ઇન્ટરશીપ માટે આવેલ તાલીમાર્થીની નજરે શાળા..
આલ્બર્ટ આઈન્સ્ટાઈન કહે છે -: "શાળામાં જે શીખ્યા તે ભૂલી ગયા પછી જે જીવંત રહે છે તેને શિક્ષણ કહે છે."
આમ તો શિક્ષણ વિશે અને શાળા વિશે કહીએ એટલું ઓછું પડે ને એમા પણ મારી નવા નદીસર પ્રાથમિક શાળાના શિક્ષણની તો વાત જ જુદી છે.જેવી અનોખી આ શાળા છે એવું જ અનોખું અહીંનું શિક્ષણ છે.
તારીખ 18મી જાન્યુઆરીથી તારીખ 17મી ફેબ્રુઆરી સુધી હું મારા અભ્યાસક્રમના ભાગરૂપે ઈન્ટર્નશિપ કરવા માટે આ શાળામાં આવી હતી. મારો આ એક મહિનાનો અનુભવ ખૂબ જ યાદગાર રહ્યો.આ એક મહિનાની અંદર મને અહીં તાલીમાર્થી જેવો નહી પણ એક શિક્ષકનો અનુભવ થયો. અહીંનાં મિત્રો જેવાં બાળકો અને સતત પ્રેરણા આપનારાં શિક્ષકો પાસેથી મને ઘણા બધા નવા નવા અનુભવો મળ્યા.
શિક્ષણ શું છે તેનો સાચો અર્થ મને અહીં આવીને સમજાયો છે.અહીં શિક્ષક અને બાળક વચ્ચેનો મસ્તીભર્યો સંબંધ જોઈને મને ઘણી બધી નવી બાબતો જાણવા મળી. અહીં તો જાણે વર્ગખંડમાં અને વર્ગખંડની બહાર બાળકો જાણે શિક્ષકોના મિત્રો જ છે! આ વાત જો હું મારા અનુભવથી કહું તો,"સાચા શિક્ષક બનવું હોય તો શીખનાર થવું પડે ને હું શિક્ષક નથી માત્ર સાથી વિદ્યાર્થી છું!"
બાળકો સાથે કેવી રીતે વર્તવું અને તેમને શીખવવું એ મને બાળકો અને શિક્ષકો પાસેથી જાણવા મળ્યું.
આ એક મહિના દરમિયાન મને ઘણી બધી બાબતો શીખવા ને જાણવા મળી.અહીંના બાળકોની ગ્રુપમાં કામ કરવાની પ્રવૃત્તિ મને બહુ જ ગમી.આવી બાળકોની એકતા તો મેં ક્યારેય જોઈ નથી.શાળાના દરેક બાળકને આગવું ગણીને તેને શીખવવું એ પણ એક કળા છે જે મારી આ શાળાની દરેક વ્યક્તિમાં જોવા મળી.નવી નવી પ્રવૃત્તિનો વિચાર કરવો અને તેમાં બાળકોને કઈંક નવું શીખવવું એવી ઘણી બાબતો મને આ સમય દરમિયાન શીખવા મળી. અહીં જુદી જુદી પ્રવૃત્તિઓ અને જુદી જુદી ઊજવણીઓ દ્વારા શાળાનું વાતાવરણ મેઘધનુષ્યની જેમ રંગબેરંગી રહે છે.તહેવાર હોય કે જન્મદિન,
અહીં તો બધાની ઉજવણી ધૂમધામથી જ થાય છે. બાળકો માટે આવી સોનેરી ઘડીને યાદગાર બનાવનાર અને આ બાળકોને ઘડનાર શિક્ષકોની મહેનત ખૂબ જ સારી છે.આ શાળા એ બાળકોનાં આઠ વર્ષોને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જાય છે.મને આ બાબત સૌથી વધારે ગમી કે બાળકો અહીં મસ્તીથી શીખે છે.
"શાળા કેરો મહિમા ગાઉં એટલો ઓછો, નવા નદીસર શાળા,
તારા મહિમાને હું શબ્દથી શણગારું કે કવિતાથી કોતરું!
"
"રામ અને કૃષ્ણનો સંગમ છે શાળા,
ચમકતું અને ધમકતું રામમંદિર છે શાળા,
આઝાદ ભારતનું ગૌરવ છે શાળા,
ચંદ્ર અને ભોમિયાની ચમક છે શાળા,
વિશ્વની આઠમી અજાયબી છે શાળા ને, આવી અનોખી છે મારી નવા નદીસર પ્રાથમિક શાળા"
No comments:
Post a Comment