February 21, 2023

માતૃભાષા - આપણા જ્ઞાનની સંજીવની

માતૃભાષા - આપણા જ્ઞાનની સંજીવની

માતૃભાષા વ્યક્તિની ઓળખ, જ્ઞાનાત્મક વિકાસ, સંદેશાવ્યવહાર અને સમાજીકરણનું મહત્ત્વનું પાસું છે. વ્યક્તિગત હિતો અને સમાજના હિત બંને માટે માતૃભાષાના ઉપયોગને પ્રોત્સાહન આપવું મહત્ત્વપૂર્ણ છે. સંશોધનો દર્શાવે છે કે જે વ્યક્તિઓ તેમની માતૃભાષામાં નિપુણ છે તેઓને જ્ઞાનાત્મક પાસામાં ફાયદા હોય છે :  જેમ કે, સારી યાદશક્તિ, પેટર્ન ઓળખવાની, સમજવાની અને પેટર્ન આગળ વધારવાની શક્તિ, વિવેચનાત્મક ચિંતન કરવાની શક્તિ અને સર્જનાત્મકતા તો ખરી . જોવા મળવાનુ કારણ છે કે આવી વ્યક્તિઓમાં માતૃભાષા તેમના સાંસ્કૃતિક અને સામાજિક અનુભવોમાં ઊંડે સુધી વણાયેલી છે, અને તેઓ ભાષાની વધુ સાહજિક સમજ ધરાવે છે. તેઓએ જન્મ લેતાંની સાથે જે જ્ઞાન અર્જન કરવાનુ શરૂ કર્યું તે તેમની માતૃભાષામાં સંગ્રહિત  થવા લાગ્યું હોય છે અને તે જ્ઞાનના પાયા પર તેઓ બીજા જ્ઞાન સાથે સરળતાથી જોડાઈ જતા હોય છે. આપણી પરંપરામાં કદાચ એટલે માતાના પેટમાંથી શીખવાનું શરૂ થાય એવી વિભાવના છે.

અકબર બીરબલના નામે પ્રચલિત પેલી વ્યક્તિની માતૃભાષા ઓળખી કાઢવાની વાર્તા તો યાદ હશે જયાં  વ્યક્તિ પોતાની ત્વરિત લાગણીઓ વ્યકત કરવા માતૃભાષાનો સહજ (સહસા) ઉપયોગ કરી દે છે. અને તો થાય છે કે માતૃભાષા સિવાયની બીજી ભાષાઓમાં પારંગત થયા પછીય આપણે જ્યારે ભાવમાં ઉચ્ચ સ્થિતિએ તો માતૃભાષામાં વ્યકત થઈ જતાં હોઈએ છીએ. સિવાય એક અગત્યનું પાસું પણ છે કે જ્યારે આપણે  વાતચીત કરવા અને વિચારવા માટે માતૃભાષાનો ઉપયોગ કરીએ છીએ ત્યારે જટિલ વિચારો અને લાગણીઓને વ્યક્ત કરવામાં વધુ સહજતા અનુભવીએ છીએ. આપણે રોજિંદા જીવનની સામાન્ય બાબતો માટે કોઈપણ ભાષામાં સહજ હોઈ  શકીએ પરંતુ જ્યારે ફિલોસોફીની વાત આવે કે આપણી જીવનરીતિ વિશે વિચારવાની વાત આવે કે આપણે કેવી રીતે વિચારણા કરીએ છીએ વિશે વિચાર કરવાની વાત આવે ત્યારે આપણને માતૃભાષામાં વિચારવુ અને વ્યક્ત થવું સાહજિક લાગે છેકારણ કે આપણે માતૃભાષામાં આપણા સાંસ્કૃતિક મૂલ્યો અને ધોરણોના સંદર્ભમાં વિચારી શકતા હોઈશુંઅને એટલે આપણા નિર્ણયોમાં પોતીકાપણાનો ભાવ પ્રગટ થઈ જતો હશે.

આપણા નવા વિચારો/ નવા ઉકેલો માટે પણ માતૃભાષા ખૂબ જરૂરી છે કારણ કે આપણે જ્યાં જન્મ્યા છીએ તે જગ્યાની - આપણી  આસપાસના વ્યક્તિઓની સમસ્યાઓ કઈ છે તે સમજવા માટે આપણને માતૃભાષા ઉપયોગી બને છે. આપણા મૂળિયાં માતૃભાષા વડે સિંચાયેલા હોવાથી આપણે તેના આધાર પર તે સમસ્યાઓનો અભિનવ ઉકેલ શોધી શકીએ છીએ. તેમાં આપણો જે સાંસ્કૃતિક વારસો છે તે મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. આપણે જોઈએ છીએ કે જે બાળકો એવા સામાજિક સ્તરમાંથી આવે છે કે જ્યાં ભાષાનો ઉપયોગ ઓછો થાય છે તેઓ નક્કર હોય તેવા ખ્યાલોને વધુ ઝડપથી ઉકેલી શકતા નથી  કે સમસ્યાઓના વૈચારિક ઉપાયો આપી શકતા   નથી. એટલે માતૃભાષાને માત્ર  પ્રત્યાયનનું સાધન ગણવાને બદલે તે આપણા મસ્તિષ્કનો વિકાસ, આપણા સાંસ્કૃતિક વારસાનો આધાર, આપણા સામાજિક અસ્તિત્વનો આધાર તેમજ આપણા જ્ઞાનને પેઢી દર પેઢી આગળ વધારનારી સંજીવની ગણવી જોઈએ.

દર વર્ષની જેમ અગાઉના વર્ષોની ઉજવણી આ જ બ્લોગમાં ઉપર આપેલ 🔍  સર્ચમાં " માતૃભાષા "  લખી જોઈ શકશો વર્ષે શાળાએ કરેલી માતૃભાષા દિવસની ઉજવણીમાં ઉપરના બધા ખ્યાલોને  અમે સૌ  અડકી શકીએ   તેવો પ્રયત્ન કર્યો.

·         ગામમાં ગવાતા લોકગીતો અને ભજનો એકત્ર કરવા.

·         મમ્મી દાદી પાસેથી લગ્ન ગીતો ભેગા કરવા.

·         ચોપડીમાં છાપેલી ભાષા કરતા બોલાતી ભાષામાં કયા શબ્દો જુદા છે તેની યાદી કરવી.

·         શબ્દોનો ઉપયોગ કરી નવી વાર્તાઓ રચવી.

·         માતૃભાષા વિશે તેઓ શું વિચારે છે તે બોલવું અને લખવું.

·         જુદા જુદા વિષય પરની કવિતાઓ આગળ વધારવી.

 આમ ભાષા વિષે  વિચારવું, ભાષામાં જે શ્રેષ્ઠ છે - તે લુપ્ત થઈ જાય તે નોંધી લેવું અને નવું સર્જન કરવું અમારા માતૃભાષા દિવસની ઉજવણીનો સાર છે































No comments: