મમતામયી મહિસાગર !
“પ્રકૃતિ” નો આનંદ એ માનવ જીવનનો એક
અગત્યનો હિસ્સો રહ્યો છે. પ્રકૃતિ હંમેશાં આપણને એક અનેરો આનંદ આપી આપણા જીવનમાં
નવી ઊર્જા સંચારનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. એટલે જ તો ઘણા બધા તહેવાર આપણી
પ્રકૃતિમાં થતા ફેરફારોને આધારે ઉજવાતા આવ્યા છે, અરે હા તમે આ વાંચતાં હશો ત્યારે જ આવો એક
તહેવાર નજીકના સમયમાં પોતાને ઊજવવા આવી રહ્યો છે. યાદ કરો !!
માનવનો મૂળ સ્વભાવ પ્રકૃતિ પ્રેમી તરીકેનો
રહ્યો છે. એનું કારણ પણ છે કે માનવ જીવન એ પણ પ્રકૃતિનો પોતાનો જ એક ભાગ છે. તેની
સાથે ગૂંથાયેલા જીવનને માણતાં માણતાં કરોડો વર્ષોની ઉંમર માનવે ધારણ કરી છે. એટલે
જ આપણા મૂળમાં પ્રકૃતિ એ સ્વભાવ તરીકે વણાઈ ગઈ છે. આપણું અસ્તિત્વ જ જેના આધારે
ટકેલું છે, - તેનાથી
દૂર થવું અથવા દૂર રહેવું અશક્ય છે. પરંતુ વર્ષો પછી બદલાતી માનવ ટેવો - વિકસતી
જતી માનવ જીવન શૈલી અને જરૂરિયાતો સંદર્ભે કુદરતી ના ઓપ્શનમાં તેના જેવી જ કુત્રિમ
પૂર્તતાઓ એ આપણને પ્રકૃતિથી દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. આમ તો પૃથ્વી પર
પ્રકૃતિથી દૂર થવું તો શક્ય જ નથી - પરંતુ તેની નિકટતાનો અહેસાસ આપણે આપણી
સંવેદનાઓમાંથી ખોઈ ચૂક્યા છીએ. આવી બની ચૂકેલી આપણી જીવનશૈલીમાં બદલાવ કેવી રીતે
લાવી શકાય? - શાળા
કક્ષાએ બાળકોમાં કેવી ટેવો વિકસાવી શકાય તેના મનોમંથને જ શાળાએ કૂકૂન સાથે હાથ
મિલાવ્યા હતા.
કૂકૂન દ્વારા બાળકોમાં આસપાસની પ્રકૃતિને
- એટલે કે આસપાસનાં જીવજંતુ - પક્ષી - પ્રાણી - વનસ્પતિ - બધાંને કેવી રીતે માણવા
સાચવવા - જાળવવા અને સાથે સાથે તેઓને જાણવા ની દ્રષ્ટિ આપવાના પ્રયાસ કર્યા. બાળકો
પણ પોતાની આસપાસના માહોલમાં તે અંગે જાગૃત થયાં. શાળા કેમ્પસમાં - સાહેબ, મેં તો આજે આવું પતંગિયું જોયું હતું, સાહેબ મારા ઘરની પાસે લાંબી ચાંચ વાળું એક
પક્ષી હતું - મેં પહેલીવાર જોયું. - આવા ડાયલોગ સંભળાતા થયા. બાળકોમાં પ્રકૃતિ
પ્રત્યેની આવી નજર પેદા કરવા બદલ શાળા કૂકૂનની આભારી છે. શાળાનું કામ તેને જાળવી રાખી
તેમાં નવીનતાઓ ઉમેરવાનું છે.
આવી જ નવીનતાઓ માટે શાળા દર વર્ષે એક દિવસ
- પ્રકૃતિનો આભાર માનવા / માણવા જાય છે. દર વર્ષે શાળા દ્વારા યોજાતા પર્યટન આવા જ
ઉદ્દેશ્ય દ્વારા શરૂ કરાયેલ પ્રવૃત્તિ/પ્રસંગ નો જ એક ભાગ છે. ગામની નજીક આવેલ
મહીસાગર નદી કે જેને અમે સૌ માતા તરીકે માનતાં/માણતાં આવ્યાં છીએ તેને વર્ષે એકવાર
મળવા જઈએ છીએ. જેમાં થતી ક્રિયાઓ ખૂબ જ આહલાદક હોય છે. પગપાળા જવું ખેતરો ખૂંદવા -
કોતરો ઓળંગવા - ચાલવું - દોડવું - ઊંચકવું - નાચવું - ગાવું - રમવું - કૂદવું -
લટકવું - ઊછળવું - માનવ જાત આનંદમાં આવે અને જે જે કરે તે તમામ વર્તન આ પ્રવાસમાં
માણવા મળતી હોય છે. એટલે જ તો શાળા દર વર્ષે ગ્રામોત્સવની જેમ જ આ તહેવારની રાહ
જોઈને બેઠી હોય છે. પરંતુ આ વખતે પર્યટન માટેના આયોજન સમયે થયેલ કેટલીક ઘટનાઓ
ઉત્તેજના પેદા કરનારી હતી..
આમ તો દર વખતે દિવાળી વેકેશન પૂર્ણ થાય
અને શાળા ખૂલે કે તરત જ કેબિનેટમાં નિર્ણય લેવાઈ પર્યટનનો દિવસ નક્કી થઈ આયોજન થઈ
જતું. પરંતુ આ વખતનું વાતાવરણ કંઈક અલગ હતું. દિવાળી વેકેશન બાદ ન નિવારી શકાય
તેવા અને બાળકોએ વ્યસ્ત રહેવા પડે તેવા કાર્યક્રમો સતત અને સળંગ આવતા રહ્યા.
એવામાં કેબિનેટ પોતે જ વ્યસ્ત હોય - કેબિનેટમાં પર્યટનનો મુદ્દો આવ્યો ખરો પણ
ઉભરાની જેમ ! ચર્ચાનો અભાવ અને પ્રવાસ સચિવના સ્વભાવગત [ કહેશે તો કરીશું ] ને
કારણે સમય વહેતો ગયો પણ પર્યટન જેવું કોઈ પ્રાર્થના સભામાં જાહેર ન થયું. બીજી
બાજુ બાળકોમાં “બાહુબલી“ ના રાજ્યાભિષેક સમયના પેલા દ્રશ્યની જેમ ગણગણાટ શરૂ થયો
હતો અને ચર્ચાઓમાં વારંવાર “પર્યટન ક્યારે“ વાળો સૂર સંભળાવવા લાગ્યો ત્યારે અમારો
પ્રવાસ સચિવ જાગ્યો. અને જાહેરાત કરી દીધી કે પરમ દિવસે પર્યટન !
પ્રવાસ સચિવની ઓચિંતી જાહેરાતે આખી
કેબીનેટને કામે લગાડી. કોણ શું કરશે - કોણ શું સંભાળશે તેની તાત્કાલિક સત્તાઓ
સોંપાઈ.. અને શાળા બાળ પ્રવાહ નીકળ્યો માતાને મળવા - ગત આખું વર્ષ તાજામાંજા
રાખ્યાં તેનો આભાર માનવા અને આવતા વર્ષ આખાય પંથકને આનંદમાં રાખજો તેવા આશીર્વાદ
માંગવા !
ચાલો માતાને ખોળે જઈ પ્રકૃતિના આનંદને માણવા અને તે આનંદને માંગવા માટે યોજાતા પ્રસંગને ક્લિક કરી માણીએ ! >> ક્લિક કરો > અને માણો !
No comments:
Post a Comment