October 24, 2021

શેરીઓમાં..


શેરીઓમાં..  

પ્રવૃત્તિ વિના વર્ગખંડો શક્ય નથી. પરંતુ વર્ગખંડ વિના પ્રવૃત્તિઓ શક્ય છે. કોરોના કાળમાં અમે અનુભવેલ સત્ય આધારિત ઘટનાઓ પરથી કહી શક્યા છીએ.

શેરીમાં શાળા પહેલાં નવીન વાત હતી. શરૂઆતમાં પૂર્વાગ્રહી બની વિચારતાં કે શેરીમાં શૈક્ષણિક કાર્ય માટેનો અસંતોષ રહેશે. મહેનત તેટલું  ફળ મળશે નહીં. ભણવા માટેનું વાતાવરણ બનશે નહીં. શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટેના સાધનોની અગવડ વચ્ચે બાળકોને ભણાવવા કરતાંય ભણવાનું ભૂલી જાય તે જોવું રહ્યું. આવા તર્ક સંગત શરૂ થયેલ શિક્ષણ કાર્યને હવે શેરી શિક્ષણ કહેવું તેટલું સીમિત રહ્યું નથી. રોજેરોજના અનુભવો પછી બાળકો માટે હવે જાણે કે ઘરશાળા - ગામ - શેરી જેવુ અલગ અલગ કઈ રહ્યું નથી. અમને ખબર પડી જ્યારે અલગ અલગ પ્રકારના ફૂલમાંથી માળા બનાવવાની વાત પર્યાવરણમાં ચંદુભાઈએ કરી. શાળામાં પ્રવૃત્તિ કરાવતાં હતા ત્યારે તો બાળકો શાળા કેમ્પસ પૂરતી ફૂલોની શોધખોળ કરતા હતા. ગામમાં શેરીમાં પ્રવૃત્તિ કરવાની થતી હતી ત્યારે ફૂલ શોધવા કયા જવું મૂંઝવણ અમારી નકામી સાબિત થઈ. ફળીએ ફળીએ કોના ઘરે કયા ફૂલો મળશે શોધીપૂછી અલગ અલગ પ્રકારનો ઢગલો કરી નાખ્યો.

ભાવેશ દફતર લાવતો નથી. વિષય પ્રમાણે પુસ્તકો લઈ જે તે શિક્ષક પાસે શેરીમાં જતો રહે છે. કેમ કે તેના માટે તો પોતાની શેરી શાળા બની ગઈ છે. પ્રિતેશ ભણતાં ભણતાં ઘરે જઈ ખાઈ આવે છે. રંગોળી બનાવવા માટે વિચાર્યું ત્યારે પણ બાળકોએ આંગણું શોધવાની પળોજણ કરવાને બદલે શેરીમાં રસ્તો શણગારી દીધો. ભણવાની કે શીખવાની કે પછી પ્રવૃત્તિઓ કરવાની બાબતમાં શાળા શિક્ષણ કે શેરી શિક્ષણએમાં બાળકો કઇં ફર્ક નથી પડવા દીધો. હા, શેરી શિક્ષણથી એક ફરક જરૂર પડયો છે કે હવે શાળાની સીમાઓમાંથી બાળકો બહાર નીકળી ગયા છે. આજે તો આખું ગામ જાણે કે શાળા ભવન જેવુ બાળકોને લાગી રહ્યું છે, અને એટલે તો નિર્જલાનું કચ્છી ભરતવાળું ચિત્ર જોવા અને તેના વિશે તેને બોલતી સાંભળવા આખું ફળિયું ભેગું થાય છે. મેઘધનુષ્યના સાત રંગો વિશેની અદિતિની વાતમાં બધાં જોડાય છે. કુહૂ પુસ્તકમાં આપેલી સૂચના મુજબ બાળકોને વૃક્ષાસન કરતાં જોઈ આંગણાંમાં રમતાં ટેણિયા પણ જોડાય છે.

શાળા ઇચ્છતી હતી કે  વર્ગખંડોના વાડા તૂટે, પરંતુ અહીં તો શાળાઓની સીમાઓ પણ ઓગળી ગયેલી છે.”







વધુ ફોટોગ્રાફ્સ >   નવાનદીસર ફેસબુક