તમારા નામનો અર્થ તમને ખબર છે ?
બાળકોના જન્મ દિવસની શાળામાં ઉજવણી લગભગ શાળાએ 15-20 વર્ષ પહેલાં શરૂ કરી હતી. નામ તે વખતે જાણીતું હતું એ જ આજના દીપક. જેમ આપણે સૌ આપણા સ્વજનનો જન્મદિવસ ઉજવીએ છીએ ત્યારે સ્વજનમાં પરિવારના સભ્ય હોવાની ભાવના પ્રબળ બને છે, તેવી જ રીતે શાળામાં સૌ ભેગાં મળી બાળકના જન્મદિવસની ઉજવણી પણ બાળકમાં શાળા પ્રત્યે ફેમિલીફિલિંગ આવે તે તો હતો જ ! બીજો ગોલ સાથે સાથે એ પણ હતો કે બાળક પોતાની જન્મ તારીખની જાણકારી રાખતો થાય.
શરૂઆતનાં વર્ષોમાં “આજના દીપક” એટલે પ્રાર્થનામાં જે તે બાળકના જન્મ દિવસે તેનું નામ બોલવામાં આવતું જેથી તે બાળકને આજે તેનો જન્મ દિવસ છે તે જાણ થાય. એ વર્ષોમાં તો વાલીઓ પણ બાળકોની જન્મ તારીખ પ્રત્યે ઉદાસીન હોય ! એવામાં બાળકના ઘરે તેના જન્મ દિવસે કઈક ઉજવણી થવાની આશા એ વધુ પડતી અપેક્ષા ગણાતી ! શાળામાં ચાલતી નાગરિક ઘડતર પ્રવૃત્તિ અંતર્ગત પ્રાર્થના જૂથના બાળકો અને શાળા પ્રમુખ ધ્વારા તેમાં સમયાંતરે કેટલાક ફેરફાર કરતાં ગયાં. ફેરફાર કરતાં પણ એવું કહેવું જરાય ખોટું નથી કે તેમાં નવું નવું ઉમેરાતું ગયું. જેમ કે પ્રથમ ચરણમાં પ્રાર્થનામાં બાળકનું નામ બોલી જન્મતારીખ જણાવવાથી શરૂ થયેલ, તેમાં જે બાળકનો જન્મ દિવસ છે તેનું નામ બોલવાની સાથે સાથે તેં દિવસે શાળામાંથી ઘરે જઈને તે બાળકે ઘરનાં વડીલોને પગે લાગવાનો નિયમ ઉમેરાયો. આનાથી અમને અપેક્ષા હતી તે મુજબ વાલી બાળકની જન્મ તારીખ પ્રત્યે તો જાગૃત થશે. તેમજ વડીલોની બાળક પ્રત્યેની લાગણીઓ અને બાળકની નજરમાં વડીલો પ્રત્યે માન વધશે. તે તો થયું જ પણ મજા એ હતી કે ન ધારેલો એક મોટો પરોક્ષ ફાયદો શાળાને થયો. પોતાના બાળકની ઉજવણી શાળા કરે છે તે જાણતાં વાલીની નજરમાં શાળા પ્રત્યે માન વધ્યું જ સાથે વાલીઓ શાળાને શાળા નહીં પણ પોતાનાં સંતાનોનું બીજું ઘર હોય એ રીતે જોતાં થયાં. કદાચ ગામ અને શાળાને એકાકાર થવા માટેનું આ પહેલું પગથિયું હશે.
શાળાએ શરૂ કરેલ સોશ્યલ મીડિયાનો ઉપયોગ પણ આમાં ભાગીદાર બન્યો. શાળા અને ગામ – બંને સાથે હોય તેવા ઉદેશ્યથી શરૂ થયેલ આપણું નવાનદીસર વોટ્સએપ ગ્રુપ પણ આમાં સામેલ થયું. ઉજવણીના સ્વરૂપના ફેરફારનો બીજો પડાવ હતો. શાળા દ્વારા જે તે બાળક અથવા તો ગ્રામજનો દ્વારા કોઈ વ્યક્તિના જન્મ દિવસની જાણ તે ગ્રૂપમાં ફોટો સાથે કરવામાં આવતી. જન્મદિવસ હોય તે વ્યક્તિ જો ગ્રૂપમાં ન જોડાયેલ હોય તો તેના મિત્રો તેને ગ્રૂપની શુભેચ્છાઓની જાણ કરવામાં આવતી. કોઈ તેને ન ઓળખતું હોય તો ગ્રૂપમાં તેની ઓળખાણ આપવી. શાળા દ્વારા જે તે બાળકની ખાસિયતો ગ્રૂપમાં જણાવવામાં આવે, વિદ્યાર્થી
જો ભૂતપૂર્વ હોય તો તે અભ્યાસ કરતો હતો ત્યારની તેની ખાસિયતો અને આજે હવે તેણે શું કરવું જોઈએ તેવો તેનો બર્થ ડે બૉમ્બ (બમ્પ નહિ 😂)
ગ્રૂપમાં શેર કરવામાં આવે. જાણે કે આખું ગામ શુભેછાઓ પાઠવતું હોય તેવું અનુભવાય. બીજો પડાવ એટલા માટે જ કે – આ ફેરફારે ગામનાં અલગ અલગ રીતિ રસમો અને ફળિયામાં રહેતા તમામ ગ્રામજનોને એક સાથે એક રીતિમાં જોડવાનું કામ કર્યું હતું.
ધીમેધીમે નાગરિક ઘડતર પ્રવૃત્તિમાં વર્ષોવર્ષ નવી-નવી બાળ સંસદ બનતી ગઈ. બાળકો ધ્વારા આજના દીપકમાં નવીનવી બાબતો - રીતભાત ઉમેરાતી ગઈ. ત્રીજો પડાવ અને આજનું સ્વરૂપ કહી શકાય તેવી વાત એ હતી કે હવે બર્થ ડે બોમ્બ તરીકે તે તેના મિત્રોને તેના વિશે
“મારા પ્રિય મિત્રનું નામ ___ ફલાણા / માંરી પ્રિય બહેનપણીનું નામ ફલાણી છે…….થી શરૂ થયેલ વાત. તે વારે વારે રિસાઈ જાય છે / તેની ખીજ આ આ અને આ
છે / એના અક્ષર સારા આવતા નથી જેવા બોમ્બ ફોડવામાં આવે છે.. તેને સારી નોકરી મળે.. સારી પત્ની મળે.. તેને સારું ઘર મળે.. સારો વર મળે.. સુધીની મજાકિયા શુભેછાઓ પાઠવે. સાથે જ તેના નામનો અર્થ પણ બધાને જણાવવામાં આવે. એટલે જ
જો તમને તમારા નામનો અર્થ ન ખબર હોય તો અમારી શાળામાં તમારો જન્મદિવસ ઉજવજો ! 😀
તેના મિત્ર દ્વારા અપાતા બર્થ ડે બોમ્બમાં જાણે કે અમારી વર્ગખંડમાં શૈક્ષણિક પ્રક્રિયા દરમ્યાન તેના વિષેની ફરિયાદો પણ સમાઈ જતી હોય છે. અલગ અલગ ગામનાં બાળકો કોઈ એક મિત્ર વિશે બોલવા ઊભા થાય ત્યારે એક શાળા તરીકે આ ભવિષ્યના સમાજને એક માળામાં પરોવ્યાની લાગણીઓ આનંદિત કરી જાય છે. આવી પ્રવૃત્તિઓની સફર અનંત હોય છે. સમયાંતરે બદલાવ આવતો રહેશે.. બાળકો આ ઉમરે એકબીજાને જાણે, એકબીજાને સમજે અને એકબીજાને સમજાવે – એ અમારા માંટે બર્થ ડે ગિફ્ટ છે. ચાલો માણીએ એક મિત્રના જન્મની ઉજવણી સમયે તેના પ્રિય મિત્રો એ કેવા બર્થ ડે બોમ્બ આપ્યા..
No comments:
Post a Comment