September 18, 2025

એસિમિલેશનથી એકોમોડેશન: શીખવાની અદભૂત દુનિયા !

એસિમિલેશનથી એકોમોડેશન: શીખવાની અદભૂત દુનિયા !

બાળકોની દુનિયા ખરેખર અજબ-ગજબની હોય છે. ક્યારેક આપણે સમજી શકતા નથી કે તેઓ કેવી રીતે અને કોની પાસેથી શું શીખે છે. Jean Piagetએ આ રહસ્યને ઉકેલતા જણાવ્યું કે બાળકો નિષ્ક્રિય રીતે જ્ઞાન પ્રાપ્ત કરવાને બદલે, પોતાના પર્યાવરણ સાથે સક્રિયપણે ક્રિયા-પ્રતિક્રિયા કરીને શીખે છે. આ પ્રક્રિયામાં, તેઓ કોઈ વસ્તુ સાથે પ્રયોગ કરે છે, તેને તોડીને ફરીથી જોડે છે, અને નકામી ગણાતી વસ્તુઓ, જેમ કે ખાલી બોટલ કે કાગળના ટુકડા, વડે કંઈક નવું બનાવે છે. આ પ્રવૃત્તિઓ તેમને બે મુખ્ય પ્રક્રિયાઓ દ્વારા શીખવામાં મદદ કરે છે: એસીમીલેશન (Assimilation) અને એકોમોડેશન (Accommodation). એસીમીલેશનમાં, બાળક નવી માહિતીને પોતાના હાલના માનસિક માળખાં (સ્કીમા)માં ફિટ કરે છે. જ્યારે એકોમોડેશનમાં, તે નવી માહિતીને સમાવવા માટે પોતાના સ્કીમામાં સુધારો કરે છે અથવા તો નવા સ્કીમા બનાવે છે. આ સતત ચાલતી પ્રક્રિયાઓ બાળકોમાં જિજ્ઞાસા કેળવે છે અને તેમને પોતાની રીતે જ સમસ્યાઓનું નિરાકરણ કરતા શીખવે છે.

 આ વખતે આપણી નવા નદીસર પ્રાથમિક શાળાના બાળકોના સ્કીમાનો વિસ્તાર કરવાની એક અનોખી તક ઊભી થઈ. ટૂંકું સત્ર, રજાઓ અને અન્ય કાર્યોની વચ્ચે જ્યારે વિજ્ઞાન-ગણિત પ્રદર્શનનો પત્ર આવ્યો, ત્યારે અમે પણ થોડા દિવસ માટે અચકાયા. જોકે, શાળાના પ્રમુખ અને ઉપપ્રમુખે તાત્કાલિક એક ખાસ કેબિનેટ બોલાવી, જેમાં બધા ગ્રુપના લીડર અને સચિવો હાજર રહ્યા. આ બેઠકમાં જૂની કૃતિઓની યાદી, રાજ્યકક્ષાના પ્રદર્શનમાં રજૂ થયેલી કૃતિઓ અને ક્લસ્ટર કક્ષા માટેની પાંચ મુખ્ય કૃતિઓ વિશે ચર્ચા થઈ. એક લેખિત માર્ગદર્શિકા તૈયાર થઈ: દરેક ગ્રુપ એક-એક કૃતિ બનાવશે અને જો કોઈ ગ્રુપ કૃતિ ન બનાવે તો તેના પોઈન્ટ્સ માઇનસ કરવામાં આવશે. સૌથી મહત્ત્વનો નિર્ણય એ લેવાયો કે કૃતિના વિચારથી લઈને તેના નિર્માણ સુધી શિક્ષકોનો કોઈ સહયોગ લેવો નહીં. તેમાં થોડી (કે ઘણી) માથાકૂટ થઇ તો શિક્ષકોને ચાર્ટ બનાવી આપવાની છૂટ મળી. શિક્ષકોની ભૂમિકા ફક્ત કૃતિને રજૂ કરવા માટેનો ચાર્ટ બનાવવા પૂરતી સીમિત રહી.

આટલું નક્કી થયા બાદ, બાળકોએ જાતે જ કામ કરવાનું શરૂ કરી દીધું. શિક્ષકોને ખબર પણ ન હતી કે તેઓ શું કરી રહ્યા છે. એક દિવસ પ્રદર્શન રૂમમાં જતાં જણાયું કે તે કોઈ કબાડખાનું હોય તેમ વસ્તુઓ વેર-વિખેર હતી. જૂની કૃતિઓ તોડીને નવી કૃતિઓ બનવા લાગી હતી. બાળકોએ પોતે જ ઓનલાઈન વસ્તુઓ મંગાવી લીધી હતી.

જ્યારે ક્લસ્ટર કક્ષાના પ્રદર્શન માટે રજિસ્ટ્રેશનનો સમય આવ્યો, ત્યારે અમે આશ્ચર્યચકિત થઈ ગયા. પાંચ ગ્રુપની પાંચ કૃતિઓને બદલે, તેમણે કુલ ૧૫ કૃતિઓ તૈયાર કરી હતી! તે પણ જુદા જુદા આઈડિયા, રો મટીરીયલ અને સાવ નજીવા ખર્ચ સાથે.

આ સમગ્ર પ્રક્રિયામાં, બાળકો તો શીખ્યા જ પરંતુ, આપણા માટે શીખવાનું જો કંઈ હોય તો તે એ હતું કે જો મોટેરાઓ તરીકે આપણે તેમની વિચારવાની પ્રક્રિયામાં દખલ ન કરીએ, તો તેઓ આપણા કરતાં પણ વધુ સારી અને નવી રીતે વિચારી શકે છે. હવે તમે જ વિચારો કે જો શિક્ષકોએ દખલગીરી કરી હોત, તો કૃતિઓની સંખ્યા ૧૫ હોત? એક હોત કે પછી……??

રીડિંગ રીલ્સ

v  સ્વયં-શોધ દ્વારા શિક્ષણ (Self-discovery Learning): બાળકોને જાતે જ પ્રયોગ કરવા અને સમસ્યાઓ ઉકેલવાની તક આપવાથી, તેઓ વધુ સારી રીતે શીખી શકે છે.

v  શિક્ષકોની સીધી દખલગીરી વગર બાળકોએ જૂની કૃતિઓ તોડીને ૧૫ નવી અને જુદા જુદા આઈડિયા વાળી કૃતિઓ તૈયાર કરી, જે તેમની સ્વયં-શીખવાની ક્ષમતા દર્શાવે છે.

v  Jean Piagetનો સિદ્ધાંત: એસિમિલેશન અને એકોમોડેશન: બાળકો નવા જ્ઞાનને તેમના હાલના માનસિક માળખામાં સમાવીને (એસીમીલેશન) અથવા તેમાં સુધારો કરીને (એકોમોડેશન) શીખે છે.

વિજ્ઞાન-ગણિત પ્રદર્શન માટે જૂની વસ્તુઓ અને વિચારોનો ઉપયોગ કરીને બાળકોએ નવી કૃતિઓ બનાવી, જે પિયાજેના આ બંને સિદ્ધાંતોનું ઉદાહરણ છે. >> આગળ માણો પ્રદર્શન !






















VIDEO -: 


September 12, 2025

તેણે શું કરવું જોઈએ ?

તેણે શું કરવું જોઈએ ?

20 વર્ષથી શાળાનું સમગ્ર સંચાલન કરતા આપણા આ બાળકો માટે સ્વશાસન દિન હવે સંચાલન કરવાનો મોકો તરીકે નવીન રહ્યો નથી, પરંતુ આ દિવસ તેઓને થોડા વધુ ફેશનેબલ કપડાં પહેરવા, સૂટ-પેન્ટ ઇન-શર્ટ કરવું, સાડી પહેરવી કે જરા વધુ ગ્લેમરસ થઈને શાળામાં આવવા જેવા બહાનાઓ પૂરા પાડે છે. સામાન્ય રીતે પાંચમી સપ્ટેમ્બરે જ્યારે શિક્ષક દિન હોય છે, ત્યારે સ્વશાસન દિન ઉજવાય તેવી એક પરંપરા બંધાઈ ગઈ છે. આ વર્ષે પાંચમી સપ્ટેમ્બરે રજા હતી, તેથી ચોથી સપ્ટેમ્બરે સ્વશાસન દિન ઉજવવાનો પત્ર મળ્યો.

પત્ર મળતાની સાથે જ શાળાના ઉપપ્રમુખ નિર્જલાનું રિએક્શન એટલું જ હતું કે આપણે ચોથીએ ન ઉજવી શકીએ કારણ કે હવે જોઈએ તે પ્રમાણે ઉજવણી કરવાની હોય તો આપણી પાસે માત્ર ત્રણેક જ દિવસ રહે છે અને એટલામાં અમારા બધાથી તેનું આયોજન થઈ શકશે નહીં. તેથી તેણે ઔપચારિક રીતે ગ્રુપના લીડરો વગેરે સાથે ચર્ચા કરી અને સ્વશાસન દિન માટે બારમી સપ્ટેમ્બરનો દિવસ પસંદ કર્યો. તેમાં એનું લોજીક જોઈને લાગ્યું કે તેઓને હવે શીખવા જેવી બાબતોની કાળજી લેતા આવડી ગઈ છે. તેણે વિચાર કર્યો કે જો શુક્રવારે આપણે સ્વશાસન દિન ઉજવીએ તો શનિવારે બેગલેસ ડે હોય ત્યારે તેના વિશેના અહેવાલ લખવા, પોતાના અનુભવ વ્યક્ત કરવા જેવા આયોજનો થઈ શકે.

આટલું નક્કી થયા પછી તેણે જે રીતે શાળાની પ્રિન્સિપાલ બનીને સમગ્ર દિવસ માટેના આયોજનો કર્યા છે તે તેની આવડત જ નહીં, પરંતુ શાળાની રોજ-બ-રોજની કાર્યરીતિનું પણ પ્રતિબિંબ હતી. કેટલા શિક્ષકોની જરૂર પડશે, કયા તાસ ક્યારે અને કેવી રીતે ફેરવવામાં આવશે અને "સ્વશાસન દિન છે એટલે આજે તો કશું શીખવાનું થયું નથી" એવી કોઈ જ ભાવના કોઈના મનમાં ઊભી ન થાય અને બરાબર જે શીખવાનું આયોજન હોય તે બરાબર શીખવાય તે માટે થઈને તેણે લેખિત આયોજનો તૈયાર કર્યા. જેમકે દરેક તાસ માટે બેસ્ટ ટીચર્સ હશે અને જરૂરી નથી કે મોટા છોકરાઓ કે છોકરીઓ જ નાના ધોરણમાં ભણાવવા જાય. ધોરણ પાંચ કે છનો વિદ્યાર્થી પણ ધોરણ આઠમાં તાસ લઈ શકે, માત્ર તેની રસરુચિ અને આવડત હોવી જોઈએ.

આ પ્રકારે તેણે આયોજન કરી બપોરે 2 વાગ્યે મધ્યાહન ભોજન પૂરું થાય પછી રિસેસ દરમિયાન જ એક મીટિંગ લીધી. એ મીટિંગ વખતે તેનો સૂચનાઓ આપવા માટેનો જે ટોન હતો તે કદાચ એક સારી લીડરશીપ કોને કહેવાય તે શીખવા જેવું હતું. એ રેકોર્ડિંગ બરાબર થઈ શક્યું હોત અને અમે તમારી સાથે શેર કરી શક્યા હોત. તેણે તેની વાતમાં “તમારે કયા ધોરણમાં કયો વિષય લેવો, તેના હાલના વિષય શિક્ષક કોણ છે, અત્યારે કયા ટોપિક ચાલી રહ્યા છે, એ ટોપિક અને બાકી રહેલા દિવસો મુજબ જોવા જઈએ તો શુક્રવારે તમારે તેમાંથી કયા ટોપિક વિશે ચર્ચા કરવાની થશે, તે ચર્ચા તમે કઈ અધ્યયન નિષ્પત્તિને ધ્યાનમાં રાખીને કરશો, કેવા કેવા પ્રકારના ટીચિંગ લર્નિંગ મટિરિયલનો ઉપયોગ કરી શકશો, ક્લાસ નેવિગેટરનો ઉપયોગ કેવી રીતે કરશો” જેવી બાબતો અને એની સાથે “આપણું શીખવાનું કેમ મહત્વનું છે” એ બધી જ ચર્ચાઓ કરી.

ફરી 12મી સપ્ટેમ્બરના દિવસે પણ તેણે એક મોટી સામુહિક બેઠક લીધી અને લીડરશીપનું બીજું પાસું બતાવ્યું કે “હું બધા જ ધોરણમાં ફરીશ અને જોઈશ કે કોણ પોતે કરેલા આયોજન મુજબ કામ કરી રહ્યું નથી અને ક્લાસ નેવિગેટર બરાબર કરી રહ્યું નથી. તો એ તમામ બાબતો કે જેવું તમે નક્કી કર્યું છે તે પ્રકારે કાર્ય થાય તેવું કરજો અને મારી જ્યાં જરૂર પડે ત્યાં મને જણાવજો.”

અમે સૌ શિક્ષકો તો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો આપણા કામમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય તે માટેની અલગ જ મીટિંગ લઈને બેઠા હતા. ફોટોગ્રાફ્સ, વિડિયોઝ વગેરેનું કામ એક બીજી તરફ ચાલી રહ્યું હતું. તેમના બધાના ફીડબેક સાંભળ્યા પછી અમને પણ ખૂબ મજા પડી. એક નિર્જલાનો ફીડબેક હતો, “અરરર ટાંટિયા ફરી ગયા. ભાષાભવનથી જ્ઞાનભવન અને જ્ઞાનભવનથી ભાષાભવન ફરી ફરીને એવું થયું કે આના કરતાં એકાદ ધોરણમાં એકાદ વિષય લઈ લેવો વધુ સારો.” પરંતુ આ વિડિયો જોઈને તમે સૌ કહો કે તેને એકાદ ધોરણમાં બેસીને એકાદ વિષય લઈ લેવો સારો કહેવાય કે આ પ્રકારની લીડરશીપનું ઉદાહરણ પૂરું પાડવું એ વધુ સારું કહેવાય? > વિડીયો

રીડિંગ રીલ્સ :

v નેતૃત્વના ગુણ : આયોજન અને દૂરંદેશી: તેણે સ્વશાસન દિનની ઉજવણી માટે માત્ર એક દિવસને બદલે આયોજન માટે પૂરતો સમય લીધો. તેણે ઉજવણી પછીના દિવસનું પણ આયોજન કર્યું જેથી અહેવાલ અને અનુભવો વ્યક્ત કરી શકાય.

v વ્યવસ્થાપન અને ટીમવર્ક: તેણે એકલે હાથે બધું કરવાને બદલે ગ્રુપ લીડર્સ અને સચિવો સાથે બેઠક યોજી, તેમને જવાબદારીઓ સોંપી અને સૌને સાથે રાખીને કામ કર્યું.

v સચોટતા અને સ્પષ્ટતા: તેણે માત્ર કામ પૂરું કરાવી દેવાને બદલે  દરેક તાસ માટે વિષય, અધ્યયન નિષ્પત્તિ અને ટીચિંગ-લર્નિંગ મટીરીયલ જેવી બાબતોનું લેખિત આયોજન તૈયાર કર્યું.

v માર્ગદર્શન અને નિરીક્ષણ: તેણે આયોજનની સાથે સાથે જરૂર પડ્યે મદદ અને માર્ગદર્શન આપવાની ખાતરી આપી. તેણે નિરીક્ષણ પણ કર્યું જેથી કાર્ય નક્કી કરેલા માપદંડ મુજબ થાય.





























September 05, 2025

કલા અને રમતગમત - સર્વાંગી વિકાસનો મંત્ર !

કલા અને રમતગમત - સર્વાંગી વિકાસનો મંત્ર ! 

પૂજ્ય બાપુ, ગિજુભાઈ અને નાનાભાઈ ભટ્ટ દ્રઢપણે માનતા હતા કે બાળકના સર્વાંગી વિકાસ માટે અભ્યાસક્રમમાં જેટલું મહત્વ સાક્ષરી વિષયોને અપાય છે, તેટલું જ પ્રાધાન્ય માટીકામ, કાગળકામ, ખેતીકામ, સફાઈ, રમત અને સંગીત જેવા વિષયોને પણ મળવું જોઈએ. તેઓ તો ત્યાં સુધી કહેતા કે જે શાળા કે કેળવણી મંડળ પાસે ઈતર પ્રવૃત્તિઓ માટે મેદાન ન હોય, તેમને મંજૂરી આપવી જ ન જોઈએ! સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓથી બાળકનો શારીરિક વિકાસ થાય છે, શરીર તંદુરસ્ત રહે છે, અને માનસિક વિકાસ પણ સારી રીતે થાય છે.

આજે ભલે આપણે બાળકોને શાળાઓમાં વિવિધ રમતોની સ્પર્ધાઓમાં ભાગ ગુણોત્સવના ગ્રેડ માટે પરાણે લેવડાવીએ છીએ—પણ સારું થયું કે શિક્ષકો એ વાતે બાળકોને રમવા તો દે છે! અરે, વાલીઓ પણ!

  કેળવણીકારો, મનોચિકિત્સકો અને ડૉક્ટરો અનુભવે કહે છે: તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે. કેળવવું એટલે શીખેલા કૌશલ્યોને આત્મસાત કરવા. બાળકોમાં રહેલી શક્તિને પારખીને શિક્ષક તરીકે આપણે તેને તકો આપવી જોઈએ અને પ્રોત્સાહિત કરવા જોઈએ.

આજે આપણે સોશિયલ માધ્યમો દ્વારા જોઈ રહ્યા છીએ કે ઘણા લોકો કલા, સંગીત અને ક્રાફ્ટને પૅશન તરીકે પ્રમોટ કરીને ઓળખ બનાવી રહ્યા છે અને આર્થિક રીતે કમાણી પણ કરી રહ્યા છે. અને રમતગમત? જો રમતમાં આગળ વધે તો હેલ્થ તો સારી રહેશે જ, પણ તેનું ભવિષ્ય પણ સારું બનાવી શકાય છે. ખેલ મહાકુંભ થકી પ્રતિભા ધરાવતા રમતવીરોને ઉત્તમ તક મળે છે:

      ગુજરાત સરકારના કુપોષણ નિર્મૂલન અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર સરીતા ગાયકવાડ તેનું ઉત્તમ ઉદાહરણ છે.

      ખેલમહાકુંભ દરમિયાન દોડની શરૂઆત કરીને નેશનલ અને વિશ્વફલક પર ઓલિમ્પિક ગેમ્સ રમી દેશને ગોલ્ડ મેડલ અપાવનાર ડાંગ જિલ્લાની દીકરીને ગુજરાત સરકારે ડીએસપી તરીકે નોકરી આપી છે. (આ બાબત ધોરણ ૪ના પર્યાવરણ અભ્યાસક્રમમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે.)

      એવા જ એક ખેલાડી, દાહોદ જિલ્લાના ખૂબ જ અંતરિયાળ વિસ્તારમાં આવેલા ધાનપુર તાલુકાના, જેને તેની પસંદગી મુજબ નેવી સોલ્જર તરીકે નોકરી આપી છે.

કહેવાનું તાત્પર્ય એટલું જ કે રમતમાં પણ ઉજ્જવળ ભવિષ્યની તક છે. હા, તે માટે બાળકે મહેનત કરવી પડે છે, રમતમાં નિયમિતતા, સાતત્ય, ધીરજ, નિષ્ઠા, ખેલદિલી અને જિજ્ઞાસા રાખવી જોઈએ.

શિક્ષક તરીકે આપણને તો ખબર છે જ કે રમતો દ્વારા બાળકમાં સહકારની ભાવના વિકસે છે, સંગઠન વડે સામાજિક વિકાસ થાય છે, એકબીજાને મદદ કરવી, એકાગ્રતા, ચપળતા, નિયમિતતા, અને સફળતા-નિષ્ફળતામાં સ્થિરતા જેવા ગુણાત્મક ફેરફાર થાય છે.

આવામાં, શિક્ષક તરીકે આપણી પાસે અન્ય કામગીરીના ગમે તેવડા મોટા ખડકલા હોય, પણ તેમના રમવાની અને કલાની તકો છીનવાઈ ન જાય તે માટે આપણે એક્સ્ટ્રા... હા, એક્સ્ટ્રા એફર્ટ લગાવવો જ પડે! શાળાના સત્રની શરૂઆતમાં જ કળા મહાકુંભની જાહેરાત થઈ. શાળાનો શિરસ્તો જ છે કે કોણ ક્યારે કેવી રીતે તૈયારી કરશે, એટલે શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જ અન્ય બાબતોના દસકાઓ વચ્ચે ય બાળકોએ તૈયારી કરી જ લીધી. અને આપણા માટેનો સંતોષ એ કે તેઓ દર વર્ષે પોતાના સ્તરમાં ઊર્ધ્વ ગતિ પ્રાપ્ત કરી રહ્યા છે.

રીડિંગ રીલ્સ

v  સર્વાંગી વિકાસ: બાળકોના સર્વાંગી વિકાસ માટે માત્ર શૈક્ષણિક વિષયો જ નહીં, પરંતુ રમતગમત અને કલા જેવી પ્રવૃત્તિઓ પણ જરૂરી છે.

v  આ વાત ગિજુભાઈ અને નાનાભાઈ ભટ્ટના શિક્ષણના વિચારો સાથે મેળ ખાય છે, જેઓ માનતા હતા કે બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ આવી પ્રવૃત્તિઓ દ્વારા થાય છે.

v  નિયમિતતા અને શિસ્ત: રમતગમત દ્વારા બાળકોમાં માત્ર શારીરિક કૌશલ્યો જ નહીં, પરંતુ ધીરજ, નિષ્ઠા અને ખેલદિલી જેવા ગુણો પણ વિકસે છે.

v  સરિતા ગાયકવાડ જેવા ખેલાડીઓના ઉદાહરણો દર્શાવે છે કે આ ગુણો ભવિષ્યમાં સફળતાની તકો પણ ઊભી કરી શકે છે.


વિડીયો માણો !