અમે આમ કરી જોયું
!
જેને પરંપરાગત વ્યાખ્યાન-શૈલીના શિક્ષણ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં સંકલ્પના સ્પષ્ટ કરવા માટે બ્લેકબોર્ડનો ઉપયોગ કરી શિક્ષક વિદ્યાર્થીઓને માહિતી પીરસે છે. આમાં બે મુશ્કેલીઓ ઊભી થાય છે. એક તો બાળકોને એ પીરસાય એ ભાવે કે ન ભાવે ખાવાનું એ જ છે. બીજું કે જો એ માહિતીમાં કોઈ દોષ હોય તો એ આખા વર્ગનો અને એ રીતે એક આખી પેઢી એ ખોટા કોન્સેપ્ટ સાથે જ રહી જાય છે.
એનાથી જુદું, પુસ્તકના વાંચન સાથે તેના અનુભવોને સાંકળી લઈએ તો એ દરેક વખતે અપેક્ષિત કરતાંય વધુ સઘન અને સંકલિત અનુભવ બાળકોને આપે છે. જેમ કે વસ્તુઓ ઉપરથી,
નીચેથી, બાજુમાંથી જોતાં કેવી દેખાય તે માટે ગમે તેટલું મૌખિક રીતે સમજાવો એ સાંભળી લે - સમજે નહિ. આ એક પ્રયોગ કર્યો
- ગૂગલ મેપ વડે શાળા,
ગામ, બીજા ગામ જવાનો રસ્તો,
પોતાના ઘરે જવાનો રસ્તો,
પોતાનું ઘર જુઓ ! વર્ચ્યુઅલ મુસાફરી ! હવે આમાં વસ્તુ કેવી દેખાય એ તો સ્પષ્ટ થાય પણ સાથે જ નકશાની એક સેન્સ ઊભી થાય ! ડાબે જવું કે જમણે
!! ઝૂમ ઈન કરું કે ઝૂમ આઉટ - જેવી બાબતોમાં તેઓએ સમૂહમાં વાતો કરી નિર્ણયો લીધા એ વધુ જીવંત અનુભવ રહ્યો.
અને આ જ જીવન સાથે જોડાયેલો મેપ તેઓ આ ઉંમરે સમજ્યાં તે વધુ અસરકારક ઉપોયોગકર્તા બનશે તેની નિશાની નથી ?
એવી જ રીતે
'બહાદુરીની કસોટી' વાર્તા સાંભળી બાળકોને થયું આપણેય એ કસોટી કરી જોવી જોઈએ
! આમેય, આવા નકામા ડરથી આપણાં બાળકો ભરેલાં હોય છે. કેટલાક એ ડર છુપાવી બહાદુરીનું મુખડું પહેરી રહે તો કેટલાક રીતસર પોતાને કરવા જેવાં કાર્યો પણ કેટલાક આભાસી ડરથી કરવાનું ટાળે
- બાળકોએ નક્કી કર્યું કે આપણે રાત્રે આવો કાર્યક્રમ રાખીએ પણ વાટાઘાટો પછી સવારની પ્રાર્થનામાં કેટલાંક બાળકો ભૂતનો વેશ કરે ! તેઓ આવ્યાં કે તરત થોડાંકને ડર લાગ્યો,
એક બે ટાબરિયાંને શિક્ષકે ઊંચકી લેવાં પડ્યાં.
મોટાભાગનાં બાળકો હસ્યાં.
અને તમે જેની પર હસી શકો એનાથી ડરી ન શકો. થોડીવારમાં તો બધાંનું હસવાનું શરૂ થઈ ગયું.
ભૂતનો વેશ કાઢેલાંય મૂંઝાવા લાગ્યાં કે હવે શું કરવું
! આ આખી બાબતમાં “ડર નામની લાગણી કેટલી જરૂરી છે, તે સ્વીકારી આપણે ક્યારે ડરવું ને ક્યારે ડરથી ઉપરવટ જઈ આપણાં કાર્યો કરવાં તેની સમજણ જાણે કે જાતે જાતે ઊગી ! ડર કે આગે જીત હી નહીં
!- સીખના ભી હૈ ? અને આ રીતે શીખવું રસપ્રદ નથી ?
આ માસ જાણે વેશભૂષાનો મહિનો હોય એમ - માણસની વિકાસયાત્રામાં બાળકોને પરંપરાગત હથિયારો, આદિમાનવ સમયનાં હથિયારો અને એ મુજબ વેશભૂષા રજૂ કરી. અહીંયાં રજૂઆત કરાવવાના સમય કરતાં એ બધાં ઘરે કેવું કેવું મથ્યાં હશે ! એ તીર અને કામઠું બનાવવા માટે દાદા દાદીની મદદ લીધી હશે ! એમના મનમાં એ સમયના માણસો વિશે એક ચિત્ર બનાવ્યું હશે એ વધુ મહત્ત્વનું ન ગણાય
?
હાથીના વિવિધ અંગોનાં અંગ્રેજી નામ શિક્ષક તરીકે આપી દેવાના બદલે જેને હજુ વાંચતાં નથી આવડતું એવાં બાળકો પાસે ધારણા કરાવડાવી
- આખો વર્ગ એ બરાબર છે કે નહિ એ ચકાસવા જોડાયો ! શું એ કહેવા કરતાં વધુ લોકતાંત્રિક નથી ?
વિદ્યાર્થીઓને વાંચવાનું નહિ, પણ જે શિક્ષકે વાંચી
- સમજી - અમલ કરાવવાની હતી એવી સૂચના તેઓ વારાફરતી થોડું સમજી,
થોડું ધારી શિક્ષક શું કરાવશે એ અર્થગ્રહણ કરે. શું એ ભાષા શીખવાની ચાવી નથી?
સારા બીજની શોધ કરવા માટે જુદા જુદા અનાજના દાણા ગણી ગણી પાણીમાં કેટલા ડૂબે કેટલા તરે ? એ કાર્ય ઘરે કરવામાં ઘરના બધા સભ્યોને આખા એકમ વિશે વાત કરવાની થઈ હશે ! શું એ શાળાના શિક્ષણને સમાજ સાથે જોડાવાની સહેલી રીત નથી ?
આવા બીજા ક્યાં આઈડિયા તમારી પાસે છે ? અમને જણાવજો. શું આ શીખવાની મજેદાર રીત નથી ?
ધોરણ 5 - કેકારવ - અંતર્ગત પ્રવૃત્તિ - અમે તો આવું જ કરવાના 👀