આપણી પીડા – આપણો ઉપચાર !
કોઈક શબ્દ જરૂરથી વધુ વખત વપરાય પછી તે એનો ખરો અર્થ ગુમાવી દે છે. આવું જ કૈક બન્યું છે “ઉપચારાત્મક” શબ્દ સાથે ! શાળાને એ શબ્દ કૌરવોએ અભિમન્યુ માટે રચેલા ચક્રવ્યૂહ જેવો લાગે છે. અભિમન્યુ જેવી અવસ્થાના ઉત્સાહમાં કાર્ય આરંભ થાય તોય એ અંત સુધી ટકવાની અડગતા ગુમાવી દે છે.
કારણો અનેક છે – મુખ્ય કારણ છે – મૂંઝવણ – અભ્યાસક્રમ (એ સંદર્ભે પાઠ્યપુસ્તક) પૂરો કરું કે વાંચન – લેખન કરાવું ? અને એ મૂંઝારા વચ્ચે કાર્ય સરકારી રીતે થતું જાય.. જો કોઈકવાર નિરાંતે વિચારીશું તો ખ્યાલ આવશે કે “પ્રાથમિક શિક્ષણ” કોને કહીશું? બાળકને કોઈક માહિતી નહિ પ્રાપ્ત થાય તો શું આભ તૂટી પડશે ? વાંચતો થઇ જશે તો એવી તો કઈ કેટલી માહિતી જાતે મેળવી લેશે. પણ વર્ગમાં માહિતી પ્રદાન કરવી એ આપણું મન ગમતું અને પ્રમાણમાં સરળ કામ છે. અટપટું કાર્ય છે, દરેક બાળકની જરૂરિયાત મુજબ શીખવાનો મોકો આપવો ! દરેક શિક્ષક ઈચ્છે તો છે કે તેના વર્ગના બધા બાળકો અર્થસભર વાંચે, લખે અને પ્રાથમિક ચાર ક્રિયાઓ કરી શકે. એવું ના થાય ત્યારે અમારા સૌની જેમ દરેક શિક્ષક સતત એક “ગીલ્ટ” તો અનુભવે જ છે છતાં તે એમાંથી નીકળવાના રસ્તા શોધવાને બદલે –વર્ગમાં જઈ જે સુજ્યું એ કરાવવા માંડવાની સ્થિતિમાં આવી જાય છે. આ વખત ઉપચારાત્મક કાર્યની શરૂઆત કરતા પહેલા આ વિષે વિચાર્યું – તેમને વાંચતા-લખતા-ગણતા ન આવડવાના ઘણા કારણો છે. તે દરેક વર્ગે વર્ગે અને દરેક બાળકે જુદા જુદા છે. જે પૈકી આપણે કેટલા એડ્રેસ કરી શકીએ – એ આપણું પહેલું કામ હોવું જોઈએ. દર વર્ષે વર્ગ શિક્ષક જ વાંચન-લેખન કરાવે એટલે જેમની શીખવાની ઝડપ વધુ છે તે ઝડપથી આગળ વધે છે- સામે છેડે જેમની ઝડપ પ્રમાણમાં ઓછી છે તેમના સ્વાભિમાનના ફુરચા ઉડતા રહે છે. એક પ્રયોગ રૂપે એક માસ ઉપચારાત્મક માટેના કલાકોમાં ૫ થી ૮ ના તમામ વિદ્યાર્થીઓને તેમની શીખવાની ગતિ અનુસાર વહેચ્યા અને સૌને તેમને અનુરૂપ કાર્ય સોપ્યું. એનાથી જે તે ધોરણમાં જે કાર્ય થતું તેમાં જેમની બાદબાકી રહેતી તેમનો વિશ્વાસ બન્યો કારણ આ વર્ગનું કાર્ય અને તે માટેની ઝડપ તેમને અનુરૂપ હતી. આ મુજબ કાર્ય પછી હવે, તેઓ ફરી તેમના જ વર્ગમાં છે. જોઈએ હવે તેઓ વર્ગમાં કેવું પ્રદર્શન કરી શકે છે !
આ વખતના અનુભવે** એ પણ સમજાયું છે કે આખું વર્ષ – કે વર્ષોવર્ષ પણ આપણી શાળાના તમામ બાળકો અર્થસભર વાંચે એ માટે જે પણ પ્રયત્નો થાય તે બધા આપણા અભ્યાસક્રમનો જ હિસ્સો રહેશે.
** અનુભવ –
એક શિક્ષક રજા પર હતા ધોરણ છઠ્ઠા અને આઠના વિદ્યાર્થીઓને એક શનિવારે ભેગા મેદાનમાં જુથમાં બેસાડી એક એક ફકરો મોટેથી વાંચવાનું કાર્ય સોપ્યું. એવામાં આ વર્ષે અન્ય શાળામાંથી આપણી શાળામાં આવેલી એક ધોરણ – ૬ ની વિદ્યાર્થીની રડમસ અવાજે “સાયેબ મને આ ચોપડી વાંચતા નથી આવડતી !” “ઓહો, એમાં શું? જા તું તારી નોટબુક લઇ આવ એમાં લખી આપું એ વાંચજે.” એ દોડીને નોટબુક લઇ આવી. એમાં કેટલાક શબ્દો લખાયા અને વાંચવાનો પ્રયત્ન થયો...માત્ર બીડેલા હોઠ વડે ! શબ્દો બદલાયા – “નમ, મન, મગન, જગ,” “હવે વાંચ !” અને હવે છુટ્ટા મોઢે રડવાનો જ અવાજ ! આખે આખો શિક્ષક બળે એવા એ આંસુ – એને વાંચવું છે અને વાંચી શકતી નથી ! પ્રયત્નો પછી હજુ પણ સ્થિતિમાં ફેરફાર એટલો જ કે એ હવે રડતી નથી. અને “નમ” ના યાદ આવે તો અટકીને પૂછે છે – “નમ છે ?” સામે એક સ્મિત ( અને અંદર એક ફફડાટ કે આને ક્યારે આવડી રહેશે ?) સાથે “યસ- એક દમ સાચું ‘નમ’ લખેલું છે !”
જરા ધ્યાનથી જોજો, આ એકાદ કિસ્સો નથી – આ ઘટના બીજા કોઈ પણ વર્ગનો હિસ્સો હોઈ શકે !
દોસ્તો, આપણી જ પીડા છે અને આપણો જ આ ઉપચાર છે. આપે આપના વર્ગમાં કરેલા પ્રયત્નો અમને કહેશો જ તેવી અપેક્ષા સાથે “ बाल स्मिताय नम: ”

