આપણા
મોટાભાગના મિત્રો બાળકોને ભગવાનની જેમ માને છે,
પણ....કેવી રીતે ખબર છે....???
માણસનું
મન ચંચળ તો છે જ પણ સાથેસાથે એક એવા સ્વભાવવાળું છે કે જે સ્વભાવવાળું આપણું વર્તન જોઈ ભગવાનની પણ આંખો પહોળી અને કપાળ કરચલીગ્રસ્ત
બની જતા હશે ! મોટેભાગે માણસનો સ્વભાવ જ એવો પડ્યો છે
કે જ્યારે પણ પોતાનું કોઈ મોટું અને મુશ્કેલ કામ પાર પડી જાય [સફળતા મેળવે] તો તે
તરત જ તેનો જશ પોતાને મળે તે માટેના દાવા કરવા લાગી જાય છે; જેમ કે આ કામ
હતું તો મુશ્કેલ,પણ મેં આવો નિર્ણય કર્યો-મેં આવી બુદ્ધિ વાપરી-મેં આવું કર્યું-તેવું કર્યું વગેરે.....[ અને ખોટું પણ નહી હોય,કદાચ તેના પ્રયત્નોથી તે કામમાં તે સફળ પણ થયા હશે..] પણ જ્યારે તે ‘મોટા અને મુશ્કેલ’
કામમાં કોઈક કારણસર નિષ્ફળતા મળે
તો...તો ..પહેલું તો આવી બને તે કામમાં જોડાયેલ અન્ય
લોકોનું ! તેમના ઉપર તે કામ નિષ્ફળ થવા માટેના
જવાબદારી થોપવા માટેના કારણોનો વરસાદ અને
જો કોઈ જ કારણ ન મળે તો બિચારા ભગવાન તો છે જ ને ! એટલે કે ભગવાનને ગમ્યું તે ખરું! જાણે ભગવાને તેનું કામ નિષ્ફળ બનાવવા માટે ખાસ
રસ દાખવ્યો હોય ! પછી તમે જ વિચારો કે આવું સાંભળ્યા પછી
ભગવાનની પણ આંખો પહોળી અને કપાળ કરચલીગ્રસ્ત ન બની જાય ?
આવું જ ઘણીવાર આપણી શાળામાં/વર્ગખંડમાં બંને છે. શાળામાં/વર્ગખંડમાં આપણું કામ હોય છે એવું
શૈક્ષણિક કાર્ય કરવાનું કે જેથી બાળકો સરળતાથી, આનંદમય અને અસરકારક રીતે શીખી શકે, એટલે કે પરિણામ લક્ષી શિક્ષણકાર્ય. આ કામ શિક્ષક [આપણા] માટે આમ તો ખૂબ જ અઘરૂ(!) હોય છે, તે માટે આપણે બધા ખૂબ જ મહેનત પણ કરતા હોઈએ છીએ
અને આપણા વર્ગખંડમાં મોટાભાગના બાળકોના કિસ્સામાં આપણે સફળ પણ થતા હોઈએ છીએ. કોઈ વખત વર્ગખંડની ચકાસણી આવી સફળતા [૮૦% પરિણામ] આપણને જ્યારે મળે આપણે પોતે કરેલ પ્રયત્નો, પોતે અપનાવેલ શિક્ષણ પદ્ધતિ વગેરે વિશેની ચર્ચા
શરૂ કરી દઈએ છીએ, એટલે કે ૮૦% પરિણામ મેળવવા માટેનો જશ પોતે લેવાનું શરૂ કરી
દઈએ છીએ.[સાથે-સાથે હું કહું છું કે જશ લેવામાં કંઈ જ ખોટું
નથી] પણ આપણી શિક્ષણ પદ્ધત્તિ અને આપણી
પ્રયુક્તિઓને ન સમજી શકનાર બાકીના ૨૦% બાળકોની જ્યારે વાત આવે છે ત્યારે આપણે આપણી તે
૨૦% બાળકોને અનુરૂપ પદ્ધત્તિઓ, પ્રવૃત્તિઓનો
સ્વિકાર કરવાને બદલે દોષના ટોપલામાંથી એક-એક કારણ તે બાળકો પર ફેંકવા લાગીએ છીએ અને તે સમયે શિક્ષકશ્રી અને તેમની
શિક્ષણ પદ્ધતિને ન સમજી શકનાર તે ૨૦% બાળકોની આંખો અને કપાળ ઉપર જણાવેલ ભગવાન જેવા જ થઇ જાય છે - જાણે આપણને કહેતાં હોય કે - અરે સાહેબ , આ તો તમારી આ શૈક્ષણિક પદ્ધતિ અમને ન સમજાયી, એટલે અમને ન આવડ્યું, બાકી અમે તો થોડા શીખવું નહિ એવું નક્કી કરીને બેઠયા હોઈશું ???
No comments:
Post a Comment