અમારી નવી નિશાળ…🐮🐐🐑
શાળા એટલે માત્ર ચાર
દીવાલો વચ્ચેનું સ્થળ નથી, પરંતુ તે એક જીવંત
ધબકાર છે, જ્યાં જ્ઞાનની જ્યોત પ્રજ્વલિત થાય છે. અમારી શાળા, એ તો
જાણે નાના ભૂલકાંઓનું મિલનસ્થળ, જ્યાં વાતોના ગપાટા
અને સાથે ભોજનની લહેજત માણવાનો અવસર મળે છે. અને જો બહાર ફરવા જવાનો મોકો મળે, તો
આનંદનો કોઈ પાર જ ન રહે!
એક શનિવારની વાત છે, જ્યારે અમારી શાળા ભરવાડ ફળિયામાં શરૂ થઈ. અમારા શિક્ષકો બન્યા એ પશુપાલકો, જેઓ પ્રાણીઓની ભાષા સમજે છે. અમે શાળાની પાછળ આવેલા ગાયોના તબેલામાં ગયા, જ્યાં વિવિધ રંગો અને કદની ગાયો હતી. સાથે જ કેટલીક ભેંસો પણ હતી.
. ગાયોના માલિક તેમની
ગાયોને નામથી બોલાવતા, અને ગાયો પણ જાણે
તેમનો અવાજ ઓળખતી હોય તેમ તેમની પાસે આવતી. આ દૃશ્ય જોઈને બાળકો આશ્ચર્યચકિત થઈ
ગયા. તેમના મનમાં પ્રશ્નો ઊઠવા લાગ્યા: “શું ગાયોને પણ નામ હોય છે?” તબેલામાં અમે વિવિધ રંગોની ગાયો જોઈ, અને
બાળકોને સમજાયું કે ગાયો પણ વિવિધ રંગોમાં જોવા મળે છે. એક નાનું, દૂધ
જેવું સફેદ વાછરડું જોઈને બાળકો બોલી ઊઠ્યાં,
“આને
કોણે રંગ કર્યો છે?” અમારા નવા શિક્ષકોએ
અમને જણાવ્યું કે કઈ ગાય દૂધ આપે છે અને કઈ નથી આપતી.
ગાયો પછી, અમે ઘેટાં અને બકરાંના વાડા તરફ પ્રયાણ કર્યું. ત્યાં અમે તાજા જન્મેલા બકરીના બચ્ચાને જોયું. નાના બચ્ચાને હાથમાં લઈને રમાડવાની મજા જ કંઈક ઓર હતી. બાળકોના મનમાં ફરી એક નવો પ્રશ્ન ઊઠ્યો: “બકરીના ગળામાં જે શેર જેવું લટકે છે તેને શું કહેવાય?” જવાબ મળ્યો: “ઘૂઘરી”. ઘેટાંના બચ્ચાનો અવાજ સાંભળીને બાળકોએ પણ તેમનો અવાજ કાઢવાનો પ્રયાસ કર્યો, જેમાં તેઓ ખૂબ આનંદિત થયાં.
અમે અનુભવ્યું કે જે
લોકો પ્રાણીઓની સંભાળ રાખે છે તેઓ તેમના વિશે વધુ સારી રીતે જાણે છે અને બાળકોને
પણ વધુ સારી રીતે સમજાવી શકે છે. આ મુલાકાતથી વર્ગમાં ઓછું બોલનારા બાળકો પણ
એકબીજા સાથે ભળી ગયાં અને વાતાવરણ જીવંત બની ગયું. આ એક એવો અનુભવ હતો જે
પુસ્તકોના પાનાંઓમાં ક્યારેય ન મળી શકે…. જોઈએ આ સૌના આનંદને ! >>> CLICK HERE
No comments:
Post a Comment