January 31, 2024

સક્રિયતાનું રામરસાયણ !

સક્રિયતાનું રામરસાયણ !

બાળકો ખૂબ જ ચંચળ હોય છે. – આ વાક્ય પ્રાથમિક શિક્ષણની કોઈ પણ વાત નીકળે એટલે પહેલું બોલાતું વાક્ય છે. અને તે એટલા માટે કે પ્રાથમિક કક્ષાએ જે કંઇ પ્રવૃત્તિપ્રોજેક્ટ કે શૈક્ષણિક અભિગમ અપનાવશો ત્યારે તેના આયોજન અને અમલમાં આ સતત યાદ રાખવું પડતું હોય છે. જો તેને સામાન્યત: નજરઅંદાજ કરીએ તો આપણો સોને મઢેલો [ એટલે કે ખૂબ અભ્યાસ પૂર્વક બનાવેલ ] અભિગમ કે પદ્ધતિને બાળકો ધરાશાઈ કરી દેતાં હોય છે. પરિણામે ખૂબ સારું કરવા ધાર્યું હોવા છતાં તેને વર્ગખંડમાં અનુસરી શકાતું નથી.  

બાળકોમાં રહેલી ચંચળતા એ એના શીખવા માટે જેટલી મહત્ત્વની છે, તેટલી જ મહત્ત્વની આપણા શીખવવા માટે છે. એક વાર એવા વર્ગખંડનો વિચાર કરી જુઓ કે જ્યાં તમારી સામે બેઠેલાં બધાં બાળકોની ચંચળતા ગાયબ છે. પછીનો વર્ગખંડ કેવો હોય.. ? (કલ્પના માત્રથી ડર લાગવા માંડે છેને?)

·         તમે કોઈ એક પ્રવૃત્તિ માટે તમારી મદદ માટે બૂમ પાડો છો ત્યારે એકને બદલે ચાર આવવાની જગ્યાએ એક પણ ઊભું થતું નથી.

·         વિચારો કે તમે કહો છો કે ચાલો મેદાનમાં રમવા જવું છે ત્યારે તમારા પહેલાં બૂમાબૂમ સાથે મેદાનમાં દોડી જવાને બદલે ના પાડે છે, પરાણે તમારે તેને મેદાનમાં લઈ જવા કાલાવાલા કરવા પડે છે.

·         વિચારો કે ગીત ગાવું છે ? એવું સાંભળતાં જ સામે બેઠેલી બધી ચંચળતાઓ સ્પ્રિંગની જેમહાસાથે હવામાં ઊછળતી હોયતેવું થવાને બદલે આખો વર્ગખંડ શાંત છે.

·         વિચારો કે વર્ગખંડમાં તમારા પ્રશ્નના જવાબમાં સાહેબ.. સાહેબ.. / બેન..બેન ..  ને બદલે નીરવ ડરામણી શાંતિ છે.

જો બાળકોમાં ચંચળતાનો છેદ ઊડી જાય તો પછી શેષ કશું જ ન વધે. બાળકોને શીખવા અને જાણવા માટે જે પ્રેરકબળ પૂરું પાડે છે તે તેની ચંચળતા છે. આ ચંચળતા જીવનભર આપણામાં એટલે કે બાળકોમાં સમાયેલી રહે છે. જન્મથી જીવે ત્યાં સુધી ઉંમર મુજબ તેનું સ્વરૂપ બદલાતું રહે છે. પણ હા મનુષ્યમાં ચંચળતાનું આયુષ્ય કેટલું રહેશે તે તેના  શિક્ષકને આભારી છે. કારણ કે બાળકોની ચંચળતાને તેના તોફાનમાં ગણવાની આપણી ભૂલની સજા તે જીંદગીભર ભોગવતો હોય છે.

એવામાં બાળકની ચંચળતાની એનર્જીને શીખવા માટેની શક્તિમાં રૂપાંતર કરવાનો એકમાત્ર રામબાણ ઇલાજ  છે તેને સતત પ્રવૃત્તિમય રાખવું. જો તમે તે નથી કરી શકતાં તો પછી બાળકને હનુમાનજી બનતાં કોઈ રોકી શકશે નહીં, કારણ કે રમતગમતગીત-વાર્તા કે પ્રવૃત્તિઓ વિનાની તમારી બાલવાટિકા તો તેના માટે અશોકવાટિકા જ છે.

સૌને સક્રિયતાનું રામરસાયણ પ્રાપ્ત થાયઅને આપણી વાટિકા ખેદાનમેદાન ન થાય તેવી શુભેચ્છાઓસાથે કેટલીક સક્રિયતાના વિડિયોઝ




વધુ વિડીયો માટે - :  ચેનલ નવાનદીસર  

No comments: