December 31, 2024

શિક્ષક તરીકે તમારી ઉંમર કેટલી?

શિક્ષક તરીકે તમારી ઉંમર કેટલી?

શિક્ષક તરીકે તમારી ઉંમર કેટલી? તમે બાળકોને જેટલી ક્ષણો સાંભળ્યા તેટલી ! અથવા બાળકોએ તમને જેટલી ક્ષણો સાંભળ્યા એટલી!

શાળા એટલે ગામનું ઘરેણું - વર્ગ એટલે સ્વર્ગ! - આવા વાક્યો આપણે સૌ સાંભળતા આવ્યા છીએ અને ક્યારેક ક્યારેક તક મળ્યે બોલ્યા પણ છીએ. વાત પણ સાચી છે કે શાળા એ ગામનું ઘરેણું છે, કારણ કે ગામનાં દરેક ઘરનાં ઘરેણાં એટલે કે દરેક પરિવારનાં બાળકો તો રોજેરોજ શાળાએ જ મળતાં હોય છે. “બાળ દેવો ભવ” ની વાતને આગળ વધારીએ તો સમજાશે કે બાળકો દેવ છે અને દેવ જ્યાં હોય ત્યાં સ્વર્ગ એમ આપણાં બાળદેવ વર્ગે બિરાજે છે, એટલે જ વર્ગને સ્વર્ગ કહ્યો હશે, કે જ્યાં આપણને દેવ સાથે વસ્યાની અનુભૂતિ થાય છે. એટલે જ તો શિક્ષકને “ગુરુજી” તરીકે દેવ સાથે જીવનારા તરીકે સમાજમાં વર્ણવવામાં આવ્યા છે.

બાળકો સાથે જીવવાનો આનંદ અનેરો હોય છે. શિક્ષક તરીકેની નોકરી કરવી એટલે શું? પહેલાના જમાનાથી આજસુધી શિક્ષક માટે “માસ્તર” શબ્દ સમાજમાં ખૂબ જ પ્રચલિત છે. ગૌરવવંતો આ શબ્દ શિક્ષકને માતૃત્વની સમીપ રાખે છે. આ શબ્દ જ શિક્ષકને બાળકો સાથે રમવાનો - જીવવાનો - નચવાનો - કુદવાનો અને માણવાનો પરવાનો આપે છે. કેટલીકવાર શાળામાં શિક્ષકોની સિનિયોરિટી ની ચર્ચા થતી હોય છે. વ્યવસ્થાતંત્રને કારણે આની આવશ્યકતા પણ છે. પરંતુ શિક્ષક તરીકેની આપણાં સૌની સિનિયોરિટી ને બદલે એવું કોઈ પૂછે કે શિક્ષક તરીકેની તમારી ઉંમર કેટલી? તો આપણે સૌએ નીચે મુજબના સરવાળા-બાદબાકી કરવા રહ્યાં! તેનું ચેકલિસ્ટ કદાચ આવું હોઈ શકે:

ü બાળક આપણને જોઈને સ્માઇલ આપે છે?

ü બાળક તેના ઘરની ઘટનાઓ આપણી જોડે શેર કરે છે?

ü બાળક પોતાના મૂંઝાતા પ્રશ્નોમાં માર્ગદર્શન માટે આપની તરફ દ્રષ્ટિ કરે છે?

ü આપણા વર્ગખંડ પ્રવેશની સાથે જ તેના ચહેરા પર આનંદ છલકે છે?

ü તેનાં મમ્મી સાથેનું 'તું-તને' વાળું વર્તન આપણાં સાથે કરી શકે છે?

ü બાળક પોતાને પિતૃત્વનું વહાલ અને સુરક્ષાનો અનુભવ કરી શકે છે?

જો બાળક આવી રીતે આપણા સાથે વર્તે છે, તો એ જ સાબિતી છે કે આપણે શિક્ષક તરીકે વર્ગખંડમાં તેની સાથે કેવી રીતે જીવ્યા છીએ. માટે જ આપણે કેટલીકવાર સોશિયલ મીડિયામાં આપણા મિત્રોના મળતા મેસેજ વાંચીએ છીએ કે શિક્ષક તરીકેના અનુભવને આટલા વર્ષ થયા - તેટલાં વર્ષ થયા - પરંતુ અમારો અનુભવ કહે છે કે નોકરીનો સમયગાળો ગમે તેટલો ભોગવ્યો હોય, આપણે બાળકોને કેટલો સમય સાંભળ્યો? બાળકોએ આપણને કેટલો સમય સાંભળ્યો? - આ સંવાદનું ડ્યુરેશન એ જ આપણો શિક્ષક તરીકેનો અનુભવ સમજવો.

માટે જ, ચાલો બાકી રહેલા વર્ષોમાં આપણો અનુભવ વધારીએ - વધુમાં વધુ સમય બાળકો સાથે વાર્તાલાપ કરીએ! અને હા, બાળકોને માણવાનો અને દેવની જેમ આ બાળદેવને પામવાનો - આ એક માર્ગ છે! અને હા, આ માર્ગ નિર્વિકલ્પ છે!

No comments: