March 01, 2020

દરેક શિક્ષકનું સ્વપ્ન શું હોય ?



દરેક શિક્ષકનું સ્વપ્ન શું હોય ?
મારા ધોરણનાં બધાં જ બાળકો ખૂબ હોંશિયાર બની જાય. – આ સ્વપ્ન દરેક શિક્ષકનું હોય છે. તે પછી ખૂબ મહેનત કરતાં શિક્ષક હોય કે કામ કરવામાં આળસુ. બાળકો તરત જ બધુ શીખી જાય - જે આપણે ભણાવીએ છીએ. એવો ખુબ આગ્રહ આપણા સૌનો રહેલો છે. હવે વર્ગખંડ રૂપી મેદાનમાંના બીજા પક્ષની વાત કરું. સાહેબ મને ભણાવે તે બધું જ આવડી જાય. – આ સ્વપ્ન પણ દરેક વિદ્યાર્થીનું હોય છે. તે વર્ગખંડ પ્રક્રિયામાં ખુબ ધ્યાન આપતો વિદ્યાર્થી હોય કે પછી ભણવામાં આળસુ વિદ્યાર્થી હોય. હોંશિયાર -ચતુર બનવું એ સૌ બાળકોનું સ્વપ્ન છે. જો આ રીતે જોવા જઈએ તો બંને પક્ષે સામ્યતા એ છે કે શિક્ષક પક્ષે બાળકોને બધું જ શીખવવાનું અને બાળક પક્ષે પણ બધાં હોંશિયાર કહે તેવું બની જવાની તલપ છે જ. જેમાં એકબીજા પર ન શીખવી શકવાના કે ન શીખવાની ભૂખ હોવાના આક્ષેપો થતાં રહે છે. તો પછી કોમ્યુનિકેશન ગેપ છે ક્યાં?   બાળકોને શીખવું છે – શિક્ષકે શીખવવું છે.
હવે આવીએ બીજા સ્ટેપ પર. શું જે બાળકો આપણી વર્ગખંડ પ્રક્રિયામાં રસરૂચી પૂર્વક ભાગ લે છે તે બાળકો ખુબ સરસ રીતે શીખે છે કે નહિ ? આપણા અનુભવો આપણને હકારમાં જ માથું હલાવવાનો ઈશારો કરશે. તો એ મુજબ નિષ્કર્ષ એ પણ હોઈ શકે કે જે બાળકો નીરસતા દાખવે છે તે બાળકો નથી શીખી શકતાં. ઘણીવાર તો એવું બને કે બાળકને તે નીરસતા ઘરે રહેવા પ્રેરિત કરતી હોય છે. પરિણામે ઘરે કામમાં મદદ કરવાના બહાને શાળામાંથી મુક્તિ માટેના રસ્તા શોધવામાં લાગી જતાં હોય છે. તેવા સમયે જો આપણા વર્ગખંડોમાંના વર્તાવમાં જે તે બાળકોની વ્યક્તિગત રસીકતાનો સમાવાયેલ પ્રક્રિયાનો અમલ ન કરવામાં આવે તો પછી બાળક પહેલા અભ્યાસિક પ્રક્રિયામાંથી....ધીમેધીમે વર્ગખંડમાંથી અને પછી ધીમે ધીમે શાળા કેમ્પસમાંથી અદ્રશ્ય થઇ જતું હોય છે.  આ બાજુ બાળકની શાળા પ્રત્યેની નીરસતાને ધ્યાને લઇ વાલી પણ કેટલીકવાર વ્યવસાયિક  જરૂરિયાત કે પછી પોતાના બાળકના શિક્ષણ અંગેની આશાઓમાં કઈ ઉમેરો ન દેખાતાં શાળાએ ન મોકલવાનો પક્ષધર બની જાય છે. આવામાં હવે શું કરી શકાય? એવું જયારે પુછાય ત્યારે આ વિચારવું કે...
·        જયારે મુવી બોરિંગ લાગે ત્યારે રસપ્રદ બનાવવા કોણે પ્રયત્ન કરવો પડે છે?
·        જયારે કોઈ પ્રોગામમાં તમે પ્રેક્ષક તરીકે ગયા છો અને બોરિંગ વક્તવ્ય ચાલી રહ્યું છે તો તમને રસ જગાડવા કોણે અને શું કરવું જોઈએ?
·        જે હોટલમાં તમારી અનુકુળતા મુજબ અને સ્વાદ મુજબ જમવાનું ન મળે તો ?
જો ઉપરોક્ત બાબતોમાં આપણે દર્શક, પ્રેક્ષક કે ગ્રાહક ને બદલે ઓર્ગેનાઈઝરે બદલાવ લાવવો જોઈએ એવી અપેક્ષા રાખતાં હોઈએ તો પછી વર્ગખંડોમાં પણ આ જ નિયમને લાગુ પાડવો પડશે. વિચારો આપણા વર્ગખંડમાં બધા બાળકોને ગમતું વર્ગખંડનું કાર્ય કેવી રીતે ઉભું કરી શકાય?

No comments: