August 31, 2025

પ્રોત્સાહનની પ્રક્રિયા !!

U  પ્રોત્સાહનની પ્રક્રિયા !!

શાળાનું પટાંગણ બાળકોની કિલકિલાટીથી હંમેશાં ગુંજતું રહે છે. આખો દિવસ દોડાદોડ અને બૂમાબૂમ! - આવા અવાજો તમને જ્યાં સંભળાય, સમજી લેજો કે નજીકમાં જ ક્યાંક શાળા કેમ્પસ છે. બાળક ચંચળ હોય છે - બાળક ચિંતનશીલ પણ હોય છે. ક્યાંય નવરા બેસવું જેમ તેને નથી ગમતું તેવું જ તેના વિચારોમાં પણ છે! તેને જે દેખાય છે

તેને સમજવા અને જે સમજાઈ ગઈ છે તે વાતને અલગ રીતે રજૂ કરવા મથામણ કરતો રહે છે! એટલે જ તમે જોજો કે આપણા દ્વારા નવું લાવેલું રમકડું તેના હાથમાં પહોંચ્યા પછી તરત જ તેના શું હાલ થાય છે? તેની સામે દેખાતી-સંભળાતી બાબતો તેના માટે સતત ચિંતનનો વિષય બની રહેતી હોય છે. એટલે તો તેને નવરા બેઠેલા જોઈએ, તો તેનો મતલબ છે કે તુફાન આને વાલા હૈ!

સામા પક્ષે, આવાં બાળકો માટે બનેલા શાળા પર્યાવરણની વાત કરીએ તો તેમાં મુખ્ય બે પ્રક્રિયાઓ વધુ ભાગ ભજવે છે! જેને શાળાના કાર્યનાં બે અભિન્ન અંગો પણ ગણી શકાય છે: સ્પર્ધા અને પ્રોત્સાહન. બાળકો માટે "શાળા" હંમેશાં ફક્ત શીખવા માટેની જગ્યા નથી હોતી. બાળક માટે શાળા એક એવું સ્થળ પણ છે જ્યાં તે રોજ તેના મિત્રો સાથે જીવતાં હોય છે. ફક્ત જીવતાં જ નહીં, આનંદ પણ કરતાં હોય છે. બાળકો માટે મિત્રતાનો સંબંધ આપણે માનીએ છીએ તેવો સીધો અને સરળ નથી હોતો. જેવું આપણું સામાજિક જીવન છે, તેવું જ બાળકોનું શાળાકીય જીવન હોય છે. તેના કારણે જ પોતાની સાથે અને સામે હોય તેમના કરતાં વધુ સારું કરી બતાવવું એ જાણે કે માનવ સ્વભાવ અંતર્ગત 'By Default' હોય છે. જેને સામાજિક ભાષામાં આપણે સૌ 'પોતાના સાથે સ્પર્ધા' કહીએ છીએ.

શાળામાં સ્પર્ધા ન હોવી જોઈએ - આવો મુદ્દો કેટલીકવાર ચર્ચામાં રહેલો છે. તેના માટેના કારણોમાં - સ્પર્ધા વિજેતાને આનંદ તો હારેલાને હતાશા આપે છે એવું કહેવામાં આવે છે. પરંતુ ફરી ઉપરના ફકરાને યાદ કરીએ તો શાળામાં બાળક કે શાળા બહાર સમાજ સ્પર્ધા વિના રહી શકતો નથી. એટલે તેના આ મૂળભૂત સ્વભાવને કારણે શાળામાં કોઈપણ પ્રવૃત્તિ કે પ્રક્રિયા શરૂ થશે કે તરત જ સ્પર્ધાત્મક પર્યાવરણ નિર્માણ થશે જ !

રીડિંગ રીલ્સ 

પ્રોત્સાહનનું કેન્દ્ર: વ્યક્તિને બદલે તેની પ્રક્રિયાને પ્રોત્સાહિત કરવી.



શિક્ષણનું મૂળ કામ બાળકોને પડકાર (Challenge) આપવાનું પણ છે. બાળકો તે પડકારને પાર પાડવા જે મથામણ કરે છે અને તેના આધારે જે નવા અનુભવો મેળવે છે, તેમાંથી તેમની જે સમજ કેળવાય છે - આ પ્રક્રિયા જ શિક્ષણ છે. શૈક્ષણિક સંસ્થાઓએ એટલે કે આપણે સૌ જ્યારે બાળકોને આવી પ્રક્રિયામાંથી પસાર કરતાં હોઈએ ત્યારે તેમાં બાળકોએ તે કરવા કરેલ મથામણ અને અંતે મળેલ નિષ્ફળતા - બાળકોમાં હતાશા લાવશે એવું માનવામાં આવે છે! તેવામાં શૈક્ષણિક સંસ્થાઓએ પ્રક્રિયાના પોતાના બીજા નંબરના અંગ ઉપર કામ કરવું જોઈએ - અને તે છે પ્રોત્સાહન.

આપણા સૌનો અનુભવ રહ્યો છે કે કાર્યક્ષેત્રમાં કે આપણા વર્ગખંડમાં કોઈ વ્યક્તિ સરેરાશ કરતાં વધુ સારું કરે ત્યારે આપણે સૌની સામે તેને શાબ્દિક-અશાબ્દિક રીતે પ્રોત્સાહિત કરતાં હોઈએ છીએ. બારીકાઈથી જોઈશું તો ધ્યાને આવશે કે આ પ્રક્રિયામાં પણ આપણા સૌનો ધ્યેય તો વર્ગખંડમાં કોઈ એકે કરેલું ઘણું સારું કાર્ય બાકીની ટીમ કે વર્ગખંડના સભ્યો પણ કરી બતાવે તે હોય છે! પરંતુ આપણા સૌનો અનુભવ રહ્યો છે કે આવું બનતું નથી! ઊલટાનું કેટલીકવાર તો આપણી પ્રોત્સાહન માટેના વખાણની પ્રક્રિયા ખૂબ સરસ કરનાર વ્યક્તિને નુકસાન કરનાર એટલે કે ઈર્ષ્યાપાત્ર બની જતી જોવા મળે છે! તેવામાં આપણો અને સારું કામ કરનાર ટીમ સભ્યનો ઘાટ - "કરવા જઈએ કંસાર અને થઈ જાય થૂલું" - એવો પણ બની જાય છે! પરિણામે ટીમ કે બાળકો પ્રોત્સાહિત થવાને બદલે આડઅસરો ઊભી થતી જોવા મળે છે. આમાં જો આપણે સૌ પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયામાં થોડો ફેરફાર કરીએ તો તેમાં સારા પરિણામો મેળવી શકીએ છીએ.

જેમ કે આપણા વર્ગખંડમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કર્યું છે અને તેમાં મહેશે ખૂબ સારું ચિત્ર દોર્યું છે. હવે આપણો ઉદ્દેશ્ય પ્રથમ નંબર મેળવનાર મહેશ જેવું ચિત્ર સૌ બનાવે તેવો છે. તેના માટે આપણી પ્રક્રિયા શું હશે?

>> પ્રક્રિયા ૧ આપણે મહેશને ઊભો કરીશું - બધાંને કહીશું કે આ મહેશનું ચિત્ર જુઓ, કેટલું સરસ દોર્યું છે. મહેશ ખૂબ સરસ ચિત્રકાર છે. આપણા સૌમાં મહેશને જ સારું ચિત્ર દોરતાં આવડે છે. આપણે સૌએ મહેશ પાસેથી ચિત્ર દોરતાં શીખવું જોઈએ.

>> પ્રક્રિયા ૨ આપણે મહેશનું ચિત્ર બતાવીશું. ચિત્ર કેવું લાગે છે? તેવું ચિત્ર બનાવવા શું શું ધ્યાન રખાયું છે? તેની વિગતે વાત કરીશું - જેમ કે જુઓ, તેણે ચિત્રમાં આ કલર પસંદગી કરી, તેનાથી આ ભાવ બરાબર ઉત્પન્ન થયો છે. તેણે ચિત્ર અને કાગળની સાઇઝનું પ્રમાણ માપ જાળવ્યું છે. તેના ચિત્રમાં બોર્ડર એકદમ આકર્ષક બની છે. વગેરે વગેરે..

સામાન્ય અને અંશતઃ સરખી લાગતી બંને પ્રક્રિયાઓ ખરેખર સરખી નથી. એકમાં વ્યક્તિ દેખાય છે તો બીજામાં કાર્યની પ્રક્રિયા દેખાય છે. આપણા પ્રોત્સાહિત કરવાનો ઉદ્દેશ્ય હવે ફરી યાદ કરો - આપણો ઉદ્દેશ્ય તેના જેવું કાર્ય અન્ય સભ્યો કરતાં થાય તે જ હતોને! હવે જો આપણે સૌના ધ્યાનમાં વ્યક્તિની સાથે સાથે પ્રક્રિયાઓ લાવીએ છીએ, ત્યારે અન્ય વ્યક્તિઓ તેવું કરવા પ્રોત્સાહિત બને છે! આપના અનુભવો જુદા હોઈ શકે છે!

રીડિંગ રીલ્સ *

સ્પર્ધાનું સંતુલન: બાળકોના સ્વભાવમાં સ્પર્ધા સહજ છે. તેને ટાળવાને બદલે પડકારો આપીને યોગ્ય દિશામાં વાળી શકાય છે.


August 24, 2025

શાળાનું ઘરેણું - શાળા વ્યવસ્થાપન સમિતિ !

શાળાનું ઘરેણું - શાળા વ્યવસ્થાપન સમિતિ !

વાત વર્ષ 1947 પછીની - દેશ આઝાદ થયો - પરંતુ આઝાદીના આનંદ સાથે દેશ સામે ચેલેન્જ પણ એટલી હતી ! દેશનું પોતાનું લોકતંત્ર લાગુ પડે તે માટે સૌનો પ્રયાસ હતો -ભારતના સંવિધાનમાં બતાવ્યા મુજબનું ભારત નિર્માણ માટે સૌથી વધારે જો કોઈએ મથામણ કરવાની ચેલેન્જ હતી તો તે શિક્ષણ વિભાગની હતી ! સંવિધાનમાં ભારતના નાગરિકો અંગે થયેલ સંકલ્પના વાળા નાગરિક ઘડતરનું મોટું કામ સામે દેખાતું હતું. શિક્ષણ સાથે લોકોને જોડવા માટે પ્રથમ તો શિક્ષણ પ્રત્યે લોકોમાં શ્રધ્ધા પેદા થાય તે માટે કામ કરવું પડે તેમ હતું. જો આ કામ જેટલું સફળ રહે મીઠી મુશ્કેલી એટલી જ સામે દેખાતી હતી. જેમ વધુ લોકો શિક્ષણ માટે જોડાતા ગયાં તેમ તેમ દેશમાં સંશાધનો ઊભા કરવા માટેની જરૂરિયાત ઊભી થઈ ! તેવામાં આ દેશમાં ગામડે ગામડે શૈક્ષણિક મંડળો ઊભા થયાં. મંડળો ધ્વારા શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરાઇ અને શિક્ષણનો વ્યાપ વધારવા - સંવિધાન મુજબના કૌશલ્યો ધરાવતાં નાગરિકોનું ઘડતર કરવાના શ્રેષ્ઠ કાર્યમાં સૌ લાગી ગયાં. ધીમેધીમે સરકરશ્રીઓ અને સંસ્થાઓ એટલે કે સમાજના સહકારથી  શિક્ષણનો વ્યાપ ગામે ગામ પહોંચાડવામાં સફળ રહયા. જેનું પરિણામ રૂપે જ ભવિષ્યની પેઢીઓનું ઘડતર કરતી સંસ્થાઓ “નિશાળ” નામે અત્યારે બધે જ કાર્યવંતીત છે. 

શરૂઆતની સ્થિતિ માં જે મુખ્ય ઉદેશ્ય આર્થિક મુશ્કેલી પણ હતો જે હવે ન બરાબર રહ્યો છે. સરકારશ્રી ધ્વારા હવે આ જવાબદારીઓ ઉપાડી લેવામાં આવી છે એટલે હવે ગામ એટલી નિશાળ બની ગઈ છે. આ નિશાળ એટલે જ સમાજ ધ્વારા ઊભી થયેલી આ વ્યવસ્થાઓમાં જે શૈક્ષણિક પ્રક્રિયાઓ થઈ રહી છે તે શિક્ષણની પ્રક્રિયાના ત્રણ છેડા - બાળક - શિક્ષક - માતાપિતા ! ત્રણેય ભેગાં મળીને જ્યાં ગઠબંધન થાય છે તેનું નામ છે નિશાળ ! બાળકોના સર્વાંગી વિકાસ માટે ફક્ત શાળા મથામણ કરે ત્યારે સફળતા મળવાના ચાન્સ ખૂબ ઓછા હોય છે ! તેનું વ્યાજબી કારણ પણ છે કે બાળક જેટલો સમય શાળામાં રહે છે તેના કરતાં પણ વધુ સમય તે પોતાના સમાજની સાથે રહેતો હોય છે. માટે જ શીખવા-શિખવવાની પ્રક્રિયામાં તે પોતાના સમાજ સાથેના અનુભવો પણ જોડતો હોય છે. એટલા માટે જ શાળાનું જેટલું વધુ બોંડિંગ સમાજ સાથે હશે તે શાળા જલ્દીથી પોતાની બાળકો સાથેની પ્રક્રિયાઓને અસરકારક બનાવી શકશે. બાળકોનો સર્વાંગી વિકાસ ઇચ્છતી સંસ્થાઓએ સમાજની ભાગીદારી વધારવી - એવા ઉદેશ્યથી સમયાંતરે અલગ અલગ નામે અને પ્રકારે શાળા અને સમાજનું જોડાણ વધારવાના પ્રયાસો થયા. એમટીએ - પીટીએ થી શરૂ થઈ શાળા વ્યવસ્થાપન સમિતિઓ સુધી થયેલા પ્રયાસોમાં શાળા સમાજનું ઘરેણું બને અને સમાજની ભાગીદારી વડે બાળકોના વિકાસમાટેની તકો વધે તેવો રહ્યો છે. એમાંય અસરકારક સમિતિ એ તો શાળાનું ઘરેણું સાબિત થતી હોય છે. અહીં અસરકારક સમિતિ એટલે કેવી ? -એવો પ્રશ્નનો જવાબ છે..

તેના બધા સભ્યોને શાળાની પ્રક્રિયાથી વાકેફ કરેલા હોય.

શાળા બાળ કેબિનેટ સાથે સંકલન કરેલ હોય.

શાળા સમિતિ અંગેની જવાબદારીઓ સાથે સત્તાઓ અંગેનો યોગ્ય ઉપયોગ જાણતાં હોય. 

સમિતિની રચના માટેના કેટલાંક બિંદુઓ પણ શાળાને સંચાલનમાં  મદદરૂપ થાય તે દ્રષ્ટિએ સમાવેશ કરેલ છે જેમકે ..

è શાળા વ્યવસ્થાપન સમિતિમાં સૌ સમાજના પ્રતિનિધિઓનો સમાવેશ હશે.

        જેનો ઉદેશ્ય શાળાનાં બાળકો પૈકી કોઈ શિક્ષણ પ્રત્યે ઉદાસીન વાલીઓ ધ્યાને આવે ત્યારે તે સમાજના પ્રતિનિધિ તરીકે સ્થાપિત સભ્ય શાળાની મદદે આવી વાલી અને શાળા વચ્ચે સંકલન કરી બાળકના શિક્ષણ માટે જરૂરી પ્રયત્ન કરી શકે.

è વાલી સભ્ય પૈકી 50% કરતાં વધુ સભ્યો  મહિલા સભ્યો હશે.

ગામમાં કન્યા કેળવણી તો ખરી જ પણ દીકરીઓને શિક્ષણ કાર્ય અને ઘર વચ્ચે સંકલન કરવામાં વધુ સભાગીદારીતા મુખ્ય ઉદેશ્ય રહેલો છે.

è શિક્ષણવિદ તરીકે સૌથી વધુ ભણેલ નાગરિક !

શાળાની શૈક્ષણિક પ્રક્રિયાઓ અને બાળકની સમજ વચ્ચે જ્યારે વાલીઓ ધ્વારા ધ્યાને આવતી બાબતોમાં વાલી અને શાળા વચ્ચે સાંકળ સમાન કાર્ય કરી શકે છે.

માટે ફરી કહીએ કે શાળા ગામનું ઘરેણું છે , તો અસરકારક વ્યવસ્થાપન સમિતિ એ શાળાનું ઘરેણું છે, જે શાળાના મોટાભાગના પ્રશ્નો - હાજરી હોય કે હોમવર્ક - તેમાં વધુ અસરકારક રીતે ઉકેલ સમિતિ લાવી શકે છે. તેવા ઉદેશ્યથી આ માસમાં શાળાની માસિક બેઠક મળી જેનો આ માસનો ઉદેશ્ય હતો કેમ્પસનું બેઝલાઇન એસેસમેન્ટ કરી શાળામાં સુવિધાઓ વધારવા માટેનું આયોજન કરવું. આપણી ફેસબુક પર જોઈ શકશો  કેટલાક ફોટોગ્રાફ્સ આપણી શાળાની છેલ્લી વ્યવસ્થાપન સમિતિની બેઠકના ! 



































રીડિંગ રીલ્સ : 

સમાજ અને શાળાનું જોડાણ: બાળકોના સર્વાંગી વિકાસ માટે શાળા અને સમાજનું મજબૂત જોડાણ અનિવાર્ય છે. આનાથી જ મોટા પડકારો પાર કરી શકાય છે.

 

August 18, 2025

પચાસ વર્ષ - જીંદગીનાં !

પચાસ વર્ષ - જીંદગીનાં !

જો શિક્ષણનો ઉદ્દેશ્ય માત્ર કેટલીક સંકલ્પનાઓ સમજી લેવાનો અને માહિતી મેળવી તેનો ઉપયોગ કરતા શીખવાનો હોત, તો આજના સમયમાં ટેકનોલોજીની મદદથી વિદ્યાર્થીઓ પોતે જ પોતાના ટેબલેટ, કમ્પ્યુટર કે ઘરમાં બેસીને આ બધું કરી લેતા. એવા સંજોગોમાં, સમૂહમાં કે શાળામાં મળીને શીખવાનો માહોલ હવે નામશેષ થઈ ગયો હોત. જો કે જે રીતે આજે શિક્ષણ માત્ર વિષયના મહિમામંડન કરી રહ્યું છે એમાં એ દિવાસો પણ દુર નથી જ દેખાતા !

આપણે બરાબર વિચારીએ તો સમજાશે કે મનુષ્ય આ વિશ્વમાં બીજા સજીવો કરતાં વધુ સક્ષમ સાબિત થયો છે, તો તેનું કારણ તેનામાં રહેલી બુદ્ધિશક્તિ કરતાં પણ એક વિશેષ શક્તિ છે. - કોલાબ્રેશનની શક્તિ ! હાથી જેટલી શારીરિક શક્તિ, ચિત્તા જેટલી ઝડપ, બાજ જેટલી નજર કે પક્ષીઓ જેવી ઉડવાની ક્ષમતા મનુષ્યમાં નથી. તેમ છતાં, મનુષ્ય આજે બીજા બધા પ્રાણીઓની વચ્ચે પૃથ્વીનો 'ભાગ્યવિધાતા' બનીને ઊભો છે. આવું બનવાનું કારણ છે – Collaboration.  બીજા પ્રાણીઓ સમૂહમાં રહે છે, પરંતુ તેઓ કાર્યનું આયોજન, જવાબદારી વહેંચણી, કાર્યનું મૂલ્યાંકન અને સુધારાની પ્રક્રિયા કરી શકતા નથી. મનુષ્ય પાસે આ શક્તિ છે – વિચાર, મૂલ્યાંકન અને નવા પ્રયાસ દ્વારા આગળ વધવાની. એટલે જ સહયોગ ૨૧મી સદીના સૌથી અગત્યના કૌશલ્યોમાંનું એક છે. આના કારણે જ મનુષ્ય આજે આટલો શક્તિશાળી બન્યો છે.

આથી, જો કોઈ વ્યક્તિ માત્ર સ્ક્રીન સામે એકલો બેસીને શીખે તો તે સહયોગ નથી. શાળાઓનું મહત્વ એટલું છે કે ત્યાં બાળકો સાથે મળીને કાર્ય કરે છે, વિચાર કરે છે અને સમાજજીવન માટે તૈયારી કરે છે. એટલે શાળાઓ સમાજને નવી ઊંચાઈ આપવાનું કાર્ય કરે છે.

આપણી નવા નદીસર પ્રાથમિક શાળાને આ વર્ષે ૧૮મી ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ ૫૦ વર્ષ પૂર્ણ થયા. આ ક્ષણ અમારી સૌ માટે ઉત્સવ સમાન હતી. જુદા જુદા સમયના વિદ્યાર્થીઓએ આ શાળાને અને વિસ્તારને નવા રૂપમાં ઘડવાનું કામ કર્યું છે, એનો અહેસાસ અમને વિદ્યાર્થીઓએ કરાવ્યો. તેમણે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ લેવાનું નક્કી કર્યું. જૂના રજિસ્ટર ખોલી નામની યાદી બનાવી. પોતાના ઓળખીતા લોકોના નામ મળી આવ્યા તો બૂમ પાડી ઉઠ્યા – “આ તો મારા દાદા !”, “આ મારી ફોઈ !”, “આ મારા કાકા !”  અને ધ્રુવીલનું “આ મારી બુન !”  ચાલુ જ રહ્યું ! આ રીતે સંપર્ક યાદીઓ તૈયાર થઈ. ઇન્ટરવ્યુ માટે જરૂરી મુદ્દા, પ્રશ્નો, વિડિયોગ્રાફી, પ્રોફાઇલ વગેરેની જવાબદારીઓ નક્કી થઈ.

ડેમો ઇન્ટરવ્યુ કર્યા પછી વિદ્યાર્થીઓ ગામમાં ગયા. શરૂઆતમાં મોટી ઉંમરના લોકો થોડા ખચકાયા – “અમારી ઇન્ટરવ્યુ શું કામ?” પરંતુ જ્યારે બાળકોએ એ રીતે વાત કરી કે “આપણી  શાળાના ૫૦ વર્ષ પૂરા થયા છે અને તમે પણ આ શાળાના વિદ્યાર્થી રહ્યા છો, અમારે તમારી સાથે કેટલીક વાતો કરાવી છે” – ત્યારે વાત બેસી ગઈ. ત્યારથી સતત ઇન્ટરવ્યુ થવા લાગ્યા છે ! જે હજુ પણ ચાલુ છે.

૧૮મી ઓગસ્ટે જેટલા થયા એટલા ઇન્ટરવ્યુઝને એક ટાઈમલાઈન પર મુકવામાં આવ્યા. ત્યારે અમને સમજાયું કે આ માત્ર શાળાનો ઇતિહાસ નથી, પરંતુ શિક્ષણવ્યવસ્થાના બદલાવનો જીવંત દસ્તાવેજ છે – અભિગમોમાં ફેરફાર, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પરિવર્તન, સમાજના યોગદાન – બધું જ તેમાં સમાયેલું છે.

શાળાના “ફ્રેન્ડ્સ ઓફ નવા નદીસર” તરફથી પણ ઘણી યાદો, વીડિયોઝ અને લખાણ મળ્યા. (લખાણને તો અમે હજુ વિડીયોમાં વાંચન કરી ઢાળી પણ શક્યા નથી ! ) એક શાળા પ્રત્યેનો આટલો અઢળક પ્રેમ જોઈને અમને લાગ્યું કે સમાજ હંમેશા શાળાની સાથે ઊભો છે. શિક્ષકો માટે આથી મોટું વળતર બીજું હોઈ જ ન શકે.

સૌથી યાદગાર ક્ષણ એ રહી જ્યારે એક ઇન્ટરવ્યુમાં એક વિદ્યાર્થીનીએ કહ્યું – “મારું લગ્ન થઈ ગયું છે, મારી દીકરી પણ છે. હું મારી દીકરીને આ જ શાળામાં ભણાવું છું કારણ કે મેં અહીં જે મજા કરી હતી, એ જ મજા મારી દીકરીને પણ મળે.”

આ સાંભળીને જાણે શિક્ષક હોવું એટલે પ્રસન્નતા મળતી રહેવાની ગેરંટી  - એ  વાતનો અહેસાસ જીવંત થઇ ગયો !

આપણી આ “મસ્તી કી પાઠશાલા” વિશે તમારો અભિપ્રાય પણ અમને જરૂરથી મોકલો. ૫૦ વર્ષની સુવર્ણ જયંતિ નિમિત્તે અમે આ બધી જ યાદોને શણગારી રાખવા આતુર છીએ

 

રીડિંગ રીલ્સ

લેવ વાયગોત્સ્કી: શીખવા માટે સમાજનું જોડાણ જરૂરી છે.

જ્યારે બાળકો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ લેવા માટે સાથે મળીને કામ કરે છે, ત્યારે તેઓ સામાજિક રીતે શીખી રહ્યા હતા.

જોન ડ્યુઇ: 'લર્નિંગ બાય ડુઇંગ' (કરતાં કરતાં શીખવું)

બાળકો જ્યારે ઇન્ટરવ્યુની જવાબદારીઓ વહેંચીને અને પ્રશ્નો તૈયાર કરવા વિષે, ઈન્ટરવ્યું લેવા વિષે વિચારણા કરેછેત્યારે તેમનું શિક્ષણ માત્ર પુસ્તક પૂરતું સીમિત રહેતું નથી, પરંતુ જીવનનો એક ભાગ બની જાય છે.

 VIDEO