November 30, 2025

“આપણા અભિમન્યુઓને બચાવી લઈએ! ”

આપણા અભિમન્યુઓને બચાવી લઈએ!


બાહુબલી મૂવીનું પેલું દ્રશ્ય યાદ આવે છે? જ્યાં મરણતોલ પડેલા અને માનસિક રીત ભાગી ગયેલા સૌ સૈનિકોને કહે છે કે, "ઉસ મૃત્યુ કો મારને જા રહા હૂં…મેરે સાથ આયેગા કૌન ?”

એ દ્રશ્ય જોઈએ ત્યારે થાય કે, કોઈને સકારાત્મક તરફ વાળી દેવાય, તો તે ઊર્જા પ્રગટ કરી શકે છે.

મહાભારત વાંચતી કે જોતી વખતે – અને ગમે તેટલી વાર જોઈએ – ત્યારે એક જ વિચાર આવે કે ગમે તેમ કરીને અભિમન્યુ ચક્રવ્યૂહમાંથી બહાર આવી જાય! નાની ઉંમરે પણ થાય કે, "અલ્યા, નહીં જા. એકવાર અંદર જઈશ, તો ફસાઈ જઈશ!"

આ ચક્રવ્યૂહ આજે પણ અસ્તિત્વમાં છે. તેણે આપણા સૌને ભરડામાં લીધા છે. પ્રશ્ન માત્ર એ છે કે, અભિમન્યુ જ્યારે ચક્રવ્યૂહમાં ગયો, ત્યારે કેટલાક યોદ્ધાઓ બહાર રહી ગયેલા. એટલે આપણે સમજી શકતા કે તે અંદર ફસાઈ ગયો છે અને કેટલાક બહાર છે. (જોકે, બહાર રહેલા પણ એક જુદા અર્થમાં ફસાયેલા જ હતા.) પરંતુ, આજે જે ચક્રવ્યૂહ રચાયો છે, તેમાં આપણે સૌ એકસાથે છીએ. એટલે આપણને લાગતું જ નથી કે આના કારણે કોઈ સમસ્યા આવી રહી છે.

યસ, મોબાઈલ! - જે પોષતું તે મારતું, એવો દિશે ક્રમ  કુદરતી !

જે મોબાઈલને કારણે દુનિયા આટલી લોકશાહીયુક્ત  બની. જે ઊંચ-નીચ, ગરીબ-તવંગર, શહેર-ગામડા જેવા ભેદ મહાનમાં મહાન માણસો દૂર ન કરી શક્યા, તે આ એક શોધને કારણે થઈ ગયું. આજે મુકેશ અંબાણી જે ઇન્ટરનેટ પરથી માહિતી મેળવે છે, તેના પરથી જ આપણે સૌ પણ માહિતી મેળવી શકીએ છીએ. સવાલ માત્ર એના ઉપયોગ પર આવીને અટકેલો છે. આપણે આ વાત કરી શકીએ છીએ, તે પણ મોબાઈલને જ આભારી છે.

પણ એકવાર એક છોકરાની વાત સાંભળી કે, "સાહેબ, હું તો વહેલો ઊઠી જાઉં. મારા પપ્પા વહેલા કામે જાય, એ પહેલાં મોબાઈલ જોવા." ત્યારે થયું કે, જે ઉંમરના બાળકો માટે ઊંઘ મહત્ત્વની બાબત છે, ત્યારે આ રોકાણ ઘણું નુકસાનકારક છે.પછી ધીમે ધીમે બાળકો સાથે આ મુદ્દે વાત કરતાં ખબર પડી કે, આ અસરમાં મોટા ભાગના બાળકો છે. (એટલે કે, માત્ર એ જ બાળકો બાકી છે, જેમના ઘરે સ્માર્ટફોન નથી. ૪૫૦ વિદ્યાર્થીઓમાંથી તેમની સંખ્યા માત્ર એક અંકમાં છે!)

શું કરી શકાય? એ વિશે જુદા જુદા વ્યક્તિઓ સાથે ચર્ચા શરૂ કરી. વાત કરતાં કરતાં ચોટલીયા સર સાથે ચર્ચા કરી. એક ઉપાય મળ્યો.

"તમારી શાળામાં જ્યારે બાળકો નાહ્યા વગર આવતા, એમના માટે જેમ 'આજના ગુલાબએમ કરો છો, એવો કોઈ આઇડિયા કરો. જેથી બાળકોને થાય કે, જો આ મોબાઈલને છોડીને કંઈક કરે, તો એ વાતને નોંધનારું અને સેલિબ્રેટ કરનારું કોઈ છે. બાકી, મોબાઈલ જેટલી ચોંટાડૂક બાબત તો કોઈ છે જ નહીં. તો એને છોડવો તો શું કામ છોડવો!"

આ વિચારથી આઈડિયા આવ્યો કે, આપણે આ મોબાઈલનો ચક્રવ્યૂહ તોડીને બહાર આવે, તેને 'પરાક્રમી' તરીકે ઓળખીએ. શાળાની કેબિનેટમાં ચર્ચા કરી એક ફાઇનલ ડ્રાફ્ટ બન્યો. (જો કે, તમને ખબર જ હશે કે આપણે જેને ફાઇનલ કહીએ, એવું કંઈ હોતું તો નથી!) ઓપન આહ્વાનની આ વ્યવસ્થા બની.

રીડિંગ રીલ્સ

સામાજિક પ્રોત્સાહન અને સહાય (Social Reinforcement and Support): વ્યક્તિગત નહીં, પણ જૂથ આધારિત પ્રોત્સાહન દ્વારા સામાજિક જવાબદારી અને પરિવર્તનનો વેગ વધારી શકાય છે.

·      જે વિદ્યાર્થી શાળામાંથી ઘરે જઈ પરત શાળામાં આવે, ત્યાં સુધી મોબાઈલને અડકે નહીં, તેને આપણે પરાક્રમી તરીકે ઓળખીશું.

·      રિતેશે વળી કહ્યું કે, તેમને આપણે પોઇન્ટ્સ આપીશું.

ગ્રૂપમાં એકબીજાને પ્રોત્સાહિત કરતાં રહે, એ માટે એ પોઇન્ટ્સને ગ્રૂપના પોઇન્ટ્સમાં ઉમેરવાનું શરૂ કરીએ. એ પણ શરૂ થયું. પ્રાર્થનામાં બોલાય. જે ગ્રૂપમાંથી જે જે વિદ્યાર્થીઓ મોબાઈલ અડક્યા ન હોય, તે ઊભા થાય. એમની સંખ્યા ગણાય. વારાફરતી ગ્રૂપ ઊભા થાય અને એ પૈકી જે ગ્રૂપમાં પરાક્રમી વધુ હોય, એ ગ્રૂપને તાળીઓ વડે વધાવી લેવાય. અમને એમ કે, અમે કંઈ ખાસ કરી શકીશું નહીં. પણ, બીજા દિવસે ૪૦ વિદ્યાર્થી એવા નીકળ્યા, જે ફોનને અડક્યા જ નહોતા!

ખરી મજા તો વાલી મીટિંગમાં આવી, જ્યારે વાલીઓએ કેટલાક રસપ્રદ કિસ્સા કહ્યા.

·      "અમે જમતા હોઈએ ને ફોન આવે,, તો એ ચમચીથી ખસેડી ઢાંકણ પર લઈને આવે, પણ અડકે નહીં."

·      "કોઈ જોડે વાત કરવી હોય, તો ય અડકે નહીં. સ્પીકર કરો, એ કરીને વાત કરે."

એની સાથે જ કેટલાક લાગણીસભર ઘટનાઓ પણ છલકી.

·      જે છોકરાની આંખો મોબાઈલના ઉજાગરાથી ચેપાયેલી જ રહેતી, એ ઘરે જઈ મોબાઈલ વિષે વિચાર પણ કરતો નહોતો.

·      જેના વિષે થોડાક વર્ષો પહેલા તો એવી ફરિયાદ હતી કે, 'એને ફોન આપે, તો જ ખાય અને રાત્રે જાગે, તો કોઈને ખબર ના પડે, એમ ચાદર ઓઢીને મોબાઈલ જોયા કરે છે,' એ બિલકુલ મોબાઈલ અડકે જ નહીં!

જોઈએ આ સફર કેટલે સુધી ચાલે છે. પણ, અમને એ સમજાઈ ગયું કે, ચક્રવ્યૂહ તોડી શકાય એમ છે. જો આજના અભિમન્યુ ઈચ્છે, તો એ તોડી શકે છે. તમે પણ આ ટ્રાય કરી જોજો. એમની શક્તિઓ પર ભરોસો કરી, એમને મોબાઈલ સિવાયના રસપ્રદ કામ આપી જોજો. અને કહો કે, એક પ્રયત્ન કરી જુએ. થોડોક સમય જશે, પણ એમને લાગશે જ કે, મોબાઈલ વગરની દુનિયામાં પણ આનંદ છે.

રીડિંગ રીલ્સ : સકારાત્મક વર્તન પર ભાર (Positive Behavior Reinforcement): બાળકોના ખરાબ વર્તનને બદલે સકારાત્મક વર્તનને ઓળખીને અને પ્રોત્સાહિત કરીને સુધાર લાવી શકાય છે.


November 23, 2025

પાકા ઘડે કાંઠલો ચઢે !?

પાકા ઘડે કાંઠલો ચઢે !



એક કહેવત સૌએ સાંભળી છે: "પાકા ઘડે કાંઠલો ન ચડે!" તેનો અર્થ એ છે કે જે ઉંમરમાં જે શીખવાનું છે, તે જો ન શીખાય, તો પછીના સમયમાં શીખી શકાતું નથી. અને શીખીએ તો પણ, તેમાં પૂરતું કૌશલ્ય મેળવી શકાતું નથી. એના માટે બીજી એક કહેવત પણ છે: "સોળે શાન અને વીસે વાન." આ બધી કહેવતો મૂળભૂત રીતે સમયનું મહત્ત્વ દર્શાવવા ઘડાયેલી છે. એવું નથી કે તે અક્ષરશઃ સાચી છે. કેટલાક નરબંકાઓએ તેને ખોટી પણ પાડી છે. કે. કા. શાસ્ત્રીજીએ ૯૫ વર્ષની ઉંમરે કમ્પ્યુટર શીખવાનું શરૂ કર્યું ત્યારે સૌને નવાઈ લાગી હતી.

સમયે સમયે શીખતાં રહેવું એ જ આમ તો જીવનનો ઉદ્દેશ્ય હોવો જોઈએ. કારણ કે આપણા સૌની આંતરિક માનસિક પ્રક્રિયા આવા જ આયોજન મુજબની બનેલી છે. એવો અંદાજ છે કે વ્યક્તિની ઉંમર વધતાં તેનામાં એવા બદલાવ આવતા હશે, જેનાથી કેટલાંક એવા સેલ્સ નાશ પામતા હોય જે તેને કેટલીક બાબતો શીખવામાં મદદગાર બનતા હોય. પરિણામે, આપણા પૂર્વજોના અનુભવે આ કહેવત કહી હશે: પાકા ઘડે કાંઠલા ન ચડે!

·       રીડિંગ રીલ્સ

·       પ્રયોગાત્મક અધ્યાપન તાલીમ (Experiential Teacher Training): ભવિષ્યના શિક્ષકો માટે પુસ્તકિયા જ્ઞાનને બદલે બાળકોના વર્તનનો અભ્યાસ કરવો અને સકારાત્મક અનુભવો મેળવવા મહત્ત્વપૂર્ણ છે.





શાળા ફક્ત બાળકો માટે જ શીખવાની જગ્યા નથી. તે શિક્ષકો અને તેનાથી આગળ વધીને કહીએ તો કેમ્પસમાં પધારતા સૌ કોઈ માટે શીખવાની જગ્યા છે.

      બાળકો બાળકો પાસેથી શીખે છે.

      બાળકો શિક્ષકો પાસેથી શીખે છે.

      શિક્ષકો બાળકો પાસેથી શીખે છે કે કેવી રીતે શીખવવું.

શાળાને સૌથી વધુ શીખવતી જગ્યા એટલા માટે કહી, કારણ કે ગામમાં સૌથી વધારે આદાનપ્રદાનની પ્રક્રિયા થતી હોય છે અને તે પણ મોટા સમૂહમાં. પહેલાં એવું મનાતું કે ઘરનાં બાળકો સાથેના વર્તન વડે આપણે શીખીએ છીએ કે વર્ગખંડમાં કેવી રીતે વર્તવું જોઈએ. પરંતુ હવે શિક્ષક તરીકેના વર્ષો પછી એ શીખાયું છે કે ઘર હોય કે શાળા, આપણે "બાળક" સાથે કેવી રીતે વર્તવું જોઈએ. અને આ શીખવા માટેનું સ્થળ પણ શાળા જ બની છે.

શિક્ષક તરીકેના વ્યવસાયનું પ્રવેશદ્વાર એટલે બુનિયાદી અધ્યાપન. તેમાં પ્રવેશતાં જ પહેલું કામ બાળકોના વર્તનને જાણવું હોય છે. તેથી જ તાલીમાર્થીઓ માટે બાળકો સાથેની પ્રક્રિયાઓ માટેના પ્રસંગો ઊભા થાય, તે હેતુસર સતત શિક્ષણ, જેને અત્યારે ઇન્ટર્નશિપ કહીએ છીએ, તે સમયાંતરે યોજાય છે.

      તેમાં ભવિષ્યના નવા શિક્ષકોએ બાળકોને અભ્યાસ કરાવવા કરતાં પણ બાળકોનો અભ્યાસ કરવો એ તેમનો મુખ્ય ઉદ્દેશ્ય હોવો તે મહત્ત્વનું છે.

      જો આ સમયમાં જ તેઓને સકારાત્મક અનુભવો ન મળે, તો પછીનો સમય તેમના માટે મુશ્કેલ બનશે.

અને પેલી કહેવતની જેમ જ, પછી બે વર્ષના અંતે પાકા થઈ ગયેલા તાલીમાર્થીઓ રૂપી ઘડા પર શિક્ષક રૂપી કાંઠલો બેસાડવો અસંભવ છે.

હાલ, શાળાના ભૂતપૂર્વ પાંચ વિદ્યાર્થીઓ ભવિષ્યના શિક્ષક તરીકે અભ્યાસ કરી રહ્યા છે. ઇન્ટર્નશિપ દરમિયાન તેઓએ જે શાળામાં ભણ્યા હતા, તે જ શાળાને શીખવા માટેનું સ્થળ બનાવવા પસંદ કરતાં આપણી શાળામાં પહેલીવાર ઇન્ટર્નશિપનું આયોજન થયું. એમ કહીએ તો પણ વધારે નથી કે "મોસાળમાં જમણવાર હતું અને મા પીરસનાર હતી!"

      શાળાના પ્રયત્નો હતા કે ભણવા-ભણાવવાનું તો પછી પણ થશે, પરંતુ તેઓ પોતે બાળકો સાથેના વર્તનમાં જરૂરી બદલાવ લાવે, જેથી ભવિષ્યમાં તેઓને વ્યવસાય પ્રત્યેનો આનંદ જળવાઈ રહે.

      તેમની સાથે વર્ગખંડમાં કામ કરતાં બાળકોમાં પણ શીખવા પ્રત્યેની મોજ અને આત્મવિશ્વાસ જળવાઈ રહે.

તેઓ શું શીખ્યાં તે તો આવનારા સમયમાં ખબર પડશે, પરંતુ અમને પાકી ખાતરી છે કે અહીંયાંના અનુભવોએ તેમનામાં બાળકોના પ્રિય અને કાર્યશીલ શિક્ષક બનવાનું બીજારોપણ કરી દીધું હશે. ચાલો, માણીએ તેઓ દ્વારા આયોજિત છેલ્લા દિવસને.

રીડિંગ રીલ્સ

સતત વ્યાવસાયિક વિકાસ (Continuous Professional Development): શીખવાની પ્રક્રિયા માત્ર બાળકો કે તાલીમાર્થીઓ પૂરતી સીમિત નથી, પરંતુ શિક્ષકો અને સમગ્ર શાળા પરિવાર માટે સતત ચાલતી પ્રક્રિયા છે.



તાલીમાર્થી મિત્રો ધ્વારા કરાવેલ સાંસ્કૃતિક કાર્યક્રમ જોવા માટે ફોટો પર ક્લિક કરો > ઇન્ટરશીપ



ઉડને કે લિયે આસમાન ઔર ભી હૈ!

ઉડને કે  લિયે આસમાન ઔર ભી હૈ!

પેપ્સીની એક જાહેરાત છે/ હતી : "યે દિલ માંગે ઔર".

નવાનદીસર ગામ  જ્યારે નવો આકાર લઈ રહ્યું હતું, તે વર્ષોમાં કોઈ વિદ્યાર્થી ધોરણ ૧૦ પાસ કરીને શાળામાં મળવા આવતો, ત્યારે તે જાણે કલેક્ટર બનીને મળવા આવ્યો હોય, તેવો અનુભવ થતો. નાના નાના ધક્કાઓ લાગતા રહ્યા. શિક્ષણ હવે ધોરણ ૧૨ આર્ટ્સ સુધી પહોંચ્યું. પીટીસી સુધી પહોંચાયું. મહેનત કરી. પછી શિક્ષકની નોકરી લાગી. વળી, કોઈ વિદ્યાર્થી ૧૨ સાયન્સ કે કોમર્સ કરે તો લાગતું કે, હા, હવે આ બરાબર છે. એન્જિનિયર બનીને પણ કંપનીમાં નોકરીને બદલે પોતાના કોન્ટ્રાક્ટ પર ભરોસો રાખનારા વિદ્યાર્થીઓને જોઈ થતું કે, વાહ, આ કેળવણી યોગ્ય છે.મોટાભાગે તમામ  વિદ્યાર્થીઓએ પરંપરાગત રસ્તા છોડી સાહસ અને ગણતરી વડે નવા સીમાચિહ્નો સ્થાપ્યા. પછી તે પોતાના બેન્ડ અને સાઉન્ડના વ્યવસાયમાં હોય, કે ડેરી અને પશુપાલનમાં. આ વિદ્યાર્થીઓ પરંપરાગત માર્ગથી અલગ થયા. તેમણે સાહસ અને ગણતરીનો ઉપયોગ કર્યો, નવા સીમાચિહ્નો સ્થાપ્યા.

આ કાર્યમાં તમે સૌ ફ્રેન્ડ્સ ઑફ નવા નદીસરનો ફાળો અમૂલ્ય છે ! તમારા જેવા મિત્રોના ના કારણે શાળાને નવી નવી તક મળતી રહે છે.  એવા વ્યક્તિઓના સંપર્કમાં અમે રહીએ છીએ. જેથી બાળકોના શિક્ષણને લગતું કંઈક નવું થતું હોય, તો તે અમારા સુધી પહોંચે. આ વ્યક્તિઓ આવું કંઈક નવું જુએ, તો તરત જ તેમને આપણી નવા નદીસર પ્રાથમિક શાળા (અને હવે નવા નદીસર પ્રાથમિક શાળા,પીએમશ્રી - ગુજરાત) યાદ આવ્યા વગર રહે નહીં.

આવી જ એક તક ગોધરા લોક વિજ્ઞાન કેન્દ્રના ગ્રુપમાંથી મળી. રાજ્યના કેટલાક વિદ્યાર્થીઓને ૯ દિવસ ઇસરો, સાયન્સ સિટી વગેરે જગ્યાએ જવાનો અને જુદા જુદા વૈજ્ઞાનિકો અને એક્સપર્ટ પાસે શીખવાનો મોકો મળે છે. દિવાળી વેકેશનનો સમય હતો. જોઈતી વિગતો ડિજિટલ સામગ્રીને કારણે મળી આવી. શાળાના ૨૦-૨૨ વિદ્યાર્થીઓ એવા નીકળ્યા, જે તેમાં મંગાતી 'રિક્વાયરમેન્ટ' પૂરી કરતા હતા.

એક કોલ આવ્યો (વાલીમાં શિક્ષકનો મોબાઈલ નંબર હતો.) "આપની  દીકરી નિર્જલા નવ દિવસો માટે  ઈસરો- અમદાવાદ આવવા તૈયાર છે?" એના મમ્મીએ કે પપ્પાએ પૂછ્યા વગર હા કહી દીધું. ને પછી શરૂ થઈ નવી કશ્મકશ:

      નિર્જલા ક્યારેય એકલી ક્યાંય રહી નથી.

      શાળામાંથી બીજું કોઈ પસંદ થયું નહોતું.

      ના પાડી દે તો શું કરવું?

      બીજું, તે હા પાડે અને એના મમ્મી કે પપ્પા ના પાડી દે કે આટલા બધા દિવસ એકલી છોકરીને મોકલવી નથી, તો શું થાય?

શાળાએ કમાયેલી મોટી મૂડી એ વિશ્વાસ છે. એના મમ્મી-પપ્પા સાથે વાત કરી. તેઓએ કહ્યું કે, "તમને લાગતું હોય કે જવું જોઈએ, તો મોકલવાની જ હોય." (નિર્જલાને  એમ ખરું કે "હારાઓ, મને શું કામ મોકલો છો?") અમદાવાદમાં રિદ્ધિ (ફ્રેન્ડ્સ ઑફ નવા નદીસર) હાજર રહી. નિર્જલાને એ અહેસાસ કરાવ્યો કે, "અહીંયા તું એકલી નથી. હું થોડેક જ દૂર આઈ.આઈ.એમ.માં રહું છું."

રીડિંગ રીલ્સ :

બાળકોને પરંપરાગત માર્ગથી અલગ, પડકારજનક અને સાહસિક તકો આપવાથી તેમનો શીખવાનો વિસ્તાર વધે છે.

બીજા દિવસથી એનું રોલર કોસ્ટર ચાલુ થયું. રાજ્યમાંથી બીજા બધા વિદ્યાર્થીઓ ધોરણ ૧૧-૧૨ સાયન્સ કરતા - અંગ્રેજી મીડિયમના હતા. અને આ ૮મા ધોરણની ગુજરાતી મીડિયમની વિદ્યાર્થીની!  જુદા જુદા બેકગ્રાઉન્ડના વૈજ્ઞાનિકો આવે. આના માટે વિષયો નવા હતા. ભાષાની ટર્મિનોલૉજી પણ નવી હતી. અંગ્રેજી આવડે, પણ ઝડપથી બોલાય, તો ટપ્પો ચૂકી જાય.

પ્રથમ દિવસના ફોનમાં અવાજ થોડો તૂટેલો સંભળાતો હતો. "એક તો રાત્રે ઊંઘ નહોતી આવી. ને પહેલી લાઇનમાં બેસાડી. એ બોલે ને મને તો આંખો ભારે ભારે લાગે. આંખો ખેંચી ખેંચીને જાગીને સાંભળવાનો પ્રયત્ન કર્યો કે શું કહે છે. માંડ માંડ થોડું સમજાયું."

જો કે, બીજા દિવસના વર્કશોપ પછી એણે સ્પીડ પકડી લીધી. પછી ગ્રુપમાં લીડરશિપ હોય કે નવા મિત્રો બનાવવાના હોય. બીજા દિવસનો ફોન કોલ ઉત્સાહથી ભરપૂર હતો. "તમને ખબર છે? આવું આવું હોય ઇસરોમાં..." વગેરે.

એ જે જગ્યાએ જઈને આવી, ત્યાં જવાનું કેટલા બધાનું સપનું હોય છે. એણે મારેલો આ ધક્કો હવે કેટલીય દીકરીઓને પાંખો આપશે કે, "હા, જો એ જઈ શકે, તો આપણે જઈ શકીએ." જે નવાનદીસરમાં કેટલાક વર્ષો પહેલા કોઈને ફિઝિક્સ શું હોય, એ ખબર નહોતી, ત્યાં એક ૧૪ વર્ષની છોકરી છે, જેને ક્વોન્ટમ ફિઝિક્સ અને તેના વડે દુનિયાભરના વૈજ્ઞાનિકો શું કામ કરી રહ્યા છે, એની ખબર છે.

જે ગામે રોકેટને માત્ર આકાશમાં જોયેલું, તે પણ ધુમાડા કાઢતું વિમાન છે એમ માનીને - એણે ત્યાં રોકેટ બનાવ્યું અને ઉડાવ્યું પણ ખરું. જેમના માટે રોબોટ્સ એ કાર્ટૂન ટાઇપ કાલ્પનિક વાત હતી, એના માટે હવે રોબોટ્સ બનાવી જોવા અને તે માટે કોડિંગ કેવી રીતે કરવું, એ પણ અનુભવમાં છે. એજ જો એક આખો સમાજ શીખવા વિશે એક થાય, તો જાદુ આજે પણ થાય. કોઈપણ જગ્યાએથી ઉડવા આકાશ મળી જ રહે.

રીડિંગ રીલ્સ : નવા અને મુશ્કેલ વાતાવરણમાં મૂકવાથી બાળક શરૂઆતની ગભરામણ પછી ઝડપથી અનુકૂલન સાધીને નેતૃત્વ અને કૌશલ્યનો વિકાસ કરે છે.