July 31, 2013

પીઅર લર્નિંગ.....



બાળક શીખે છે બાળક પાસેથી...... = પીઅર લર્નિંગ


                  આપણે આ અગાઉ પણ પીઅર લર્નિંગ વિષે ચર્ચા કરી છે.  આપણે કરેલી ઘણી મહેનત પછી પણ આપણે જે બાળકને નથી શીખવી શકતાં તેવા કેટલાક મુદ્દાઓ/એકમો માટે બાળકોને જો જોડી કે જૂથ કાર્ય સાથે યોગ્ય દેખરેખ અને માર્ગદર્શન આપવામાં આવે તો, જે તે બાળકો જે તે વિષય-વસ્તુને સરળતાથી શીખે છે. અત્યાર સુધી આપણે જયારે પીઅર લર્નિગની વાત કરતાં હતા ત્યારે આપણી વાત અને નજર પણ એક તરફી દોડતી હતી કે બાળક બાળક પાસેથી ઝડપથી શીખે છે.  હા, આજે ચર્ચાનો મુદ્દો અહિંથી રાબેતામુજબ ન જતાં થોડો પલટાય છે. એટલે કે બાળક બાળક પાસેથી ઝડપથી શીખે છે આ થઇ તેની એક બાજુ. જો હવે તેની બીજી બાજુની તરફ ધ્યાન દોરું તો બીજી બાજુ એ પણ છે કે- “બાળક બાળકને ઝડપથી શીખવે છે.  પીઅર લર્નિંગરૂપી સિક્કાની આ બાજુની ચર્ચા બહુ જ ઓછી થતી હોય છે.
એવા કયાં-કયાં કારણો હોય છે અથવા તો એવાં કયાં પરિબળો કામ કરતાં હોય છે કે, જે વિષયવસ્તુ આપણી સાથે શીખવામાં અઘરું/મુશ્કેલ લાગે છે, તે જ વિષયવસ્તુ /મુદ્દો પીઅર લર્નિંગ ધ્વારા એક બાળક બીજા બાળકને સહજતાથી શીખવી શકે છે ?
                  પીઅર લર્નિંગ આ બાજુનો આપણે આજ સુધી વિચાર કર્યો છે ખરો??? અને જો કર્યો હોય તો તે બાળકના પ્રયત્નો કરતાં આપણા પ્રયત્નોમાં શું અધૂરપ જણાઈ આવે છે, તે પણ એક જાણવાનો વિષય છે !

1.પીઅર લર્નિગ દરમ્યાન બાળકો વચ્ચેનું વાતાવરણ હળવાશ વાળું જણાય છે.

      2. બાળકો વચ્ચે એક તરફી નહિ પણ બંને તરફી સંવાદ જણાય છે,ક્યારેક તો એવા સંવાદો કે કોણ કોને શીખવે છે, તે જાણવા તમારે ત્યાં થોડીવાર વધારે ઉભું રહેવું પડે.

      3. પૂછનાર તરીકે સામે પોતાના જ મિત્રને જોઈ બાળક જવાબમાં પોતે ચોક્કસ ના હોવા છતાં એકવાર તો નિર્ભયતાથી જવાબ આપે ફેંકે છે  [બહુ જ નજીકથી પીઅર લર્નિગને  જોશો ત્યારે સમજાશે કે જવાબ આપે છેને બદલે જવાબ ફેંકે છેએમ શબ્દપ્રયોગ શા માટે વાપર્યો છે !] જયારે શિક્ષક અને બાળક બંને વચ્ચેની વાત આવે ત્યારે આવી મોકળાશ કોઇપણ કારણસર કેટલીક જગ્યાઓને બાદ કરતાં અદ્રશ્ય હોય છે. 

      4. બાળક બાળક વચ્ચે પરાનુંભુતીવધુ હોય ! એટલે કે શીખવનાર બાળક શીખનારની કક્ષાએ જઈ સમજાવવાનો અને શીખનાર બાળક શીખવનારની કક્ષાએ જઈ સમજવાનો પ્રયત્ન કરતો હોય છે.

     5.“બોલી”માં જયારે પ્રાદેશિકતા વધારે પડતી અસરદાર દેખાતી હોય અને શિક્ષક તરીકેનો આપણો અનુભવ ઓછો હોય ત્યાં કોઈ શબ્દના અર્થની સમજ માટે આપણે અજાણતાં જ કોઈ ચબરાક બાળકને કહીએ છીએ કે  “તું જ આ બધાને આનો અર્થ સમજાવને!!!”- ત્યારે આપણે સહેજ પણ જાણતા નથી હોતા કે આ જ તો છે પીઅર લર્નિગ...!!!  

                       મિત્રો, પીઅર લર્નિગ ની આપણી સમજની પણ કેટલીક મર્યાદાઓ રહેલી છે.જેમ કે, બધું જોડીમાં-જુથમાં આપી દો...બાળકો અંદરો અંદર સમજી લેશે ! કેટલાક તબક્કે અને કેટલાક સ્થળો એ ‘એવું’ પણ બને છતાં સામાન્ય રીતે જોઈએ તો – બાળક બાળક વચ્ચેની શૈક્ષણિક પ્રક્રિયાનો એક તબક્કો હોય છે !
Ü  આપણે શીખવાના ત્રણ તબક્કાઓ વિષે સમજયા છીએ.- 
૧. સંકલ્પના સ્પષ્ટીકરણ ૨. દ્રઢીકરણ ૩. સુદ્રઢીકરણ
Ü  આ પૈકી ઘણીવાર જાણે-અજાણે આપણે સંકલ્પના સમજાવવાનું કામ જોડીમાં સોપી દઈએ છીએ ! અને તે પણ મુદ્દો કયો છે - તેઓ જોડીમાં શું કાર્ય કરશે - તેનો વિચાર કર્યા વિના ! તેથી જેને સૌ વખાણે છે, તે પીઅર લર્નીંગ ફક્ત ઘોંઘાટ કરે છે,પરિણામ આપી શકતું નથી !
Ü  બીજું, જોડીમાં કાર્ય સોંપી દઈ આપણે આપણો હાથ પાછો ખેચી લઈએ છીએ...‘ચાલો, હાથ ખેચી લઈએ પણ નજર અને કાન નહિ !’ –દરેક જોડી-જૂથકાર્ય પછી..તેમની સાથે ચર્ચા કરી તેઓ શું શીખ્યા તેનું સમાપન કરાવવું અગત્યનું છે ! બાકી બાળકો માટે તો આ ‘ટેકનીક’ મજેદાર છે! જેટલી મર્યાદાઓ રહેશે તે આપણા આયોજનની જ હશે !
                      આ ‘ટેકનીક’ નો વધુ સારો એવો ઉપયોગ કરવા માટે શું-શું કરી શકાય ??? ધ્યાનમાં રાખવા જેવી બાબતો કઈ ? આપના અનુભવો શું કહે છે ? તે અમને લખશો તો ગમશે. આખરે અત્યારે આપણે પણ જોડી[group] કાર્ય જ કરી રહ્યા છીએ ! તો – ફેકો આપનો પ્રત્યુતર આ કોમેન્ટ બોક્સમાં !

July 20, 2013

“કાવ્યાનંદ” & “અર્થાનંદ”


કાવ્યાનંદ અને તેમાંનો અર્થાનંદ પણ ખરો !!!

                            હંમેશાની જેમ કાવ્યથી જ શરૂઆત કરવી એ તો નક્કી જ હતું ! ધોરણ-૮ માં હરિહર ભટ્ટનું એક જ દે ચિનગારી..” ગાયા.. ગયા વર્ષે સમુહમાં પણ ગવાયું હતું એટલે સરળતાથી સૂર બેસી ગયો. ગાન પછી ચિનગારીની ચર્ચા શરૂ કરી...તેમાં અચાનક રશ્મી બોલી કે હરિ (હરિહર ભટ્ટ) માંગે હરી (દીવાસળી ને દીવાહરી હરી એમ અમે બોલીએ છીએ !) બસ પછી તો કુલદીપ દીલેન્દ્ર દિલીપ કોમલ પણ જોડાયા !
 હરિ એટલે હરિહર ભટ્ટ 
હરી એટલે દીવાહરી  
હરી જવું એટલે છીનવી જવું  
હરી જવું એટલે કોહવાઈ જવું  
હરિ એટલે ઈશ્વર 

 પછી તડાફડી મચી ! હરિ કહે, “ હરિ મારી તો તે શાંતિ હરી, જીંદગી મારી હરી; હવે તો આપ એક હરી !
આવી જ ભાષાકીય મસ્તી છઠ્ઠામાં એક જગત એક લોક..” માં પણ જામી !
પહેલા કમ્પ્યુટર પર શ્રીશૈલેશભાઈ બાવા ગાયા અને અમે સાંભળ્યા કર્યું,પછી ક્રમશઃ નીચેના પગથિયામાં ગાન કર્યું
. કમ્પ્યુટર પર ધીમા અવાજે વાગે આપણે સૌએ તેની સાથે સૂર મેળવી ગાવું.
. શૈલેશભાઈ ગાય પછી તેને ઝીલવું.
. શૈલેશભાઈ ગાઈ રહે પછી હું કમ્પ્યુટરનો અવાજ ધીમો કરી દઉં...જેથી ગાયક ડીજીટલ અને કોરસ અમારું !
. શૈલેશભાઈ ગાય ત્યારે અવાજ ધીમો કરીએ...એટલે અમે મુખ્ય ગાયક અને કોરસ ડીજીટલ !
. વિદ્યાર્થીઓને બે જુથમાં વહેચી એક જૂથ ગવડાવે બીજું જૂથ ઝીલે !
             બે દિવસ આ મુજબ ગાયા પછી સાચે જ તેમના ગાનમાં હાર્મનીઅનુભવાય છે.અને હવે તો પ્રાર્થના સભામાં બધા હિલ્લોળે ચડે છેઅજબ વાતાવરણ રચાય છે જયારે ૨૦૦ વ્યક્તિઓ એક સુરે ગાય છે...


राष्ट्रों में ऐक्य यही कर्म हमारा, प्रगति-न्याय मानवता धर्म हमारा”


June 30, 2013

ચર્ચાસેતુ -: બાળક અને સમાજ....

ચર્ચાસેતુ -: બાળક અને સમાજ  


  મિત્રો તમારૂં નાનું બાળક જયારે કોઈ તમારા મિત્રની સાથે વાત કરે ત્યારે તમને કેવો  અનુભવ  આનંદ થાય છે??? તમને થશે કે આ પ્રશ્નને અને આજના આ ધોરણ-૫ ના સામાજિક વિજ્ઞાનના પ્રોજેક્ટ “ગામના ઈતિહાસ” ને વળી શું સંબંધ ??? હોઈ શકે........ સંબંધની નહી તમારા પ્રશ્નની વાત કરું છું. પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. આશરે ૮-૯ વર્ષની ઉંમર સુધી તો બાળકને મોટેભાગે કાં તો સ્વજનો - કાં તો શિક્ષકો સાથે/સામે વર્તવાનું હોય છે. બાળક પણ આ ઘર/મહોલ્લો  અને શાળા આ બે પર્યાવરણથી જ પરિચિત હોય છે કે જેમાં તે ખુલી શકે. પરંતુ જયારે બાળક ધોરણ પાંચમાં પ્રવેશ કરે છે ત્યારે પર્યાવરણ વિષય બે ભાગમાં વહેંચાય છે વિજ્ઞાન અને ટેકનોલોજી અને સામાજિક વિજ્ઞાન.
           સામાજિક વિજ્ઞાન વિષયમાં સમાયેલા વિભાગો પૈકી- બાળકને  ઈતિહાસ ધ્વારા સમાજનું મહત્વ જાણવાનો  – રાજનીતિશાસ્ત્ર ધ્વારા સમાજની વ્યવસ્થાને સમજવાનો  – ભૂગોળ શાસ્ત્ર દ્વારા પ્રદેશને અનુરૂપ સામાજિક જીવનશૈલી સાથે અનુકૂલન સાધવાનો  એક પ્રયાસ રહેલો છે. અત્યાર સુધી સ્વજન અને શિક્ષક સાથે/સામે કામ કરતાં બાળક સામે જયારે ધોરણ-૫ના પ્રથમ એકમમાં જ “ગામના ઇતિહાસ” ના પ્રોજેક્ટ અંતર્ગત સમાજ સામે જવાની અને સાથે સાથે વાર્તાલાપ કરવાની જયારે જરૂરિયાત ઉભી કરાવવામાં આવે છે, ત્યારે આપણા મનમાં બાળકોની માહિતી મેળવવાની શક્તિ વિષે કુશંકાઓ  પેદા થાય તે સ્વાભાવિક છે ! તે સમયે બાળક ‘માહિતી લાવે’ તેના કરતાં ‘માહિતી લેતા’ શીખે તેને મહત્વ આપીએ. બાળક આપણા ઘરે આવેલ કોઈ આપણા મિત્ર સાથે જયારે સહજતાથી વાત કરે છે ત્યારે, વાતચીતના આનંદ કરતાંય આપણને વધારે આનંદ તેના વર્તનનો હોય છે.
ધોરણ ૫ નું સામાજિક વિજ્ઞાન એ બાળકના સમાજ જીવનના ઘડતરનો પાયો છે અને આ સમયે તમે જેટલી વધારે મહેનત કરશો, ભવિષ્યનો સમાજ તેટલો જ વધારે ભવ્ય ઘડાશે....
                નવાનદીસર શાળાના બાળકોને પણ “ગામના ઈતિહાસ” પ્રોજેક્ટ માટે સમાજની વચ્ચે જઈ વાર્તાલાપ કરવો પડ્યો – જરૂર જણાઈ ત્યાં તેમણે વિષય શિક્ષક-મિત્રનો પણ સહારો લીધો. બાળકોએ પ્રોજેક્ટ ધ્વારા  બધું ઘણું નવીન જાણ્યું, પરંતુ હું ફરીથી કહું છું કે અમારો મુખ્ય અને મુખ્ય ઉદેશ્ય તો બાળકો અને સમાજ વચ્ચે ચર્ચા-સેતુનો જ હતો, ચાલો જોઈએ કેવો રહ્યો અમારો ઉદેશ્ય અને બાળકોનો પ્રોજેક્ટ
શું - શું પૂછીશું ગામ વિશે?? - પ્રોજેક્ટ ફોર્મેટ વિશે બાળકોને સમજ આપતા વિષય શિક્ષકમિત્ર
પાળિયાને જોવા / જાણવા 
યાત્રાનો અલ્પવિરામ ...

વીરતાના પ્રતિક પાળિયા સાથે બાળકો...
આસપાસની સફાઈ 
પૂંજા- પરંપરાના ભાગરૂપે 

પાળિયા સાથે વણાયેલી વાત બાબુકાકાના મુખે....
"ગામનો ઈતિહાસ" પ્રોજેક્ટ અંતર્ગત માર્ગદર્શન રૂપ મુલાકાત-
વિષય શિક્ષકશ્રી K.B.C.માંના લાઈફ લાઈનની જેમ હાજર  ...



ગામના તમામ વિસ્તાર કવર થઇ શકે તે મુજબના આયોજન પ્રમાણે વિવિધ ગૃપ મુજબ મુલાકાત કરતાં બાળકો  




ફરીથી કહીએ છીએ કે "અમારો મુખ્ય અને મુખ્ય ઉદેશ્ય તો બાળકો અને સમાજ વચ્ચે ચર્ચા-સેતુનો જ હતો..."
[પ્રક્રિયામાં હજુ શું વધારો કરી શકાય ...??? - આપના વિચારોની રાહ જોઈશું ] 

June 15, 2013

“અમારી પેઢી તમારા ભરોસે" = શાળા પ્રવેશોત્સવ



સમાજ ઉવાચ -: “અમારી પેઢી તમારા ભરોસે"
 = શાળા પ્રવેશોત્સવ 
                                     હવે તો “શાળા-પ્રવેશોત્સવ” એ પ્રાથમિક શાળાઓની ઓળખાણ બની ગયો છે. તમને કોઈ પૂછે કે તમે શું કરો છો?? અને જો તમે કહો કે પ્રાથમિક શિક્ષક છું. તો પૂછનારના બીજા વાક્યમાં “પ્રવેશોત્સવ”નો  ઉલ્લેખ હશે જ !! દરેક ધર્મની સાથે જેમ જે તે ધર્મનો મુખ્ય તહેવાર જોડાયેલો હોય છે, તેમ હવે તો “પ્રવેશોત્સવ” પણ શાળા [શિક્ષક] ધર્મનો મોટો અને મુખ્ય તહેવાર બની ગયો છે. શાળા પ્રવેશોત્સવનું એક બીજું પાસું એ પણ છે કે “શાળા પ્રવેશોત્સવ” ની ઉજવણીનો ઉત્સાહ શાળાના શિક્ષકો કરતાં પણ વધુ પ્રવેશપાત્ર બાળકોના ઘરોમાં જોવા મળે છે. 
કારણ... પોતાનું વહાલસોયું [ અને મહોલ્લાનું પણ ખરું ] સંતાન આજે શૈક્ષણિક કારકિર્દીમાં પ્રવેશ કરી રહ્યું છે. આ ઉત્સવની શરૂઆતમાં એવું લાગતું હતું કે પ્રવેશોત્સવ એટલે વાલીઓ પહેલાં છૂટક-છૂટક નામાંકન માટે આવતાં હતાં તેને બદલે એક જ દિવસે બધા બાળકોનો પ્રવેશ અપાઈ જાય. પરંતુ  જેમ-જેમ વર્ષો જતાં જાય છે તેમ-તેમ આ તહેવાર લાગણીઓથી સભર બનતો જાય છે. પહેલાં જેમ એક વાલી આવીને બાળકને દાખલ કરાવી જતો, તેની જગ્યાએ ગામ આખું પોતાની નવી પેઢી શાળાને સોંપતા હોય તેવો ભાવ પેદા થાય છે. શાળા વતી સરકારશ્રીમાંથી પધારેલ પ્રતિનિધિ કુમકુમ તિલક કરી તે બાળકોનું ઘડતર કરવા માટેનો સ્વીકાર કરે છે. તે સમયે જો આપણી લાગણીઓના ચેતાતંતુઓ જાગૃત હોય તો સમાજ આપણને કેટલી મોટી જવાબદારી સોંપી રહ્યો છે તેનો અહેસાસ કરવો જ રહ્યો.
   આજે અમે એમ નહિ કહીએ કે શાળા પરિવારે “પ્રવેશોત્સવ’ ઉજવ્યો, પરંતુ અમારા પટાંગણમાં જે રીતે આ વર્ષે પ્રવેશોત્સવ-૧૩ની ઉજવણી થઇ તે માટેના સાચા શબ્દો છે કે અમે અને સમાજે મળી “પ્રવેશોત્સવ” ની ઉજવણી કરી. વાલીઓના ચહેરા પરનો ઉત્સાહ અમારામાં જોશ ભરવાનું કામ કરતો હતો તો તેમની આંખોમાં છુપાયેલી અપેક્ષાઓ  આ બાળકો માટે અમારે કેવી અને કેટલી યુક્તિ પ્રયુક્તિઓ ધ્વારા પરિશ્રમ કરવો પડશે તેનું ગણિત ગણાવતી હતી. સરકારી પ્રતિનિધિ તરીકે પધારેલ શ્રી પી.કે.વાસ્તવ સાહેબ [ જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી,પંચમહાલ ] પણ જાણે અંતર્યામીની જેમ પોતાના વક્તવ્યમાં જ અમારી મુશ્કેલીઓને વાચા આપી વાલીઓને વિનંતી કરી રહ્યા હતા કે
“ ક્લાસ-1 અને ક્લાસ-2 તરીકેની ફરજ દરમ્યાન કામગીરીની વ્યસ્તતામાં પણ હું મારા બાળકો માટે રોજ એક કલાક ફાળવું છું, તો તમે પણ તમારાં બાળકો માટે ઘરે રોજ એકાદ કલાક તો ફાળવજો.”ખરું કહું તો ઉજવણી સમયના અમારી શાળાના પટાંગણનું ઉત્સાહિત વાતાવરણનું વર્ણન કરવા અમે અસમર્થ છીએ,પણ હા અમે તમને બતાવી શકવા સમર્થ છીએ ખરા !! અને તે માટે મારે અને તમારે ટેકનોલોજીનો આભાર માનવો જ રહ્યો.

પધારેલ મહેમાનશ્રી પી.કે.શ્રીવાસ્તવ [ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી,પંચમહાલ] ને   શાળા પરિવાર અને ગ્રામજનો વતી આવકારતી બાળાઓ ..

દેશભક્તિ ગીત.....
શાળા તરફથી સ્વાગત .....

માઈક્રોફોનની સાથે-સાથે સંચાલન પણ જેના હાથમાં હતું તે અમારો દીકરો  -:  રાવળ કુલદીપ ....
યોગાસનોનું નિદર્શન 

કાર્યક્રમના કેન્દ્ર તેવા પ્રવેશપાત્ર બાળકોને કુમકુમ તિલક કરી ચોકલેટ વડે મોં મીઠું કરાવી બાળકોને વિદ્યાર્થી જીવનમાં આવકારતા મુખ્ય મહેમાનશ્રી , લાયજનશ્રી તથા SMC અધ્યક્ષશ્રી 
આંગણવાડીના બાળકોને આવકાર...
કિશોરીઓને અર્પણ...

ગતવર્ષના શ્રેષ્ઠીઓને....




" મારી માં " -:ભરવાડ સોનલ 
જંગલ બચાવો - જીવન બચાવો - વિશે 
સ્વામીવિવેકાનંદ જયારે બાળક હતા... 


પ્રેરક પ્રવચન ધ્વારા શિક્ષણનું મહત્વ જણાવતાં મુખ્ય મહેમાનશ્રી...
મને આ  શાળાની ઈર્ષા આવે છે..
સૌનો આભાર.......... 
પ્રજ્ઞા વર્ગની મુલાકાત 
અમારા પ્રેરકબળ સમા સૌ ......










[ મિત્રો,કેવી લાગી ઉજવણી ??? ]