સ્વાનુભવશાળા
જ વિજ્ઞાનનું ખરું શિક્ષણ
આપણી આસપાસ પર્યાવરણ વીંટળાયેલું છે. હવે તેને જો વધારે અપડેટેડ વાક્યમાં કહીએ તો આપણી આસપાસ વિજ્ઞાન પણ એટલી ગાઢ રીતે સમાયેલું છે કે હવા ક્યાં ક્યાં છે? આવા પ્રશ્ન સમયની મુંઝવણની જેમ આપણી સર્વ સામાન્ય મૂંઝવણ એ છે કે જયારે વિજ્ઞાન ક્યાં ક્યાં છે ? એવો પ્રશ્ન પુછાય ત્યારે જ તેને શોધવા અથવા તો દેખવાની ‘નજર’ આંખો પર ચઢાવીએ છીએ. આનો અર્થ એ જ થાય છે કે જેમ આપણે હવા સાથે એકાકાર થઇ ગયાં છીએ તેવું જ વિજ્ઞાનમાં બન્યું છે ! વિજ્ઞાન વિના હવે જીવન શક્ય નથી. આવું એટલા માટે કહીએ છીએ કે જો તમે સવારથી સાંજ સુધી એટલી વસ્તુઓનો ઉપયોગ બંધ કરી જુઓ કે જેમાં વિજ્ઞાનને આભારી છે તો તમે જાણે દુનિયાથી પર અને જીવ્યા જ ન હોવ તેવું અનુભવાશે. આપણા રોજીંદા જીવનમાં સરળતાથી થઇ શકતી કેટલીય પ્રક્રિયાઓ તે દિવસે એટલી બધી કઠિનાઈનો અનુભવ કરાવશે કે સાંજ પડતાં જ બોલી જવાય “આના કરતાં તો જીવન ન હોય એ સારું.” એટલે જ હવે તો એવું લાગવા લાગ્યું છે કે જાણે વિજ્ઞાન જ આપણને જીવડાવે છે અથવા જીવતાં હોવાનો અહેસાસ કરાવે છે. માટે પ્રાથમિક શાળાઓમાં હવે આવા સુત્રો વાપરવાનો સમય આવી ગયો છે કે “વિના વિજ્ઞાન, નહિ ઉદ્ધાર”.

શાળાઓમાં વિજ્ઞાન વિષય એને હવે ત્રીજો ચોથો કે પાંચમો વિષય ગણવાને બદલે બોલવું- વાંચવું-ગણવું-જાણવું-અનુભવવું ક્રમશઃ આ બાબતો ભાર આપવો પડશે. બાળકો જીજ્ઞાસાવૃત્તિથી સભર હોય છે - બાળકો માટે નથી કહેવાયું. આ બાબત દરેક ઉંમરની વ્યક્તિ માટે લાગુ પડે છે. દડા પાછળ કુતૂહલવશ દોડતા કુતરાને જોઈએ ત્યારે એવું લાગે કે આ વાત તો કદાચ બધા જીવને લાગુ પડતી હશે. [ જો કે આ બાબતમાં આમારો દાવો નથી 😊] કુતુહલતાનો એ ગુણ જ બાળકને વિજ્ઞાન વિષય સમયે વર્ગખંડમાં રહેવા પ્રેરિત કરતો હોય છે. તેમાંય જ બાળકને જો સ્વાનુભવ કરવા મળે તો આનંદ જ આનંદ.. સ્વાનુભવ એટલા માટે કે નિદર્શન અને સ્વાનુભવમાં ઘણો ફેર છે. બગીચાને દુરથી જોવો એ નિદર્શન છે અને બગીચામાં જઈ ટહેલવું એ સ્વાનુભવ છે. જેમ કોઈને હિમાલયના દૂર- દર્શન કરાવવાથી તેની શીતળતા નો અહેસાસ આપી શકાતો નથી તેવું જ વિજ્ઞાનનું છે એટલે જ ઘણા વર્ષ પહેલાં પણ બ્લોગ પર વાત કરી હતી કે પ્રયોગશાળા નહિ સ્વાનુભવશાળા જ વિજ્ઞાનનું ખરું શિક્ષણ છે. વિજ્ઞાન દિને શાળાના ગ્રીન હોલમાં વિજ્ઞાન શિક્ષકો અને બાળકો ધ્વારા ઉભી કરેલ સ્વાનુભવ શાળાનો વર્ચ્યુઅલ સ્વાનુભવ કરીએ....


No comments:
Post a Comment