સમાજનું સ્વાગત !!!
વિશ્વનાં અન્ય સ્થળો માટે વસંત વર્ષમાં એક વાર આવતી હોય છે. પરંતુ શાળા કેમ્પસ એક એવું સ્થળ છે જ્યાં જૂન માસમાં પણ વસંતનો અનુભવ થતો હોય છે. આવી શૈક્ષણિક વસંત હાલ ચાલી રહી છે જેમાં નવા બાળમહેમાનોનું સ્વાગત શાળાઓમાં થઈ રહ્યું છે. મન ફાવે ત્યારે ને મન ફાવે તેમ દોડવું, રમવું,
બૂમરાણ કરવી ઇચ્છા થાય ત્યાં અને ત્યારે ઊંઘી જવું.
અને હા, રમતાં રમતાં ઘેર જતા રહેવું જેવા
– હમ પે કિસી કા જોર નહીં
! – વાળા ટોનમાં કેમ્પસમાં ઘૂમતા વસંતના પણ વ્હાલાઓને જોઈને શાળા પણ જો સોળે કળાએ ખિલતી ન દેખાય તો જ નવાઈ !
હાલ બાળકોના શાળા પ્રવેશને આપણે સૌ પ્રવેશોત્સવ તરીકે ઊજવીએ છીએ. પરંતુ જ્યારે શાળાઓમાં પ્રવેશોત્સવ નહોતો ત્યારે પણ બાળકોના પરિવાર માટે તો આ દિવસ ઉત્સવ જેવો જ રહેતો. તે સમયમાં પણ બાળકને શાળામાં મૂકવા જવાના પ્રથમ દિવસ તરીકે વિશેષ દિવસ જેમ કે રથયાત્રા,
ગુરુવાર એટલે કે ગુરુનો વાર અથવા તો પોતાના પરિવારની માન્યતાઓ મુજબની તિથિ તારીખ
– વાર પસંદ કરવામાં આવતો ! આ જ બતાવે છે કે બાળકના શાળાકીય પ્રવેશનો પ્રથમ દિન એ પરિવારો માટે કેટલો મહત્ત્વનો હોય છે. ધીમેધીમે શાળા પ્રવેશોત્સવે સૌ પરિવારોને એક તાંતણે બાંધી અલગ અલગ પરિવારના વ્યક્તિગત આનંદ અને ઉત્સવને સમાજના ઉત્સવ તરીકે પ્રસ્થાપિત કર્યો.
ફાયદો એ થયો કે ગામનાં તે દિવસે પ્રવેશ લેનારાં બાળકોના પરિવારોના બદલે ગામ આખું તેના ભવિષ્ય માટેની ઉજવણીમાં ભાગીદાર બન્યું.
શાળાની શરૂઆતમાં તો એવું પણ બને કે રડતું
– કૂદતું – ઉછળતું – નથી જાઉં શાળાએ
– એવી બૂમરાણ મચાવતા બાળકને આખું ફળિયું મૂકવા આવતું દૃશ્ય પણ શાળાએ જોયું છે. તે બધાંની આંખોમાં ધારીને જોઈએ તો જ આપણને સમજાય કે “ બાળક - ત્રણ વર્ષ સુધી આંગણમાં
, પછી તો શાળાના પટાંગણમાં ! – વાળું સૂત્ર સમાજે અનુભવ્યું છે.
આખો સમાજ પોતાની આગામી પેઢીને શાળામાં શા માટે છોડી જાય છે ? – તેને બારીકાઈથી જોઈએ તો ખ્યાલ આવશે કે શાળાનું કામ શિક્ષણનું છે
- કેળવણીનું છે ! એક પેઢી પોતાની આગામી પેઢીને કેળવવા માટે શાળામાં પ્રવેશ અપાવે છે. એટલે જ એમ કહીએ તો પણ ખોટું નથી કે આજનો પ્રવેશોત્સવ એ ભવિષ્યના સમાજની કેળવણીની શરૂઆતનો મહોત્સવ છે !
બાળકના માનસને વિવિધ યુક્તિ પ્રયુક્તિઓ વડે ઘડવું,
વિવિધ પ્રવૃત્તિઓ વડે કસવું
, એટલે જ કેળવવું ! આ ઉંમર બાળકો માટે ખૂબ જ મહત્ત્વની માનવામાં આવી છે – આ જ ઉંમરમાં બાળકોના વિકાસની ખૂબ જ સંભાવનાઓ હોય છે. તે સમયે બાળક પોતે જ પોતાના અનુભવોનું ભાથું ભરતો હોય છે. ભવિષ્યમાં આ બાળક સામાજિક જીવનમાં પ્રવેશે છે ત્યારે આ ઉંમરે શીખેલા, સમજેલા અનુભવો ભાથાનો જ ઉપયોગ કરતો હોય છે. એનો અર્થ થાય કે ભવિષ્યમાં સમાજ એવો હશે જેવું ભાથું આપણે આજના બાળકને આપીશું
!
ખૂબ જ આનંદના અનુભવ સાથે ઉછરેલું બાળક સમાજને આનંદ આપશે
! એટલે જ એ બાળક માટેના શૈક્ષણિક કાર્ય સાથે સાથે તેને આનંદ
– સન્માન અને હૂંફ મળતી રહે તે એટલું જ મહત્ત્વનું છે જેટલું મહત્ત્વ તેના માટે શિક્ષણનું છે. કારણ કે આનંદ
– સન્માન કે હૂંફ વિનાનું શિક્ષણ બાળકને ફક્ત માહિતી ધરાવતો રોબોટ બનાવી શકે છે. જ્યારે કેળવાયેલા નાગરિક બનાવવા માટે બાળકો સાથે
– શિક્ષણ + આંનદ + સન્માન + હૂંફ જરૂરી છે ! એટલે જ અમે પહેલાં પણ કહ્યું છે તેમ આજે પણ કહીએ છીએ કે શિક્ષણ જરૂરી છે, પણ બાળકોના આંનદના ભોગે તો નહીં જ !
ચાલો, આવી જ પ્રતિજ્ઞા સાથે ભવિષ્યના સમાજના 30 નાગરિકોનું શાળા અને સમાજે સ્વાગત કર્યું તે પ્રસંગને ફોટોગ્રાફ્સ દ્વારા માણીએ !
No comments:
Post a Comment