📣📣 એક જોક.. પરંતુ
વિચાર માગી લે તેવો !
એક પરિવાર પોતાના બેભાન થઇ ગયેલ સભ્યને દોડતું દોડતું
ચિંતાતુર સ્થિતિમાં દવાખાને લઇ ગયું અને ડોક્ટરને તાત્કાલિક સારવાર કરવા
આજીજીપૂર્વક કહેવા લાગ્યું. ડોક્ટર, કે જે પોતાની જ મસ્તીમાં મસ્ત પરિવારની
ચિંતાને જાણે કે કંઈજ નથીની મુદ્રાએ દર્દીની છાતી પર બે ચાર જગ્યાએ સ્ટેથોસ્કોપ
વડે તપાસી નિર્દયભાવે કહ્યું “તમે સૌ મોડા પડ્યા. તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું
છે. હવે આનો કોઈ જ ઈલાજ શક્ય નથી. દર્દીના હદયની સહેજ પણ ધડકન સંભળાતી નથી.” -
ત્યાં જ એક પરિવારના સભ્યએ ગુસ્સેથી કહ્યું “ડોકટર, તમે સ્ટેથોસ્કોપ કાનની નીચે
ભરાવેલો છે, તો પછી ક્યાંથી સંભળાય, કાનમાં નાખો તો સંભળાય ને!?
કહેવા માટે જોક છે પણ, આપણા વર્ગખંડમાં કેટલીકવાર આવી સામ્યતા ધરાવતી બાબતો જોઈ શકાય
છે. “આ બાળક તો સમજતું નથી” “ આ બાળકને તો
આવડતું જ નથી ” - “આ બાળકને તો ભણવામાં રસ
નથી” આવા બેજવાબદાર શૈક્ષણિક બુલેટીન /
નિદાન કર્યા વિના જ ઉપરના જોક જેવા ડોકટરની જેમ એક જ બાજુના સ્ટેથોસ્કોપ વડે ચેક
કરી તે બાળકોનું રીપોર્ટ કાર્ડ પરિવાર સામે ધરી દઈએ છીએ . જેમ પેલા ડોક્ટરને સહેજ
પણ ચમકારો નથી આવતો કે શ્વાસ ચાલુ છે એટલે ધડકન ચાલુ તો હશે જ ! જરૂર મારા
તપાસવામાં જ કંઇક ભૂલ લાગે છે. તેમ આપણે
પણ ક્યારેય બાળકો પ્રત્યેના રીપોર્ટનું રી-રીપોર્ટીંગ કર્યું ખરું ? આ બાળક તો
સમજતું જ નથી – એવું જાહેર કરતાં પહેલાં એવો વિચાર આવ્યો ખરો કે તે બીજી ઘણી બાબતો
સમજે છે એટલે, આ બાબત ખરેખર તે સમજતું નથી કે શિક્ષક તરીકે આપણે સમજાવી શકતાં નથી
? તેને આવડતું નથી કે તેને આવડે તે રીતે આપણે
શીખવી શકતાં નથી ? તેને રસ નથી કે પછી તેના રસરુચી મુજબનું કરાવી શકતાં નથી
? આપણા તરફની આવી બધી બાબતો આપણે ખરેખર તો પેલા સ્ટેથોસ્કોપના બીજા છેડાની જેમ ચેક
કરવી જ રહી નહિ તો વર્ગખંડના ધબકારા એવા આપણાં બાળકોની ધડકન આપણને ક્યારેય નહિ
સંભળાય !
ઉપરના જોક્સ જેવા
ડોક્ટર હોય તો પરિવારને એક સભ્ય ગુમાવવાનો વારો આવે. પરંતુ જો એ ડોક્ટર જેવા
શિક્ષક મળી જાય અને આવું બેજવાબદાર ભૂલભર્યું નિદાન કરે તો ? તો તે પરિવારને જાણે
કે એક પેઢી ગુમાવવાનો વારો આવે !
ચાલો ફરીથી
એ બાળકો માટેની મહેનતમાં આપણે લાગી પડીએ જે બાળકો માટે આપણે જાણેઅજાણે આવા
નકારાત્મક રીપોર્ટ જાહેર કરી દીધાં છે !