January 30, 2024

"સાગરના પીનારા, અંજલિ નવ ઢોળજો બાપુ"

"સાગરના પીનારા, અંજલિ નવ ઢોળજો બાપુ"

"નવું સત્ય સમજાય તો એ જ ઘડીએ અભિપ્રાય બદલવામાં અને નવું સત્ય સ્વીકારવામાં તેમને ડર નથી લાગતો પછી ભલે દુનિયા તેમને ઢોંગી અને જુઠાડા કહે." બંને માધવ અને મોહન આ રીતે જ સ્થિતિમાંથી સત્યને અનુસરતા અને એટલે જ તેઓ કોના તરફી હતા એ નક્કી કરવું મુશ્કેલ થતું. દરેકને કાં તો એમ થાય એ આપણા તરફે છે, આપણી સાથે છે અથવા તો એનાથી વિપરીત આ માણસ આપણો વિરોધી છે. બંને પોતાના જે તે કાર્યમાં પૂર્ણપણે ડૂબીને જીવતા કે એ સમયે એ સિવાયની કોઈ છબી રહે જ નહિ. આ એક સવાલ ઘણા સમય પહેલાં વાંચેલો પણ આજે એના નિર્વાણદિને ફરી જોઈ જાઓ.

વિડંબના જુઓ: મુસલમાનોને, અન્ય વિધર્મીઓને, નાસ્તિકોને અને આધુનિકોને ગાંધીજી વધારે પડતા હિંદુ લાગતા હતા તો હિન્દુત્વવાદીઓને અર્થાતુ હિંદુ કોમવાદીઓને ગાંધીજી હોવા જોઈએ એનાથી ઓછા હિંદુ લાગતા હતા.

દલિતોને અને સામાજિક સમાનતાના આકરા પુરસ્કર્તાઓને ગાંધીજી મનુવાદી કહી શકાય એટલા સનાતની સવર્ણ હિંદુ લાગતા હતા તો સનાતની સવર્ણ હિંદુઓને ગાંધીજી સુધારક લાગતા હતા. સામ્યવાદીઓને ગાંધીજી જોઈએ એટલી સમાનતામાં નહીં માનનારા ઓછા સમાજવાદી પણ વધુ મૂડીવાદી બુર્ઝવા લાગતા હતા તો જમીનદારો અને મૂડીવાદીઓને ગાંધીજી સંગ્રહ વિરોધી-સમાજવાદી લાગતા હતા.

રસ્તા ઉપર ઊતર્યા વિના સુવિધાપરસ્ત જિંદગી જીવીને આવેદન-નિવેદનનું રાજકારણ કરનારા લોકોને ગાંધીજી જહાલીમાં પણ જહાલ લાગતા હતા તો પોતાને ક્રાંતિકારી તરીકે ઓળખાવનારાઓને ગાંધીજી અહિંસામાં માનનારા પોચટ વિનીતોમાં પણ વિનીત લાગતા હતા. વ્યવહારવાદીઓને ગાંધીજી અવ્યવહારુ, આદર્શવાદી લાગતા હતા પણ પાછા પોતાને ચતુર વ્યવહારુ સમજનારાઓ ગાંધીજી સામે ચિત્ત થતાં હતા. જનમાનસને એટલી પ્રભાવિત કરે અને એટલી હદે આંદોલિત કરે કે વ્યવહારકુશળ પ્રભાવી નેતા કલ્પના પણ ન કરી શકે.

આવું કેમ બની શકે?

દરેક માણસને ગાંધી નામનો એક જ માણસ અલગ અલગ કેમ ભાસી શકે? - "જેને જે સત્ય સમજાય તેમ સમજણ રજૂ કરશે.." બાપુ તે આપેલી એ જ સમજણ મુજબ અપ્રિય બોલે તે પણ તેમનો હક છે એ માનવાની સમજણ તે જ આપી છે.


No comments: