November 30, 2020

આશાઓનો અંબાર !!!

આશાઓનો અંબાર !!!

સુવિધાઓ માણસને આળસુ બનાવે છે. – આવું આપણે વારંવાર સાંભળ્યું છે. પરંતુ આ વાક્યો મોટાભાગે તેવા વ્યક્તિના મોઢે સાંભળવા મળે છે જે બધી સુવિધાઓ ભોગવી ચૂક્યો હોય છે. વ્યક્તિના વિકસવા માટે સુવિધાઓ પણ મહત્વનો ભાગ ભજવે છે. એટલે જ તો ગામડાઓનું શહેરીકરણ વધુ પ્રમાણમાં થવા લાગ્યું. સુવિધાઓનો ઉપયોગ વડે વિકાસ અને વિકાસ વડે વધુ સુવિધાઓ ઊભી કરવી – એ જાણે કે વર્તુળ બની ગયું.

હવે વિતેલા સમયમાં જેમ જેમ શૈક્ષણિક સુવિધાઓ વધતી ગઈ છે, તેમ તેમ શિક્ષણ એ  વિકાસ માટેનું અનિવાર્ય અંગ બની ગયું છે. શિક્ષણ એ જ મારા કુટુંબની આર્થિક અને સામાજિક સ્થિતિમાં સુધારો લાવી શકે છે. તેવું લોકો દ્રઢ પણે માનતાં થયાં છે. શિક્ષિત થવામાં સમયની સાથે કદમ ન મિલાવી શકનાર વાલીઓ પણ પોતાના બાળકને શિક્ષણ ને એક જડીબુટ્ટીની જેમ પીવડાવવા માટે આતુર છે. આ અગાઉ પણ વાત કરી હતી કે “જો કોઈ વ્યક્તિને અચાનક આર્થિક ફાયદો થઈ જાય એટલે કે બે પૈસા વધુ કમાતો થાય“ અને તેને પૂછવામાં આવે કે શું કરીશ ? તો જવાબ પોતાના બાળકોને સારા શિક્ષણ માટેના પ્રયત્નનો જ હોય છે.

કોરોના કાળમાં સ્થિતિ બદલાઈ ગઈ. શિક્ષણ માટે વાલીઓ શાળાઓ તરફ દ્રષ્ટિ કરતા હતા, તેને બદલે હવે શિક્ષકો વાલીઓના ઘર સામે દ્રષ્ટિફેર કરવો પડ્યો. બાળકો અને શિક્ષકોને મળવા માટેનું સ્થાન નિશ્ચિત હતું. તેને બદલે શિક્ષકો માટે ઘરે ઘરે શાળા ઊભી કરવા જેવી સ્થિતિ ઊભી થઈ. માટે  એમનાં બાળકોના શિક્ષણની એમને કઈંજ પડી નથી ! – આવું પહેલાં આપણે જે વાલીઓ માટે બોલતા હતા. તે વાલીઓના આંગણમાં જઈએ ત્યારે તેઓના ચિંતાતુર ચહેરાનો એક જ સવાલ આવતો સાહેબ આ બાળકોના ભણવાનું શું થશે ? આવા સવાલો સાંભળી સમજાય છે કે આ વાલીને પહેલાં પોતાના બાળકના શિક્ષણની ચિંતા એટલે નહોતી - કારણ કે તે માટે તે શાળા ભરોશે હતો.

બાળકોના શિક્ષણ અંગે બાળકો સાથે રોજ વાર્તાલાપ કરી શકાય અને બાળકોને રોજેરોજ શિક્ષણ અંગેનું વિચારવાનું, સમજવાનું, ઉકેલવાનું થાય એવું કામ મળી રહે તેવા આશય સાથે શાળાએ વૉટ્સઅપ હોમવર્ક અને ઓનલાઈન ડિસક્સન શરૂ કર્યું. જે બાળકો સુવિધાથી વંચિત છે તેઓ માટે રૂબરૂ મુલાકાત અને ટેલિફોનિક વાતચીતનું આયોજન કર્યું. જેટલીવાર એ બાળકોની મુલાકાત માટે તેમના ઘરે જઈએ, શિક્ષક તરીકેનો જીવ બળી જાય કે તેઓ માટે શાળાની ટેકનોલોજી નકામી સાબિત થઇ રહી છે. આવા બળતાં  જીવો વચ્ચેની દિવાળી માં એક આશાની રીંગ વાગી..

હેલો સાહેબ ___ બોલુ , મારા આ નંબર પર હવે પેલું વોટસ અપ લેસન મોકલજો

એના અવાજમાં જે ઉમળકો હતો.. એ સાંભળીને અમારે મન તો એ જ દિવસે જાણે ફરી દિવાળી !

November 29, 2020

બાળકો - કેમેરા અને શ્રમનું ગૌરવ !

બાળકો -  કેમેરા અને શ્રમનું ગૌરવ !

બાળકોમાં રહેલા કૌશલ્યોને ઓળખવા એ શિક્ષકનું મુખ્ય કામ છે. એટલે જ તો બાળકોના ઝવેરી તરીકે પણ સમાજમાં શિક્ષકને સન્માનવામાં આવે છે. જે શિક્ષક બાળકના કૌશલ્યને ઓળખી શકે છે તે શિક્ષક જ પોતાની મહેનતનું પૂરું પરિણામ મેળવી શકે છે. ભણવાની પ્રક્રિયામાં ટોક અને ચોક નો જ ઉપયોગ કરી મોટાભાગના આપણા મિત્રોએ તેને કંટાળાજનક બનાવી દીધી છે. જે વ્યક્તિ કે વસ્તુમાંથી કંટાળો મળતો હોય  તેમાં નફો કે ફાયદો ગમે તેટલો હોય આપણે સૌ તેનાથી દુર ભાગતાં હોઈ છીએ. તો એવામાં બાળકો પણ ભણવાથી ભાગી રહ્યાં હોય એ સ્વાભાવિક છે. એમાં બદલાવ આપણે સૌએ એમની સ્કીલ અને એ મુજબનું એમને કામ સોંપીને લાવી શકાય છે.

બાળકોને રસીક કામ સોંપવું અથવા તો સોંપવામાં આવનાર કાર્ય જો અનિવાર્ય જ હોય પરંતુ તેના માટે કંટાળાજનક લાગે તેવું હોય તેમાં બાળકોને ગમતું ઉમેરવું જોઈએ. તો જ આપણે ધારીએ છીએ તેવું બાળકો મજાથી કરી લે. કેટલીકવાર બાળકોને ગમતી પ્રવૃત્તિઓમાં આપણો પ્રત્યક્ષ શિક્ષણ અંગેનો આગ્રહ જ બાળકમાં “આ તો ભણવાનું છે” – એવી લાગણીઓ બનાવી પેદા કરી દે છે. અને બાળકોને મન તો ભણવું એટલે શું ? એતો આપણે સૌ જાણીએ જ છીએ.

ફોટોગ્રાફી સ્પર્ધા માટેનો પત્ર મળતાં જ લાગ્યું કે બાળકો માટે તો આ મજા આવે એવી પ્રવૃત્તિ છે. ઘરમાં નવો મોબાઈલ આવ્યો કે તરત ઘરનું બાળક પહેલાં કેમેરો ખોલી સેલ્ફી કે ફોટો પાડી કેમેરા ક્વોલીટી  ચેક કરતાં હોય છે. સ્પર્ધામાં બાળકો માટે ફોટો પાડવા માટેનો ઉત્સાહ હતો , તો શાળા પરિવાર માટે ફોટોગ્રાફીનો  વિષય “શ્રમનું ગૌરવ”  એ ઉત્સાહ વધારનાર પરિબળ હતું. બાળકોને હમેશાં વાતો અને વાર્તાઓ વડે આપણે વર્ગખંડમાં શ્રમ વિશે સમજાવતાં હતાં. એ હવે બાળકો જાતે જ સમજે. મજાની વાત તો એ હતી કે આવી પ્રવૃત્તિ વડે બાળકો વધુ સ્પષ્ટતા સાથે સમજી શક્યા કે પોતાની બા ભેંસને પાણી પીવડાવે છે, પપ્પા પોતાના વ્યવસાય માટે તૈયારીઓ કરી રહ્યા છે, મમ્મી રોટલી માટે અનાજ સફાઈ કરી રહી છે, ભાઈ ખેતરમાં મદદ કરી રહ્યો છે, ફેરિયો સાઇકલ પર સામાન સાથે જઈ રહ્યો છે, આ બધો જ શ્રમ છે. દરેક વ્યક્તિ કોઈનેકોઈ પ્રકારે શ્રમ કરી રહ્યો છે. તે તો તેમની મોકલાવેલી ક્લિક્સ પરથી એમને અને અમને સમજાયું જ ! પરંતુ સાથે અમે ઓનલાઈન ક્લાસમાં ચર્ચા દરમ્યાન એ પણ જોડ્યું કે દરેક વ્યક્તિનો શ્રમ સમાજ માટે કેવી રીતે મહત્વનો છે, અને તેના વડે જ સામાજિક ઉપયીગીતા ચક્રની જેમ કેવીરીતે ચાલતી હોય છે !

ચાલો, ભલે બાળકો એ શ્રમને લેન્સની નજરે જોયો હશે અને ક્લિક કરી હશે પરંતુ એ એટલું તો સમજી જ ગયાં હશે કે મારા પોતાની માટે આસપાસના સૌ શ્રમ કરી રહ્યા છે. આ જોઇને તે પોતે પણ પોતાનું યોગદાન આપવા તત્પર બનશે જ તેવી અમને તો આશા છે જ ! ત્યાં સુધી ચાલો તેમની ક્લિક્સ ને માણીએ..






November 14, 2020

“ટીચ_વા કરતાં શીખવાના પ્રયત્નો કરીએ.”

ટીચ_વા કરતાં શીખવાના પ્રયત્નો કરીએ.”

જ્યારે મોહનદાસે ચોરીની કબૂલાત કરતી ચિઠ્ઠી પોતાના પિતાને આપી હતી એ સમયે તેમના પિતાએ તેમને તમાચો માર્યો હોત તો ?” તો ભારતને કે દુનિયાને કોઈ ફરક પડયો હોત ?

થોડીવાર વાંચવાનું બંધ કરી આ વિશે વિચારી જુઓ...

તમારા મનમાં એક જવાબ બનાવી જુઓ.

એ સમયે  શારીરિક શિક્ષા આપીને કરમચંદભાઈએ શોર્ટકટ અપનાવ્યો હોત તો ! - આપણને ગાંધી ના મળ્યા હોતસરદાર, ધ્રુવ ભટ્ટ, ઓશો રજનીશના બચપણ વિશે વાંચીએ/જાણીએ (આ નામ તો એટલે આપું છું કે તે બધા પ્રખ્યાત છે.) ત્યારે સમજાય કે માણસનું વલણ ઘડતર તેના બચપણમાં જ થઈ જાય છે.

બાળકને જન્મ આપવાનું કાર્ય સમાજ જેટલી ગંભીરતાથી લે છે એનાથી એક ટકા જેટલી ય કાળજી બાલઉછેરની લેવાતી નથીબાકીના બધા સજીવો કરતાં માણસ આ જ રીતે  જુદો પડે છે. બાકીના બધા સજીવો પોતાની રીતે  પોતાના બચ્ચાને તેની શક્તિ અનુસાર ખિલવવાનું કામ કરે છે.

    તમે એવું અવલોકન કર્યું છે કે એક કૂતરો પોતાના બચ્ચાને એટલા માટે લડતો હોય કે, “જો આ બાજુના ફળિયાવાળા  કાળુંકાકાનો ગલું તો તારાથી એક મહિનો નાનો છે તોય ભસતો થઈ ગયો !” ના - આપણા કરતાં તેઓ પોતાના બચ્ચાને કેવી રીતે ઉછેરવા તે બરાબર સમજે છે. તેઓ તેને શિખવામાં સહાયક થાય છે. આપણે માણસો કાંતો ખૂબ કાળજી લઈએ કાંતો સાવ ન લઈએ. બંને બાબતોમાં આપણી સ્વાર્થવૃત્તિ જ હોય છે. આપણે આપણને અનુકૂળ લાગે ત્યારે કાળજી લેવા માંડીએ અને જ્યારે આપણને અનુકૂળ ના હોય તો બાળકને તેના હાલ પર છોડી દઈએ. આપણે આપણાં બાળકમાં આપણાં અધૂરાં સપનાં ઉછેરવા માંગીએ છીએ.. તેના માટે ભલે તેનાં બધાં સપનાં ચકનાચૂર થઈ જવાના હોય તો થઈ જાય.

અધૂરામાં પૂરું માણસોએ તો પછી શાળાઓ ખોલી. થોડું ઘણું ઘરમાં મા અને બાપે બાકી રાખ્યું હોત તે બધુ શાળામાં આપણાં જેવા શિક્ષકો પૂરું કરે.

બાળકોને શીખતા કરવા દેવાને બદલે તેમને શીખવાડી જ દેવાનું વલણ આપણે અપનાવી લીધું. ને ઘરમાં માતા પિતાએ શાળાએ તેનામાં શું ભર્યું છે તે ચકાસવાનુ કામ ઉપાડી લીધું.

અને આ વાત હજુ આપણી સામે છે. હજુ ય કેટલાય બાળકોને શારીરિક અથવા માનસિક રીતે ટીચ_વામાં આવે છે.

ઉકેલ શું છે ? ઉકેલ આપણી નજીક છે.

જેને માત્ર ગુજરાતનાં કે ભારતના નહીં વિશ્વભરના માતાપિતાઓ માટે દાખલો બેસાડયો તેને ગુજરાતીમાં એટલું લખ્યું છે કે દરેક શિક્ષક અને માતાપિતા માટે ગાઈડ બની જાય. પણ આપણી સાથે સામાન્ય રીતે થાય છે તેમ અહિયાં જીવી ગયેલા માણસની ઓળખ આપણને બહારના વ્યક્તિથી થાય એમ ગુજરાત હજુ ગિજુભાઈની ઓળખ કોઈક આપવા આવે તેની રાહ જુએ છે.

વકીલાતનો વ્યવસાય છોડીને બાળકોને ભણાવવાનું શરૂ કરવું. ને તે ય નાના બાળકોને ભણાવવાનું કામ શરૂ કરવું. એ આજે ય આપણને અશક્ય લાગે તેવી વાત છે. ઇન્ટરનેટ પર ગિજુભાઈ વિષે ઓછું છે પણ જેટલું છે એટલું વાંચશો  તોય તમને સાચું નહીં લાગે. - આવું કોણ કરે ? જે યુગમાં સોટી વાગે સમસમ જ શિક્ષણનો મંત્ર ગણાતો હતો ત્યારે તેમની સાથે રમતો રમી, ગીતો ગવડાવી, વાર્તાઓ કહી શિખવવાનું શરૂ કરનાર ખરેખર હશે ? અથવા તેઓ સાચે જ એમ કરી શકયા હશે ! નવાઈ કરતાં વધુ - “હોતું હશે ! - આમ તે કોઈ કરતું હશે !” એવી લાગણી વધુ થશે.

કારણકે હજુ ય આપણે વિષયો ભણાવી દેવાના મૂડ અને મોડમાં છીએ. હજુય આપણે ઘરમાં કે શાળામાં આવતી મુશ્કેલીઓને ‘ઉપલા અધિકારી સમજતા નથી’ કે ‘બાળકો સમજતા નથી’. એમ નીચે કે ઉપર ઉલાળી દઈએ છીએ. જરૂર છે - ગિજુભાઈની જેમ શાળાને માહિતી ભરવાનું કારખાનું બનાવી દેવાના બદલે પ્રયોગશાળા બનાવવાની. ગિજુભાઈ એકલા જ હતા ને સિસ્ટમ પણ એ જ હતી - છતાં તેમને જે સાચું લાગ્યું તે તેમને વિચાર્યું, વલોણું કર્યું, નવનીત વહેંચ્યુ.

ભારતના ચોપડે નોંધાયેલા બાળદિનના બીજા દિવસે ગિજુભાઈના જન્મદિને શાળાએ ફરી બાળકો ટિચાય નહીં તે માટે પ્રયત્ન કરતાં રહેવાનો નિર્ધાર કર્યો.

ગિજુભાઈને જાણીએ અને થાય એટલા અમલમાં મૂકીએ એ આજના યુગની જરૂરિયાત છે. બચાપણમાં મળેલી એ બધી લાગણીઓની સરવાણી જ ભવિષ્યમાં દરિયો છલકાવશે.

ચાલો, સાથે સાથે ગતવર્ષની વાત પણ યાદ કરી લઈએ > વાંચો >>>  ગીજુભાઈ