નવા ભવનનો પહેલો પ્રવેશોત્સવ !
અજબ રોમાંચક
સમયગાળો હોય છે, વેકેશનમાં ઘરમાં ગોઠવાઈ ગયેલી જીંદગી હવે બીજા ઘરને શણગારવા
થનગનતી હોય ત્યારે...
નવા મકાનમાં
શાળાની વસ્તુઓ પહોચે એ પહેલા “ઘડો” મૂકી અમારા સૌનામાં શિક્ષણનું પાણી ક્યારેય ના
ખૂટે તેવી કામના તો વેકેશન પૂર્વે જ કરી હતી. હજુ વર્ગખંડોમાં સજીવારોપણ થવાનું
બાકી હતું. શાંતિલાલ અને શાંતાબેનના હસ્તે શાળામાં બાળકોની ધમાચકડી વચ્ચે શિક્ષણની
શાંતિ વહેતી રહે એટલે શ્રદ્ધાનુસાર “સત્ય નારાયણની કથા” પણ કરાઈ. કેટલાકે કથા
સાંભળી, કેટલાક બીજે દિવસ શાળાના ઈમારતનું “વિધિ-સર” લોકાર્પણ અને પ્રવેશોત્સવની
ઉજવણી માટેની તૈયારી કરી રહ્યા હતા– તો કેટલાકની નજર કથાના પ્રસાદ પર રહી.
જૂની
ઈમારતમાં પ્રવેશોત્સવ સાંજના સમયે જ આવતો એટલે વૃક્ષોના છાંયડે ઉજવણી થઇ જતી. આ
વખત સમય બદલાયો અને ઈમારતની લોબીમાં પણ સ્ટેજ મળવું અશક્ય લાગ્યું. બાળ રંગમંચની
સામે નવ વાગતામાં ધખી જતા સૂરજદાદા ! – ઉપાય – મંડપ !
ગામમાં નગીનભાઈને
મંડપનું કહ્યું અને શાળામાં પહેલીવાર મંડપ બંધાયો – પ્રેક્ટીસ દરમ્યાન શાળાના
પાડોશી – નટુભાઈ બેન્ડવાળા આવ્યા- તેમણે પૂછ્યું તો કહ્યું કે “પ્રવેશોત્સવ અને
લોકાર્પણ કાર્યક્રમ બંને છે. !” તેમણે
અમારો ઉત્સાહ જોઈ તેમના બેન્ડની આખી સાઉન્ડ સીસ્ટમ જમાવી દીધી –
ટીમ
નવાનદીસર તો સંસાધનો વિના – પરિણામની ચિંતા કર્યા વિના ૧૦૦% મુકવા ટેવાયેલી – એમાં
આવો ઢાળ મળે – સ્થાનિક ધારાસભ્ય, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, તાલુકા પ્રમુખ
શ્રી, જીલ્લા પંચાયત સદસ્ય શ્રી, બી.આર.સી.કૉ.શ્રી, જુના નદીસરના આગેવાનો – અને
મોટી સંખ્યામાં આવેલા ગ્રામજનો – ભરચક મેદાન – અને ત્રણ દિવસથી સવાર થી સાંજના
ત્રણ-ચાર વાગ્યા સુધી કરેલી કવાયત – રંગ જામે જ !
કાર્યક્રમના
બીજા દિવસે ગામમાં નટુભાઈ અને નગીનભાઈ બંનેને ભાડું આપવા ગયા – તો એમના જવાબોથી
અમારી રગોમાં નવી ચેતના ભરાઈ – “અરે, સાહેબ આ અમે ગોમવારાથી બીજું તો કઈ નેહાર
હારું કરાતું નથી.. તો આટલું કરવા મલ્યું – એ બહુ સે !”
-ગામ
જોડાયાના આનંદ સાથે આપ પણ તસવીરોથી જોડાઓ તેવી અપીલ !
No comments:
Post a Comment