November 14, 2019

એમના “દિવાસ્વપ્ન” ને સાચું પાડીએ !


એમના “દિવાસ્વપ્ન” ને સાચું પાડીએ !

એક સો પાંત્રીસ વર્ષ પહેલા એક વ્યક્તિએ જે બાબતો પર વિચાર કર્યો હતો, એ વાતો આજે વાંચીએતો થાય કે, “ઓહો ! આટલી બધી બદલાઈ ગયેલી દુનિયામાં એક બાબત જે નથી બદલાઈ એ છે –મોટેરાંઓનો બાળકો પ્રત્યેનો અભિગમ !” હજુ પણ બાળકોને નગણ્ય ગણવાનો આપણો અભિગમ નોટ આઉટ છે.
તેમણેશીખવા જેવી રસપ્રદ ઘટનાને બાળકો પર બોજો ના બનવા દેવી હોય તો શું કરવું એ માટેના અઢળક પ્રયત્નો કર્યા. વ્યવસાયે વકીલ હતા. હાઈકોર્ટમાંપ્રેકટીસ હતી. તે છોડી જાતે બાળકોને શીખવવામાં લાગ્યા. પોતે જે માનતા હતા તે અજમાવી જોયું. પોતાના અનુભવોને બધા સુધી વહેચવા માટે પુસ્તકો લખ્યા. પોતે શીખવવાનું શરૂ કર્યું પછી પોતે કેવી રીતે શીખ્યા એ વાતોની નોંધ કરી. બાળકો સુધી આપણી લોકવાર્તાઓપહોંચે તે માટે  એકડે એકથી વાર્તાઓ લખી. “સોટી મારે તો જ બાળકો શીખે એમાન્યતાવાળા જમાનામાં તેમણે માથે હાથ ફેરવી શીખતા કરવાના રસ્તા બતાવ્યા. જે સમયમાં માનવામાં આવતું (અથવા હજુ પણ માનવામાં આવે છે !?) બાળકોને જરા ધમકાવીને જ રાખવાના હોય ત્યારે તેમને બાળકો સાથે સંવાદ કરતા શીખવ્યું.
આ બધું કર્યા પછી આજે એ વ્યક્તિનું કે તેમના વિચારોનું કોઈ મહત્વ છે ખરું ? શું પ્રશ્નો પૂરા થઇ ગયા ? કદાચ બાળકોને લગતા પ્રશ્નો પહેલા કરતા વધુ ગંભીર છે. નાના બાળકો વધુ જીદ્દી થઇ રહ્યા છે. ટી.વી., મોબાઈલ અને કોમ્પ્યુટરની લત એવી વકરી છે કે કેટલાક બાળકો માટે પોતાનું ભોજન, માતા પિતા, મિત્રો કે મેદાનની રમત કરતાં એક ખૂણામાં બેસીમોબાઈલમાંગેમ રમવાનું વધુ પસંદ આવે છે. કેટલાક કિસ્સાઓમાં તો તેઓ શાળામાં જવાના બદલે એ ડીજીટલ જેલમાં પુરાઈ રહેવાનું પસંદ કરવા લાગ્યા છે. માતા પિતા પણ તેમના આ વર્તનથી દુઃખી થવા અને ગુસ્સો કરવા સિવાયના વિકલ્પ વિષે વિચારતા નથી. તેમણે સમજાતું નથી કે આ બાળકો સાથે શું કરીએ ?
આ પ્રશ્નોનો જવાબ છે “ગીજુભાઈ”
બાળકોને વાર્તા જોઇશે જ. – બાળકોને જ શું કામ આપણે પણ વાર્તા જોઈએ છે. મૂવી જોવી ગમે છે, રાજકારણની અવનવી વાતો કરવી/સાંભળવી ગમે છે, કોઈકની ખુદણીકરવી ગમે છે –કારણકે આપણે પણ વાર્તા જોઇએ છે. એ જ્યાંથી મળવી સહેલી લાગે ત્યાંથી આપણે મેળવી લઇએ છીએ. બાળકોને આપણે સમય નથી આપતા અને મોબાઇલ આપી દઈએ છીએ...અને તે આપણું સંતાન મટી મોબાઈલ અથવા ટી.વી.નું સંતાન બનતું જાય છે.
આવા, આપણા સવાલોના જવાબ સમાગીજુભાઈને તેમના જન્મદિવસે યાદ કરવા માટે શાળાએ નાનકડો પ્રયાસ કર્યો. ફેસબુક,ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ પર #ગીજુભાઈ લખી તેમના વિષે લખવાનું આહવાન કર્યું. ઘણા બધા મિત્રોએ તે દિવસે તેમના યોગદાનને યાદ કર્યું. તેનાથી કદાચ જેઓ તેમના વિષે જાણતા નહિ હોય તેઓ જાણતા થયા હશે. આ સાથે જ તેમની એમ.પી.૩ સ્વરૂપમાં મળેલી વાર્તાઓનેયુટ્યુબ ચેનલ પર મૂકી.
ઈન્ટરનેટની આ શક્તિશાળી તલવાર જો યોગ્ય કામમાં વાપરતા શીખી જઈએ અને શીખવી દઈએ તો એ કામની છે. આ લેખ વડે આપ સૌને ફરી અપીલ છે કે આપ પણ અમને તમારા ગીજુભાઈવિશેના લેખ મોકલશોતો અમે તેને સૌ સાથે વહેચીશું.
ગીજુભાઈ જેવડું આપણું “ગજુ” નથી, પણ આ ગમતું મળ્યું તે ગુંજેભરવાના બદલે ગુલાલ કરીએ. 

No comments: