચતા વાંચતા જ આપણા મનમાં ઉગશે કે “આ પ્રવૃત્તિ/પ્રયોગ મારી શાળામાં પણ કરવા જેવો છે !” ક્યારેક તેના આધારે તમને તમારી કોઈક સમસ્યાનો ઉકેલ પણ મળી જાય ! –
ઈન્ટરનેટથી કનેક્ટ થવાનો આ મોકો ચૂકવા જેવો નથી ! 
તમે પણ આપણી મસ્તી કી પાઠશાલાનાં બાળકોએ IIM ક્રિએટીવીટી વર્કશોપમાં ભાગ લીધો હતો તે પળોને નીચેની લીંક ધ્વારા માણી શકો છો !!!

June 10, 2016

નવા ભવનનો પહેલો પ્રવેશોત્સવ !


નવા ભવનનો પહેલો પ્રવેશોત્સવ !

અજબ રોમાંચક સમયગાળો હોય છે, વેકેશનમાં ઘરમાં ગોઠવાઈ ગયેલી જીંદગી હવે બીજા ઘરને શણગારવા થનગનતી હોય ત્યારે...
નવા મકાનમાં શાળાની વસ્તુઓ પહોચે એ પહેલા “ઘડો” મૂકી અમારા સૌનામાં શિક્ષણનું પાણી ક્યારેય ના ખૂટે તેવી કામના તો વેકેશન પૂર્વે જ કરી હતી. હજુ વર્ગખંડોમાં સજીવારોપણ થવાનું બાકી હતું. શાંતિલાલ અને શાંતાબેનના હસ્તે શાળામાં બાળકોની ધમાચકડી વચ્ચે શિક્ષણની શાંતિ વહેતી રહે એટલે શ્રદ્ધાનુસાર “સત્ય નારાયણની કથા” પણ કરાઈ. કેટલાકે કથા સાંભળી, કેટલાક બીજે દિવસ શાળાના ઈમારતનું “વિધિ-સર” લોકાર્પણ અને પ્રવેશોત્સવની ઉજવણી માટેની તૈયારી કરી રહ્યા હતા– તો કેટલાકની નજર કથાના પ્રસાદ પર રહી.
            જૂની ઈમારતમાં પ્રવેશોત્સવ સાંજના સમયે જ આવતો એટલે વૃક્ષોના છાંયડે ઉજવણી થઇ જતી. આ વખત સમય બદલાયો અને ઈમારતની લોબીમાં પણ સ્ટેજ મળવું અશક્ય લાગ્યું. બાળ રંગમંચની સામે નવ વાગતામાં ધખી જતા સૂરજદાદા ! – ઉપાય – મંડપ !
          ગામમાં નગીનભાઈને મંડપનું કહ્યું અને શાળામાં પહેલીવાર મંડપ બંધાયો – પ્રેક્ટીસ દરમ્યાન શાળાના પાડોશી – નટુભાઈ બેન્ડવાળા આવ્યા- તેમણે પૂછ્યું તો કહ્યું કે “પ્રવેશોત્સવ અને લોકાર્પણ કાર્યક્રમ બંને છે. !” તેમણે  અમારો ઉત્સાહ જોઈ તેમના બેન્ડની આખી સાઉન્ડ સીસ્ટમ જમાવી દીધી –
          ટીમ નવાનદીસર તો સંસાધનો વિના – પરિણામની ચિંતા કર્યા વિના ૧૦૦% મુકવા ટેવાયેલી – એમાં આવો ઢાળ મળે – સ્થાનિક ધારાસભ્ય, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, તાલુકા પ્રમુખ શ્રી, જીલ્લા પંચાયત સદસ્ય શ્રી, બી.આર.સી.કૉ.શ્રી, જુના નદીસરના આગેવાનો – અને મોટી સંખ્યામાં આવેલા ગ્રામજનો – ભરચક મેદાન – અને ત્રણ દિવસથી સવાર થી સાંજના ત્રણ-ચાર વાગ્યા સુધી કરેલી કવાયત – રંગ જામે જ !
           કાર્યક્રમના બીજા દિવસે ગામમાં નટુભાઈ અને નગીનભાઈ બંનેને ભાડું આપવા ગયા – તો એમના જવાબોથી અમારી રગોમાં નવી ચેતના ભરાઈ – “અરે, સાહેબ આ અમે ગોમવારાથી બીજું તો કઈ નેહાર હારું કરાતું નથી.. તો આટલું કરવા મલ્યું – એ બહુ સે !”
-ગામ જોડાયાના આનંદ સાથે આપ પણ તસવીરોથી જોડાઓ તેવી અપીલ !
मनुष्य तू बड़ा महान है .... કાર્યક્રમની શરૂઆત !!!

દીપ પ્રાગટ્ય ......

મનિષા મહેરા [ધોરણ-7 ] - કાર્યક્રમ સંચાલક 

बेटी बचाओ, बेटी पढ़ाओ - અભિનય ગીત વડે સંદેશ પાઠવતી અમારી દિકરીઓ 


વિડીયો- बेटी बचाओ, बेटी पढ़ाओ
આંગણવાડી નાં બાળકોનું સ્વાગત અને ફળની ટોપલી અર્પણવિધિ !!
ધોરણ પહેલાનાં બાળકોનું સ્વાગત અને પ્રવેશ પ્રક્રિયાનો ઉત્સવ !!! 
बेटी बचाओ, बेटी पढ़ाओ - વક્તુત્વ આપતો અમારો જયપાલ 
જયપાલના વક્તુત્વ થી પ્રભાવિત થયેલ મહેમાનો પોતાને વિડીયોગ્રાફી કરતાં ન રોકી શક્યા. નીચેના વિડીયો વડે આપ પણ જયપાલને માણી શકો છો. 

 યોગ.... 
વંદે માતરમ્ - બાળકોએ ભજવેલ આ ગીતથી આપ પણ તાળી પાડતાં પોતાને નહિ રોકી શકો , નીચેના વિડીયો ધ્વારા આપ અમારાં આ બાળકોને માણી શકો છો !!! 



તેજસ્વી તારલાઓનું સમ્માન...



માનનીય ધારાસભ્યશ્રી જેઠાભાઈ ભરવાડ ના હસ્તે નવીન શાળા ભવનનું લોકાર્પણ 
પ્રજ્ઞા વર્ગને સમજતાં ધારાસભ્યશ્રી
અત્રેની શાળાના બાળકોને સુવિધા સભરનું નવીન શાળા ભવન આપવા બદલ ધારાસભ્યશ્રી મારફતે મુખ્યમંત્રીશ્રી ગુજરાતને આભાર-પત્ર મોકલાવતાં SMC નવાનદીસર નાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ !!!  
ગ્રામજનોને સંબોધતાં ચૌધરીમેડમશ્રી [ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, પંચમહાલ]
સંબોધન કરતાં મુખ્ય મહેમાન ધારાસભ્યશ્રી જેઠાભાઈ ભરવાડ 
આભારવિધિ......
વિકસિશું , વિસ્તરીશું.... જ્યાં સુધી શાળા જેવો બદલાવ ગામ સુધી ન પહોંચે  ... પ્રયત્નો. અમે છોડીશું નહિ ! નીચે વિડીયો ધ્વારા સાંભળી શકશો 


મગ્ર પ્રવેશોત્સવ કાર્યક્રમને આ વિડીયો ધ્વારા જોઈ શકશો 

આ ઉપરાંત અમારા ગત વર્ષોના ઉત્સવો નિહાળો ... “ પ્રવેશોત્સવ ”