October 27, 2013

ઉધઈ કે બાળક ??


¨ પુસ્તકાલય -: તમને કોણ વહાલું છે?? – ઉધઈ કે બાળક ??


                        વિચારોને હંમેશા વલોવતા રહેવા પડે છે, કારણ કે કેટલીક વસ્તુઓ એવી હોય છે કે જો તેને વારંવાર ઉથલાવીએ-હલાવીએ કે પછી વલોણાં વડે વલોવીએ નહિ તો ધીમે-ધીમે ઠરીઠામ થઇ સમયાંતરે કટાઈ અથવા તો બગડી જાય છે. આપણા વિચારોનું પણ આવું જ છે. અને તેના ઉપાય માટે ઉત્તમ “વલોણાં” નું કામ “સારા પુસ્તકો”  કરે છે. હવે તમે જ નક્કી કરી લો કે જો પુસ્તકો આપણાં વિચારોનું વલોણું છે તો પુસ્તકાલય ને શું કહીશું ?
    એટલે જ પહેલાં અને આજે પણ સાર્વજનિક તાલુકા/ગ્રામ પુસ્તકાલય જોવા મળે છે. ત્યાં ભીડ પણ જોવા મળે છે. પણ જો મારો અંદાજ ખોટો ન હોય તો મોટાભાગના લોકો પુસ્તકાલયનો ફકત અને ફક્ત ‘વર્તમાનપત્રાલય’ પુરતો જ ઉપયોગ કરતાં જોવા મળે છે. જો કે આજે મુદ્દો આ ન હતો, આજનો મુદ્દો હતો આપણી શાળામાંના “પુસ્તકાલયનું સુવ્યવસ્થિત સંચાલન”.                 


                              અહીં સુવ્યવસ્થિતનો અર્થ એવો છે કે એવી વ્યવસ્થા જેમાં બાળક-શિક્ષક-સમાજ ના વાંચવાથી પુસ્તક ફાટે. શાળા પુસ્તકાલયની એક કડવી હકીકત કહીએ તો -  ઉત્સાહી શિક્ષક પણ ક્યારેક સંચાલનમાં નિષ્ફળતા [અહી  “નિષ્ફળતા’ નો અર્થ પુસ્તકાલયનો નિયમિત ઉપયોગ ન થવો ] અનુભવે છે. તેનું ઘણાં કારણો પૈકી મુખ્ય એક કારણ છે પુસ્તકાલય સંચાલનમાં બાળકોની ખરા અર્થમાં ભાગીદારીનો અભાવ !  મિત્રો આપણે ગમે તેટલા ઉત્સાહી હોઈશું પણ સાથે-સાથે આપણી વ્યસ્તતા પણ એટલી જ હોય છે. જેથી બાળકોની હાજરીમાં હોંશભેર બનાવેલ ‘તે’ સમયનું મહત્વવાળું “પુસ્તકાલય સમય પત્રક” પણ પછીથી આવેલા “ખુબ જ અગત્યનું” લખેલા કાગળોને કારણે ગૌણ બની જતું જોવા મળે છે. અને પછી આપણે બાળકો સામે પ્રાર્થના/પ્રેરક પ્રસંગોમાં જોરપૂર્વક કરેલ પુસ્તકોની તરફદારી છતાંય  વ્યસ્તતાના સમયે કોઈ બાળક પુસ્તક વાંચવાની ઇચ્છા દર્શાવે તો પણ આપણે ટાળવાની કોશિશ કરતાં હોઈએ છીએ. આવા પરિસ્થિતિમાં બાળ-સહભાગી વ્યવસ્થા આપણા પુસ્તકાલયને યોગ્ય રીતે સંચાલિત કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. કારણ કે આજે નક્કી કરેલું આયોજન સમયાંતરે આપણા માટે ગૌણ થતું જતું હોય છે પણ બાળકો તેનો ચુસ્તપણે જ અમલ કરતાં હોય છે, હા આપણી દેખરેખ તેમાં ખૂબ મહત્વનો ભાગ ભજવતી હોય છે. અમારી શાળાનું પુસ્તકાલય પણ છેલ્લા ૫ માસથી બાજુમાં દર્શાવેલ ફોટોગ્રાફમાં જોવા મળતી સમિતિ રૂપી “બાળ-ગ્રંથપાલો” દ્વારા સંચાલિત થઇ રહ્યું છે, અને જેમાં
·                           બે બાળકો “બાળ-ગ્રંથપાલ” તરીકે હોય જેઓ પુસ્તકો આપવાની-પરત લેવાની અને તેને નોધવાની જવાબદારી નિભાવતાં હશે. 
·                         એક શિક્ષક માર્ગદર્શક તરીકે હશે જેને ઓછી તો ઓછી પણ દરેક પુસ્તક વિશેની માહિતી હશે, જેથી કયા ધોરણના બાળકોને કયું પુસ્તક આનંદ અને માહિતી આપશે તે મુજબની પુસ્તક લેવાની સલાહ આપી શકે.. 
·                            સાપ્તાહિક [અથવા અનુકૂળતા મુજબ] “પુસ્તક સભા” નું આયોજન થશે. જેમાં બાળકોએ ગત સપ્તાહમાં વાંચેલ પુસ્તકો વિશે પોતે કરેલ નોંધ અન્ય બાળકો સાથે share કરશે જેથી અન્ય બાળકોમાં તે પુસ્તક વાંચન માટેની આતુરતા ઉભી થશે.
·                                      શિક્ષક માટે પણ એ તમામ નિયમો લાગુ પડશે. [પુસ્તકો લેવા માટેના – વાંચી નોંધ કરવી- “પુસ્તક સભા” માં share કરવી ] શિક્ષકશ્રી માટે વધારાનો નિયમ એ હશે કે પુસ્તક વાંચનમાં પોતાના વિષયના પુસ્તકને અગ્રતા આપવાની રહેશે.
                
                                   મિત્રો, વેકેશનમાં ‘પુસ્તક તિજોરીમાં અને બાળકો ઘરમાં’  જેવી પરિસ્થિતિ ઉભી થાય છે, અને આ સમયનો પણ સદુપયોગ કરવા શાળા ધ્વારા  “આપણું પુસ્તકાલય” નું આયોજન કરી શકીએ છીએ. જેમાં દરેક ધોરણના એક-એક બાળકને અથવા તો દરેક મહોલ્લાના એક-એક બાળકોની નિમણુંક કરી શકાય. આ બાળકોને  સમગ્ર પુસ્તકાલયના વિષય-કક્ષા મુજબ સમ-ભાગે વહેંચી ઘરે આપી શકીએ. જેઓ વેકેશન દરમ્યાન પણ આપણા પુસ્તકાલયને કાર્યાન્વિત રાખશે. [પ્રયોગ અંતર્ગત આ વર્ષે નવાનદીસર ૧૪૦ પુસ્તકો/મેગેઝીન આ વેકેશનમાં વાંચશે – વાંચે વેકેશન !]
                          મિત્રો, સુવ્યવસ્થિત સંચાલન વાળું પુસ્તકાલય આપણા શિક્ષણકાર્યમાં કેટલું મદદરૂપ થઇ શકે તે  અમે લખીએ તેના કરતાં તમે અનુભવશો તો આપને વધારે ખ્યાલ આવશે. 
હવે તમારે નિર્ણય કરવાનો છે,કે આપણે પુસ્તકો કોનાથી બચાવવા છે?
 ઉધઈથી કે પછી બાળકોથી !    

September 29, 2013

ક્યાં સુધી ફક્ત શીખવતાં જ રહીશું ???


ક્યાં સુધી ફક્ત શીખવતાં જ રહીશું ???


    મિત્રો, શાળા એ ગામ કે શહેરનું સૌથી મોટામાં-મોટું ક્રિયાશીલ સ્થળ હોય છે. જ્યાં સમાજની ભાષામાં કહીએ તો બાળક સમજદાર બનવા આવે છે, વિજ્ઞાનની ભાષામાં કહીએ તો જાણવા આવે છે અને જો આપણા મૂછાળી ‘માં’ની ભાષામાં કહીએ તો બાળક મિત્રો સાથે શાળાને માણવા આવે. આ થતી એક જ પ્રક્રિયા અલગથી ફક્ત વિચારાતી હોય છે. ચાલો, એકવાર એમ માની લઈને ચાલીએ કે “બાળક પણ એક લાગણીઓ સભરના કોમ્પ્યુટર જેવો છે.” જેમ કોઈ કોમ્પ્યુટરમાં આપણે સારી એવી કોઈ પ્રોગ્રામ સેટઅપ કરી લઈએ અને પછી આપણું ફક્ત કમાન્ડ [ઈનપૂટ] આપવાનું, ત્યારબાદનું મોટાભાગનું કામ તો કોમ્પ્યુટરમાં રહેલ સુપર પોગ્રામ જ તેને યોગ્ય રીતે  સ્ટાર્ટ અને રન કરે...અને આગળના પ્રોગ્રામોને યોગ્યતા પૂર્વક ચલાવે. બસ આ જ રીતે આપણે પણ આપણા આ બાળકોરૂપી  કોમ્પ્યુટરમાં બાળકને જયારે આપણે શીખવીએ ત્યારે જ તેઓની શીખવાની પ્રોસેસર RUN થાય, તેની જગ્યાએ બાળકોમાં જ રહેલી “LEARNING”  સ્કીલને વિકસાવી તેઓને સ્વ-પ્રયત્ન શીખવા માટેની તકો ઉભી કરવાનો સમય હવે આવી ગયો છે. આપણાં કોઈ એક એકમના અથવા તો એકમ બાબતના એક સુયોગ્ય ઈનપૂટ ધ્વારા બાળકમાં તે અંગે જાણવા-જોવા અને સમજવા માટેની પ્રક્રિયા વેગવાન બને, તેવો આપણો એક પ્રયાસ હોવો જરૂરી છે.  આ બાબત ધ્વારા શાળા એક એવી વ્યવસ્થા તરફ ઉન્ગલીનીર્દેશ  કરી રહી છીએ કે, જ્યાં બાળકને ઓછામાં ઓછી આપણી જરૂર પડે. પ્રાથમિક કક્ષાએથી એક એવી વ્યવસ્થા તરફ વાળવાનો પ્રયત્ન કરવામાં આવે કે, બાળકોને શીખવવા માટે શિક્ષકની મદદ  કરતાંય વધારે સમય તેને સ્વ-પ્રયત્ન માટેનો મળે અને તે માટેના સંસાધનોથી સજ્જ જાણવા માટેની ભરપૂર તકો મળી રહે.. એક એવું વાતાવરણ/વર્ગખંડ કે જ્યાં બાળકને કોઈ મુદ્દાનું મનોમંથન કરવા માટે સમય અપાતો હોય... જાત પ્રવૃત્તિ દ્વારા શીખવા માટે પ્રોત્સાહિત કરાતો હોય વગેરે...વગેરે .. ટૂંકમાં કહીએ તો આપણી ઓછપ હાજરી છતાં પણ, તેની શીખવાની પ્રક્રિયા કાર્યવંતી બનેલી જ રહે તે માટેનું એક પર્યાવરણ..
                                    મિત્રો, આપણી નવાનદીસર  શાળાએ પણ “આવો,વનસ્પતિઓને ઓળખીએ’ એક પ્રોજેક્ટ અંતર્ગત આવો જ પ્રયત્ન કર્યો. જેમાં બાળકોની વિવિધ ઈન્દ્રીયો ધ્વારા શાળા પર્યાવરણમાં આવેલ વિવિધ વનસ્પતિઓની ઓળખ કરાવી અને એક ઈનપૂટ આપ્યું. શિક્ષકશ્રીએ બાળકો સાથે રહી...........
·        વનસ્પતિના પર્ણના આકારને જોઈને ઓળખ આપી.
·        ત્યારબાદ તે જ વનસ્પતિના પર્ણને સ્પર્શ ધ્વારા ઓળખ આપી.
·        ત્યારબાદ તે જ વનસ્પતિના પર્ણને સૂંઘીને તેની ગંધ ધ્વારા-નાક વડે ઓળખ આપી.
·        ત્યારબાદ તે જ વનસ્પતિના પર્ણને ચાખીને તેના સ્વાદ ધ્વારા ઓળખ આપી.
                    આમ વનસ્પતિની ઓળખ માટે બાળકોને એક ઈનપૂટ આપ્યો, હવે બાકીની વનસ્પતિઓ બાળકો આ રીતે જોતા ગયા અને તેની ઓળખ/અહેસાસ કરતાં ગયા. છેલ્લે મૂલ્યાંકન પણ એક રમત ધ્વારા જ કરવામાં આવ્યું. જેમાં તમામ વનસ્પતીઓના પર્ણો ભેગા કરી બાળકોને  વિવિધ રીતે તેને ઓળખી બતાવવા કહેવામાં આવ્યું. સાચું કહું તો બાળકો ધ્વારા સ્વાનુભવે શીખવાની એક પ્રક્રિયા કામ કરી રહી હતી અને શિક્ષકશ્રી તેમાં જરૂરી ઈનપૂટ આપી રહ્યા હતાં...
ચાલો સમજીએ, કેમેરાની આંખે....
 શાળા કમ્પાઉન્ડમાં આવેલ વિવિધ વનસ્પતિઓની ઓળખ 
 ત્યારબાદ બાળકોને વિવિધ સ્વરૂપે ઓળખ રૂપેનું મૂલ્યાંકન 
 સ્પર્શેન્દ્રિય ધ્વારા ઓળખ .....
સ્વાદેન્દ્રીય ધ્વારા ઓળખ 
સુગંધ ધ્વારા ઓળખ 
















August 24, 2013

શાળા સાથે ઘટેલ સત્યઘટના પર આધારિત....



મુલ્યોની શક્તિ હજુ પણ જીવંત છે...

રોજ વસ્તી વધારતું અને ઘટાડતું એક ગામડું...ગામને છેવાડે સરકારી પ્રાથમિક શાળા !
શનિવારે વહેલા શિક્ષક આવી શાળાનો ગેટ ખોલે છે...વિદ્યાર્થીઓ ઓફીસ રૂમમાંથી પોતાના જૂથ મુજબ વર્ગખંડોની ચાવીઓ સાથે જાય છે..અને એક વિદ્યાર્થીની બુમ આવે છે-“ અરે ! આ છઠ્ઠાનો રૂમ તો ખુલ્લો છે ! સાહેબ કોઈકે તાળું તોડ્યું !” ટાબરિયા સી.આઈ.ડી. અને સૌ એકત્ર થાય – જુએ તો બીજું બધું અકબંધ એક ‘સીલીંગ ફેન’ ગાયબ !  નિરિક્ષણકર્તાઓએ શોધી કાઢ્યું કે “સાહેબ, અઈ જુઓ...કોવાડો મારી’ન તારું તોડ્યું.. અહી ટચાકો લાગ્યો સ !”
            શાળાના પડોશીઓ, વી.ઈ.સી. ના અધ્યક્ષ, કેટલાક વાલીઓ..બધા ભેગા થઇ ગયા ! મોટાભાગે સામુહિક કાર્યોમાં મતમતાંતરવાળા લોકો આ ઘટનાના પ્રતિઘાત રૂપે એકજૂટ થયા !  “ એક જ રૂમ તોડ્યું...અને બીજે અડ્યો ય નહિ..બહારના ના હોય..સાહેબ કો’ક ગોમનો જ હોય !” આટલા વરહથી આ સાહેબો અઈ’સ..કોઈ દાડો આવું નહિ થ્યું !”
શિક્ષકોના મન પણ ઉભરાયા ! જે શાળાને નિર્જીવ સ્થાન નહિ પણ જીવંત “ ‘માં”’ ગણી - શ્રેષ્ઠ શાળાથી શ્રેષ્ઠ સમાજ અને તેના વડે શ્રેષ્ઠ રાષ્ટ્ર નિર્માણ ! ને ધ્યેય મંત્ર બનાવ્યો ! અહી સરકારી નોકરી કરવાની છે એમ નહિ પણ જીવનમાં ફક્ત આ એક જ કાર્ય બચ્યું હોય તેમ બાર-તેર વર્ષ પસાર કર્યા ! વિદ્યાર્થીઓના અભ્યાસને ખલેલ કરે તેવા રંગકામ અને બાંધકામ વેકેશન દરમિયાન –બળબળતા બપોર અહી પસાર કરીને કરાવ્યા ! ઘરે સહેજે શારીરિક શ્રમ ના કરનારા શિક્ષકો-વિધાર્થીઓ સાથે મહેનત કરી શાળાને બાગમાં ફેરવી ! વિદ્યાર્થીઓની વ્યક્તિગત દેખરેખ રાખી. ગામડામાં જન્મવું એ તેમને માટે અસામાન ના રહે તે માટે “ પ્રોફેશનલી ક્રિએટીવ રાઈટીંગ-ડ્રામા-નૃત્ય-કરાટે-વિગેરે...
“શાળાનું સંચાલન તમારા બાળકો જ કરે છે અને ત્યારે આવી ઘટના ! ભાઈ..અહી હવે નોકરી કરવામાં અમને સંકોચ થશે કે હજુ અમારા પ્રયત્નોમાં શું ખામી રહી ગઈ ?”
      -:.... “અરે...એમ જીવ ના કચવશો..અમે શોધી કાઢશું...એ કયો હતો !”  “દોના જોવાડાયશું !” “ તમાર ફરિયાદ શેની નોધાવવાની?  અમે નોધયાશું..તમ તમાર મનમાં ઓછું ઓન્યા વગર જેમ ભણાવો શો એમ ભણાવો ! “ “કાલે જી ન પોલીસવારા લાઈશું ન આખા ગોમમાં ફેરવી ન હોધાયશું..” જેટલા મુખ તેટલા આશ્વાસન !
               “અરે ! કશું ના કરશો, અમારે તો ચોર નથી જોઈતો, ખાલી કાલે સવારે જો શાળાના દરવાજે એ પંખો મૂકી જાય તો અમને લાગશે કે આ ગામે અમારી કદર કરી ! અમને જેટલો પ્રેમ આ શાળા પ્રત્યે છે, એટલો જ આ ગામને પણ અમારા પ્રત્યે છે !” 
રાત્રે ગામ આપમેળે શિક્ષકોની ગેરહાજરીમાં ભેગું થાય છે-……?????……… બીજે દિવસે-રવિવારે સવારે છ વાગ્યે આચાર્યનો ફોન રણકે છે.
 “હલ્લો..સાહેબ, શાળાના દરવાજે પંખો પડ્યો’શ ! હન્ધુય મૂકી ગ્યા’શ. પંખો, પાંખીયા અને જોડે ઝભલામાં ફીટ કરવાના સ્ક્રૂ ય વેટી’ન મેલેલા’શ !”
ગાંધી-સરદાર અને રવિશંકર મહારાજ તો મહાન હતા કે તેમને કહ્યે ચોર-ડાકુ સુધરતાં !  શાળા પર આવી પડેલી સમસ્યામાં તેમને સૂચવેલ હથિયારો હજુય કેટલા પ્રસ્તુત છે ! તે વિચારી સૌની આંખમાં ચમક આવી જાય છે !
શાળા માટે તો – અભાનાતામાં કરેલી ભૂલ કરતા, સભાનાતામાં કરેલું પ્રાયશ્ચિત વધુ મહત્વનું હતું.
(શાળા સાથે ઘટેલ સત્યઘટના પર આધારિત)

August 19, 2013

“હું મારી શાળાને ઓળખું છું”


“હું મારી શાળાને ઓળખું છું” –શાળા સ્થાપના દિનની ઉજવણી

શાળા વિશેના પ્રશ્નોની ક્વિજનું એક દ્રશ્ય......
                                       ૧૮મી ઓગષ્ટ એટલે “શાળા સ્થાપનાદિન" –એટલે કે અમારી શાળાનો જન્મ દિવસ. જેમ કોઈ બાળક માટે આનંદ આપતું અને બાળલીલા કરવા માટે પ્રોત્સાહિત કરતું કોઈ સ્થાન પોતાની માતાના ખોળાથી વધારે આ દુનિયા ક્યાંયે નથી. તે જ રીતે અમારૂં આ શાળા-ભવન પણ અમારા માટે આ જ ખોટ પૂરી પાડનારૂ છે, તેમ કહીએ તો પણ ખોટું નથી જ. આ જ ભવન છે, જે  જાણે કે તે અમારા જીવનમાં રોજેરોજ ઉત્સાહને રીચાર્જ કરતું રહે છે, જાણે કે આ જ ભવનમાં રહેલી કોઈ અદ્રશ્ય શક્તિ અમને રોજેરોજ અથાગ મહેનત કરવાની પ્રેરણા આપે છે, જાણે કહી રહી છે કે - “અરે ૩૮ વર્ષથી હું ટાઢ – તાપ – વરસાદમાં અડીખમ ઉભી છું તમારે માટે... બાળકોના અટકચાળા રૂપી પથ્થર ખાવા, પેન-પેન્સિલના કણા દિવાલો પર સહન કરવા - કેટકેટલી મુશ્કેલી સહન કર્યા પછી પણ જો હું મારી ફરજ ન ચૂકતી હોઉં તો તમે તો શિક્ષક છો !!!  સદાય પ્રેરણાદાયી આ સ્થળ ખરેખર અમારા માટે શાળા નહિ પણ  “માં નો ખોળો” વધારે લાગે છે.
  શાળા સ્થાપનાદિનની ઉજવણીનો અમારો સૌથી મોટો ધ્યેય પણ આજ હતો કે બાળકો પણ શાળા પર્યાવરણ સાથે  મીઠી લાગણીઓથી જોડાય. તેમનો શાળા પ્રત્યેનો લગાવ મજબુત બને. આ વખતે “શાળા સ્થાપનાદિન’ આયોજનમાં થોડું વધારે ધ્યાન એ રાખ્યું કે ઉપચારાત્મક અને દ્રઢીકરણ કાર્યનો પણ સમાવેશ થઇ જાય. ક્વિજનું પણ આયોજન- જેમાં શાળા વિશેની  જ જાણકારી આપતાં પ્રશ્નોનો સમાવેશ.   બાળકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો એ તો કહેવાની જરૂર જ ન હોયને  ચાલો જોઈએ તેમનાં ઉત્સાહને અને અમારી “માં’ ના જન્મદિનની આ ઉજવણીને !!!











August 15, 2013

જય હો...!!!



બાળકોની પ્રબળ ઇચ્છાશક્તિના દર્શન-- જય હો...!!!

               શાળામાં આજે સ્વાતંત્ર્ય દિનની તૈયારી ચાલતી હતી, ૬૭મા સ્વાતંત્ર્યદિને પણ વાતાવરણ એવું સર્જાયું હતું કે જાણે ૨૦૧૩ નહિ પણ ૧૯૪૭ છે, જેમ આઝાદી સમયે પોતાને બુદ્ધિજીવી ગણતાં સામાન્ય માણસોના મનમાં આઝાદીના વિશાળ આનંદની પાછળ ક્યાંક જરાક જેટલો પણ સંતાપ હતો “ અરે ! આગળ ? હવે શું કરીશું, કેવી રીતે કરીશું ?? ત્યારે આઝાદીના એ લડવૈયાઓનાં મનમાં આનંદ....અને મુખે એક જ વાક્ય હતું “અમે કરીશું – હવે જ કરીશું ! દરવર્ષની જેમ બાળકો આજે પણ પોતે તૈયાર કરેલા સાંસ્કૃતિક કાર્યક્રમોની રૂપરેખાંકન સાથે આઝાદીના આનંદને પૂર્ણ રીતે માણવા ઠનીને તૈયાર હતાં. પરંતુ ચોમાસાએ બનાવી રાખેલા પોતાના પ્રભાવને કારણે મારા જેવા પોતાને જ બુદ્ધિશાળી ગણતાં લોકો - “શું લાગે છે ?? સાંસ્કૃતિક કાર્યક્રમ થશે?? મજા નહિ આવે... વરસાદ અડધેથી જ હેરાનગતિ કરશે જેવા ડાયલોગો સંભળાવવા લાગ્યા. ત્યારે બાળ-કલાકારોનું નેતૃત્વ અને કાર્યક્રમનું સંચાલન કરતો કુલદીપ બોલ્યો ....
“સાહેબ, કાર્યક્રમમાં વચ્ચેથી વરસાદ આવશે તો કદાચ બહુ મજા નહિ આવે,પણ જો કાર્યક્રમ બંધ રાખશો તો થોડીક પણ મજા અમને નહિ મળે. બધાં છોકરાંનું કહેવું એવું જ છે કે “કાર્યક્રમ તો આજે જ કરવો રહ્યો!!”” બાળકોના નિર્ણયને કદી ન પડકારવો” તેવા સૂત્રનો દર વખતની જેમ અમે આજે પણ અમલ કર્યો. હા, ચોમાસું સાંસ્કૃતિક કાર્યક્રમો માટેના સ્ટેજની વ્યવસ્થામાં ફેરફાર કરાવવામાં સફળ રહ્યું, પરંતુ કાર્યક્રમોની રૂપરેખા - બાળકોનો ઉત્સાહ અને અડગતા સામે એવું ભાસ્યું કે જાણે ચોમાસાએ પણ પોતાના કાર્યક્રમમાં ફેરફાર ન કર્યો હોય.... ત્યારે અમને પણ એવું લાગ્યું કે સ્વાતંત્ર્યતાના ઉત્સાહને કોરાણે મૂકી શું થશે ? શું થશે ? વાળા સામાન્ય બુદ્ધિજીવી જેવાં અમે અને “- હવે જ થશે ? બધું જ થશે ? વાળા સ્વાતંત્ર્ય-સેનાનીઓ જેવાં આ બાળકો વચ્ચે ૬૭ વર્ષે પણ  સમાનતા છે. ચાલો, જોઈએ તેમનાં સરાહનીય ઉત્સાહને કેમેરાની આંખ વડે....